સુંદરી - પ્રકરણ ૨૯ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુંદરી - પ્રકરણ ૨૯

ઓગણત્રીસ

“સર મારી સાથે ફક્ત ચાર જ જણા આવ્યા છે અને ઓલરેડી પોણા આઠ થઇ ગયા છે.” વરુણે પ્રોફેસર શિંગાળાને નિરાશાજનક સૂરમાં કહ્યું.

વરુણના આમ કહેતાં જ સુંદરીનું ધ્યાન પેલા વ્યક્તિથી ફંટાઈને વરુણ અને પ્રોફેસર શિંગાળાની ચર્ચામાં વળ્યું.

“મને લાગે છે કે આપણે જરા કડક થવું પડશે. શું કયો છો પ્રોફેસર શેલત?” પ્રોફેસર શિંગાળાએ સુંદરીને પૂછ્યું.

“બિલકુલ! બાકીના દિવસોએ તો કોલેજ હોય છે એટલે એ બધા હાજર રહે એમાં નવાઈ નથી, પણ રવિવારે જ્યારે રજાનો દિવસ હોય છે ત્યારે જો આ રીતે હાજર ન રહે તો પછી પ્રેક્ટીસનો કોઈ મતલબ ન રહે. આપણી પાસે આમ જુઓ તો ફક્ત બે જ મહિના છે અને એક એક દિવસ આપણા માટે મહત્ત્વનો છે.” સુંદરીએ પ્રોફેસર શિંગાળાના સૂરમાં સૂર પુરાવ્યો.

“પણ સર! જો વધારે કડક થઈશું અને એકાદ-બે પ્લેયર્સ ટીમ છોડીને જતાં રહેશે તો?” વરુણે ચિંતા વ્યક્ત કરી.

“કશો વાંધો નથી, આપણી પાસે લગભગ બીજા પંદરેક પ્લેયર્સનું લિસ્ટ છે જ. ફિકર નથી!” પ્રોફેસર શિંગાળા બોલ્યા અને સુંદરીએ પોતાનું માથું હકારમાં હલાવ્યું.

“એ તો બરોબર છે પણ આ પંદર જણા આપણા ત્રણેયના ઓપિનિયનમાં બેસ્ટ છે હવે જો બે જણા પણ આપણી કડકાઈથી જતા રહેશે તો પછી બેલેન્સ નહીં રહે ટીમમાં! અને જે રિપ્લેસમેન્ટ આવશે એ પણ રેગ્યુલર પ્રેક્ટીસમાં આવશે કે કેમ કે પછી એ પેલા લોકો જેવું પરફોર્મ કરી શકશે કે નહીં એની કોઈ ગેરંટી નથી.” વરુણે પોતાનું મંતવ્ય આપ્યું.

“તો પછી શું કરીશું?” હવે તો પ્રોફેસર શિંગાળા પણ મૂંઝાયા.

“મારા ખ્યાલથી જો આપણે આ બધાને કોઈ લાલચ, આઈ મીન ઇન્સેન્ટીવ આપીએ તો?” સુંદરી બોલી પડી.

“એટલે?” વરુણ અને પ્રોફેસર શિંગાળા બંને સાથેજ બોલ્યા.

“અમમ... મને વિચાર આવે છે કે આવતીકાલે જો તમે પ્રેક્ટીસ દરમ્યાન જે આજે ગેરહાજર રહ્યા છે એ પ્લેયર્સને વઢી નાખવાને બદલે એમ કહો કે અમને ખબર છે કે તમને રવિવારે જરા આવવાની તકલીફ પડે છે પણ રવિવારે પ્રેક્ટીસ પત્યા બાદ આપણે બધાં ભેગા મળીને નાસ્તો કરીશું અને એ પણ હેલ્ધી નાસ્તો એટલે પ્રેક્ટીસ પછી બધા ચ્હા નાસ્તા સાથે વાતો કરીશું અને મજા આવશે! તો?” આટલું બોલ્યા બાદ સુંદરીની બહુ મોટી નહીં એવી આંખો વરુણ અને પ્રોફેસર શિંગાળા સામે વારાફરતી જોવા લાગી.

“બેસ્ટ આઈડિયા! પણ નાસ્તાની લાલચે કેટલા આવશે?” પ્રોફેસર શિંગાળાને સુંદરીનો આઈડિયા તો ગમ્યો પરંતુ તેમને આ આઈડિયાની સફળતા અંગે શંકા પણ હતી.

“સર! આપણે કાલે પ્રેક્ટીસ પત્યા પછી આ વાત વહેતી તો મુકીએ? પછી જોઈએ શું થાય છે? અને આ તો હવે આવતા રવિવારની વાત છે ને? આપણે શનિવારે બધાં પાસે કન્ફર્મ કરાવી લઈશું.” વરુણ સુંદરીના આઈડિયા સાથે પૂર્ણપણે સહમત દેખાયો, અને કેમ ન હોય?

“ઠીક છે જો તને આટલો વિશ્વાસ હોય તો મને વાંધો નથી. પણ મેડમ શેલત, નાસ્તાનો ખર્ચો? મેનેજમેન્ટ મંજૂર નહીં કરે!” પ્રોફેસર શિંગાળાએ શંકા વ્યક્ત કરી.

“અરે! એમાં શું? હું ઘરેથી બનાવી લાવીશ. બધો ખર્ચ કૉલેજ જ આપે એ જરૂરી છે? આપણી ટીમ છે થોડું આપણે પણ કરીએ ટીમના બેનિફિટ માટે?” સુંદરી મલકાતા મલકાતા બોલી.

“આઈ લાઈક યોર સ્પિરિટ!” પ્રોફેસર શિંગાળા સુંદરીની વાતથી અત્યંત ખુશ થઇ ગયા.

અને વરુણ? વરુણ તો સુંદરીએ ‘આપણી ટીમ’ શબ્દ બોલ્યો ત્યારથી જ ગોળના ગાડામાં સવાર થઇ ગયો હતો. કારણકે સુંદરી જો ટીમને પોતાની ગણતી હોય તો તેના કેપ્ટન એટલેકે વરુણને તો પોતાનો ગણે જ ને?

“અને હું હેલ્ધી નાસ્તો બનાવીશ સેન્ડવીચીઝ, જ્યુસ, કોઈકવાર ઢોકળા, હાંડવો અને ચ્હા તો ખરી જ. બધાને મજા આવશે અને ગરમાગરમ જ લેતી આવીશ. જો જો આવતા રવિવારે મારો બનાવેલો નાસ્તો બધા ખાશેને પછી એક પણ રવિવાર એક પ્લેયર પણ ગેરહાજર નહીં રહે!” સુંદરી હસતાં હસતાં બોલી.

“જે કોઈ ખર્ચો થાય મને કહેજો આપણે શેર કરીશું.” પ્રોફેસર શિંગાળાએ કહ્યું.

“હા આપણે ત્રણેય શેર કરીશું.” વરુણ બોલ્યો.

“ના, યુ આર અ સ્ટુડન્ટ, તારે નથી આપવાનું કશું.” પ્રોફેસર શિંગાળાએ વરુણને હુકમના સ્વરમાં કહ્યું.

“હા પ્રોફેસર વરુણે કશું ન આપવાનું હોય અને તમારે પણ કશું નથી આપવાનું. હું મારું મનગમતું કામ કરું છું એટલે મને આ બધું કરવાનું ગમશે, ખૂબ ગમશે. જો તમે ખર્ચમાં શેરીંગ કરશો તો હું કશું નહીં લાવું.” સુંદરી પોતાની આંખો નચાવતા બોલી અને વરુણ ઘાયલ થતો રહ્યો.

“તો તો મારાથી કશું જ ન બોલાય! તો પછી આજે નીકળીએ? છોકરાઓ... કાલે રેગ્યુલર ટાઈમે મળીએ અને આવતા સન્ડે ભૂલાય નહીં. ડિસમીસ! પ્રોફેસર શિંગાળાએ આજની પ્રેક્ટીસ પૂરી થયેલી જાહેર કરી.

“મે’મ મારી કોઈ મદદની જરૂર હોય તો પ્લીઝ મને કહેજો મારો નંબર તો તમારી પાસે છે જ હવે?” બાકીના ખેલાડીઓએ વિદાય લેતાં જ વરુણે સુંદરીને કહ્યું અને પોતાનો નંબર સુંદરી પાસે છે જ એ વાક્ય જરા ભાર દઈને બોલ્યો, કારણકે તેને એમ બોલવાનું ખૂબ ગમ્યું હતું.

“હું નીકળું?” સુંદરી કોઈ જવાબ આપે એ પહેલા પ્રોફેસર શિંગાળા પોતાના જમણા હાથની પહેલી આંગળીમાં પોતાની બાઈકની ચાવી ગોળગોળ ફેરવતાં બોલ્યા.

“શ્યોર, આવજો?” સુંદરીએ થોડા ઉતાવળીયા સૂરમાં કહ્યું, વરુણને પણ એ સાંભળીને નવાઈ લાગી.

“જી સર, આવજો અને હેપ્પી સન્ડે! કાલે ફરીથી મળીએ.” વરુણે પણ પોતાનો હાથ હલાવીને પ્રોફેસર શિંગાળાને વિદાય આપી.

“તો તમે કહેતા હતા કે મારે તમારી કોઈ મદદની જરૂર હોય તો મારે તમને કહેવું?” પ્રોફેસર શિંગાળા પોતાની અને વરુણની નજરમાંથી ઓઝલ થતાંની સાથે જ સુંદરીએ વરુણ સામે જોઇને કહ્યું.

“હા મે’મ!” વરુણે એક સેકન્ડનો પણ વિરામ લીધા વગર તરતજ જવાબ આપ્યો.

“તો... ચાલો મારા ઘર સુધી આપણે એ જ ડિસ્કસ કરતાં કરતાં જઈએ.” સુંદરીનું ધ્યાન હવે ફરીથી પેલા લીમડાના ઝાડ તરફ ગયું જ્યાં પેલો વ્યક્તિ હજી પણ ઉભો હતો અને સુંદરીના મતે તે સુંદરીની દરેક હિલચાલ પર હજી પણ ધ્યાન રાખી રહ્યો હતો.

“હા કેમ નહીં. પણ હું તો બાઈક લઈને આવ્યો છું અને તમારું વેહિકલ પણ તમારી સાથે છે!” વરુણ સુંદરી સાથે હજી બીજી દસ-પંદર મિનીટ ગાળવા મળશે એ જાણીને અત્યંત ખુશ થઇ ગયો.

“હા તો આપણે સાથે-સાથે ચલાવીએને? આજે રવિવાર છે એટલે ટ્રાફિક પણ ઓછો હશે. એટલે આરામથી સાથે સાથે આપણા વેહિકલ્સ ચલાવતા વાતો કરી શકાશે.”

સુંદરીને લગભગ અડધા કલાક અગાઉ પેલા વ્યક્તિને જોતી વખતે જ્યારે પોતાને વરુણ ઘરે મૂકી આવશે એવો વિચાર આવ્યો હતો અને તેના ચહેરા પરથી ચિંતા સાવ દૂર થઇ અને સ્મિત આવ્યું હતું તે વિચારને તે પૂરી રીતે અમલમાં મુકવા માંગતી હતી જેથી વરુણ તેને છેક ઘર સુધી મૂકી જાય અને પેલો વ્યક્તિ જો તેને હેરાન કરવાની ઈચ્છા ધરાવતો હોય તો તે તેમાં નિષ્ફળ જાય અથવાતો વરુણ તેને બચાવી શકે. આથી સુંદરી કોઇપણ હિસાબે વરુણને પોતાને એકલી મૂકીને જવા નહોતી માંગતી.

“શ્યોર, તો નીકળીએ?” વરુણ પણ ખૂબ ખુશ થઇ ગયો કારણકે સુંદરીએ સામેચાલીને તેને પોતાની સાથે છેક તેના ઘર સુધી આવવાનું કહ્યું હતું.

કોલેજના ગ્રાઉન્ડની એ જગ્યાએથી વરુણ અને સુંદરી મેદાનની બહાર પાર્ક કરેલા પોતપોતાના વાહનો સુધી મૂંગામૂંગા ચાલ્યા. વરુણને તો સુંદરી સાથે તેના ઘર સુધી જવાનો આનંદ સમાતો ન હતો એટલે એ મૂંગો હતો પણ સુંદરી સતત પોતાની આંખના ખૂણાથી પેલા વ્યક્તિને જોઈ રહી હતી.

સુંદરીનું હ્રદય ત્યારે જોરથી ધડકવા લાગ્યું જ્યારે વરુણ સાથે તેણે ગ્રાઉન્ડના દરવાજાની બહાર તરફ ચાલવાનું શરુ કર્યું તેની સાથેજ પેલા વ્યક્તિએ પોતાની બાઈકને કિક મારી અને બાઈકને મેદાનની બહાર સુધી સુંદરી અને વરુણની ચાલની ગતિની સાથે બરોબર તાલ મેળવતા ચલાવવાનું શરુ કર્યું.

સુંદરીને હવે ખાતરી થઇ ગઈ હતી કે પેલો અજાણ્યો વ્યક્તિ તેના માટે જ ત્યાં આવ્યો છે. હવે સુંદરીને ખરેખર ડર લાગી રહ્યો હતો પરંતુ વરુણ સાથે હોવાને કારણે એ ડરનું પ્રમાણ ઓછું હતું. તેમ છતાં સુંદરી વરુણની જરા વધુ નજીક આવી પણ એણે એટલું ધ્યાન જરૂર રાખ્યું કે તે અને વરુણ એકબીજાને સ્પર્શી ન શકે.

તો વરુણને સુંદરીનું તેની સાવ નજીક આવીને ચાલવું આકસ્મિક લાગ્યું. સુંદરીએ લગાડેલા પરફ્યુમની સુગંધથી વરુણનું તનમન તરબતર થવા લાગ્યું અને તે લાંબા લાંબા શ્વાસ લઈને સુંદરીની મહેક પોતાના હ્રદયમાં ભેળવવા લાગ્યો.

ત્યાં જ મેદાનનો દરવાજો આવી ગયો. વરુણે દરવાજો ખોલીને પોતાનો હાથ લાંબો કરીને સુંદરીને પહેલા બહાર નીકળવાનો ઈશારો કર્યો. સુંદરીએ તેની સામે સ્મિત કર્યું અને વરુણના હ્રદયના ફરીથી કટકા થવા લાગ્યા. ત્યારબાદ વરુણ દરવાજાની બહાર નીકળ્યો અને તેને બરોબર બંધ કર્યો.

સુંદરી અને વરુણ બંનેએ હેલ્મેટ પહેરી અને પોતપોતાના વાહનોને કિક મારી અને ચાલુ કર્યા.

“તમે બહારની તરફ ચલાવજો હું અંદરની તરફ, પણ મારી સાથે જ રહેજો એટલે આપણે વાત કરી શકીએ.” સુંદરીએ પોતાના હોન્ડાને યુટર્ન આપતાં કહ્યું.

“શ્યોર મે’મ!” વરુણનો આનંદ વધતો જ જતો હતો કારણકે સુંદરીએ તેને કહ્યું કે તમે મારી સાથે જ રહેજો, જેના માટે વરુણ તો મહિનાઓથી તૈયાર જ હતો!

સુંદરી અને વરુણ કોલેજના કેમ્પસના પ્રાઈવેટ રસ્તા પર ધીમે ધીમે પોતપોતાના વાહનો ચલાવવા લાગ્યા. વરુણ રાહ જોઈ રહ્યો હતો કે ક્યારે સુંદરી તેને એ જણાવશે કે તેને આવતા રવિવારે તેની કેવી મદદની જરૂર પડશે.

તો બીજી તરફ સુંદરીનું ધ્યાન સતત તેના હોન્ડાની જમણી તરફના અરીસામાં જ હતું જેમાં તે જોઈ રહી હતી કે ક્યાંક પેલો વ્યક્તિ તેની પાછળ પાછળ તો નથી આવતો?

લગભગ બે મિનીટના ડ્રાઈવ બાદ સુંદરીને જેનો ડર હતો એ જ થયું. અચાનક જ સુંદરીને તેના હોન્ડાના અરીસામાં દેખાયું કે પેલો વ્યક્તિ તેની બાઈક પર હેલ્મેટ પહેરીને તેની પાછળ પાછળ જ આવી રહ્યો હતો.

એક તરફ વરુણ સુંદરી ક્યારે વાત ચાલુ કરે તેની રાહ જોઈ રહ્યો હતો તો બીજી તરફ સુંદરી વિચારી રહી હતી કે તે પેલા વ્યક્તિનો પીછો કેવી રીતે છોડાવે? જો આ જ રીતે પેલો વ્યક્તિ તેની પાછળ પાછળ જ આવશે તો એક સમયે તેના ઘર સુધી પહોંચી જશે અને જો એમ થશે તો...? આટલું વિચારવાની સાથે જ સુંદરીનું હ્રદય બમણા જોરથી ધડકવા લાગ્યું.

પરંતુ જ્યારે આપણે કોઈ તકલીફમાં હોઈએ ત્યારે ઘણીવાર એની મેળે જ આપણને રસ્તો મળી જતો હોય છે. સુંદરીને પણ અચાનક જ તેની મૂંઝવણ અને ગભરામણ દૂર કરવાનો રસ્તો મળી ગયો અને એ હતો રસ્તો બદલવાનો રસ્તો....

==:: પ્રકરણ ૨૯ સમાપ્ત ::==