Dear પાનખર - પ્રકરણ -૧૧ Komal Joshi Pearlcharm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Dear પાનખર - પ્રકરણ -૧૧

" ઓ માડી રે !! " આકાશે ચીસ પાડી. એની મમ્મી એને સાવેણા વડે મારતા બોલી રહી હતી, " ઉઠ ! ઉઠુ છું કે નહીં ? આ કોને બાથ ભીડી ને પપ્પીઓ કરુ છું ? ઉઠ નહીં તો તારા હાડકાં ભાગી નાખીશ !! " આકાશે આંખો ખોલીને જોયુ તો એ ખાટલામાં ‌હતો અને એની બાથ માં ઓશિકું હતુ. એ બેસીને માથુ ખંજવાળતા ખંજવાળતા વિચારી રહ્યો,
' આ શું હતું ? એનો મતલબ કે મેં સપનુ જોયું હતું ? અને હું જેને ઝરણાં સમજતો‌ હતો એ ઓશિકું હતું ? અને ઝરણાં ફક્ત સપનામાં આવી હતી. બરાબર જ છે ને ! એ ફક્ત મારા સપનામાં જ આવી શકે મારી જિંદગીમાં નહીં !'
" હજી ઉઠ્યો નહીં… ઉઠ પાણી ભર! નહીંતર જતુ રહેશે પાણી ! " આકાશની મમ્મીએ અકળાતા કહ્યું. આકાશ ડોલ‌ લઈ પાણી ભરવા ગયો. પાણી ભરવા માટે ચાલીમાં બહાર નળ હતો. ત્યાં બધાં લાઈન‌ માં ઉભા‌ હતાં. એ પણ‌ જઈને ઉભો‌ રહયો. અને પોતાના મનને સમજાવવા લાગ્યો કે , ' આકાશ ! સપનુ થોડીવાર માટે હોય અને‌ વાસ્તવિકતા આખી જિંદગી !!! કયુ સપનુ જોતો હતો ? જે ક્યારેય પૂરુ નથી થવાનું. '
પાણી ભરી ને‌ ઘરે આવ્યો. સ્નાન કરી , એની મમ્મીને‌ રસોઈમાં મદદ કરી અને પછી અભ્યાસ કરવા બેઠો.
પરંતુ એનું મન અભ્યાસમાં લાગી જ નહોતું રહ્યું. અજીબ બેચેની અનુભવી રહ્યો હતો. એક નાનું સ્વપ્ન , ખૂબ બેચેની આપી ને ગયું હતું . અગરબત્તી કરી , હનુમાન ચાલીસા કરી , પણ કોણ જાણે કેમ એ ઝરણાંનું ભૂત એના મનમાનસ પરથી ઉતરી જ નહોતું રહ્યું. એણે વિચાર્યું કે જો એ ઘર‌માં જ રહેશે તો એ વિચારોમાંથી મુક્ત નહીં થઈ શકે . તેથી એ બહાર આંટો મારવા નીકળી ગયો. મોબાઈલ ફોનમાં રીંગ વાગી.
" હલો ! આકાશ ! તારો આ મન્થની સેલેરીનો‌ ચેક તૈયાર છે. તારી અનુકૂળતા એ આવીને ઑફિસથી લઈ જજે. " આકાંક્ષાએ કહ્યું.
" મેડમ ! આજે આવીને લઈ જઈ શકુ ? " આકાશે પૂછ્યું.
" હા ! જેમ તને અનુકૂળ હોય. સરિતાબહેન ઑફિસમાં છે જ . " કહી આકાંક્ષા એ ફોન મૂક્યો. સરિતાબહેન સાથે વાત કરી અને ઘરે જવા નીકળી ગઈ.

ઘરે પહોંચીને હાથ - મોં ધોઈને ફ્રેશ થઈ. દમયંતીબહેન અને ભરતભાઈને રસોઈ પીરસી. બાળકો સ્કૂલ ગયા હતા. આકાંક્ષાએ પોતાની પ્લેટ કાઢી અને જમવા જ બેસતી હતી કે અમોલનો ફોન આવ્યો. પહેલો વિચાર આવ્યો કે જમીને વાત કરીશ, પરંતુ કંઈ ઈમ્પોર્ટન્ટ કામ માટે કોલ આવ્યો હશે , એમ વિચારીને આકાંક્ષાએ ફોન ઉઠાવ્યો ; " હા, અમોલ ! બોલો "
" આકાંક્ષા ! એક જરૂરી કામ હતું. તારી એક ફેવર જોઈતી હતી." અમોલે કહ્યું.
" હા ! બોલો ને ? " આકાંક્ષા એ ધીમા અવાજે કહ્યું.
" એકચ્યુલી ….!! મારે …… તને …… આકાંક્ષા ..તને ગોળ ગોળ ફેરવવા નો મારો કોઈ ઈરાદો નથી. આમ તો આપણે ઘણાં વર્ષોથી અલગ રહીએ છીએ. એના કરતાં આપણે ડિવોર્સ લઈ લેવા જોઈએ. તારું શું કહેવું છે ?" અમોલનાં વાત માટે શબ્દ ખૂટી રહ્યા હતા.
" હું સમજી નહીં ! થોડુ સ્પષ્ટતાથી કહી શકો ? " આકાંક્ષા એ વાત સાંભળી તો ખરી પણ સમજી ના શકી કે પછી એ વાત સ્વીકારવા કદાચ અક્ષમ‌ હતી.
" એજ કે આપણે ડિવોર્સ લઈ લઈએ . આમ ને આમ‌ ક્યાં સુધી આવી રીતે જિંદગી ગુજારીશુ ? એમપણ તન્વી લીવ ઈન રિલેશનમાં હવે નથી રહેવા માંગતી. એ બહુ અસુરક્ષિત મહસૂસ કરે છે. અને એ વાત ને લીધે અમારા વચ્ચે તણાવ રહ્યા કરે છે . " અમોલે જલ્દી જલ્દીથી કહ્યું.
" તો ? " આકાંક્ષા કદાચ ઘણું બોલવા માગતી હતી પરંતુ પાણીનાં ઘુંટ ની સાથે શબ્દો પણ ગળી ગઈ.
" હું તારો પ્રોબ્લેમ સમજુ છું. " અમોલે કહ્યું.

" ના ! તમે નથી સમજતા અને કદાચ ક્યારેય નહીં સમજો. હું જમવા બેઠી છું. જમીને ફોન કરું. " કહી આકાંક્ષાએ ફોન મૂકી દીધો . ખાવા ની કોશિશ કરી પરંતુ ગળે ડૂમો‌ ભરાઈ ગયો હતો. જેમ તેમ કોળિયા ભર્યા પરંતુ ગળા નીચે ઉતરી નહોતા રહ્યા. આંખો માંથી નળ ટપકતો હોય એમ ટપ-ટપ આંસુઓનાં ટીપા પડી રહ્યા હતાં. થાળી પ્લેટફોર્મ પર ઢાંકી ને મૂકી દીધી અને બેડરૂમમાં ગઈ. જેમતેમ આંસુ લૂછી રડવું રોકવાની કોશિશ કરી. ફોન લીધો અને શિવાલીને ફોન કર્યો. શિવાલી એ એને પોતાના ઘરે સાંજનાં સાત વાગ્યા પછી મળવાનું કહ્યું. જેમતેમ આકાંક્ષાએ સાત વાગવાની રાહ જોઈ અને પછી શિવાલીને મળવા એના ઘરે ગઈ.

લિવિંગ રૂમમાં બન્ને સામસામે બેઠા હતાં .શિવાલીએ શાંતિથી આકાંક્ષાની વાત સાંભળી. " મેં તને પહેલા જ કહ્યું હતું. સીધી વ્યક્તિ પહેલી પીસાય છે . તું જેટલુ એડજેસ્ટ કરવાની કોશિશ કરીશ એટલુ હજી એડજેસ્ટ કરવાની આશા રહેશે. તારે જ સામે‌થી એમને એક લાઈન દોરીને બતાવવી પડશે. હું તને નિર્ણય લેવામાં મદદ કરીશ. જરુર થી કરીશ. . પરંતુ છેલ્લે નિર્ણય તો તારે જ લેવો પડશે કારણકે એ નિર્ણયથી જે કોઈ પણ પરિણામ હશે , એની યાતના તો ફક્ત તારે જ સહેવી પડશે. " શિવાલી એ આકાંક્ષાને સમજાવતાં કહ્યું.

" ડૉક્ટર ! મારે કયારેય ડિવોર્સ લેવા વિશે વિચાર્યું જ નથી કેમકે મારે બીજા લગ્ન જ નથી કરવા. મારા બાળકો ને એમના પિતાનો પ્રેમ‌‌ મળી રહે એટલે જ હું આટલું સહન કરી રહી છું. અને મમ્મી પપ્પા !! એમનો પણ પ્રોબ્લેમ તો થાય જ ને ? " આકાંક્ષાએ આંસુ ભરેલી આંખે કહ્યું.

" આ બધી વાતો ગૌણ છે , આકાંક્ષા ! શાંત મને વિચાર અને કહે કે શું તું તારા પતિને ડિવોર્સ આપવા માગું છું કે નહીં ? બીજી સ્ત્રીનાં પતિનાં રૂપમાં જોવાની તારામાં હિંમત છે ?" શિવાલીએ પૂછ્યું.

" વર્ષો થી અલગ રહીએ છીએ‌ અને તન્વી સાથે પણ‌ રહેવાની મેં સ્વીકૃતિ આપી જ છે. પરંતુ દુઃખ એ વાતનું છે કે અમોલ પોતાના બાળકોથી પણ વધારે તન્વીનો વિચાર કરે છે. " આકાંક્ષાએ પોતાની વેદના વ્યક્ત કરતાં કહ્યું.

" બરાબર ! તારી ચિંતા વ્યાજબી છે. છતાંય શાંતિથી વ્યવસ્થિત એક વખત વિચાર . પરંતુ એક વખત નિર્ણય લે અને પછી પાછુ વાળીને ના જોઈશ.બાળકોને સમજાવવામાં હું મદદ કરીશ. સાચુ કહું તો હું કોઈ ના પણ ડિવોર્સની ફેવરમાં નથી. પરંતુ અમુક સંબંધોનો એક જ વિકલ્પ હોય છે. તે તારા તરફથી નિર્ણય કર્યો. સંબંધને ટકાવવાની કોશિશ પણ કરી. એનાથી વધારે કરવાની શિખામણ હું નહીં આપું. હવે તારે મક્કમતાથી નિર્ણય લેવો જ પડશે. " શિવાલીએ પોતાનું મંતવ્ય આપતા કહ્યું.

" સારું ! હું મમ્મી - પપ્પા સાથે વાત કરી જોવું અને એમનું પણ મંતવ્ય લઈ જોવું. કદાચ જે વાત હું આટલા સમયથી ટાળતી જતી હતી એને સ્વીકારવાનો સમય આવી ગયો છે. " આકાંક્ષાએ નમી આંખે અને શુષ્ક અવાજે કહ્યું.

( ક્રમશઃ )