કલાકાર - 1 Mehul Mer દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કલાકાર - 1

કલાકાર
લેખક – મેર મેહુલ

:: પ્રસ્તાવના ::

પ્રેમકથાઓ ઘણી લખી, હવે વાંચકોના પણ મૅસેજ આવે છે કે કોઈ જુદાં વિષય પર તમારું લેખન-કૌશલ્ય અજમાવો. વાંચકોનાં મંતવ્યોને ધ્યાનમાં રાખી, સ્વ-ઇચ્છાએ આજે પ્રેમકથાથી હટકે બીજા વિષય પર નવલકથા લખવા જઈ રહ્યો છું. જો કે લક્ષણો જન્મજાત હોય છે એટલે એ વિષયને જાળવીને બીજા વિષયમાં જંપલાવ્યો છું.
કલાકાર જન્મતાં નથી, બને છે. ચાંદની ચોક ટુ ચાઈનામાં કહ્યું એ મુજબ માણસમાં એક એવી ખૂબી હોય છે જે તેને બીજા માણસથી જુદાં તારવે છે. જો માણસ એ ખૂબીને શોધી આગળ વધે તો પોતાનાં લક્ષને સાધી શકે છે, આપણી ભાષામાં પેશન શોધવા જેવું છે. જેને પેશન મળી જાય છે તેનો બેડો પાર થઈ જાય છે.
પણ કોઈ દિવસ વિચાર્યું કે એક એવો માણસ જેમાં પેશન ફૂટી ફૂટીને ભર્યું હોય. એક એવો માણસ જે બધાં જ સેકટરમાં પાવરધા હોય. જેનું મગજ એટલું તેજ હોય કે એ ગણતરીની સેકેન્ડમાં નિર્ણય લઈને અમલ કરી શકતો હોય.
આવા માણસને તમે શું કહેશો?, કોમન મેન?,
જવાબ હશે ના, તો?
કલાકાર જ કહેવાયને?
વાર્તાનો વિષય શું છે એ અત્યારે જ જણાવી દઈશ તો વાંચવાની મજા નહિ આવે માટે સસ્પેન્સ બરકરાર રહે એ માટે તેનાં પર પ્રકાશ નથી પાડતો.
લેખક તરફથી કહું તો વાસ્તવિક જીવનમાં લગભગ કોઈ સંપૂર્ણપણે કલાકાર નથી હોતું, માટે શબ્દોની કે વ્યાકરણની ભૂલો રહી જાય તો ક્ષમા યાચના.
તો ચાલો આજે નવા અધ્યાય સાથે નવલકથાની શરૂઆત કરીએ.

ભાગ – 1

“હેય અક્કી, સરપ્રાઈઝ!!!, હેપ્પી બર્થડે માય લવ. હું જાણું છું તું સૂતો હશે. મને ઊંઘ નથી આવતી. તારા બર્થડે પર હું તારી સાથે નથી પણ આ દિવસ લાઈફમાં તું ક્યારેય નહીં ભૂલી શકે. આજે તું શ્વાસ નહિ લઈ શકે એટલી તને ડિસ્ટર્બ કરવાની છું. આ પહેલું રેકોર્ડીંગ છે. અત્યારે બાર વાગ્યાં છે, આવતાં ચોવીસ કલાકમાં તને દર ત્રણ કલાકે એક સરપ્રાઈઝ ગિફ્ટ મળશે અને સાથે એક રેકોર્ડિંગ. તો સીટ બેલ્ટ બાંધીને તૈયાર થઈ જા, હું તને લોન્ગ ડ્રાઈવ પર લઈ જાઉં છું. હાહા.. તે જ મને કાર શીખવી હતી યાદ છે?, હું એ દિવસો મિસ કરું છું. તને મિસ કરું છું.
આઈ નૉ, હું થોડી સેન્ટી થાઉં છું પણ સાચે મને તારાં વિના નથી ગમતું. મારી ટ્રેનિંગ પુરી થાય એટલે આપણે જલ્દી જ મળીશું. બોવ બધી વાતો કરવી છે તારા જોડે, તને વ્હાલ કરવું છે. તને આલિંગન કરીને કલાકો સુધી દરિયા કિનારે બેસવું છે, તારાં એ ચુંબનનો સ્વાદ ફરી માણવો છે.
વધુ બોલીશ તો રડી પડીશ અને તે મને રડવાની ના પાડી છે એટલે વધુ નથી બોલતી. ફરી એકવાર હેપ્પી બર્થડે, લવ યુ જાન”
અક્ષયે રેકોર્ડીંગ બંધ કર્યું, ફોન બાજુમાં રાખી બેડ પરથી નીચે ઉતર્યો. બાલ્કનીમાં જઈ આળસ મરડી અને બોક્સરનાં ગજવામાંથી સિગરેટ કાઢીને બહારનું દ્રશ્ય નિહાળવા લાગ્યો.આજે તેનો જન્મદિવસ હતો, ખાસ દિવસ.
અક્ષયે સિગરેટ સળગાવી એટલે તેનો ડોગી બુઝો દોડી આવ્યો અને તેનું બોક્સર પકડીને ખેંચવા લાગ્યો.
“હા બુઝો મને ખબર છે, એણે સિગરેટ પીવાની ના પાડી છે એ મેં જ તને કહ્યું હતું” અક્ષયે નીચે બેસીને બુઝોના કાન પાસે હાથ ફેરવ્યો.
બુઝો એ બે પગ ઊંચા કરીને અક્ષયના હાથમાંથી સિગરેટ પડાવી દીધી.
“બુઝો, હેરાન ના કર. કહ્યુંને આજે જરૂર છે મને, નહીંતર તે જોયો છે મને સિગરેટ પીતા?”
બુઝો તો પણ ના સમજ્યો. સિગરેટને પગ વડે ચૂંદી એ ફરી અક્ષય પાસે આવીને પૂંછડી પટાવવા લાગ્યો.
“બુઝો, આજે એને મળવા જવાનું છે. આજે સ્પેશ્યલ દિવસ છે એટલે હું નર્વસ છું અને તું મારો દોસ્ત છે ને?, જો પેલાં ટેબલ પાસે તારો નાસ્તો રાખ્યો છે, તું નાસ્તો કરી લે” અક્ષયે બુઝોને ઈશારો કરીને અંદર મોકલી દીધો.
બુઝોનાં ગયાં પછી તેણે બીજી સિગરેટ કાઢી સળગાવી.અક્ષયનાં ગળામાં સિલ્વર ચેઇનમાં એક લોકેટ હતું. તેણે એ લોકેટ ઉતારી હાથમાં લીધી. લોકેટ ખોલી શકાય એવું હાર્ટ શેપનું હતું, તેમાં અક્ષય અને તેની પ્રિયતમાનો ફોટો હતો. બે વર્ષ પહેલાં અક્ષયને આ સરપ્રાઈઝ ગિફ્ટમાં મળેલું હતું. બુઝો પણ એ એક સરપ્રાઈઝ ગિફ્ટનો હિસ્સો હતો.
અક્ષય તેમાં રહેલાં બંનેના ફોટોને જોઈ રહ્યો હતો. તેની પ્રિયતમાએ કહ્યું હતું એ મુજબ હકીકતમાં બે વર્ષ પહેલાનો આ દિવસ અક્ષય માટે યાદગાર બની રહ્યો હતો. સિગરેટ પુરી થઈ એટલે અક્ષયે લોકેટને બંધ કર્યું, અંદર આવી બેડની નીચે લોકેટ રાખી એ ફ્રેશ થવા ચાલ્યો ગયો.
અક્ષય હંમેશા બ્લેક સ્યુટમાં રહેતો પણ આજે તેને રેડ સ્યુટ પહેર્યો હતો. તૈયાર થઈ નાસ્તો કરી એ હોટલનાં પાર્કિંગમાં પહોંચ્યો. બુઝો પણ તેની સાથે હતો. પાર્કિંગમાં તેણે બ્લેક મર્સીડી પરથી કપડું હટાવ્યું. અક્ષયે દરવાજો ખોલ્યો એટલે બુઝો અંદર ઘુસી ગયો. આ એ જ કાર હતી જેમાં અક્ષય તેની પ્રિયતમા સાથે અનેકવાર લોન્ગ ડ્રાઇવ પર ગયેલો, બંનેએ અંગત પળો માણેલી.
કાર બહાર કાઢી અક્ષય પોતાની પ્રિયતમાને મળવા અગ્રેસર થયો.
***
પાલિતાણાના નામચીન ઉદ્યોગપતિ મહાવીર ધોળકીયાનો નાનો દીકરો દિપક આજે યુનિવર્સિટી ઓફ લંડનમાંથી સ્નાતક થઈને પરત ફર્યો હતો. મહાવીર ધોળકીયાનાં ઘરે જશ્નનો માહોલ હતો. ઢોલ-નગારા અને ફૂલો સાથે તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. દીપકનું સ્વાગત કોઈ સેલિબ્રિટીની જેમ થયું હતું અને કેમ ન થાય, દિપક અબજો પતિનો દીકરો હતો.
દીપકનાં મોટાં ભાઈ દેવેન્દ્રએ દીપકનાં ગળામાં ફુલનો હાર પહેરાવ્યો અને ગળે લગાવી લીધો, “મારાં સામ્રાજ્યમાં તારું સ્વાગત છે નાનાભાઈ”
મહાવીર ધોળકીયાને જ્યારે માલુમ પડ્યું કે તેને ઘરે શેર માટીની ખોટ રહેવાની ત્યારે તેણે દેવેન્દ્રને દત્તક લીધો હતો, પાછળથી ભગવાનની કૃપાથી દીપકનો જન્મ થયો હતો.
દેવેન્દ્ર પોતાનો દીકરો નહોતો સાથે તેનાં સંસ્કાર અને પ્રકૃતિ પણ જુદાં તરી આવ્યાં હતાં. અઢળક રૂપિયાનો માલિક હોવા છતાં એ ગેરમાર્ગે દોરાયો હતો. પિતાની વિરુદ્ધ જઈ તેણે ગેરકાયદેસર રીતે ધંધો શરૂ કર્યો હતો અને ઉદ્યોગકારો પાસેથી રૂપિયા પડાવતો. તેનાં આવા ધંધાને કારણે મહાવીર ધોળકીયાએ તેને સંપત્તિમાંથી બેદખલ કર્યો હતો.
દિપક આ વાત જાણતો નહોતો. દેવેન્દ્ર આ તકનો લાભ ઉઠાવી દીપકને પોતાનાં જેવો જ બનાવવા ઇચ્છતો હતો. આમ પણ મહાવીર ધોળકીયા હવે ખાટલે પડ્યા હતા એટલે તે કશું કરી શકવાના નથી એ દેવેન્દ્ર જાણતો હતો.
“આજથી આ ફ્લેટ તારો” દેવેન્દ્રએ ફ્લેટની ચાવી આપી, “નવા દોસ્ત બનાવ, પાર્ટી કર, છોકરીઓ સાથે મજા કર, આ શહેરમાં આપણી સામે આંખ ઊંચી કરી શકે એવું હજી કોઈ જન્મયું જ નથી. બધી બાપાની જાગીર જ સમજજે. બહાર બે બાઉન્સર ઉભા છે એ તારી સાથે રહેશે.તારા માટે બહારથી મંગાવ્યા છે”
ચાવી આપી દેવેન્દ્ર જતો રહ્યો. દિપક ફ્રેશ થઈને બહાર આવ્યો. બહાર શૉ રૂમમાંથી આવેલી નવી વાઈટ ઇનોવા પડી હતી. તેની બાજુમાં છાતી ફુલાવેલા બ્લેક સ્યુટમાં બે માણસ ઉભા હતાં. દિપકે સિગરેટ સળગાવીને કાર બહાર કાઢી.
પાલીતાણામાં દીપકનાં ઘણાબધાં દોસ્ત હતાં. એ અહીં જ મોટો થયો હતો. આજે દોસ્તો સાથે તેણે હસ્તગીરી જવાનું નક્કી કર્યું હતું.
પાલિતાણથી વીસેક કિલોમીટર દૂર શેત્રુંજયની પર્વતમાળાનો એક ડુંગર, જે વાદળો સાથે વાતો કરે છે. વાદળો તેની નીચેથી પસાર થાય છે. ચોમાસામાં આ ડુંગર લીલી ચાદર ઓઢી લે છે ત્યારે સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. થોડાં દોસ્તોને સાથે લઈ દિપક હસ્તગીરી પહોંચી ગયો.
“આજે વધુ પડતી જ હરિયાળી છે” દીપકનાં એક દોસ્તે છોકરીઓનું એક ટોળું જોઈને કહ્યું.
“આજે એક ફૂલ તોડવાની ઈચ્છા છે ભગલા” દિપકે સિગરેટ મોંમાં રાખી હથેળી ઘસતાં કહ્યું.
“તારો ભાઈ પાલિતાણાનો ડોન છે, તું જેનાં પર હાથ રાખે એ તારું થઈ જાય. તારે બસ બગીચામાં જઈને ફૂલ તોડવાનું છે”
“તમારે કોઈ ફૂલ જોઈતું હોય તો બોલો, હું લેતો આવું” દિપકે આંખ મારીને ઈશારો કર્યો.
“ના ભાઈ, મારાં બાપા ઘરેથી કાઢી મૂકે” ભરતે હસીને કહ્યું.
“હજી ડરપોક જ છે તું” દિપકે સિગરેટને પગ નીચે દબાવી અને આગળ વધ્યો.
દિપકની નજર બ્લેક લેગીસ પર વાઈટ ટોપ પહેરી છોકરી પર હતી. એ તેની સહેલીઓ સાથે હસીને વાતો કરી રહી હતી એટલે દિપકની ઉત્તેજના વધતી જતી હતી. દિપક તેની પાસે જ પહોંચવા આવ્યો ત્યાં તેની નજર સામે પાર્ક થતી બ્લૅક મર્સીડી પર પડી. ગાડી આલીશાન લાગતી હતી. તેણે લંડનમાં આવી કાર જોઈ હતી પણ અહીં આવી ગાડી જોઈ તેને આશ્ચર્ય થયું. મર્સીડીમાંથી રેડ સ્યુટ પહેરેલો એક યુવક ઉતર્યો. જે અક્ષય જ હતો. અક્ષય તેની પ્રિયતમાને મળવા હસ્તગીરી આવ્યો હતો. અક્ષયની સાથે બુઝો પણ ઉતર્યો. દિપકે તેનાં પરથી ધ્યાન હટાવી પેલાં ટોળાં પર ધ્યાન કેન્દ્રિત કર્યું.
“હેય, બ્યુટીફૂલ” દિપકે રંગીલા મિજાજમાં કહ્યું.
કોઈએ જવાબ ન આપ્યો એટલે દીપકે ફરી કહ્યું, “આર યુ સિંગલ?”
“બેન નથી ઘરે?” વાઈટ ટોપવાળી છોકરીએ ગુસ્સે થતાં કહ્યું.
“છે પણ મારે એક રાત માટે ગર્લફ્રેન્ડ જોઈએ છે” કહેતાં દિપકે તેનો હાથ પકડી લીધો. પેલી છોકરીએ હાથ છોડાવી તમાચો ચોડી દીધો.
“સાલી…”કહેતાં દિપકે સામે તમાચો માર્યો અને હાથ પકડી ખેંચવા લાગ્યો.
“શું કરે છે કમિના?” છોકરી જોરથી બરાડી.
એ જ સમયે બુઝો તેની પાસે આવીને ભસવા લાગ્યો. દિપકે તેને હટાવવાની કોશિશ કરી પણ બુઝાએ તેનું જીન્સ પકડી લીધું હતું. દિપકે તેને એક લાત મારી પણ બુઝો હટાવાનું નામ નહોતો લેતો. કૂતરાને હટાવવામાં છોકરીનો હાથ છૂટી ગયો અને છોકરી ત્યાંથી અદ્રશ્ય થઈ ગઈ.
“આઈ એમ સૉરી” અક્ષય બુઝો પાસે આવ્યો, નીચે બેસીને બુઝાના કાન પાસે પંપાળતા કહ્યું, “ક્યાં જતો રહ્યો હતો બુઝો?”
કૂતરાને કારણે દીપકનાં હાથમાંથી પેલી છોકરી નીકળી ગઈ હતી અને ઉપરથી તેનો માલિક સૉરી કહી રહ્યો હતો. દિપકનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો. કંઈ વિચાર્યા વિના દિપકે અક્ષયને લાત મારી.
“તારાં કૂતરાને લીધે મારો દિવસ બગડ્યો અને તું સૉરી કહે છે?” દિપક લાલ થઈને કહ્યું.
અક્ષય ઉભો થયો. એ શાંત હતો. ઉભા થઇ તેણે સ્યુટ ખંખેર્યો.
“લૂક મિસ્ટર, હું કોઈ ઝઘડો કરવા નથી ઇચ્છતો”
“તું શું ઝઘડો કરવાનો છે” દિપક ઊકળ્યો. તેણે અક્ષયનાં નાક પર મુક્કો માર્યો. અક્ષયને અણધાર્યા હુમલાની કોઈ આશા જ નહોતી. અચાનક વાગેલા મુક્કાને કારણે તે નીચે પટકાયો. તેનાં નાકમાંથી લોહી નિકળવા લાગ્યું.
“બ્લૅક મર્સીડીમાં ફરવું છે, આવા કૂતરા સાથે રાખવા છે અને ઝઘડાની વાત કરે છે બાયલા. દિલા-નિલા ધોઈ નાખો આને” દિપકે તેનાં બાઉન્સરને હુકમ કર્યો.
દીપકે ગુસ્સામાં મર્સીડીનાં બધા કાચ તોડી નાખ્યાં. ટાયરને પંચર કરી દીધાં અને બોનેટ પર મોટો પથ્થર મારી ઘોબો પાડી દીધો.પેલાં બાઉન્સરોએ ત્યાં સુધીમાં અક્ષયને લોહી લુહાણ કરી નાખ્યો હતો. દિપક તેની પાસે ગયો. સ્યુટ ફાડી નાખ્યો અને ગળામાં રહેલું લોકેટ લઈ લીધું.
*
આ ઘટનાને અઠવાડિયું થઈ ગયું. દિપક માટે આ ઘટના સામાન્ય હતી. તેને મન તેણે એક નામર્દને માર્યો હતો જે કંઈ નહોતો કરી શકવાનો. પણ એ જાણતો નહોતો કે અજાણતાં જ તેણે સાપનાં દરમાં હાથ નાંખ્યો છે. સાપ નહિ અજગર જે સેકન્ડના છઠ્ઠા ભાગમાં તેને ગળી જાય એટલો સક્ષમ હતો.
અક્ષય પાલિતાણા ખાસ કારણથી આવ્યો હતો, જે દીપકનાં કારણે શક્ય નહોતું બન્યું. એ એક અઠવાડિયા સુધી દવાખાનમાં દાખલ રહ્યો હતો અને ગઈ કાલે જ હોટેલમાં આવ્યો હતો. સવારે આંખો ખોલી અક્ષયે મોબાઈલ હાથમાં લીધો. તેમાં રહેલું તેની પ્રિયતમાએ મોકલેલું બીજું રેકોર્ડિંગ શરૂ કર્યું.
“કેવું લાગ્યું ડોગી?, મને ખબર છે તને તારાં દોસ્ત વિના અધૂરું અધૂરું લાગતું હતું એટલે જ મેં પહેલું સરપ્રાઈઝ આ આપ્યું. આનું નામ પણ બુઝો જ રાખજે. પહેલાં બુઝોને તારાથી દૂર કરવા માટે સૉરી.
તને એક વાત કહેવી હતી. તને હસવું આવશે. હું ભગવાનના સંકેતમાં નથી માનતી પણ અત્યારે ઉઠી તો હું ડરી ગઈ, મને ખરાબ સપનું આવ્યું હતું. તને મારાથી કોઈ દૂર લઈ જઈ રહ્યું હતું. હું રડતી હતી. પણ ચિંતા ના કરતો, આઈ એમ ફાઇન.
હું બજાર ગઈ હતી, ત્યાં મને એક…..”
અક્ષયનાં મોબાઇલની રિંગ વાગી એટલે રેકોર્ડિંગ અટકી ગયું. અક્ષયે મોબાઈલ હાથમાં લઈ જોયું તો હોટલનાં મેનેજરનો ફોન હતો. અક્ષયે ફોન રિસીવ કર્યો.
“એ કોણ હતું એ ખબર પડી ગઈ છે સર”
“દાદા,તમે એક કામ બદલ થોડાં રૂપિયા કમાવવા ઈચ્છો છો?” અક્ષયે પુછ્યું. મેનેજર ઉંમરલાયક વ્યક્તિ હતો એટલે બધા એને દાદા કહીને જ બોલાવતા.
“જી..જરૂર…તમે કહેશો એ સમયે હું આવી જઈશ” અક્ષય ક્યાં કામ માટે કહેતો હતો એ મેનેજર જાણતો હતો, “હું નામ, એડ્રેસ અને કેટલાં લોકો છે એ માહિતી મોકલી આપું છું”
અક્ષયનો ફોન રાખી મેનેજરે દેવેન્દ્રને ફોન જોડ્યો.
“તારાં ભાઈએ અઠવાડિયા પહેલાં એક વ્યક્તિને માર્યો હતો…”
“માર્યો હશે, મેં જ એને છૂટ આપી હતી દાદા” દેવેન્દ્રએ ઠાવકાઈથી કહ્યું.
“કોણ હતું એ ખબર છે?”
“મારાથી મોટો ડોન નથીને એ?”
“તારાં ભાઈએ A.K.ને માર્યો હતો અને હવે એ તારાં ભાઈને શોધે છે”
“શું…શું…કહ્યું?” દેવેન્દ્રનાં હોશ ઊડી ગયાં, કોઈએ તેનાં ગળામાં વાટકો ભરીને સીંદોર રેડી દીધો હોય એવી રીતે તેનો અવાજ દબાય ગયો. તેનાં પગ ધ્રુજવા લાગ્યા હતાં. તેનાં ભાઈ આ શું કરી નાખ્યું એ તેને નહોતું સમજાતું.
“સાંભળે છો દેવું?” દેવેન્દ્રએ જવાબ ન આપ્યો એટલે મેનેજરે લહેકો લઈને પુછ્યું.
“એને ખબર નથીને મારો ભાઈ ક્યાં છે?” દેવેન્દ્રએ ભયમિશ્રિત અવાજે પુછ્યું.
“મેં જ એને તેનાં ફ્લેટનું સરનામું આપ્યું છે, તું તો જાણે જ છે હું ધંધામાં ખોટું નથી કરતો. તારી સાથે સારો સંબંધ છે એટલે આગામી ચેતવણી આપું છું. A.K. થોડીવારમાં નીકળશે એ પહેલાં તારાં ભાઈને જેટલો દૂર મોકલી શકે એટલો દૂર મોકલી દે”
“A.K.ની તમને નથી ખબર દાદા?, દુનિયાના ગમે એ છેડે એને સંતાડીશ A.K. શોધી જ લેશે”
“મારી ફરજ મેં બજાવી, બાકી તું જાણ અને A.K. જાણે” કહેતાં મેનેજરે ફોન કટ કરી દીધો.
“આજે સફાઈ પર જવાનું છે, તૈયાર રહેજો” મેનેજરે તેનાં માણસોને ફોન કરીને સૂચના આપી દીધી.
*
અક્ષયે ફોન કાપી બેડ પર ફેંક્યો. દીવાલ પર ગાંધીજીનો મોટો ફોટો હતો, તેને નીચે ઉતારી પાછળ રહેલી બે રાઇફલ બેડ પર રાખી. કબાટને દૂર કરી તેની પાછળથી નાની બે છરી કાઢી, ટી.વી. ની પાછળથી પણ બે રિવોલ્વર અને બાથરૂમના બોક્સમાં રાખેલું પેન્સિલનું બોક્સ લીધું.
અક્ષયને આ કામ છોડ્યું એને બે વર્ષ થઈ ગયાં હતાં પણ થોડાં દિવસ પહેલાં દિપકે તેને સામેથી આમંત્રણ આપ્યું હતું. રાઈફલને એક બેગમાં પેક કરી, છરાને બંને પગમાં અને રિવોલ્વરને કમરે ભરાવી. પેન્સિલના બોક્સમાંથી દસ પેન્સિલ ગણી તેણે શાર્પનર લગાવી પેન્સિલની ધાર કાઢીને ફરી બોક્સમાં રાખી, બોક્સને ગજવામાં રાખી દીધું.
રીસેપ્શન પર આવી અક્ષયે મેનેજર દાદાને દસ હજારના પાંચ બંડલ પકડાવ્યાં અને માહિતી આપવા માટે આંખોથી આભાર માન્યો.
“અંદાજે કેટલો કચરો ભેગો કરવાનો છે સર?” મેનેજરે વિનમ્રર્તાથી પુછ્યું.
“તમારો ધક્કો ફોગટ નહિ જાય દાદા” કહેતાં અક્ષયે બેગ ઉઠાવ્યું અને હોટલ બહાર નીકળી ગયો.
(ક્રમશઃ)

કોણ હતો અક્ષય?, એક મારપીટનાં બદલામાં એ કોઈની હત્યા કરવાનો હતો?, એવું તો શું દિપકે કર્યું હતું?
હજી સવાલ ન પણ થાય એ સ્વભાવિક વાત છે કારણ કે નવલકથાનો આ પહેલો ભાગ છે. નવલકથા જેમ જેમ આગળ વધશે. પાત્રો વિશે સરખી રીતે વાકેફ થશો એટલે આપોઆપ સવાલ થવા લાગશે. ત્યાં સુધી મારી પ્રોફાઇલમાં રહેલી સંપૂર્ણ નવલકથા વાંચી શકો છો. એ બહાને મારી લેખનશૈલીથી નવા વાંચકો માહિતગાર થશો. અને જુનાં વાંચકોને તો ખબર છે…વાંચતાં રહો…કલાકાર..
આપનાં અમૂલ્ય એવા મંતવ્યો આપવાનું ભૂલશો નહિ.
- મેર મેહુલ
Contact info. -9624755226