book review circle of reasond books and stories free download online pdf in Gujarati

બુક રિવ્યુ circle of reasond

બંગાળી લેખક અમીતાવ ઘોષની ઈંગ્લીશ બેસ્ટ સેલર the circle of reasons વાંચી. અંગ્રેજી નવલકથામાં પણ બ્રિટિશ, અમેરિકન, કેરાલી, બંગાળી દરેકની વર્ણનો અને પ્લોટની સ્ટાઇલ તથા ભાષા, શબ્દો અલગ હોય છે.

દરેક બંગાળી શું હિંદુધર્મની વિરુદ્ધ અને નક્સલવાદી માઇન્ડસેટના હોય છે? આવું આ નવલકથા વાંચતાં કેટલેક ઠેકાણે લાગ્યું. આંખેથી વાંચી મગજથી થુકી નાખવાનું. ઓમ ને બદલે બીજો મંત્રોચ્ચાર, ઈશ્વર ને બદલે માનવજાતને જીવલેણ રોગોથી બચાવનાર લુઇ પાશ્ચર જેવા વૈજ્ઞાનિકની પૂજા કરો ને એવું વચ્ચેવચ્ચે કહ્યા કર્યું છે. અંતિમ પ્રકરણમાં મૃતદેહની અંત્યેષ્ઠી વિધિની આડકતરી મઝાક કરી એવું લાગ્યું.

એ સિવાય પ્રચલિત 'અંગ્રેજી સાહિત્ય' કેવું હોય એની ફીલ લેવા વાંચી.

19 પ્રકરણો અને 287 પાનાંની નવલકથા બંગાળ, કેરળ, મધદરિયે સ્ટીમર જર્ની અને સહરા રણની ભૂમિ પર આફ્રિકા અને યુરોપની સરહદની નજીકનું અરેબિક શહેર અલ ઘાઝીર - એ સ્થળોમાં વહેંચાયેલી છે.


કથાનો ટુંકસાર.

બંગાળનાં એક નાનાં ટાઉનમાં એક શિક્ષકને નવી શોધખોળોનો શોખ છે. એ ડીટરજન્ટ અને સફાઈ કરવા ઉપરાંત જંતુઓનો નાશ કરતા કાર્બોલિક એસિડ વિશે વાંચે છે અને એની પાછળ પડી જાય છે. એનો ભાઈ મોટું માથું અને અમુક દેખાવની વિકૃતિ ધરાવે છે પણ ભણવામાં હોંશિયાર છે. એના દેખાવને લીધે એનું નામ આલુ પડી ગયું હોય છે. આલુને ગામના મોટી શાળ ધતાવતા વણકરની દીકરી એકતરફી પ્રેમ કરવા લાગે છે. આ શિક્ષક, બલરામ આલુને પોતે ઉચ્ચ સવર્ણ છે પણ શાળ પર કાપડ વણવા શીખવા મોકલે છે. આલુ એ પણ ત્વરાથી શીખી જાય છે. શિક્ષક વણકર સાથે મળી એક સહકારી મંડળી જેવું કરે છે અને એ મંડળી સફેદ કાપડ ઉપરાંત ખાસ ડિઝાઈનની બંગાળી સાડીઓ અને વણાટ વખતે જ ચેકસની ડિઝાઇન જે આલુ ની શોધ છે, તેવી લૂંગીઓ બનાવવા લાગે છે. એક સાથી તે છેક દક્ષિણ ભારતમાં વેંચવા જાય છે. પૈસા મળતાં તેઓ એક અલગ વ્યવસાયી સાથે પ્રચલિત શિક્ષણ આપતી શાળા શરૂ કરે છે અને એ શાળા લોકોમાં પ્રિય થઈ જાય છે. તેને કારણે તે જે શાળામાં નોકરી કરે છે તેના માલિકની ખફા મરજીનો ભોગ બને છે. એ માલિક કોઈ પણ હિસાબે એ વ્યવસાયી સાથે પ્રચલિત શિક્ષણ આપતી શાળા બંધ કરવા માંગે છે અને વગ વાપરી ઉપર બધે એવું ઠસાવે છે કે અહીં આતંકવાદીઓ તૈયાર થઈ રહ્યા છે.


ગામમાં એ માલિકની શાળાની જમીન નજીક એક પ્લેન ક્રેશ થાય છે એના થોડા દિવસો પહેલાં જ તેણે ક્યારેય નહીં લીધેલો શાળાનાં મકાનનો વીમો એ રીતે પાકે છે પણ ગામના લોકો વિરોધ કરે છે કે આ એક તરકટ છે. એ જાણતો હતો કે અહીં વિમાન દુર્ઘટના થશે. કોઈ પ્રેક્ટિસ દરમ્યાન. એ જમીન પર પડેલ વિમાનનો ભંગાર થોડોઘણો ગામનો સાઇકલવાળો ગલ્લો બનાવવા, કોઈ ઘરનું છજું બનાવવા તો કોઈ આખી એલ્યુ. શીટ વાસણો અને ફ્રેમ બનાવવા ઉઠાવી જાય છે. પણ મહદ અંશે ત્યાં જે કાટમાળ પડ્યો છે એ વેંચી સ્કૂલ માલિક પૈસા ઉભા કરે છે અને ઉપરથી વીમા ના હજુ વિમાન કંપની પાસેથી પણ પડાવે છે. એ પૈસાનો ઉપયોગ બલરામની શાળા તોડવામાં થાય છે. બલરામની ટીમમાં કોઈ બૉમ્બ બનાવવાની કળા શીખી લાવે છે. તેઓ હુમલો કરવા આવેલા સ્કૂલમાલિકની ગુંડાઓની ટીમનો સામનો કરે છે. બીજે દિવસે અંધારાનો લાભ લઇ એ ટીમ બલરામની સ્કૂલ, ઘર, કાર્બોલિક એસિડ બનાવતી જગ્યા બધે સળગતાં ટાયરો નાખી આગ લગાડે છે. સામે આ ટીમ ખેતરોમાં થઈ ભાગે છે અને નાના ફટાકડા જેવા બૉમ્બ એ માલિકની સ્કૂલ નજીક પ્લેન તૂટેલું એ ખેતરમાં ફેંકે છે. એ માલિકની ટીમ જીવલેણ હુમલામાં બધાનો નાશ કરે છે. પ્રેમિકા સાથે આલુ ભાગી છૂટે છે. બલરામની વહુ એક સીવવાના મશીન સાથે આલુને ભાગી જવા કહે છે. ખેતરોમાંથી ભાગતાં પ્રેમિકા પણ સળગી જાય છે.

માલિક એવી ફરિયાદ કરે છે કે એક આતંકવાદી પોતાની જમીન અને ઘર પર હુમલો કરી ભાગી છૂટ્યો છે અને તેણે પોતાની માલિકીની બધી મિલકતનો નાશ કર્યો. તે પોલીસ ફરિયાદ કરે છે. પોલીસ આલુ પાછળ પડે છે. એ ખૂંખાર આતંકવાદી જાહેર થયો હોઈ એને પકડવાનું કામ છેક દિલ્હીમાં ગૃહ મંત્રાલય દ્વારા છુપી પોલીસના અધિકારી જ્યોતિ દાસ ને સોંપાય છે.

આલુ કેરાલા પહોંચે છે. ત્યાં જ્યોતિ દાસ પાછળ આવી પહોંચે છે. તેનો ઉત્તર ભારતીય મિત્ર ત્યાં ઉચ્ચ પોલીસ અધિકારી છે. ગામના લોકો કોઈ સિક્રેટ નિશાની 'હેલો હેલો હેપી ફેલો' બુમો પાડતા તેમની પાછળ પડે છે. આલુ ઉપર ટોર્ચર થાય છે. તે સ્વભાવે ઓછાબોલો, ગરીબડો છે. ટોળું તેને પોલીસ સ્ટેશનમાંથી છોડાવે છે. હલ્લા બોલ અને અફડાતફડીનો લાભ લઇ આલુ કોઈ બોટ પકડી ગલ્ફ દેશોની વાટ પકડે છે. જ્યોતિ દાસ તેની પાછળ ફ્લાઈટમાં જાય છે.

મધદરિયે બોટ અટકવી, રૂપાળી કુલફી નામની સ્ત્રીની છત્રી દરિયામાં પડી જવી, આલુ દ્વારા કોઈ અનાયાસે દરિયામાં પડી ગયેલા વૃદ્ધનો બચાવ કરતાં અંગૂઠો ગુમાવી દેવો, વૃદ્ધને આખો બહાર કઢાય ત્યાં નીચેથી ખેંચી ખાઈ જતી શાર્ક અને તે વૃદ્ધનું તરતું મસ્તક અને એવું આવે છે. આલુને ઝીંદી નામે ભલી અને બીજાઓ પર શાસન કરી શકતી, પોતાના મકાનમાં ભાડે એક સાથે રાખતી બાઈ મળે છે. તેની સાથે સારાં કામની લાલચ આપી વેશ્યા વૃત્તિ કરાવવા કુલ્ફી નામની રૂપાળી પણ ખાધાપીધા વગર દુબળી થઈ ગયેલી સ્ત્રી, પ્રોફેસર સેમ્યુઅલ અને 'વિદેશમાં તને પૈસા મળશે ને તારા છોકરાને નામે બંગલો, કાર લેશે' કહી કરીઅમ્મા નામની પ્રસૂતા ને લાવવામાં આવી હોય છે. પ્રસૂતા છેક સુધી પ્રસવ પરાણે રોકી રાખે છે, જ્યાં સુધી તેનાં સંતાનને તે વિદેશમાં જન્મ્યું છે તેમ વહાણ પર લખી ન અપાય. બધી બનાવટ જ હોય છે. સેમ્યુઅલ આલુની ટેક્સટબુક માંથી પાનું ફાડી અભણ કરીઅમ્માની સહી લે છે અને પોતે ગુલામી અને દારુણ ગરીબીમાં ઉછરી પણ સંતાન બંગલો મોટર પામશે એ આશાએ કરીઅમ્મા પુત્રને ચાલુ વહાણે મધ દરિયે પ્રસુતિ કરાવી મૃત્યુ પામે છે. ઝીંદી એ છોકરાને સાચવે છે.

સહુ અલ ઘાઝીરમાં કન્સ્ટ્રક્શન, મજૂરી, એવાં કામ કરે છે. ત્યાં એક ગુજરાતી બિઝનેસમેન જીવણ પટેલ ત્યાંના સુલતાન સાથે ઘરોબો ધરાવે છે. એક મુસ્લિમ ભારતીયની ડર્બન ટેલરિંગ હાઉસ નામે દુકાન છે ત્યાં આલુ કામ કરે છે. એ જ્યાં આવેલું છે તે સ્ટાર હાઉસ નામની બહુમાળી ઇમારત તૂટી પડે છે. બીજા ભાગી છૂટે છે પણ એક ફોરેન બનાવટનાં બે રેઢાં પડેલાં સ્યુઇંગ મશીનની લાલચમાં આલુ દટાઈ જાય છે. લોકો માને છે કે તે દટાઈ ગયો. જીવણ પટેલના સાથીઓ ખબર લાવે છે કે તે જીવે છે. બધા ભારતીયો, પોલીસ પહેરા હેઠળની આ સાઇટ માં દટાએલા, અત્યારે કોઈ વર્ક પરમીટ કે રહેવાની છૂટ વગરના, આ દેશમાં ગેરકાયદે રહેતા આલુને ચોરી છુપીથી બચાવવા કોઈ યુક્તિ કરે છે.

એ દરમ્યાન ત્યાંના સુલ્તાનનો એક પિતરાઈ બળવો કરી સુલતાનની ગાદી પચાવી પાડવાનું કરે છે. ક્યાંકથી ઉખાડી લાવેલાં ખજૂરીનાં વૃક્ષો જીવણ પટેલ મહેલ નજીક વવડાવે છે અને એની વચ્ચે ઘોડાઓ ઉપર જઇ કેરોસીન છાંટી આગ લગાવે છે જેથી એ પિતરાઈની પીછો કરતી સેનાને અટકાવાય. ત્યાં તો તેઓ સફળ થાય છે પણ તેમના સૈન્યનો એક વ્યંઢળ ચોકીદાર ફૂટી જાય છે અને સુલતાન તો કેદ થાય જ છે, જીવણભાઈને પકડી લેવાય છે. ઝીંદી તેમની દુકાન સવારે ખરીદી લેવાની હોય છે અને અંધારામાં જીવણ દસ્તાવેજ પણ તૈયાર રાખે છે પણ રાત્રે રહસ્યમય સંજોગોમાં જીવણ પટેલ આત્મહત્યા કરે છે. નવા સુલતાન જુનાને માટે લડનાર દરેકને પકડી માથું ઉડાવી દેવા જેવી સજા કરવાના છે. એ સંજોગોમાં આલુને કાટમાળ નીચેથી બચાવી બધા ભાગે છે. સુલતાનના માણસો ટીયર ગેસના સેલ છોડી અને ધૂળની તોપ છોડી તેમને પકડવા જાય છે, એ વખતે જ્યોતિ દાસ અહીં આવી આલુની શોધમાં સ્ટાર ના કાટમાળ પાસે પહોચી ચૂકયો છે પણ હવે ખૂલેલી દુકાનોમાં પણ આલુ મળતો નથી. તે જીવે છે એની ખાતરી થાય છે. આલુને પકડવા નવા સુલતાનની પોલીસ સાથે તે જાય ત્યાં એક નાની ગલીમાં થઈ કોઈક રીતે આલુ, ઝીંદી, કુલ્ફી અને નાનું બાળક ભાગી છૂટી હજી આગળ સહરા ની બોર્ડર પાસે એક શહેરમાં પહોંચી જાય છે. ત્યાંથી ફ્રાન્સ અને યુરોપમાં ભાગી છૂટવા સરહદ નજીક છે.

ભાગવાના પૈસા ક્યાંથી આવ્યા? અહીં પણ સેમ્યુઅલ ની સહકારી ચળવળ. બધાની દર ગુરુવારે સાંજે થતી કમાણી બેંકમાં ભરી દેશમાં મોકલી બાકીની સરખે ભાગે વહેંચવાની.

એ બંગાળી મહાશય લેખક ના મતે સમાજવાદ જ શ્રેષ્ઠ છે અને મૂડીવાદ જીવણ પટેલની જેમ તકવાદી, નાશ થવા જ સર્જાયેલો છે!

એ સરહદી શહેરમાં પેલું નવજાત શિશુ, જેનું વહાણમાં જ બોસ નામ પડાયું છે તે ગરમીથી બીમાર પડે છે. એક ભારતીય લેડી ડોક્ટર અજાણતાં એક રેસ્ટોરાંમાં તેમને મળી જાય છે. તે બોસ સાથે સહુને પોતાને ત્યાં આશરો લેવા કહે છે. ત્યાં કોઈ બાતમી લઈ જ્યોતિ દાસ પણ આવી પહોંચ્યો છે અને રોકાયો છે. ઝીંદી આલુને કામચલાઉ બોસ નો બાપ, કુલ્ફીને તેની મા અને આલુની પત્ની, પોતાને બોસની આયા બતાવે છે. પણ જ્યોતિ દાસ તેમને ઓળખી જાય છે.

વધુ પડતા ક્રેઝી વળાંકમાં ત્યાંની જનતા માટે ત્યાં વર્ષોથી રહેતા ડો. મિશ્રા ભારતીયોની ત્યાં વસવાટની એનિવર્સરી માટે ઉત્સવ કરે છે જેમાં બંગાળી નાટક ચિત્રાંગદા રજૂ કરવાનું હોય છે. લેડી ડોકટર મિસિસ વર્મા ચિત્રાંગદાનાં પાત્ર માટે કુલ્ફીને પસંદ કરે છે અને ઉત્સવ પૂરો થાય ત્યાં સુધી રોકાઈ જવા કહે છે. અર્જુન કોઈ નહીં ને જ્યોતિ દાસ બનવાનો હોય છે.

ડો. મિશ્રાને ઘેર રૂમમાં ફરતાં તેમના પુસ્તકનાં કબાટમાં આલુને તેના ભાઈ બલરામની આપેલી અતિ પ્રિય બુક લાઈફ ઓફ લુઇ પાશ્ચર દેખાય છે. જે બલરામે સ્વ હસ્તે સહી કરી ડો. મિશ્રાને આપી હોય છે.

ડ્રેસ રિહર્સલ દરમ્યાન જ્યોતિ દાસ ડાયલોગો વચ્ચે કુલ્ફીને સરેન્ડર થઈ જવા અને થાય કે ન થાય, હવેની પકડાઈ ગયા પછીયાતનાઓ વિશે કહે છે. પોતે આલુને પકડાવી દે તો જ્યોતિ દાસ તેની સાથે લગ્ન કરવા પણ તૈયાર છે તેમ કહે છે. નાટકના ચાલુ સંવાદ વચ્ચે ધીમેથી. એ સિવાય એ સહુને મૃત્યુ કરતાં પણ બદતર યાતના સહન કરવાની ધમકી આપે છે. આઘાતમાં કુલ્ફીને ડો. મિશ્રા નાં ઘરમાં જ હાર્ટ એટેક આવે છે પણ જ્યોતિ દાસ ના દરેક વાક્યનો તે 'હું અપ્સરા છું', 'હું રાજ પુત્રી છું', 'વિરાંગના છું' એવા જ જવાબો આપ્યા કરે છે અને આખરે ડો.મિશ્રા કામ ના દેવ મદનનું પાત્ર ભજવતાં તેમને બાણ મારવાનું કરે ત્યાં કુલ્ફીનું હૃદય બંધ પડી જાય છે. મિશ્રા તેને મૃત જાહેર કરે છે. કામચલાઉ પતિ આલુને માથે તેના અગ્નિસંસ્કાર કરવાની જવાબદારી આવે છે. તેઓને પરમિશન તો મળે તેમ નથી પણ કોઈક રીતે પોલીસને સમજાવી લેન્ડ રોવરમાં બોડી અને મિશ્રા, ડો. વર્મા અને અન્યોનાં ઘરનું ફરનિચર અને પેકિંગ માટે આવેલાં લાકડાં લઈ જઈ સહરાની રેતીમાં કુલ્ફીને અગ્નિદાહ અપાય છે.

જ્યોતિ દાસ સાચી વાત સમજે છે. તેમને ભારતની સરકારી નોકરી છોડી જર્મનીમાં નોકરી મળી રહી છે એટલે જર્મની જતાં ફરી ડો. મિશ્રાને મળવાનું કહી વિદાય થાય છે. કુલ્ફીનાં અસ્થિ એક નાની પેટીમાં ભરી તેની સહાનુભૂતિ સાથે આલુ ભારત આવવા રવાના થઈ શકે છે, ઝીંદીને તેને કે તેની સાથે હતાં તે કોઈને છોડવાં ગમતાં નથી પણ બોસને લઈ તે ક્યારેક એની મા ની ઈચ્છા મુજબ કમાઈ દેશમાં બંગલો કાર લેશે કહી જાય છે.

કેટલાક દિલ ધડક પ્રસંગો એકી બેઠકે વાંચવાનું ગમ્યું પણ બંગાળીનું નક્સેલાઈટ થીમ, હિન્દૂ સંસ્કારોની ઠેકડી અને વાતવાતમાં સમાજવાદ, જાણી જોઈ સવર્ણને વણકર બનાવવો, નાસ્તિકતા ભરી વાતો- એ બધું મને ન ગમ્યું. શું દરેક પોતાને બુદ્ધિજીવી કહેવરાવતો બંગાળી આમ જ વિચારતો હશે?

આમ તો સ્ટોરી પ્લોટ જકડી રાખે તેવો લાગ્યો.

આપણને ન ગમે તે મગજમાંથી થુકી નાખી બાકીની નવલકથા વાંચવા જેવી

-સુનીલ અંજારીયા


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED