Kalakar - 17 books and stories free download online pdf in Gujarati

કલાકાર - 17

કલાકાર ભાગ – 17
લેખક – મેર મેહુલ
અમે લોકો અમદાવાદમાં હતાં. કાલુપુરનાં બ્રિજ પાસે બાદશાહનો અડ્ડો હતો. અહીંથી એ બધાં ગેરકાનૂની ધંધા ચલાવતો.
મેહુલસરનાં રિપોર્ટ અનુસાર,
એક સમયે બાદશાહ કાલુપુરનાં બ્રિજ પાસે કેબિન નાંખીને બેસતો, ધીમે- ધીમે તેણે દારૂ વેચવાનો ધંધો શરૂ કર્યો, ત્યારબાળ નાના-નાના સ્મગલરોને સાથે લઈને તેણે મોટી ગેંગ બનાવી હતી. અત્યારે એ અમદાવાદનો માફિયા કિંગ હતો. પૂરાં અમદાવાદમાં તેનો જ દારૂ વેચાતો. મોટા ઉધોગપતિઓ પાસેથી એ હપ્તા ઉઘરવાતો અને પોલિસતંત્રને ઇશારાઓ પર નચાવતો.
બે દિવસ પહેલાં જ બાદશાહે દારૂનું એક મોટું કન્ટેનર ઉતાર્યું હતું. ખબરીઓનાં કહ્યા મુજબ આ કન્ટેનર કાલુપુરમાં જ ઉતર્યું હતું. આ માલ એક ગોડાઉનમાં રાખવામાં આવ્યો હતો અને ગોડાઉનની સુરક્ષા માટે સો જેટલા પંટરોને તૈનાત કરવામાં આવ્યા હતાં. આજે રાત્રે આ દારૂ પુરા ગુજરાતમાં સપ્લાય થવાનો હતો. અમારી પાસે આજનો દિવસ જ હતો. જો અમે સફળ ના થયા તો કાલે સવારે એક તણખલું પણ નહોતું રહેવાનું.
મેં એક પ્લાન બનાવ્યો હતો, એક ઓફિસરને ફર્ઝી ડીલર બનાવી બાદશાહ પાસે મોકલવાનો હતો. તેની સાથે અમે તેનાં માણસો બનીને જવાના હતાં. પ્લાન મુજબ બાદશાહ સાથે બપોરે બે વાગ્યે ડિલ થવાની હતી. એ પહેલાં અમે વેશ પલટો કરીને ગોડાઉનની આજુબાજુના વિસ્તારમાં પેટ્રોલીંગ કરી લીધું હતું.
“આપણો સામાન ગોડાઉનની પાછળની દિવાલ પરથી અંદર આવી જશે” એક ઑફિસરે કહ્યું.
“પણ ત્યાં એક માણસ સતત પહેરો આપે છે” બીજાં ઑફિસરે કહ્યું, “ તેની નજર સામે સમાન પહોંચાડવો મુશ્કેલ છે”
“હું તેનું ધ્યાન ભટકાવી લઈશ” મેં કહ્યું, “ હું ઈશારો કરું એટલે બેગ આ બાજુ ફેંકી દેશો”
“માહિતી મળી છે, બાદશાહ તેનાં માણસોમાં વધારો કરે છે, મને લાગે છે એને આપણાં પ્લાન વિશે ખબર પડી ગઈ હશે”
“બાદશાહ એટલો ચાલાક નથી, દસ કરોડની ડિલ માટે એ તલપાપડ થઈ રહ્યો હશે” મેં કહ્યું, “પહેલીવાર તેણે આટલો દારૂ ઉતાર્યો છે એટલે એ માણસો વધારે છે”
“તમે બધાં માફિયાઓને મામૂલી જ સમજો છો નહિ” એક લેડી ઑફિસરે કહ્યું.
“એ લોકો મામૂલી જ છે” મેં કહ્યું.
“ઉસ્માન દસ મિનિટમાં આવે છે” ઑફિસરે કહ્યું. એક ઓફિસરને ઉસ્માન ગની બનાવીને બાદશાહ સાથે ડિલ કરવાની હતી. તેનાં માટે તેણે વાળને કલર કરીને લાલ રંગના કરી દીધા હતા, દાઢી લાંબી હતી તેથી મૂછો કાઢવાનીને દાઢીને પણ કલર કરી દીધો હતો. આ બધું બાદશાહને શક ના જાય એ માટે જ કરવામાં આવ્યું હતું. ઉસ્માન કે જે અમારો ઑફિસર હતો એ થોડીવારમાં બ્લૅક ઇનોવામાં આવ્યો. એ સફેદ કફનીમાં હતો. તેની સાથે બીજાં ત્રણ ઑફિસર ઉતર્યા જે બ્લૅક સ્યુટમાં હતાં. તેઓ આગળ ચાલ્યાં એટલે અમે લોકો પણ તેની સાથે ભળી ગયાં.
“એક મિનિટ” ગેટ પર એક માણસે અમને રોક્યો, તેણે બાજુમાં ઊભેલાં માણસોને ઈશારો કર્યો એટલે અમને તપાસવામાં આવ્યાં.
“આ બેગમાં શું છે ?”
“કેશ” ઉસ્માને કહ્યું.
એ વ્યક્તિએ કોઈને ફોન જોડ્યો. ફોનમાં વાત કરી અમને અંદર જવા દેવામાં આવ્યાં.
“અસ્લામ મલેકુમ” સફેદ પઠાણીમાં એક વ્યક્તિ બે હાથ ફેલાવી આવ્યો, “મારાં સામ્રાજ્યમાં તમારું સ્વાગત છે ઉસ્માન ગની”
એ શરીરે ફેલાયેલો હતો. ચાલ અને તેનાં વગ પરથી એ બાદશાહ જાણતો હતો.
“મલેકુમ અસ્લામ” ઉસ્માન તેને ભેટ્યો.
“આવો, અંદર જઈને વાત કરીએ” ઉસ્માનનાં ખભા પર હાથ રાખી આગળ એ બોલ્યો.
“ઉસ્માનભાઈનાં માણસોની ખિતમતમાં કોઈ કમી ના રહેવી જોઈએ” જતાં જતાં તેણે કહ્યું.
ઉસ્માનને એ અંદર લઈ ગયો. અમને બાજુમાં એક હોલમાં લઈ જવામાં આવ્યાં. ત્યાં શરબતની વ્યવસ્થા રાખવામાં આવી હતી. અમારી સાથે બાદશાહનાં દસેક માણસો હતાં. તેઓની નજર સતત અમારાં પર જ હતી. અમારે કોઈ પણ સંજોગોમાં તેઓનું ધ્યાન ભટકાવવાનું હતું.
“બાથરૂમ કંઈ બાજુ છે ?” મેં ઈશારો કરીને પૂછ્યું.
“ગફુ” તેઓની ટુકડીનાં લીડરે ઈશારો કર્યું. ગફુ નામનાં માણસે મને હોલની બહાર નીકળવા ઈશારો કર્યો. હું તેની પાછળ પાછળ ગયો. એ મને સામેના હોલમાં લઈ ગયો. હોલની પાછળ ચાર ફૂટની લોબી હતી, લોબીના ખૂણે બાથરૂમ હતું.
તેણે બાથરૂમ તરફ ઈશારો કર્યો. હું અંદર ઘુસી ગયો. અંદર જઈ મેં બાથરૂમની બારીમાં પડેલી બોટલ ઉઠાવી. જેમાં પહેલેથી જ ક્લોરોફોર્મ રાખવામાં આવ્યું હતું. રૂમાલમાં ક્લોરોફોર્મ છાંટી મેં ધીમેથી બાથરૂમ બારણું ખોલ્યું. પેલો માણસ બીજે નજર કરીને ઉભો હતો. પાછળથી તેનાં મોઢા પર રૂમાલ રાખી તેનું મોઢું દબાવી દીધું. એ બેહોશ થઈને નીચે પડી ગયો. તેની મૂંડી પકડી મેં મરડી નાખી અને બાથરૂમમાં ઢસડીને મેં તેનાં કપડાં પહેરી લીધાં.
હોલની બહાર આવી હું જે તરફ દારૂનું ગોડાઉન હતું એ તરફ ચાલ્યો.હું ગોડાઉનમાં પ્રવેશ્યો એટલે ત્યાં રહેલા માણસોએ મને રોક્યો.
“ઑય, કોણ છે તું ?, અહીં શું કરે છે ?” એક આદમીએ મીઠાઈ ખાતાં ખાતાં કહ્યું.
“પેલાં નવા સો માણસો બોલાવ્યા છે ને એમાંથી હશે” બીજો માણસ બોલ્યો. તેનાં હાથમાં પણ મીઠાઈ હતી.
“હા, હું નવો જ આવ્યો છું” મેં કહ્યું.
“આ લે મીઠાઈ ખા, દસ કરોડની ડિલ થઈ છે એની ખુશીમાં”
“ મીઠાઈ પછી ખાજો, સામેના ગોડાઉન પાછળના બાથરૂમમાં કોઈ ગફુ કરીને તમારો માણસ છે, એ બેભાન પડ્યો છે એટલે તમને બધાને બોલાવવા મોકલ્યા છે”
“કોણ ગફુડો ?” એક માણસે કહ્યું, “ ચાલો ચાલો”
મીઠાઈને પડતી મૂકી બધાં ગોડાઉન તરફ દોડ્યા. મારો પ્લાન સફળ થઈ રહ્યો હતો. બધાં સુધી મીઠાઈ પહોંચી ગઈ હતી અને અત્યારે ગોડાઉનમાં પણ કોઈ નહોતું. મેં ગોડાઉનની તાપસ કરી તો છત સુધી દારૂની પેટીઓ ગોઠવેલી હતી. ફોન હાથમાં લઈ મેં રફીકને મૅસેજ કર્યો, “હું ગોડાઉન સુધી પહોંચી ગયો છું”
થોડીવારમાં રફીક હાથમાં મોટી બે બેગ લઈને ગોડાઉનમાં આવ્યો.
“કામ પૂરું થાય એટલે બહાર નીકળી જજે” મેં કહ્યું.
ગોડાઉન છોડી હું ફરી એ હોલમાં આવ્યો જ્યાં અમારાં બીજાં ઓફિસરો હતા. હું ત્યાં પહોંચ્યો ત્યાં સુધીમાં બધે અફરાતફરી મચી ગઇ હતી. ગફાર નામનાં વ્યક્તિને કોઈએ મારી નાંખ્યો છે એવી અફવા ફેલાવા લાગી. અમને બધાને ઘેરી લેવામાં આવ્યાં. બાદશાહનાં માણસોએ અમારાં પર રાઈફલો તાંકી અને અમને બાદશાહનાં રૂમ તરફ લઈ ગયાં.
“કોણ છો તમે ?” બાદશાહે પુછ્યું, “સરદાર હોય એ આગળ આવે”
હું બે કદમ આગળ ચાલ્યો.
“બોલો, શા માટે મારાં માણસને માર્યો ?”
“હું તો તને મારવા આવ્યો છું” મેં કહ્યું.
“હાહાહા” બધા હસવા લાગ્યા.
“બાદશાહને મારવાની વાત કરે છે” બાદશાહે કહ્યું, “ બાદશાહ કોણ છે એ ખબર છે તને ?”
“હા, બ્રિજ પર પાનનો ગલ્લો ચલાવનાર એક મામૂલી માણસ”
“જાણકારી મેળવી લીધી લાગે” બાદશાહ હસ્યો, “ અહીં મારાં ત્રણસો માણસ છે, કેવી રીતે મારીશ મને ?”
“ત્રણસો નહિ, બસ્સો નવાણું” હું હાસ્યો, “ તારો ખાસ માણસ રફીક મારો માણસ છે”
બાદશાહનો ચહેરો કરમાય ગયો.
“કોણ છે તું ?”
“ માફિયાઓનો યમરાજ” મેં કોરી આંખ કરીને કહ્યું.
“A. K. ?” બાદશાહ ઉભો થઈ ગયો.
“હા, A. K., આજે લિસ્ટમાં તારું નામ છે બાદશાહ”
બાદશાહ ફરી જોર જોરથી હસવા લાગ્યો, “મેં સાંભળ્યું હતું તું સનકી છે, આજે જોઈ પણ લીધું. આટલાં બધાં માણસો વચ્ચે તું મને ધમકી આપે છે. બાદશાહને”
“પકડી લો સાલાને”
બાદશાહે હુકમ તો કર્યો હતો પણ તેનો હુકમ સાંભળવાવાળું કોઈ નહોતું. બધાંએ એક હાથ કપાળ પર રાખ્યો હતો અને બીજા હાથે સહારો શોધતાં હતાં. બાદશાહે આજુબાજુ નજર કરી તો ધીમેધીમે બધાં જમીન પર ઢળતાં જતાં હતાં.
“નો સમજાયું ?” હું તેની નજીક જઈને હસ્યો, તેનાં ખભા પર હાથ રાખી મેં વાત આગળ ધપાવી, “ હું સમજાવું, તું હમણાં જે ઉસ્માન સાથે ડિલ કરતો હતોને એ મારો ઑફિસર છે. એણે તને જે મીઠાઈ આપી એમાં બેહોશીની દવા હતી. એ મીઠાઈ તે જે માણસને ચાખવા આપી હતી એ પણ મારો ઑફિસર છે. એને જે મીઠાઈ આપી હતી તેમાં દવા નહોતી. તારાં બધા માણસોએ એ મીઠાઈ ખાધી અને જો, કેવા જમીન પર સુતા છે.”
“શું કહેતો હતો હમણાં ?” તેનાં ખભા પરથી મેં હાથ હટાવી લીધો, “તારાં આટલાં બધાં માણસો વચ્ચે હું તને ધમકી આપી છું”
બાદશાહ મારાં પગમાં પડી ગયો.
“મહેરબાની કર A.K., તારી સામે કોઈ નથી ટકી શકતું. હું આ બધા ધંધા બંધ કરીને પાછો પાનનો ગલ્લો શરૂ કરી દઈશ, આ જ સાંભળવું હતુંને તારે ?”
બાદશાહે અટહાસ્ય કર્યું. ઉભા થઇ તેણે મારાં ખભા પર હાથ રાખ્યો.
“કહાનીમાં ટ્વિસ્ટ છે. તું જે રફીકની વાત કરે છે એ તારો ઑફિસર હતો, હવે એ મારો ખાસ માણસ છે. હું એને જેમ કહું એમ એ કરે છે. મેં જ પેલી ત્રણ ફાઇલ તને આપવા કહ્યું હતું. તમે લોકો આવો છો એની પણ મને પહેલેથી જ ખબર હતી. મીઠાઈમાં કોઈ દવા નહોતી અને રફીક સાથે ગોડાઉન ઉડાડવા બૉમ્બ રાખવાનો પ્લાન હતો એ પણ ફ્લોપ થઈ ગયો છે”
મેં રફીક સામે જોયું.
“શું કરું ?, આપણો એક મહિનાનો પગાર છે એટલું એક દિવસમાં મળે છે” રફીકે કહ્યું.
“એની સામે ના જો, તને મારવાની સુપારી ઘણાં લોકોએ આપી છે. તારાં પર પચાસ કરોડનું ઇનામ છે. તારામાં એવું તો શું છે ?”
“હું કહું” રફીકે કહ્યું, “ આ પેલાં મેહુલનો ચમચો છે, તેણે આને લાયસન્સ આપેલું છે. આ ગમે તેની હત્યા કરે, કોઈ સવાલ પૂછવાવાળું નથી. અમે કંઈ પણ કરીએ અમારાં પર તરત સવાલ ઉઠે એટલે અમે તેની જેમ મનફાવે એમ કોઈની હત્યા ના કરી શકીએ. માટે આનાં નામનો ખૌફ છે”
“ હવે એ ખૌફ નહિ રહે. બોયઝ ઉભા થઇ જાઓ, નાટક પૂરું થઈ ગયું”
જમીન પર ઢળેલા માણસોમાંથી અડધા માણસો ઊભાં થયાં. અડધા હજી એમ જ પડ્યા હતાં.
“આ લોકો કેમ નથી ઉભા થતાં ?” બાદશાહ ગભરાયો.
“એ હવે નહિ ઉઠે” મેં ફરી તેનાં ખભા પર હાથ રાખ્યો, “કહાનીમાં નવો ટ્વિસ્ટ છે”
(ક્રમશઃ)
શું હવે નવો ટ્વિસ્ટ ?, આગળ શું થશે ?, અક્ષય કેવી રીતે બાદશાહ સાથે લડશે ?
નવલકથા કેવી લાગે છે તેનાં મંતવ્યો અચૂક આપજો જેથી આગળ લખવાની પ્રેરણા મળી રહે. શેર કરવા યોગ્ય લાગે તો નવલકથાની લિંક શેર પણ કરજો. મારી અન્ય નવલકથા સફરમાં મળેલ હમસફર ભાગ – 1 – 2, વિકૃતિ, જૉકર, ભીંજાયેલો પ્રેમ વગેરે મારી પ્રોફાઇલમાં છે જ સમય મળે તો એ પણ વાંચજો. આભાર.
- મેર મેહુલ
Contact info.
Whatsapp No. – 9624755226
Instagram - mermehul2898

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED