કલાકાર - 16 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કલાકાર - 16

કલાકાર ભાગ – 16
લેખક – મેર મેહુલ
છેલ્લાં એક મહિનાથી બેન્કમાં તસ્કરી કરતી ગેંગને અમે ઠાર કરી દીધી હતી. મારી કામ કરવાની પદ્ધતિ જ આ છે. હું ગુન્હેગારને બક્ષતો નથી. હું પોતાની પણ પરવાહ નથી કરતો. લોકો શાંતિથી જીવી શકે એ મારી પ્રાયોરિટી છે, એ માટે આવા દુષણોને સાફ કરવામાં મને ખુશી મળે છે.
કેસ સોલ્વ થાય એટલે મેહુલસર મને બે દિવસની રજા આપતાં પણ આ વખતે મારે એક સાથે બે કેસ સોલ્વ કરવાનાં હતાં એટલે બીજાં દિવસે બાદશાહ નામનાં ગુંડાને ખતમ કરવા મારે અમદાવાદ જવાનું હતું. મારી પાસે એક દિવસ હતો. હું આરાધનાને મળવા ઇચ્છતો હતો. બપોરે કેસની ફાઇલ મેહુલસરને સોંપી હું સર્કિટ હાઉસે આવ્યો. આરાધનાએ મને પેલી સેલ્ફી વોટ્સએપ કરવા કહ્યું હતું. મેં ફોટો સેન્ડ કર્યો એટલે તરત જ તેનો ફોન આવ્યો.
“કાલે લીધેલી સેલ્ફી અત્યારે મોકલવાનો સમય મળ્યો ?” તેણે કહ્યું, “અત્યારે તો વાસી થઈ ગઇ છે”
“હું પણ એ જ વિચારું છું” મેં ફ્લર્ટ કરતાં કહ્યું, “વાસી સેલ્ફીમાં શું રાખ્યું છે ?”
“તો શું વિચાર છે ?” તેણે કાલીઘેલી ભાષામાં કહ્યું. મને ખબર હતી, એ પણ મને મળવા ઈચ્છે છે. તે શા માટે મને મળવા ઈચ્છે છે એ પણ હું જાણતો હતો. છેલ્લી બે કલાકમાં મેં એની બધી જ માહિતી મેળવી લીધી હતી. એ કોઈ ચોર નહોતી, ના તો એ કોઈ ગરીબોને દાન આપતી હતી. એ અમદાવાદમાં આર્ટ્સ કોલેજમાં ભણતી હતી. મને મળી એ પહેલાં એ મેહુલસરની ઑફિસ આસપાસ જોવા મળી હતી. એ શા માટે આવું કરે છે એ મારે જાણવું હતું. એ સામેથી આ બધી વાતો કહે એ હું ઇચ્છતો હતો.
“સાંજ સુધી હું વડોદરામાં છું” મેં જાણીજોઈને હિન્ટ આપી.
“ અડધી કલાકમાં હું એરપોર્ટ રોડે મળીશ” તેણે હસીને કહ્યું.
“હું ફોન લઈને પહોંચી જઈશ” મેં પણ હસીને ફોન કટ કરી દીધો.
એ વાઈટ ડ્રેસમાં હતી. પહેલેથી જ વાઈટ ડ્રેસ મારી કમજોરી રહ્યો છે. મેહુલસર પોતાનાં કિસ્સા સંભળાવતા ત્યારે પણ તેઓ વાઈટ ડ્રેસનો વર્ણન કરતાં. આરાધનાએ મારી પસંદ વિશે પણ જાણી લીધું હશે કદાચ.
“નાઇસ, બ્લેક મર્સીડી” મર્સીડી નજીક આવતાં તેણે નેણ નચવતાં કહ્યું. મેં સ્માઈલ કરી.
“જોયા જ કરીશ કે અંદર પણ આવીશ ?”
એ કારમાં બેઠી. તેની નજર આસપાસ ફરતી હતી.
“શું જુએ છે ?” મેં પુછ્યું.
“પહેલીવાર મર્સીડીમાં બેસું છું” એ સંકોચ સાથે હસી, “ કાર કેવી હોય છે એ જોઉં છું”
“મર્સીડીવાળા જોડે લગ્ન કરી લે” કાર ચલાવતાં મેં કહ્યું, “રોજ બેસવા મળશે”
“ મર્સીડી કરતાં પોતાની ઈજ્જત વધુ વ્હાલી છે મને” તેણે કહ્યું. આ વાત કહેતાં સમયે મારી નજર તેનાં ચહેરા પર હતી. એ ખોટું બોલી રહી હોય એવાં કોઈ ભાવ મને નજરે ન ચડ્યા. એ શા માટે મારી સાથે આવું કરે છે એ પૂછવાની મને ઈચ્છા થઈ, પણ મેં ધીરજથી કામ લીધું.
“વાઈટ ડ્રેસમાં સુંદર લાગે છે તું” મેં ટોપિક બદલ્યો.
તેણે મારાં તરફ ચહેરો ઘુમાવ્યો, ચહેરાને હડપચીએ ટેકવ્યો, “ ઈરાદો શું છે ઓફીસર ?, મર્સીડીવાળા સાથે લગ્ન કરવાની વાત કરો છો, ડ્રેસનાં વખાણ કરો છો”
હું હસી પડ્યો.
“મારો ઈરાદો તો સારો છે, તારો ઈરાદો નથી સમજાતો મને” મેં ટોન્ટ માર્યો. એ ચૂપ થઈ. હું શું પુછવા ઇચ્છતો હતો એ કદાચ તેને ખબર પડી ગઈ હશે.
“મારો ઈરાદો પણ ખરાબ નથી, કદાચ” તેણે કદાચ શબ્દ પર વધુ ભાર આપ્યો. એ આગળ શું બોલે છે એ સાંભળવા હું ઇચ્છુક હતો. થોડીવાર આમ જ ચૂપકીદી છવાઈ રહી.
“ CID માં ક્યાં હોદ્દા પર છે તું ?” તેણે મૌન તોડ્યું, “અને કાલે ક્યાં જવાનું છે ?”
“ એ હું ન જણાવી શકું” મેં કહ્યું, “સુરક્ષાનો સવાલ છે”
“તારાં વિશે તો જણાવી શકે ને ?, કેવી રીતે CID જોઈન કરી, પરિવાર વિશે, પ્રેમ પ્રકરણ વિશે”
“મારાં મમ્મી-પપ્પાને મેં જોયા જ નથી, મારું બાળપણ અનાથ આશ્રમમાં વિત્યું. એક દિવસ કંટાળીને ત્યાંથી ભાગી ગયો, હું ફૂટપાથ પર સૂતો, મજૂરી કરતો. એક દિવસ ટ્રાફિક સિગ્નલ પર એક CID ઓફિસરની મારાં પર નજર પડી. મારાં કરતવ જોઈને તેણે મને ટ્રેનિંગ આપી અને હું CIDમાં આવી ગયો. પ્રેમ પ્રકરણની બાબતમાં હું અભણ છું. આજ સુધી વિચાર્યું જ નથી અથવા સમય જ નથી મળ્યો”
એ મારી સામે એકીટશે જોઈ રહી.
“શું થયું ?” મેં હસીને કહ્યું, “હું કોઈ ઈમોશનલ સ્ટૉરી નથી કહેતો”
એ સહેજ હસી, “માણસ ધારે તો કંઈ પણ કરી શકે છે, તું એનું જીવંત ઉદાહરણ છે”
“મેં તો કંઈ ધાર્યું જ નહોતું, નસીબની વાત છે” મેં ફરી વાત બદલવાના ઈરાદાથી કહ્યું, “તું ચોરી કરવાનાં ઈરાદાથી મારી કારમાં બેસીશ, વસ્તુ પાછી આપીશ અને આજે મારી સાથે લોન્ગ ડ્રાઇવ પર આવીશ એ પણ નહોતું ધાર્યું”
તેણે માત્ર હકારમાં માથું ધુણાવ્યું. ઘણીવાર એવું થાય છે, આપણે વાતો ઘણી કરવી હોય છે પણ શબ્દો નથી મળતાં, શબ્દો મળે તો તેની ગોઠવણી નથી થતી અને જો એ પણ થાય તો વાતાવરણ મૌન રહેવા ઈશારો કરે છે. અત્યારનો માહોલ કંઈક જુદો હતો, પહેલી નજરે પસંદ આવી ગયેલી એક છોકરી મારી સાથે હતી. એ શા માટે મારી નજીક આવવા ઇચ્છતી હતી એ મારા માટે એક રહસ્યની વાત હતી. હું તેની પાસેથી જ આ રહસ્ય જાણવા ઇચ્છતો હતો.
“આપણે ક્યાં જઈ રહ્યા છીએ ?” આરાધનાએ પૂછ્યું.
“મારાં જુનાં ઘરે” મેં તેની તરફ નજર કરી. એ સાઈડ મીરરમાં વાળ સવારતી હતી.
“ઘરે શું કામ જઉં છે ?” આરાધનાએ શંકા ભરી નજર મારાં પર ફેંકી, “કોઈ પબ્લિક પ્લેસ પર જઈએને !”
“ડોન્ટ વરી, એ પબ્લિક પ્લેસ જ છે” મેં હળવું હાસ્ય કર્યું, હું તેની વાતનો મર્મ સમજી રહ્યો હતો. એ પોતાને અનસેફ ફિલ કરતી હતી, “આપણે અનાથ આશ્રમમાં જઈએ છીએ, હું પાંચ વર્ષ સુધી ત્યાં રહ્યો હતો. આજે સમય મળ્યો છે તો મુલાકાત લેવાની ઈચ્છા થઈ”
“ઓહહ” તેણે હાશકારો અનુભવ્યો, “તો ઠીક છે”
થોડીવારમાં અમે અનાથ આશ્રમમાં પહોંચી ગયાં. વિઘા એકમાં ફેલાયેલા આ અનાથ આશ્રમથી જ મારું જીવન શરૂ થયું હતું.
“ હું દસ વર્ષનો હતો ત્યારે અમદાવાદથી અહીં આવેલો, અહીં જ મારું બાળપણ વિત્યું છે” અમે લાકડાની નાની ખડકી ખોલીને અંદર પ્રવેશ્યાં. અનાથ આશ્રમનું રીનોવેશન ચાલતું હતું. કાચા જર્જરિત મકાનોની જગ્યાએ હવે પાકા સ્લેબવાળા મકાન બનવા જઈ રહ્યાં હતાં.
“અક્ષય” સામેથી રાજુકાકા આવ્યાં. મેં તેનાં ચરણ સ્પર્શ કર્યા.
“સારું થયો તું આવી ગયો” કાકાએ કહ્યું, “એક બે દિવસમાં હું તને સામેથી ફોન કરવાનો હતો”
“કામમાં હતો એટલે બે દિવસ મોડું થઈ ગયું કાકા” સ્યુટમાંથી ચૅક બહાર કાઢીને મેં કાકાને ધર્યો.
“તારાં ભરોસે જ આ આશ્રમ ચાલે છે બેટા” કાકાએ કહ્યું.
“એવું ના બોલો કાકા, હું તમારો દીકરો છું. આ મારું ઘર છે અને રૂપિયા આપીને હું કોઈ અહેસાન નથી કરતો”
“હમેશાં આગળ વધતો રહે” કાકાએ આશીર્વાદ આપ્યા.
“આ મારી દોસ્ત આરાધના છે” મેં આરાધના તરફ જોઈને કહ્યું, “આશ્રમની મુલાકાતે આવી છે, ભવિષ્યમાં આ પણ તમને મદદ કરશે”
“તારી દોસ્તને આશ્રમ નહિ બતાવે ?” કાકાએ કહ્યું, “રીનોવેશનનું કામ ચાલુ છે એટલે બધાં બાળકોને બીજા આશ્રમમાં મોકલી આપ્યાં છે એટલે સુનુસૂનું લાગશે પણ તારી પાસે તારી યાદો તાજા કરવાનો આ એક મોકો છે”
“અમે આવીએ થોડીવારમાં” મેં કહ્યું, “ચાલ આરાધના, તને આશ્રમ બતાવું”
“હું આ ઓરડીમાં રહેતો” મેં એક ખંડેર થઈ ગયેલી ઓરડી તરફ ઈશારો કર્યો, “ આ ઓરડીમાં અમે પાંચ છોકરાં રહેતાં. બધા જ તોફાની”
આરાધનાએ ડોકું ધુણાવ્યું. એ કંઈક વિચારમાં ખોવાયેલી લાગતી હતી.
“આ અમારું બાથરૂમ” ચારેક મીટર જેટલાં લાંબા પથ્થર તરફ ઈશારો કરીને હું હસ્યો, “કાકા બહાર ગયાં હોય એટલે પથ્થરને પલાળી અમે પેલી જગ્યાએથી લપસીને આવતાં”
“નાઇસ, “ આરાધના મલકાઈ, “અત્યારે તને જોઈને કોઈ કહી ના શકે કે તારું બાળપણ એક અનાથ આશ્રમમાં વિત્યું હશે”
“ હું ગમે ત્યાં પહોંચી જાઉં, આ આશ્રમને હું કોઈ દિવસ નહિ ભૂલું”
આરાધનાનો ફોન રણક્યો એટલે વાત કરવા થોડે દુર ચાલી ગઈ. ત્યાં સુધી હું પથ્થર પર બેસીને યાદો વાગોળતો રહ્યો.
“બોયફ્રેન્ડ ?” એ આવી એટલે ઉભા થતાં મેં પૂછ્યું.
“નૉ વે, બેન હતી. ક્યાં છું એ પુછતી હતી”
અમે આગળ ચાલ્યાં. આગળ ખંડેર થઈ ગયેલી ચાર ઓરડી હતી. ઉપરથી છાપરું તોડી નાખવામાં આવ્યું હતું.
“અહીં હું સૂતો” મેં ખૂણામાં આંગળી ચીંધીને કહ્યું, અમે ઓરડીમાં હતા, “ત્રણ ચાદરમાં અમે પાંચ દોસ્તો ચલાવતાં”
“હું જ્યારે પણ અહીં આવું છું ત્યારે પોતાની નજર સામે એ જ ફાટેલા કપડાંવાળા અક્ષયને જોઉં છું, જે માતા-પિતાનાં પ્રેમ માટે તરસતો હતો. જેને પરિવાર શું કહેવાય એ ખબર જ નહોતી. રાજુકાકાને જ પોતાનાં પિતા સમજતો અને અહીં રહેતાં બાળકોને જ પોતાનાં ભાઈ-બહેન માનતો” મારો અવાજ ભારે થઈ ગયો હતો. હું આરાધનાને શા માટે આ બધું કહેતો હતો એ મને નથી ખબર પણ હું પહેલીવાર કોઈની સામે પોતાનાં દિલમાં રહેલી વાતો કરતો હતો.
“અક્ષય” આરાધનાએ ધીમેથી કહ્યું, “તું ઠીક છે ને ?”
હું હળવું હસ્યો, જે માણસ ધૂળમાંથી ઉભો થયો હોય અને પોતાને અત્યારે ત્યાં જ જોતો હોય તો કેવી રીતે એ ઠીક રહી શકે ?
“જઈએ હવે ?” મેં પૂછ્યું.
“હા, સ્યોર”
રાજુકાકાને મળી અમે આશ્રમમાંથી નીકળી ગયાં. રસ્તામાં આરાધના કંઈ ના બોલી. એ વિચારોમાં ખોવાયેલી હતી.
“સેલ્ફી” મેં કહ્યું, “સેલ્ફી લેવાની બાકી રહી ગઈ”
તેણે સ્મિત કર્યું, મેં તેની તરફ મોબાઈલ ધર્યો.
“વોટ્સએપ કરી દેજે, ડોક્યુમેન્ટ ફાઈલમાં” સેલ્ફી લઈ તેણે મોબાઈલ પાછો આપતાં કહ્યું.
“કેટલા દિવસ માટે બહાર જાય છે તું ?” તેણે પૂછ્યું.
“નક્કી નથી” મેં કહ્યું, “કેમ ?”
“મારે ડ્રાઇવિંગ શીખવું છે” આરાધનાએ કહ્યું, “તું શીખવાડીશ ?”
“વાય નૉટ !!” મેં કહ્યું, “પણ એ માટે ફીસ જોઈએ”
“કેટલી લેશો ?”
“ડિનર ?” મેં પૂછ્યું, “તારાં તરફથી”
“ડન” તેણે કહ્યું.
મેં તેને જ્યાંથી પિક કરી હતી ત્યાં જ ડ્રોપ કરી દીધી. અમારી એક કલાકની મુલાકાત આમ તો ફોર્મલ હતી પણ આ મુલાકાત એક નવા સંબંધનો નવો પાયો હતો. આરાધના શા માટે આવું કરી રહી હતી એ જાણવા તેને હું કમ્ફર્ટ ઝોનમાં લેવાની કોશિશ કરતો હતો. મને વિશ્વાસ હતો, એક દિવસ એ મને બધી વાતો કહેશે.
(ક્રમશઃ)
નવલકથા કેવી લાગે છે તેનાં મંતવ્યો અચૂક આપજો જેથી આગળ લખવાની પ્રેરણા મળી રહે. શેર કરવા યોગ્ય લાગે તો નવલકથાની લિંક શેર પણ કરજો. મારી અન્ય નવલકથા સફરમાં મળેલ હમસફર ભાગ – 1 – 2, વિકૃતિ, જૉકર, ભીંજાયેલો પ્રેમ વગેરે મારી પ્રોફાઇલમાં છે જ સમય મળે તો એ પણ વાંચજો. આભાર.
- મેર મેહુલ
Contact info.
Whatsapp No. – 9624755226
Instagram - mermehul2898