(29)
‘હમણાં જે માણસ બહાર ગયો એ તારા જેવો જ મારો એક આશિક છે. એણે મારા કહેવાથી માહીના ગળામાંથી માદળિયું કાઢીને બહાર ફેંકી દીધું અને એને ખતમ કરી નાંખી. હવે હું માહીનું તાજું-તાજું લોહી પીશ !’ એવું બોલતાં શીનાએ સાપ જેવી, બે મોઢાંવાળી લાંબી જીભ મોઢાની બહાર કાઢી, હોઠ પર ફેરવી અને પછી પોતાના લાંબા અણીદાર દાંત માહીની ગરદન તરફ આગળ વધાર્યા, એટલે જિગર ‘નહિઈઈઈઈ..’ની ચીસ પાડતો શીના અને માહી તરફ ધસ્યો.
તે શીનાની નજીક પહોંચ્યો અને શીનાને માહીથી દૂર ધકેલવા માટે તેણે શીનાને બાવડા પાસેથી પકડી, ત્યાં જ જાણે તેને ઈલેકટ્રીકનો કરન્ટ લાગ્યો હોેય એવો જોરદાર ઝટકો લાગ્યો અને એક ચીસ સાથે તે પાછળની તરફ, શીનાથી દૂર ફેંકાયો. તેની આંખે અંધારાં છવાઈ ગયાં. પળ-બે-પળ પછી તેની આંખો સામેથી અંધારાં દૂર થયાં અને તેણે જોયું તો શીનાના લાંબા-અણીદાર દાંત પલંગ પર લાશની જેમ પડેલી માહીની ગરદન સુધી પહોંચી ગયાં હતાં અને બસ એ માહીની ગરદનમાં દાંત ખૂંપાડવાની તૈયારીમાં જ હતી !
જિગર ઊભો થઈને ફરી શીનાને રોકવા માટે શીના તરફ દોડી જવા ગયો, ત્યાં જ તેના કાને એક જોરદાર ત્રાડ સંભળાઈ : ‘...થોભી જા, શીના ! નહિંતર તને ભસ્મ કરી દઈશ...!’
અને માહીની ગરદન પાસેથી દાંત ખસેડીને, સહેજ અધ્ધર થતાં શીનાએ મેઈન દરવાજા તરફ જોયું.
જિગરે પણ એ તરફ નજર દોડાવી અને તેને આશ્ચર્યનો આંચકો લાગ્યો.
-મેઈન દરવાજા પાસે બાબા ઓમકારનાથ ઊભા હતા.
જિગર થોડાંક મહિના પહેલાં સાંજના મોટરસાઈકલ પર ઑફિસેથી ઘરે પાછો ફરી રહ્યો હતો, ત્યારે તેની મોટરસાઈકલના ટાયરમાં પંકચર પડયું હતું અને તેને આ બાબા ઓમકારનાથ મળ્યા હતા.
બાબા ઓમકારનાથે તેને એ વખતે ચેતવ્યો હતો કે, ‘તેના માથા પર એક ભયાનક બલા ઘૂમી રહી છે અને એ ગમે એે ઘડીએ તેના માથા પર સવાર થઈ જશે અને તેને હેરાન-પરેશાન કરી મૂકશે. જો તેણે એ બલાથી બચવું હોય તો એમણે એક વિધિ કરવી પડશે અને એ વિધિ માટે તેણે એમને પાંચ હજાર રૂપિયા આપવા પડશે.’
બાબા ઓમકારનાથ ઢોંગી સાધુ છે, એમ માનીને તેણે એમની આ ચેતવણીને ગણકારી કાઢી હતી અને બાબા ઓમકારનાથને વિધિ માટે પાંચ હજાર રૂપિયા આપ્યા નહોતા. એ પછી એ બલા.., શીના તેના માથા પર સવાર થઈ હતી અને આજે જ્યારે કે, શીના તેની પત્ની માહીનું લોહી પીવા માટે જઈ રહી હતી એવી કટોકટીની પળોએ જ બાબા ઓમકારનાથ આવી પહોંચ્યા હતા.
બાબા ઓમકારનાથની મોટી-મોટી આંખોમાંની, મોટી-મોટી કીકીઓ અત્યારે શીનાના ભયાનક ચહેરા તરફ તકાયેલી હતી !
જિગરે ફફડતા હૃદયે પાછું શીના તરફ જોયું.
શીનાનો ભયાનક ચહેરો બાબા ઓમકારનાથ આવી પહોંચ્યા એ પછી જાણે ઓર વધુ ભયાનક બન્યો હતો. એની આંખોમાં જાણે લાવા ભભૂકવા માંડયો હતો. એણે પોતાના લાંબા-અણીદાર દાંત પર પોતાની બે મોઢાંવાળી જીભ અડાડીને પછી હોઠ પર ફેરવી અને કહ્યું : ‘...અહીંથી ચાલ્યો જા, ઓમકાર...! મારા કામમાં ખોટી ટાંગ ન અડાવ.’
બાબા ઓમકારનાથ કંઈ બોલ્યા નહિ. તેઓ એ જ રીતના શીના સામે ત્રાટક કરતાં ઊભા રહ્યા. જાણે તેઓ મંત્ર ભણતા હોય એમ તેમના હોઠ ફફડવા માંડયા હતા.
‘તું આમ નહિ માને !’ અને આટલું કહેતાં જ શીનાએ ફૂંક મારી, એણે ફૂંક શું મારી, પણ જાણે એના મોઢામાંથી વાવાઝોડું ફૂંકાયું ને એ વાવાઝોડામાં-પવનના જોરદાર ઝાપટામાં બાબા ઓમકારનાથ અધ્ધર છત સુધી ઊંચકાયા.
જિગરનો જીવ ઊંચો થઈ ગયો.
શીનાએ પાછું મોઢું બંધ કર્યું અને એ સાથે જ પવન ફૂંકાતો બંધ થઈ ગયો. પવનના ઝાપટાથી અધ્ધર હવામાં ઊંચકાયેલા બાબા ઓમકારનાથ પવનનું ઝાપટું રોકાતાં જ પાછા નીચેની તરફ આવ્યા ને જોશભેર જમીન પર પટકાયા.
જિગરને થયું કે, ‘ખલાસ ! હવે બાબા ઓમકારનાથ ઊભા નહિ થઈ શકે,’ પણ તેની રાહત અને નવાઈ વચ્ચે બાબા ઓમકારનાથ એકદમથી જ ઊભા થઈ ગયા. એમણે હવે મોટેથી મંત્રો ભણવાની સાથે જ પોતાના ગળામાં પહેરાયેલી રૂદ્રાક્ષના મોટા-મોટા દાણાવાળી માળા કાઢી.
‘...ઓમકાર !’ શીના બાબા ઓમકારનાથ સામે તાકી રહેતાં ગુસ્સાભર્યા અવાજે બોલી : ‘...તારા આ તંતર-મંતર મને કોઈ નુકશાન નહિ પહોંચાડી શકે. તું આવ્યો છે એવી જ રીતના પાછો ચાલ્યો જા, નહિંતર...’
પણ શીના હજુ તો પોતાની ધમકી પૂરી કરે એ પહેલાં જ બાબા ઓમકારનાથ શીના તરફ ધસ્યા. જાણે ઓમકાનાથ શું કરવા માંગે છે એ સમજી ન શકી હોય એમ શીનાના ચહેરા પર મૂંઝવણના ભાવ આવ્યા અને ઓમકારનાથે શીનાથી બે પગલાં દૂર ઊભા રહી જતાં રૂદ્રાક્ષની માળા શીનાના ચહેરા તરફ ફેંકી. એ માળા સીધી જ શીનાના ગળામાં પડી અને એ સાથે જ જાણે જબરજસ્ત કરન્ટ લાગ્યો હોય એમ શીના એક ચીસ પાડતી ધ્રુજવા માંડી.
ઓમકારનાથે મોટેથી મંત્રો ભણવા માંડયા.
શીનાએ ધ્રૂજતાં-ધ્રૂજતાં જે રૂદ્રાક્ષની માળા પકડી. એના મોઢેથી પીડાભરી ચીસ નીકળી અને જાણે રૂદ્રાક્ષની માળા અંગારો હોય અને એનો હાથ મીણનો હોય એમ એનો હાથ થોડોક પીગળ્યો, પણ પછી એણે માળાને જોરથી આંચકો માર્યો અને એ સાથે જ માળા તૂટી અને માળાના મોટા-મોટા રૂદ્રાક્ષના દાણા આખાય રૂમમાં વિખરાઈ ગયા.
શીના ધ્રુજવાની બંધ થઈ અને એ સાથે જ ઓમકારનાથ પાછા પગે ત્રણ-ચાર પગલાં પાછળ હટી ગયાં અને પછી જમીન પર પડેલો રૂદ્રાક્ષનો એક દાણો ઉઠાવી લીધો અને શીના તરફ ધસ્યા.
શીનાના ચહેરા પર હજુ પીડા હતી.
તે ઓમકારનાથને પોતાની તરફ ધસી આવતાં જોઈને પાછળ હટવા ગઈ, પણ ત્યાં જ ઓમકારનાથ તેની એકદમ નજીક પહોંચી ગયા અને એેમણે હાથમાંનો રૂદ્રાક્ષનો દાણો શીનાના કપાળ પર જોરથી દબાવ્યો.
શીનાએ ફરી એક પીડાભરી ચીસ પાડી અને આ વખતે એે જાણે પથ્થરનું પૂતળું બની ગઈ હોય એમ સ્થિર થઈ ગઈ.
ઓમકારનાથે શીનાના કપાળ પરથી હાથ હટાવ્યો.
જિગરે જોયું તો જાણે શીના મીણની બનેલી હોય એમ એના કપાળમાં રૂદ્રાક્ષનો દાણો ઘૂસી ગયો હતો અને જાણે એ રૂદ્રાક્ષનો જ કોઈ ચમત્કાર હોય એમ શીના મીણની જેમ ધીરે-ધીર પીગળવા માંડી. એના હાથ-પગ અને ચહેરાનો આકાર બગડવા માંડયો અને પછી એ આકાર પણ જતો રહ્યો અને થોડીક પળોમાં જ જમીન પર મીણનો ઢગલો થઈ ગયો.
ઓમકારનાથ મંત્રો ભણતા એ ઢગલા તરફ થોડીક પળો જોઈ રહ્યા અને પછી એમણે ઢગલા પર હાથ મૂકયો અને એ સાથે જ મીણનો એ ઢગલા અદૃશ્ય થઈ ગયો.
હવે એ જગ્યા પર ઓમકારનાથે શીનાના કપાળ પર જે રૂદ્રાક્ષનો દાણો દબાવ્યો હતો, એ દાણો જ પડયો હતો.
ઓમકારનાથે એ દાણો ઉઠાવ્યો અને જિગર સામે જોયું.
‘...એ બલા ગઈ. હવે એ કદી પાછી નહિ આવે.’ ઓમકારનાથે કહ્યું : ‘હમણાં કલાકેક પહેલાં તારા પાડોશી નવિનકાકાએ મોબાઈલ ફોન પર તારી પત્ની માહી સાથે મારી વાત કરાવી હતી. માહીએ મને તારા માથા પર શીના નામની બલા સવાર થઈ છે, એ વાત કરી, એટલે હું અહીં દોડી આવ્યો. પણ હું થોડોક મોડો પડયો.’ અને ઓમકારનાથે પલંગ પર પડેલી માહી તરફ જોયું.
હવે જ જાણે કે, જિગરમાં નવો જીવ આવ્યો હોય એમ તે દોડીને માહી પાસે પહોંચ્યો.
માહી એ જ રીતના-લાશની જેમ પડી હતી.
‘માહી !’ જિગર માહીને હલબલાવી નાંખતાં બોલી ઊઠયો : ‘ચાલ, ઊભી થા. બાબા ઓમકારનાથે હંમેશ માટે શીનાને ભગાવી મૂકી છે. હવે..હવે આપણે કોઈ ચિંંતા કરવાની જરૂર નથી.’
પણ માહી એ જ રીતના પડી રહી.
‘બચ્ચા !’ ઓમકારનાથ જિગરના ખભા પર હાથ મૂકતાં બોલ્યા : ‘...શીનાએ માહીનો ભોગ લઈ લીધો છે. હવે એ નહિ ઊઠે.’
‘નહિઈઈઈ!’ ચીસ પાડતાં જિગર માહીને વળગી પડયો અને પોક મુકીને રડવા લાગ્યો.
ઓમકારનાથે જિગરને રડવા દીધો. એમણે જમીન પર વિખરાયેલા પડેલા રૂદ્રાક્ષના દાણા ભેગા કર્યા અને પોતાના ભગવા રંગના ઝભ્ભાના ખિસ્સામાં મૂકયા.
‘બચ્ચા !’ ઓમકારનાથે રડી રહેલા જિગરના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું : ‘..લાલચ બૂરી બલા છે. એ બલાએ તને દુઃખી કર્યો. હવે તારે હિંમત રાખ્યા વિના છૂટકો નથી.’
જિગર કંઈ બોલવાની હાલતમાં જ નહોતો. એ તો એ જ રીતના માહીને વળગીને રડી રહ્યો હતો.
ઓમકારનાથ ઘરના મેઈન દરવાજા તરફ આગળ વધ્યા, ત્યાં જ પાડોશી નવિનકાકા દરવાજામાં દેખાયા.
બાબા ઓમકારનાથે નવિનકાકાને ધીમા અવાજે જિગર અને માહીની આખી પરિસ્થિતિથી વાકેફ કર્યા અને પછી ત્યાંથી વિદાય થયા..
નવિનકાકાએ જિગરને ચુપ રાખવાનો, એને આ આઘાતમાંથી બહાર લાવવાનો પ્રયત્ન કર્યો, પણ એમાં તેઓ સફળ થઈ શકયા નહિ.
જિગર પોક મૂકીને બસ એકધારું રડતો હતો અને મનોમન પોતાની જાતને ભાંડતો હતો. ‘રૂપિયાની લાલચમાં આવીને તેણે સામે ચાલીને શીના જેવી બલાને માથે લીધી હતી અને એનું તેણે ખૂબ જ માઠું પરિણામ ભોગવવું પડયું હતું. તેણે તેની માહીને હંમેશ માટે ગુમાવવી પડી હતી. તેના કારણે જ તેના સસરા દેવરાજશેઠ પણ મોતને ઘાટ ઊતરી ગયા હતા.’
માહી અને દેવરાજશેઠના મોત અને એના પસ્તાવાએ જિગરને પાગલ બનાવી મૂકયો હતો !
દૃ દૃ દૃ
જિગર ‘મારી માહી કયાં ગઈ ? ! મારી માહીને બોલાવી આપો !’ એવું બધું બોલતો પાગલની જેમ ભટકવા માંડયો.
પાડોશી નવિનકાકાએ તેને સાજો કરવા માટેના પ્રયત્નો કર્યા, પણ એ બેકાર ગયા.
અને એક દિવસે પંખા સાથે લટકતી જિગરની લાશ મળી આવી.
આપઘાત કરતાં પહેલાં જિગર એક ચિઠ્ઠી મૂકતો ગયો હતો. એમાં તેણે લખ્યું હતું,
‘મારા આ મોત માટે હું પોતે જ જવાબદાર છું. જાણે-અજાણે, મને-કમને મેં ઘણાં નિર્દોષ લોકોના લોહીથી હાથ રંગ્યા છે. એ બધાંના મોતનો ભાર માથે લઈને હું જીવી શકું એમ નથી, એટલે હું મારી જિંદગીને ટૂંકાવી રહ્યો છે.
‘અને મને ખબર છે, લાલચમાં આવીને મે કરેલા પાપની સજા મને ઈશ્વરને ત્યાં મળવાની જ છે ! મારે નરકની યાતનાઓ ભોગવવાની જ છે !’
-જિગર
( સમાપ્ત )