સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૨૬ ધબકાર... દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૂર્યોદય - એક નવી શરૂઆત... - ભાગ :- ૨૬

ભાગ :- ૨૬


આપણે આગળના ભાગમાં જોયું કે સૃષ્ટિ એક અફર નિર્ણય લઈ ચૂકી છે અને સાર્થકની ખુશી માટે એને પોતાની જિંદગીમાંથી રુખસદ આપી દે છે. મનસ્વી મેડિકલ પરિક્ષા NEET પાસ કરી ચુકી છે. જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.

*****

સૃષ્ટિની વાત સાંભળી નિરવના મનમાં કેટલાય સવાલોનો મારો ચાલુ થઈ ગયો. આખરે સૃષ્ટિ શું માંગવા જઈ રહી છે.!? મન સ્થિર કરી નિરવે કહ્યું, "હા, સૃષ્ટિ... તું માંગીશ એ કોઈપણ સવાલ જવાબ વગર હું આપીશ."

સૃષ્ટિને જાણે આટલું જ જોઈતું હતું. એ તરતજ બોલી ઉઠી, "મનસ્વીના MBBS ડોકટર થવાના સપના વિશે મેં કઈક વિચાર્યું છે અને મારે એવુંજ કરવું છે." સૃષ્ટિ એકદમ મક્કમતાથી જાણે એવું કહેવા જઈ રહી હતી કે હું કહું એમજ થવું જોઈએ.

નિરવ પણ હવે સૃષ્ટિ માટે બધું જ કરવાના મુડમાં હતો એટલે એણે તરતજ કહ્યું કે, "હા સૃષ્ટિ, તું કહીશ એમજ થશે."

સૃષ્ટિ તરતજ બોલી ઉઠી... "નિરવ મેં આટલા વર્ષોમાં તારી પાસે કઈજ નથી માગ્યું અથવા એવું સમજી શકે કે મારી અપેક્ષાઓ, આશાઓ, અરમાનો તારી સાથે લગ્ન કર્યા પછી જાણે મૃત થઈ ગયા છે." નિરવ એકદમ ગમગીન બની સાંભળી રહ્યો હતો અને જાણે એણે પીધેલ શરાબનો નશો પણ ઉતરી રહ્યો હતો. થોડુક રોકાયા પછી સૃષ્ટિએ ફરી બોલવાનું ચાલુ કર્યું. "નિરવ...હું મનસ્વીને લઈને અમદાવાદ આપણા પાલડી વાળા ફ્લેટમાં રહેવા જવા માંગુ છું. મેં મનસ્વીનું MBBS ડોકટર બનવાનું સપનું પૂરું કરવા માટે શ્રીમતી એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, પાલડી ખાતે એડમિશન કરાવવાની પ્રોસેસ કરી નાખી છે. હું ઈચ્છું છુ કે મનસ્વી પોતાનો જિંદગી એ જ બેફિકર અમદાવાદમાં બેફિકરાઈ સાથ જીવે. સાથે હું પણ ત્યાંજ મારી જિંદગીને અંતિમ પડાવ તરફ લઈ જવા માંગુ છું. મનસ્વીને ખુશ જોઈ જીવનના અંતિમ પડાવમાં ખુશ થવા ઈચ્છું છું."

આ સાંભળતા જ જાણે નિરવના પગ તળેથી જમીન સરકી ગઈ. એ જાણે કહેવાજ જતો હતો કે, "સૃષ્ટિ તું આ શું બોલી રહી છે.!?" પણ નિરવનો આ સવાલ જાણે મનમાં જ રોકાઈ ગયો, સાથે શ્વાસ પણ રુંધાઈ ગયો અને એ કંઈજ ના બોલી શક્યો. માત્ર એટલુંજ કહ્યું, "હા, સૃષ્ટિ હું એ ફ્લેટ સાફ કરાવી તૈયાર કરાવી દઉં છું અને જરૂરિયાતનો સામાન પણ ત્યાં પહોંચાડી દઉં છું." આટલું કહેતાની સાથેજ બધાજ જાતના વિચારોને મનમાં ધરોબી, મનની વ્યગ્રતા શાંત કરવા નિરવે સૃષ્ટિને હળવા આલિંગનમાં થોડીક સેકંડો માટે ભીંસી લીધી. સૃષ્ટિ પણ કઈજ બોલ્યા વગર એને સાથ આપી રહી હતી. સૃષ્ટિ પણ સમજી રહી હતી નિરવના મનમાં ચાલી રહેલ મનોવ્યથા. પણ હાલ એ ભાવનાઓ અને લાગણીઓ સાથ વહી પોતાના નિર્ણયમાંથી પાછી ફરવા નહોતી માંગતી.

થોડાક સમયમાં મનસ્વી અને સૃષ્ટિ અમદાવાદ પહોંચી ગયા. નિરવે ખુબજ ટૂંકા સમયમાં ફ્લેટને એકદમ વ્યવસ્થિત કરી નાખ્યો હતો. કદાચ નિરવ માટે આ એ સમય હતો જ્યારે એ કહી શકે કે હું પણ તમને પ્રેમ કરું છું અને અઢળક પ્રેમ કરું છું. મનસ્વીનું એડમિશન શ્રીમતી એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, પાલડી ખાતે થઈ ગયું હતું અને હવે કૉલેજ પણ શરૂ થઈ ગઈ હતી. સૃષ્ટિએ એના ભાઈની મદદથી ઘરે બેઠા એકાઉન્ટ લખવાનું કામ શોધી લીધું હતું જેથી એનો સમય પણ પસાર થાય અને એની અંગત જરૂરિયાત માટે નિરવ પર નિર્ભર ના રહેવું પડે.

સૃષ્ટિએ ફ્લેટની બાલ્કનીમાં એક નાનું ગાર્ડન બનાવી રાખ્યું હતું. હવે એનો કામ પતાવ્યા પછીનો મોટાભાગનો સમય એ બાલ્કનીમાં બેસી પોતે ઉછેર કરેલા એ કુમળા છોડવાઓની દેખરેખ રાખવામાં જતો હતો. સાથે નીચે રસ્તામાં દોડાદોડ કરતા મોજીલા અમદાવાદની જીવંત સફરમાં કલાકો ને કલાકો બેસી એ પણ ભૂતકાળમાં લટાર મારી આવતી હતી. ધીમે ધીમે ગાંધીનગરના શાંત વાતાવરણમાં વર્ષોથી રહેવા ટેવાયેલા બંને જણ અમદાવાદની તેજ ગતિ જોડે કદમ મેળવતા થઈ ગયા હતા.

મનસ્વીનું સ્ટડી પણ ખુબ સરસ આગળ વધી રહ્યું હતું. સૃષ્ટિએ મનસ્વીને બધીજ છૂટછાટ આપેલી હતી. ક્યારેક મનસ્વી પોતાના મિત્રોને લઈને ઘરે આવતી અને મમ્મીનો ખાલીપો દૂર કરવા અઢળક પ્રયત્નો કરતી. એ વખતે સૃષ્ટિ પણ એ જ કોલેજીયન યુવતી જેવી થઈ એમની સાથે બિન્દાસ વાતો કરી લેતી અને એમના જતાં જ ફરી પાછી પોતાના વર્તમાનમાં પાછી ફરતી હતી. નિરવ અચૂક અઠવાડિયે એકાદ વાર મનસ્વી અને સૃષ્ટિની મુલાકાત લઈ જતો હતો અને મનસ્વી સાથે વાતચીત કરી જરૂરિયાત એમની પુરી કરતો હતો.

"સંબંધો એકવાર આગળ વધે પછી પાછા ના ફરે.!
મનની લાગણીઓ એવી, જે મનનું ધાર્યું જ કરે.!"

સૃષ્ટિ અને નિરવનો સંબંધ હવે માત્ર યાંત્રિક થઈ ચુક્યો હતો. ના મળવાનો કોઈ ઉમળકો, ના કોઈ ઉત્સાહ. માત્ર ને માત્ર એક સંબંધ છે એટલે મળવું જોઈએ એવો સંબંધ સમય સાથે આગળ વધી રહ્યો હતો. નિરવ પણ જાણે આ બધું જ જાણતા હોવા છતાં આ જન્મનું ઋણ ચૂકવી પોતે આ બંધનમાંથી મુક્ત થવા મથી રહ્યો હતો.

મનસ્વીનું સ્ટડી આગળ વધી રહ્યું હતું અને સાથે સાથે એના જીવનમાં પણ એક નવા પાત્રનું આગમન થઈ ચૂકયું હતું મન પટેલ. જાણે મનસ્વીના નામમાં જ એ લીન થઈ જાય એવું પાત્ર હતું. મનસ્વીએ પોતાના દિલની વાત સૃષ્ટિ સાથે પણ કરી હતી. સૃષ્ટિએ આ સંબંધ આગળ વધે એ માટે પુરી સહમતી અને સાથ આપ્યા હતા. ક્યાંકને ક્યાંક એ જાણતી હતી કે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે જિંદગી જીવી આજીવન સંઘર્ષ કરવો એથી સારું છે કે જાણીતા પાત્ર સાથે કોઈવાર દુઃખ આવે તોય એના આલિંગનમાં જઈ રડી શકાય. એવું પોતે નક્કી કરેલું પાત્ર જીવનમાં હોય એ યોગ્ય છે એને એવું લાગતું.

આમને આમ મનસ્વી અને મનનો MBBS નો સાડા ચાર વર્ષનો કોર્સ શ્રીમતી એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ, પાલડી અને એક વર્ષની ઇન્ટર્નશિપ સિવિલ હોસ્પિટલ, સોલા ખાતે પૂરી થઈ, જ્યાં તેમણે અનુભવ્યું કે જો તેઓ ઇમરજન્સી વોર્ડમાં કામ કરશે તો ઘણાબધા પેશન્ટની જીંદગી પ્રાથમિક સારવાર આપીને બચાવી શકશે. અને જોત જોતામાં સાડા પાંચ વર્ષનો સમયગાળો સરી ગયો.

"હાથમાંથી રેતની જેમ સરકે છે એ સમય, જેમાં પાસા સબળા હોય છે,
બાકી દિવસો પણ મહિનાઓ લાગે એવા પણ ક્યારેક નબળા હોય છે."

સૃષ્ટિએ નિરવ સાથે મન અને મનસ્વીની વાત કરી રાખી હતી એટલે જેવું ઇન્ટર્નશિપ સિવિલ હોસ્પિટલમાં પુરું થયું, ધામધૂમથી એમના લગ્ન લેવામાં આવ્યા. અને મનસ્વીનીએ મન સાથે રાખેલી એક શરત મુજબ એ બંનેએ પોતાના લગ્ન જીવનની શરૂઆત સૃષ્ટિ સાથે રહી એમના જ ફ્લેટમાં કરી. મનસ્વી જાણતી હતી કે મા નું અત્યારે એના સિવાય કોઈજ નથી, આથી એ કોઈપણ રીતે આમ મા ને એકલી છોડી આગળ વધવા નહોતી માંગતી. મનસ્વીએ મન સાથે પણ પોતાની મા સૃષ્ટિના જીવન સફરની વાત કરી હતી આથી મન પણ મનસ્વીના આ નિર્ણય સાથે હતો.

મન પટેલ, પહેલેથી જ એક ગર્ભ શ્રીમંત મા બાપનો દીકરો હતો અાથી પૈસાની કોઈ તંગી નહોતી. એના મા બાપ ગામડે રહી ખેતીવાડીના વ્યવસાય સાથે જોડાયેલા હતા આથી એમના માટે પોતાનું જીવન ગામડામાં સ્થિર કરી ત્યાંજ જીવનનો આનંદ લેવામાં વ્યતીત થઈ રહ્યું હતું. પૈસાની બહુ ચિંતા નહોતી માટે સાથે રહી શકે અને જરૂરિયાતમંદોની સેવા કરી શકે એટલા માટે બંનેએ સિવિલ હોસ્પિટલ, સોલા ખાતે નિરવની ઓળખાણથી ઇમરજન્સી વોર્ડમાં નોકરી લઈ લીધી. ગાંધીનગર છોડયે સૃષ્ટિને આઠ વર્ષનો સમય થઈ ચૂક્યો હતો છતાંય સૃષ્ટિ એજ યાદોના સહારે બાલ્કનીમાં બેસી છોડવાઓની સંભાળમાં પોતાનો ફ્રી સમય વ્યતીત કરી રહી હતી.

ઇમરજન્સી વોર્ડમાં મનસ્વી અને મન ખુબજ ખંતથી સેવા આપી રહ્યા હતા. લાગણીવશ થઈ લોકો ઘણીવાર પોતાના સ્વજન ગુમાવે ત્યારે ડોકટર સાથે માથાકૂટ પણ કરી નાખતા હતા. આ ઇમરજન્સી વોર્ડનું કામકાજ જ એવું થઈ ગયું હતું કે આવું તો ક્યારેક ને ક્યારેક બનતું રહેતું. છતાંપણ મનસ્વી અને મનને એ વાતનો સંતોષ હતો કે એ પોતાનું પૂરું આપી ઘણા લોકોનો જીવ બચાવવામાં નિમિત્ત બની શક્યા છે. તોય પણ ક્યાંક કોઈનો જીવ નજર સામે જતો જોઈ હૃદય દ્રવી ઊઠતું હતું. આમને આમ સમય પસાર થઈ રહ્યો હતો.

સૃષ્ટિની તબિયત આજે સારી નહોતી. આથી મનસ્વી ઘરે જ મમ્મીનો સાથ આપવા રોકાઈ હતી. સાંજે પોતાની ટેવ મુજબ મન હોસ્પિટલથી ઘરે આવી નહાઈને ફ્રેશ થઈને સોફા ઉપર બેઠો. મન આજે વ્યથિત હતો એવું સૃષ્ટિને લાગી રહ્યું હતું. આ તરફ મનસ્વીએ ડાયનિંગ ટેબલ ઉપર જમવાનું ગોઠવી સૃષ્ટિ અને મનને જમવા બોલાવ્યા. મનનું ધ્યાન જમવામાં નહોતું આથી સૃષ્ટિએ જ મનને પૂછી લીધું, "બેટા શું થયું.!?"

મન બોલી ઉઠ્યો, "મમ્મી આજે હોસ્પિટલમાં જે ઘટના જોઈ એનાથી મન વ્યથિત થઈ ઉઠ્યું છે. આજેપણ અમે ના બચાવી શક્યો એક જીવ." મનસ્વી તરતજ મનની પાસે આવી અને કપાળ ઉપર હળવું ચુંબન કરતા માથામાં હાથ ફેરવી એને સાંત્વના આપી રહી હતી.

આગળ કહેતા મન બોલ્યો કે, "આજે એસ.જી હાઇવે એક એક્સીડન્ટ થયો જેમાં એક ડમ્પરચાલકે એક્ટિવા ચાલકને હડફેટે લઈ ઢસડ્યા. એક્ટિવા ચાલક મહિલા અને એની બાળકી લોહીથી ખદબદતા હતા. એમને તાત્કાલિક સારવાર માટે અમારી હોસ્પિટલ લાવવામાં આવ્યા. મારી સામેજ એ મહિલાએ એની બાળકી સામે ઈશારા કરતા કરતા આગળ કંઈજ સારવાર કરીએ એ પહેલા દમ તોડી દીધો. એ પાંચેક વર્ષની બાળકીને પણ ઘણું વાગ્યુ છે. બાળકીની યોગ્ય સારવાર કરી એને વોર્ડમાં શિફ્ટ કરતા હતા ત્યાંજ એ બાળકીના પિતા આવ્યા. પહેલાતો એમણે આવીને મારી ફેટ પકડી લીધી અને તરતજ હૈયાફાટ રુદન સાથે જમીન ઉપર ફસડાઈ પડ્યા. હું પણ આજે આ ઘટનાથી દુઃખી થઈ ઉઠ્યો." મનસ્વી અને સૃષ્ટિએ મનને સાંભળ્યો અને સાંત્વના આપી આથી મન થોડો સ્થિર થયો અને ભારે હૃદયે ડિનર પતાવ્યું.

"જે આવે એ જાય નકકી છે, તોય જાય એ ના ગમે,
જીવંત જાય કે મૃત્યુ પછી છોડી જાય, એ ના ગમે,
લાગણીઓના વહાવમાં ક્યારેક અણધાર્યું થઇ જાય,
પણ ધાર્યું મારું જીવનમાં ના થાય તો, મને એ ના ગમે."

*****

આખરે સૃષ્ટિએ આવો નિર્ણય કેમ લીધો?
સાર્થક નું શું થયું?
નિરવ સૃષ્ટિ અને મનસ્વીને પોતાના જીવનમાં પાછા લાવી શકશે?
સૃષ્ટિના જીવનમાં બીજા શું ઉતાર ચડાવ આવશે?
આ બાળકી અને મહિલા કોણ છે?

આ બધા સવાલોનો જવાબ અને એક દીકરી, પત્ની, સ્ત્રીના સપનાઓ અને હકીકતને જાણવા આ વાર્તા વાંચતા રહો. મિત્રો અને સ્નેહીઓ તમારો પ્રતિભાવ ખુબજ મહત્વનો છે. પ્રતિભાવ ચોક્કસ આપતા રહેજો.

Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk

મિત્રો અને સ્નેહીઓ મારી પ્રથમ નવલકથા "અનંત દિશા" ના ૧ થી ૨૧ ભાગ આપને એકસાથે વાંચી અનુભવવા ગમશે. બીજી ટૂંકી વાર્તા આકાશ અને અન્ય વાર્તા, કવિતાઓ પણ વાંચવી ગમશે.

સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...

©રોહિત પ્રજાપતિ