અદકેરા માનવીઓ HINA DASA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

અદકેરા માનવીઓ

સવાર નહિ આજે તો સાંજ રંગીન લાગે છે. હરહંમેશ શરૂઆત સવારથી થાય છે. અહીં શરૂઆત સાંજથી કરીએ તો કેવું રહ? શરૂઆત માટે કોઈ સમય થોડો જરૂરી છે. ગમે ત્યારે શરૂઆત કરી શકીએ. શબનમી રાત ને પૂર્ણિમાની કળા, શુ રાત છે, પ્રેમીજનો માટે તો જાણે સોનાનો સૂરજ ઉગે. મદહોશીનો પ્યાલો પીવાયો હોય એમ પ્રણયીજન રાત વિતાવતા હોય છે. 
આવી જ એક રાતે બે ઓળા ગામ તરફ ચાલ્યા આવે છે. એક જમાનાની ધુળ ચાટેલ હોય એવુ અનુભવી હશે, એની ચાલમાં મક્કમતા હતી, ને બીજો હજી તો મૂછનો દોરો પણ નહીં ફૂટ્યો હોય એવો, ફુંટુ ફુંટુ થઈ રહ્યો હોય એવો તરવરાટ ચાલમાં વરતાતો હતો. ગામના પાદરને પણ થયું કે બે ઘડી આ બંનેને રોકી લઉં ને કહું કે શ્વાસના ધમણ ફાટી જશે બે ઘડી અહીં આશરો કરો, પણ એમની ચાલમાં ઉતાવળ એવી હતી કે પાદર પણ સુનમુન બસ મુક દર્શક બન્યા સિવાય કાંઈ કરી શકે એમ ન હતું.

કિશોરાવસ્થાના ઉંબરે ઉભેલો છોકરો બોલ્યો, "હે બા !..."

શશશશ.....

ધીર ગંભીર ને મક્કમ ચાલે ચાલતી એ સ્ત્રીએ નાક પર આંગળી મૂકી બસ ઈશારો કર્યો ને છોકરો ચૂપ થઈ ગયો. 

ઉતાવળા પગલે તખુભાની ડેલીએ પહોંચ્યા. ને એ ગામડાગામનો માણસ તખુભા કઈ પણ વિચાર્યા વગર ડેલી ખોલવા ઉઠ્યો. જે માણસ સ્વાર્થ વિચારી ન શકતો હોય એને નકારાત્મક વિચારો ઓછા આવે. ઉઠીને એણે ડેલી ખોલી. બે અસ્પષ્ટ ચહેરા દેખાયા, તખુભા ઓળખી ન શક્યા કે કોણ છે પણ એટલી ખબર પડી કે એક બાઈ માણસ ને એક તરુણ છોકરો છે, તેણે કહ્યું કે 

"કોનું કામ છે?"

સ્ત્રી બોલી,

"ભાઈ, આપ જેવા વડલાની ઓથે આશરો લેવા આવ્યા છીએ. પાછળ મોત ભમે છે ને એવા ટાણે બસ તમે એક જ છો જે સાચવી શકશો એવું તમારા ભાઈબંધ કરમણ પટેલે કહ્યું હતું....."

તખુભા બોલ્યા, "બેન તમારું નામ શુ ?"

સ્ત્રી બોલી, "હું શારદા ને આ મારો છોકરો જીવણ."

તખુભાએ નામ સાંભળી કહ્યું અંદર ચાલ્યા જાઓ બેન, તમારા ભાભી સુતા છે હમણાં ઉઠાડું એટલે ઓરડો ખાલી કરી દે. 

સ્ત્રી કઈ બોલે એ પહેલા તો તખુભાએ દરવાજો ખખડાવી પોતાની પત્નીને ઉઠાડી કહ્યું કે,"ભાભી ને આ ભાણો આજથી આપના આ ખંડમા રહેશે જરા ખાલી કરી આપજો. 

ને શુ ખાનદાની એ ઠરેલ બાઈની, એક પણ પ્રશ્ન ન પૂછ્યો એ નમણી નારે ને કહ્યું કે, 

"આવો ભાભી સુઈ જાઓ હું પથારી સરખી કરી દઉં."
શારદા કઈ બોલે ત્યાં તો એ જાજરમાન રજપુતાણી બધું વ્યવથીત કરવા લાગી. ને કહે 

"કઈ પણ જોઈએ તો સંકોચ વગર કહી દેજો, તમારું જ ઘર છે, ને અત્યારે સુઈ જાઓ થાકી ગયા લાગો છો. સવારે નિરાંતે વાત કરીશું."

એ લજામણીના છોડ જેવી રજપુતાણી પોતાના સ્વભાવ જેવા જ ધીર ગંભીર પગલે બહાર જતી રહી. ફરી યાદ આવ્યું તો જમવાનું પૂછવા આવી પણ શારદા ને જીવણ એ સ્થિતીમાં ન હતા કે કઈ જમે એટલે શારદાએ ના પાડી એટલે બહુ આગ્રહ ન કર્યો ને ફરી ભલામણ કરતી ગઈ કે કઈ પણ જોઈએ તો બસ કહી દેજો. હેમની પૂતળી સમ લાગતી એ રજપુતાણીને શારદા જતી જોઈ રહી. 

"જીવલા, હાલ સુઈ જઈએ બેટા !" 

શારદા બોલી એટલું જ બાકી એ બંને મા દીકરો જાણતા હતા કે હવે એમની ઉંઘ હરામ થઈ ગઈ હતી. છતાં બંને પથારી પર આડા પડયા. બંનેના મન વિચારે ચડયા. 

જીવણ એની ઉંમર મુજબ વિચારી શકે, વિચારોમાં બહુ પુખ્તતા નહિ ને એવા આડાઅવળા વિચારોના વમળથી કંટાળી તેની આંખોમાં ઉંઘ ઘેરાવા લાગી ને એ ઉંઘની આરસીમાં જડાઈ ગયો. પણ શારદાને કોઈ વાતેય ઉંઘ આવે તેમ હતી નહિ. એ ભૂતકાળની ગોદમાં જઈ બેસી ગઈ ને તણાવા લાગી. છેક પોતાના ફેરા થયા ત્યારે કરમણ પટેલની પાઘડી ઘૂંઘટમાંથી કેવી દેખાતી એ એને દેખાયું. જાણે પોતે પાછળ પાછળ ફેરા ફરતી કરમણ પટેલને હમણાં જ પકડી લેશે એવું એને લાગ્યું. અંધારામા શારદાએ હાથ વીંઝ્યા પણ બધું અંધકારમય, નિરાવકાશ. ત્યાં કોઈ હતું જ નહીં. ઘડીભર શારદા ઝાંઝવાના વમળમાં ડૂબતી ચાલી ને ઘડીભર ભૂતકાળને મમળાવતી ચાલી. 

ત્રેવીસ વર્ષ પહેલા કરમણ પટેલનો ઘરસંસાર શારદાએ માંડ્યો હતો. ગામના મુખીના એકના એક દીકરા એટલે લગ્નના જલસામા કઈ કમી રાખી ન હતી ભગત બાપાએ. મુખીનું નામ તો કોઈનેય ખબર ન હતી ગામ આખું ભગત બાપા કહીને બોલાવતા હતા. એમનો પડ્યો બોલ ઝીલાતો ગામમાં. એવા ખાનદાનની શારદા, વહુ બની હતી. નામ પ્રમાણે જ ગુણિયલ હતી શારદા. ભગત બાપા પછી ગામની પટલાઈને યોગ્ય એક જ વ્યક્તિ હતી ને એ હતા કરમણ પટેલ. ને ભગત બાપા પછી એમણે એ પદને શોભાવ્યું પણ હતું. 

ભૂતકાળને વાગોળતા વાગોળતા શારદા ક્યારે ઊંઘમાં સરી પડી ખબર ન રહી. છેક સવારે ઊંઘ ઊડી ત્યારે પ્રખર સવાર થઈ ગઈ હતી. લક્ષ્મીબા બહાર રાહ જોઈને બેઠા હતા, ઉઠે તો કાલનું કઈ જમ્યા નથી એટલે જમાડી દઉં. 

શારદાએ ઓરડાનો દરવાજો ખોલ્યો, અત્યારે લક્ષ્મીને નીરખીને જોઈ ભાગીરથી ગંગા જો માનવ રુપ ધરે તો અદ્દલ આવા જ લાગે, એવું નિરાળું રુપ ને ચહેરા પરની નિખાલસતા જોવા મળી. 

શિરામણ પતાવીને શારદા ને જીવણ નવરા થયા. તખુભા બહાર પરસાળમાં બેઠા હતા. એને કઈ જાણવાની જિજ્ઞાસા ન હતી પણ જો શારદાને કઈ કહેવું હશે તો ? એમ વિચારી એ આજે સવારની શેર પર ગયા ન હતા. શારદા ને જીવણ ત્યાં ગયા, શારદાને માંડીને બધી વાત કરવી હતી. એ બોલી, 

"ભાઈ, તમારા ભાઈબંધ તો દેવ થયા એ તો તમે જાણો, પણ એમના ગયા પછી કુટુંબી ભાઈઓએ મને ને આ મારા જીવલાને શાંતિથી જીવવા નથી દીધા, છેલ્લે વાત અમને મારી નાખવા સુધી આવી ગઈ. બધી જમીન જાયદાદ એમને જોઈતી હતી. મેં કહ્યું, લઈ લો બધું અમારે કઈ નથી જોઈતું, બસ મારા જીવલાને કોઈ કઈ ન કરતા. પણ વેરનું ઝેર એમની આંખોમાં પુરેલું હતું એ ક્યાંથી માને. બસ એટલે જ અમે મા દીકરો ત્યાંથી ભાગી આવ્યા. હવે તો તમારે ભરોસે છીએ ભાઈ. તમારા ભાઈબંધ જીવતા હતા ત્યારે કહ્યું હતું કે કઈ પણ મુસીબત આવે તો તખુભા પાસે જજો એ તમને નિરાશ નહિ કરે, ને એમણે તમને ૩૫,૦૦૦ રૂપિયા આપ્યા હતા એવુ કહેતા હતા. એટલા રૂપિયામાં તો અમારી આખી જિંદગી નીકળી જશે."

શારદા એકી શ્વાસે બધું બોલી ગઈ. જીવણને હવે આખી વાત સમજાઈ. બધાની આંખોમા ભીનાશ હતી. 

તખુભા બોલ્યા, "ભાભી, તમારું જ ઘર છે ચાહો ત્યાં લગી અહીં રહી શકો છો, તમારી અમાનત આજે જ આપને આપી દઉં." 

તખુભા સાંજે આવ્યા ત્યારે બધા રૂપિયા લઈને આવ્યા હતા. શારદાને બધા આપી દીધા. શારદાએ કહ્યું, 

"ભાઈ, કાલે હું ને જીવલો મારા પિયર જતા રહીશું. આપનો ખુબ ખુબ આભાર કે અમને આશરો આપ્યો."

તખુભાએ સમજાવ્યા કે અહીં રહેવું હોય તો તમારું જ ઘર છે પણ શારદા હવે તસ્દી આપવા માંગતી ન હતી, ને તખુભાએ પણ બહુ જીદ ન કરી, કે જેવી આપની મરજી. 

રાત પડીને બધા ઊંઘવા ગયા. લક્ષ્મીબાને ઉંઘ ન હતી આવતી, મન વિચારે ચડ્યું હતું. એક દ્રશ્ય એમની નજર સમક્ષ આવતું હતું. 

કરમણ પટેલ છયેક મહિના પહેલા આવ્યા હતા, ને તખુભા પાસે ૫૦,૦૦૦ ની માંગણી કરી હતી. પોતાના પાંત્રીસ હજાર ને બીજા જરૂર હતી તો, તખુભાએ ભારે જહેમત બાદ આટલા રૂપિયા એકઠા કર્યા હતા. 

ને ફરી શારદાને આજે આપ્યા. લક્ષ્મીને થયું દરબાર આ ક્યાંથી લાવ્યા હશે ? પછી થયું કે કઈ નહિ લાવ્યા હશે ક્યાંકથી ને ફરી આપવાના થશે તો આ દાગીના ક્યારે કામ આવશે. 

ને એ બે ખાનદાની જીવ હકીકત કોઈને પણ કહ્યા વગર સુઈ ગયા.

આવા અદકેરા માનવીઓ થકી જ લાગે કે સતયુગ કદાચ એમને દ્વારે અટકી ગયો હશે.