કલાકાર ભાગ – 18
લેખક – મેર મેહુલ
બાદશાહે મને ટ્રેપ કરવા જાળ બિછાવ્યું હતું. તેનાં મતે હું એમાં ફસાય ગયો હતો પણ એ જાણતો નહોતો, પોતાનાં જાળમાં એ જ ફસાય ગયો હતો. તેણે પોતાનાં મણસોને નાટક બંધ કરવાનું કહી ઉભા થવા કહ્યું, તેમાંથી અડધા માણસો ઉભા થયાં પણ અડધા એમ જ જમીન પર પડ્યા રહ્યા એટલે બાદશાહ ગભરાયો.
“એ હવે નહિ ઉઠે” મેં ફરી તેનાં ખભા પર હાથ રાખ્યો, “કહાનીમાં નવો ટ્વિસ્ટ છે”
“તું એમ વિચારે છે કે તે A.K. ને માત આપી છે પણ આજ સુધી A.K. ને માત આપવવાવાળો વ્યક્તિ આ દુનિયામાં જનમ્યો નથી એ તું નથી જાણતો. રફીક પર પહેલેથી જ અમારી નજર હતી. રફીકે ઘણાં કેસમાં ગોટાળા કરેલા છે એટલે એ પક્ષ બદલે એનાં અણસાર પહેલેથી જ હતાં. આ વાત પર જ અમે પ્લાન બનાવ્યો હતો. રફીક પછી અમે બીજો એક ઓફિસર તારી ગેંગમાં શામેલ કર્યો, જે રફીક પર પણ ધ્યાન રાખતો અને માહિતી પણ આપતો. આ જેટલાં માણસો ઉભા થયા છે એ મારા જ ઑફિસર છે અને જે લોકો પડ્યા છે એ તારાં માણસો છે, જેને અમારા ઑફિસરે દવાવાળી મીઠાઈ આપી હતી. તું ફરી લાચાર થઈ ગયો બાદશાહ”
“મને માફ કરી દે A.K.” બાદશાહે ફરી મારા પગ પકડ્યા.
“તું માફીને લાયક નથી બાદશાહ” મેં બાદશાહને લાત મારી.
“હું ગુજરાતનાં બધા માફિયાનો ઓળખું છું, હું કોર્ટમાં જુબાની આપવા તૈયાર છું. તારાં કામનો માણસ છું” બાદશાહ કરગરવા લાગ્યો.
“ બધા માફિયા જેલમાં હશે તો અમારો ધંધો ઠપ થઈ જશે અને કોર્ટ સુધી કોને જવું છે ?, તમે લોકો થોડા વર્ષો માટે જેલમાં રહેશો અને ફરી આ જ ધંધો કરવાના છો. ઉમરકેદ થઈ તો પણ સરકાર માટે બોજો જ બનવાના છો એટલે તારો ફેંસલો અહીં જ થશે”
“શું કરીશ તું ?” બાદશાહ ધ્રુજવા લાગ્યો.
મેં તેને ઉભો કર્યો.
“એ જ, જે તું બધા સાથે કરતો આવ્યો છે” મેં કહ્યું, “ ઓફિસર્સ કમઓન”
થોડાં ઓફિસરો બાદશાહ પાસે આવ્યો. બાદશાહ છટકવા કોશિશ કરતો હતો પણ તેની પાસે કોઈ રસ્તો નહોતો. અમે બધાં ગોડાઉન તરફ ચાલ્યાં, ગોડાઉનમાં એક પિલરે બાદશાહને બાંધી દીધો અને દીવાલે ચોંટાડેલા બધા ટાઈમ બૉમ્બ એક્ટિવ કરી દીધાં.
દસ મિનિટ પછી એક મોટો ધમકો થયો. દારૂનાં જથ્થા સાથે બાદશાહ અને તેનાં માણસો પણ ખતમ થઈ ગયાં. મિશન પુરું થયું.
*
એક સાથે બે મિશન પૂરાં થયાં એટલે મેહુલસરે મને પંદર દિવસની રજા આપી હતી. આ એ જ સમય હતો, હું આરાધનાને મળવા ઉતાવળો થઈ રહ્યો હતો.એ મને આટલી બેચેન નહિ હોય એ વાતની મને ખબર હતી પણ તેણે જે રહસ્ય છુપાવ્યું હતું એ મને તેનાં તરફ ખેંચી રહ્યું હતું. વડોદરા આવી મેં તેને મેસેજ કર્યો એટલે તેણે મને મળવાનો સમય આપ્યો. અમે સાંજે આઠ વાગ્યે ડિનર માટે મળવાના હતાં.
આજે પહેલીવાર મેં બ્લ્યુ ડેનિમ પર બ્લૅક પ્લૅન ટી-શર્ટ પહેર્યું હતું. આઠ વાગ્યે હું મલ્હાર હોટલ બહાર ઉભો હતો. કાચના પાટેશનમાંથી હું અંદર આરાધાનને જોઈ શકતો હતો. એ દરવાજા પર મીટ માંડીને બેઠી બેઠી પોતાનાં વાળ સવારતી હતી. એક વેઈટર તેની પાસે આવ્યો અને મેનુકાર્ડ રાખીને આરાધના પર એક નજર નાંખીને ચાલ્યો ગયો. મેં કાચનો દરવાજો ખોલ્યો, મને આવતાં જોઈ આરાધનાનાં ચહેરા પર સ્માઈલ આવી ગઈ હતી. હું તેની સામેના કાઉચમાં બેસી ગયો. અમારી વચ્ચે ફોર્મલ વાતો થઈ અને પછી ડિનરને ન્યાય આપ્યો.
અમે ડિનર કરતાં હતાં એ સમય દરમિયાન એક ટોળું અમારી બાજુનાં ટેબલ પર આવીને ડિનર કરતું હતું. તેમાંથી એક છોકરાની નજર આરાધના પર હતી.
મેં આરાધાનને પૂછ્યું, “પેલો છોકરો તને ઓળખે છે કદાચ”
આરાધાનએ બાજુમાં નજર કરી.
“હું તેને નથી ઓળખતી” તેણે કહ્યું.
“તો તારાં પર લાઇન મારે છે”
“કેમ તને પ્રોબ્લેમ છે ?” આરાધનાએ જમવામાં જ ધ્યાન આપીને જવાબ આપ્યો.
“મને શું પ્રોબ્લેમ હોય ?” મેં હસીને કહ્યું
“તો ચુપચાપ જમવા પર ધ્યાન આપ” તેણે મને ચૂપ કરાવી દીધો. મૌન રહીને મેં આરાધનાની સૂચનાનું પાલન કર્યું. ડિનર પત્યું એટલે બિલ ચૂકવી અમે બહાર નીકળતાં હતા ત્યાં જ પેલા છોકરાએ અમને રોક્યા, “તું કાજલની બહેન છે ને ?”
“હા” આરાધનાએ કહ્યું, “તમે કોણ ?”
“તારી બહેન સાલી, મારી પાસે લાખ રૂપિયા પડાવી ગઈ છે. છેલ્લાં એક મહિનાથી તેને શોધું છું”
“કોણે આપવાનું કહ્યું હતું ?” આરાધના વણસી, “ અને હું મારી બહેન સાથે એક વર્ષથી વાત નથી કરતી તો સારું એ જ રહેશે કે તમે એને શોધો”
“એ તો હું શોધી જ અને મારાં રૂપિયા પણ પાછા લઈશ પણ આ તો તારો ચહેરો એનાં જેવો છે એટલે પૂછ્યું”
“પત્યું ?” આરાધનાએ કહ્યું, “ચાલ અક્ષય”
“એક મિનિટ” પેલાં છોકરાએ ફરી અમને રોક્યા, “ ભાઈ તું, શું નામ કહ્યું…અક્ષય, ધ્યાન રાખજે”
“એ તારે નથી જોવાનું, નિકળ અહીંથી નહીંતર એક ઝાપટ મારીશ તો લાખ રૂપિયા લેવાનું ભૂલી જઈશ”
પેલો છોકરો ચાલતો થયો. મને હવે થોડી થોડી વાત સમજાય રહી હતી, પેલો છોકરો કેમ આરાધનાને ઘુરીને જોતો હતો એ પણ સમજાય ગયું હતું.
“કોણ હતું એ ?” મેં પુછ્યું.
“મારી બહેન છે ને ઉપાધિ” આરાધનાએ કહ્યું, “ છોકરાં ફસાવીને તેની પાસે રૂપિયા પડાવી લે છે, એનાં કારણે મારે પણ સાંભળવાનું થાય છે” આરાધનાએ ચિડાઈને કહ્યું.
“તું એને સમજાવતી કેમ નથી ?, ક્યારેક એ ફસાઈ જશે તો ?”
આરાધના ઉભી રહી ગઈ, પાછળ ફરીને તેણે આંખો મોટી કરી, “તને શું લાગે ?, મેં નહિ સમજાવી હોય?, હું એને સમજાવવાની કોશિશ કરું એટલે એ મને એક જ વાત કહે છે, રૂપિયા કમાવવાનો આ જ સહેલો રસ્તો છે. અમિર છોકરાં રૂપિયાની લાલચ આપીને ફસાવે છે તો એમને ફસાવવામાં ખોટું શું છે ?”
હું હસી પડ્યો.
“બંને બહેનો ભેગા મળીને બધાને લૂંટતા નથીને?” હસતાં હસતાં મેં મજાકમાં કહ્યું.
“બની શકે” આરાધના હસી, “તને મારાં વિશે ક્યાં કંઈ ખબર છે ?”
“એ જ ને, મને તારાં વિશે શું ખબર છે ?” મેં આરાધના પાસે વાત કઢાવવાની કોશિશ કરી. હું તેનાં ચહેરાના હાવભાવ જોઈ રહ્યો હતો, તેનાં ચહેરા પર સપાટ ભાવ હતાં.
“ શું જાણવું છે તારે ?” તેણે પુછ્યું.
“ બધું જ” મેં કહ્યું.
“એ માટે આપણે મળવું પડે અને તું રહ્યો ઑફિસર, તારી પાસે ક્યાં સમય છે ?”
“તારાં માટે હું ફ્રી જ છું, હવે બોલ”
“તો કાલે સવારે આઠ વાગ્યે મને પિક કરવા આવજે” તેણે આંખો પલકાવીને સ્મિત સાથે કહ્યું. મેં સહમતી સાથે માથું ધુણાવ્યું. એ મારી હરકત જોઈ હસી પડી.
(ક્રમશઃ)
નવલકથા કેવી લાગે છે તેનાં મંતવ્યો અચૂક આપજો જેથી આગળ લખવાની પ્રેરણા મળી રહે. શેર કરવા યોગ્ય લાગે તો નવલકથાની લિંક શેર પણ કરજો. મારી અન્ય નવલકથા સફરમાં મળેલ હમસફર ભાગ – 1 – 2, વિકૃતિ, જૉકર, ભીંજાયેલો પ્રેમ વગેરે મારી પ્રોફાઇલમાં છે જ સમય મળે તો એ પણ વાંચજો. આભાર.
- મેર મેહુલ
Contact info.
Whatsapp No. – 9624755226
Instagram - mermehul2898