કલાકાર - 4 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

કલાકાર - 4

કલાકાર ભાગ – 4
લેખક – મેર મેહુલ

અક્ષયે મેહુલની ઑફિસનો દરવાજો ખોલ્યો. અંદર પલ્લવી અને મેહુલ ચર્ચા કરી રહ્યાં હતાં.
“આવ A.k , તારી જ રાહ જોતાં હતાં” મેહુલે અક્ષયને આવકારતાં કહ્યું. અક્ષય અંદર પ્રવેશ્યો, ધીમેથી બારણું બંધ કરી, પલ્લવીની બાજુની ખુરશી પાસે આવી ઉભો રહ્યો.
“બેસ” મેહુલે ઈશારો કરીને કહ્યું અને પોતે ઉભા થઇ ગયાં.
“તને એક ખાસ મકસદથી બોલાવવામાં આવ્યો છે, આ વખતે દુશ્મન તગડો છે. પુરી CID ટિમ પર એવી મુસીબત આવી પડી છે જેને દૂર કરવામાં ન આવી તો મોટું નુકસાન થશે” મેહુલે કહ્યું.
“પહેલી ના બુજાવો સર. વાત શું છે એ કહો” અક્ષયે કહ્યું.
“ચાલ મારી સાથે” કહેતાં મેહુલ અક્ષયને મિટિંગરૂમમાં લઈ ગયાં. પલ્લવીએ પ્રોજેક્ટર શરૂ કરી રિમોટ મેહુલનાં હાથમાં આપ્યું.
“એક મહિના પહેલાં CID ની વેબસાઈટ પર ન સમજી શકાય એવા બગ આવ્યાં હતાં. તેને સોલ્વ કરવા માટે સાઈટને એક દિવસ બ્લૉક કરવામાં આવી હતી. એક દિવસ પછી જ્યારે સાઇટ શરૂ થઈ ત્યારે માલુમ પડ્યું કે એ બગ નહોતાં, હેકરની એક ચાલ હતી. કેવી રીતે ખબર નહિ પણ તેઓએ મેઈન કોમ્પ્યુટરમાંથી બધો જ ડેટા ચોરી લીધો છે. જેમાં બધાં જ ઓફિસરનો ડિટેલ, મિશનની ડિટેલ, શંકાના દાયરામાં જે લોકો હતાં તેઓની ડિટેલ અને ઘણી બધી એવી માહિતી ચોરી લેવામાં આવી છે જે પબ્લિક સામે ન બતાવી શકાય.
ડેટા ચોરી થયાં પછી તેઓએ સાઇટ બ્લૉક કરી દીધી હતી અને હૅકરને શોધવા ઘણી કોશિશ કરી. જે જગ્યાએથી આ બધું ઓપરેટિંગ થતું હતું એનું લોકેશન તેઓને મળવાનું જ હતું એ પહેલાં બધો ડેટા બીજી ડિસ્કમાં ટ્રાન્સફર કરી લીધો જેને કારણે તેઓનો કોન્ટેકટ તૂટી ગયો.
વાત ડેટા ચોરી થવા સુધી સીમિત નથી રહી, ડેટા ચોરાયાના બીજા જ દિવસે CID નાં એક ઓફિસરની હત્યા થઈ ગઈ. તેની ડેડબોડી સાથે એક સંદેશો આવ્યો જેને પુરી CID ટીમને હચમચાવી દીધી. એ લોકો પાસે ઓફિસરોનો જે ડેટા પહોંચ્યો હતો તેમાંથી દરરોજ એકની હત્યા કરવાની ધમકી આપી હતી.
છેલ્લાં પંદર દિવસમાં આઠ કાબેલ ઓફિસરોની હત્યા થઈ છે. આ આંકડો વધે નહિ એ માટે બધાને પોતાનું કામ અટકાવી સુરક્ષિત રહેવા હુકમ કરી દીધો છે. તેઓ પોતાનાં ઘરે નથી જઈ શકતાં.
દુશ્મન કોણ છે એ ખબર હોય તો કોઈ પણ હાલતે એને પકડી લઈએ પણ આ વખતે દુશ્મન કોણ છે એ જ નથી ખબર”
“કોઈ એવી વાત કહો કે કોઈ એવું સુરાખ આપો જ્યાંથી હું શરૂઆત કરી શકું” અક્ષયે ઊંડો શ્વાસ લઈને કહ્યું.
“CIDનો એક કાબેલ ઑફિસર મયુર, જેણે ઘણાં બધાં મિશન સફળતાંપૂર્વક પાર પાડ્યા છે તેની હત્યા થઈ એની દસ મિનિટ પહેલાં તેનો કૉલ આવ્યો હતો. તેની પાસે કોઈ એવું સબુત હતું જે દુશ્મન તરફ આંગળી ચીંધતુ હતું. જ્યારે એ સબુત તેનાં હાથમાં આવ્યું ત્યારે દુશ્મનને જાણ થઈ ગઈ અને તેઓ તેની પાછળ દોડ્યા. પોતે નહિ બચી શકે તેની જાણ થતાં તેણે એ સબુત એક છોકરીને આપી દીધું અને CID સુધી પહોંચાડવા કહ્યું પણ એ છોકરી હજી સુધી અહીં પહોંચ્યો નથી. અમે તેને પણ શોધીએ છીએ”
“એ સબુત ક્યાં સ્વરૂપે છે એ ના જણાવ્યું ?”
“તેનો કૉલ રેકોર્ડ થતો હતો, તને તો ખબર જ છે, એજન્ટનાં નામ કોડવર્ડમાં હોય છે. તેણે 0857 કોડ આપ્યો અને એ નામ વાળા વ્યક્તિને મળવા કહ્યું”
“મતલબ અમિષા નામની છોકરીને શોધવાની છે” અક્ષયે કહ્યું.
“વાહ, હજી બધા કોડ યાદ યાદ છે ?”
“મયુરની હત્યા ક્યાં થઈ હતી ?” અક્ષયે એવી રીતે પૂછ્યું જાણે તેણે મેહુલની વાત સાંભળી જ ન હોય.
‘હજી એવોને એવો જ છે’ મેહુલે મનમાં કહ્યું.
“સર્કિટ હાઉસના સર્કલ પાસે, રોડ નંબર 5, સમય 11.45pm”
“ તો શરૂઆત ત્યાંથી જ કરીશું, કદાચ ત્યાં આજુબાજુમાં એ લોકોનો અડ્ડો હોય” અક્ષયે કહ્યું.
“ CIDનાં બધા જ ઓફિસરોની માહિતી એ લોકો પાસે છે માટે આ મિશનમાં તારી સાથે બધા ફ્રેશરો હશે માટે પુરા મિશનમાં તારો જ મહત્વનો રોલ છે” મેહુલે પલ્લવી તરફ નજર કરીને કહ્યું. પલ્લવી છેલ્લી કેટલીક મિનિટથી પૂતળું બનીને બધું સાંભળતી હતી.
“ક્યારે આવે છે એ લોકો ?” મેહુલે પુછ્યું.
“સર, દસ વાગ્યે બોલાવ્યા છે” પલ્લવીએ મૌન તોડતાં કહ્યું.
“ત્યાં સુધીમાં અક્ષયને કેસ સ્ટડી કરાવી લે, એ લોકો આવે એટલે મને બોલાવી લેજે” મેહુલે કહ્યું અને પોતાની ઓફિસમાં ચાલ્યાં ગયાં.
મેહુલનાં ગયાં પછી પલ્લવીએ ડ્રોવરમાંથી ત્રણ ફાઇલ કાઢી ટેબલ પર રાખી અને અક્ષયની સામે આવીને બેસી ગઈ. પલ્લવીએ પહેલી ફાઇલ ખોલી અક્ષય તરફ ફેરવી કહ્યું, “આ ફાઈલમાં એ ઓફિસરોની માહિતી છે જેઓની ડેટા ચોરી થયા પછી હત્યા થઈ છે. તેઓને ક્યાં અને કેવી રીતે મારવામાં આવ્યાં એ બધી માહિતી આમાં છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ સાથે”
અક્ષયે એ ફાઈલને સાઈડમાં ધકેલી બીજી ફાઈલ હાથમાં લીધી.
“આ ફાઈલમાં છેલ્લા ત્રણ મહિનામાં જેટલાં સાયબર એટેક થયાં તેની માહિતી છે. કોણે, ક્યાં હેતુથી, કેવી રીતે સર્વર હેક કર્યા તેની સાથે” પલ્લવી પદ્ધતિસર અક્ષયને માહિતી આપતી હતી.
“જે ઓફિસરની હત્યા થઈ છે, તેઓએ ક્યાં ક્યાં મિશન કર્યા તેની માહિતી મળશે ?” અક્ષયે પૂછ્યું.
“બિલકુલ સર, સાંજ સુધીમાં એ ફાઇલ પણ તૈયાર કરીને તમને આપી દઈશ”
“ગુડ, જે લોકો આ મિશનમાં છે તેઓનું બેકગ્રાઉન્ડ જાણવા મળશે ?”
“ સૉરી સર, એ ફાઇલ મેહુલસર પાસે છે અને તેઓએ કહ્યું છે કે એ તમને તેઓની માહિતી આપશે”
“વાંધો નહિ, હું ફ્રેશ થઈને આવું” કહેતાં અક્ષય ઉભો થયો.
“આગળ જતાં ડાબી બાજુ” ઉતાવળથી પલ્લવીથી બોલાય ગયું. અક્ષય ભૂતપૂર્વ એજન્ટ હતો એ તને યાદ ન આવ્યું.
“થેંક્યું” અક્ષયે સ્મિત સાથે કહ્યું અને સ્યુટ વ્યવસ્થિત કરતો બહાર નીકળી ગયો. અક્ષયનાં ગયા પછી પલ્લવીએ દાંત વચ્ચે જીભ દબાવી, પોતાને જ ખિજાતાં બોલી, “ એવું શું બોલવાની જરૂર હતી”
*
દસ વાગવામાં પાંચ મિનિટ બાકી હતી. પલ્લવીએ પુરી તૈયારી કરી લીધી હતી. જે નવા ઓફિસરો આવવાનાં હતા તેઓને ફોન કરી સમયસર આવવા જણાવી દીધું હતું. અક્ષય લોબીમાં ઉભો રહીને કંઈક વિચારતો હતો.
“સર, તમને બોલાવે છે” પાંચ મિનિટ પછી પલ્લવી આવીને કહી ગઈ એટલે અક્ષયે સ્યુટ વ્યવસ્થિત કરીને અંદર ગયો.
મિટિંગ રૂમમાં કુલ છ લોકો હજાર હતાં. જેમાંથી ત્રણ નવા ઑફિસર હતા અને બાકીના ત્રણ પલ્લવી, મેહુલ અને અક્ષય હતાં. અક્ષય ટેબલ પાસે આવી ખુરશી પર બેસી ગયો.
“તમે લોકોને અહીં શા માટે બોલાવવામાં આવ્યા છે એ પલ્લવીએ તમને જણાવી જ દીધું હશે”મેહુલે શરૂઆત કરી, “ પહેલાં સૌને ઇન્ટ્રોડ્યુસ કરી દઉં, આગળની વાત પછી કરીશું”
“ હું મેહુલ, CID માં ત્રીસ વર્ષનાં અનુભવ બાદ ક્રિષ્ના એજન્સી જે અર્ધસરકારી સંસ્થા છે તેનો વડો બન્યો છું. આ સંસ્થા CIDનો જ એક હિસ્સો છે અને આ જવાબદારી હું છેલ્લાં દસ વર્ષથી નિભાવુ છું. મારી લાઈફમાં મેં પહેલું જ મિશન સફળતા પૂર્વક પૂરું કર્યું હતું. જેમાં રણજીતસિંહ નામનાં ભૂતપૂર્વ CID ઓફિસરને મેં એક્પોઝ કર્યા હતાં. ત્યારબાદ મને CIDમાં જોઈનિંગ મળી ગયું અને અત્યાર સુધી ઘણાં બધાં કેસ સોલ્વ કરી ચુક્યો છું.
અહીં હાજર બધાં લોકો એવાં છે જેણે પોતાનાં દમ પર કંઈક કર્યું છે, જેણે એકલાં હાથે દુશ્મનને ધૂળ ચટાવી છે. સૌથી પહેલાં વાત કરીએ વિહાન દિવેટિયાની, વિહાને કૉલેજ કાળ દરમિયાન મી.મહેતા નામના વ્યક્તિને એક્સપોઝ કર્યો હતો. ત્યારબાદ જૈનીત જોશી, જેણે સુરતમાં ચાલતાં સેક્સ રેકેટને એક્સપોઝ કર્યું હતું. તેણે સિસ્ટમ સામે સીધી બાથ ભીડી હતી તેનાં પરથી એ નીડર, કુશળ અને પ્રામાણિક એજન્ટ બનવાની લાયકાત ધરાવે છે.
જૈનીત બાદ પહેલીવાર એક એવી યંગ લેડીની વાત કરવા જઈ રહ્યો છું, જે ખુબસુરત પણ છે અને ચાલાક પણ. યસ, શી ઇસ મીરા. મીરા દુશ્મન પાસેથી આસાનીથી માહિતી મેળવી શકે છે. તેની ખુબસુરતી જ તેનો હથિયાર છે. ભવિષ્યમાં જ્યાં તાકાતથી નહિ પણ મગજથી કામ લેવાનું હોય ત્યાં મીરાં કામ લાગશે. મીરાં કરાટે ચેમ્પિયન છે. મુસીબત આવતાં એ નારી માંથી નારાયણી બનવાની તાકાત રાખે છે.
પલ્લવીને તો સૌ ઓળખો જ છો. પલ્લવીએ પણ શૂટિંગમાં ગોલ્ડ મેડલ મેળવેલ છે. તેનો અભેદ નિશાનો દુશ્મનની છાતી વીંધવા સક્ષમ છે.
છેલ્લે આપણાં મિશનના લિડર વિશે વાત કરું. અક્ષય ઉર્ફે A.k., માફિયાઓનો યમરાજ. અક્ષય જ્યાં સુધી એજન્ટ હતો ત્યાં સુધી માફિયાઓ માથું ઊંચું નહોતાં કરી શકતાં. A.k.નાં નામથી પૂરું માફિયા ધ્રુજતું. આજ સુધી અક્ષયે એક પણ મિશનમાં મને નિરાશ નથી કર્યો અને આગળ પણ એ જ અપેક્ષા છે”
બધા વિશે માહિતી આપ્યાં બાદ મેહુલ પાણી પીવા માટે અટક્યા.પાણીનાં બે ઘૂંટ ભરી વાત આગળ ધપાવી.
“વાત ક્લિયર છે, જો થોડાં જ દિવસોમાં આ કોણે કર્યું એ ખબર નહિ પડે તો મારે આગળ વાત કરવી પડશે. પછી એ લોકો સંભાળશે. એમ કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી પણ વાત મારાં ઓફિસરોની છે. CID મારો પરિવાર છે, આઠ ઓફિસરોનો હું ખોઈ ચુક્યો છું. આ આંકડામાં વધારો ન થાય એવી તમારી પાસે આશા રાખું છું”
સૌએ હકારમાં માથું ધુણાવ્યું.
“તમે લોકો બહાર રાહ જુઓ, મારે અક્ષય સાથે એકાંતમાં વાત કરવી છે” મેહુલે કહ્યું, “આગળ શું કરવું એ અક્ષય અને પલ્લવી તમને જણાવશે”
બધા ઊભાં થઈને બહાર ગયા એટલે મેહુલ અક્ષયની નજીક આવ્યાં. પોકેટમાં હાથ નાખી તેણે એક બોક્સ બહાર કાઢ્યું.
“યાદ છે તને?, આ પેન્સિલ આપવવાનાં બહાને જ હું તને અહીં લઈ આવ્યો હતો. ત્યારે મને તારી તાકાત વિશે જરાય અંદાજો નહોતો. આજે દસ વર્ષ પછી હું જ્યારે એ અઢાર વર્ષના અક્ષયને જોઉં છું ત્યારે બધું કેવી રીતે બદલાયું એ
મારી આંખો સામે તરે છે. તે મારી બધી વાત કોઈ પણ પ્રશ્ન વિના સ્વીકારી લીધી છે. તારાં ભૂતકાળ વિશે હું વાકેફ છું. હું કશું ના કરી શક્યો એનું મને દુઃખ છે. આ મિશન પૂરું થાય પછી આપણે બંને હસ્તગીરી જઈશું, મારે પણ તારી પ્રિયતમાને મળવું છે”
“તો તમે એ બધું સાંભળતાં હતાં ?” અક્ષયે અચરજથી મેહુલ સામે જોયું. મેહુલ હળવું હસ્યાં.
“ તારાથી બમણી ઉંમરનો છું, તું જે ના બોલે એ પણ હું સાંભળી શકું છું”
અક્ષયે સ્મિત સાથે મેહુલની વાતનું અભિવાદન કર્યું.
“બીજી ઘણીબધી વાતો આપણે નિરાંતે કરશું, આ છોકરાઓ હજી નવા છે. તેનામાં જોશ અને જુનૂન બંને હશે. તું એને રસ્તો બતાવીશ તો ચોક્કસ તારી મદદ કરશે. સંભાળીને રાખજે મારાં રત્નોને”
અક્ષયે હકારમાં માથું ધુણાવ્યું.
“હું એ લોકોને અંદર મોકલું છું” કહેતાં મેહુલ બહાર નીકળી ગયાં.
(ક્રમશઃ)
કોણ છે એ અજાણ્યો દુશ્મન?, શા માટે એ CID ઓફિસરોની હત્યા કરી રહ્યો છે?, આ કામ એક જ વ્યક્તિનું છે કે પછી તેની પાછળ ગેંગ છે? ઘણાબધાં રહસ્યો ઉજાગર થશે. બસ વાંચતા રહો. કલાકાર.
સ્ટૉરી લખવાનું કામ લેખકનું હોય છે અને મંતવ્યો આપવાનું કામ..હાહા..તમે સમજી જ ગયાં હશો.
- મેર મેહુલ
Contact info - 9624755226

રેટ કરો અને રિવ્યુ આપો

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

nisha prajapati

nisha prajapati 2 વર્ષ પહેલા

Niketa

Niketa 2 વર્ષ પહેલા

Rojmala Yagnik

Rojmala Yagnik 2 વર્ષ પહેલા

Bhavesh Sindhav

Bhavesh Sindhav 2 વર્ષ પહેલા