અંગત ડાયરી - વેશભૂષા Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંગત ડાયરી - વેશભૂષા

અંગત ડાયરી
============
શીર્ષક : વેશભૂષા
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ: ૨૩, ઓગસ્ટ ૨૦૨૦, રવિવાર

તમને કોઈ પૂછે કે ‘વોટ ઇસ યોર હોબી?’ તો તમે શું કહેશો? આપણે અનેક વખત આ પ્રશ્નનો સામનો કરી ચૂક્યા છીએ. જવાબમાં કોઈ રીડીંગ લખે તો કોઈ ટ્રાવેલિંગ, કોઈ મ્યુઝીક તો કોઈ ડાન્સ. શોખનું બહુ લાંબુ લિસ્ટ આપી શકાય. પણ તમે ક્યારેય આ પ્રશ્નના જવાબમાં ‘મને મારી જિંદગી, પૂરેપૂરી જિંદાદિલીથી જીવવાનો શોખ છે’ એવું લખ્યું છે ખરું? જિંદગીના બધા જ ડાયમેન્શનને પૂરેપૂરા માણવાનો, ખીલવવાનો તમને શોખ નથી?

જિંદગીના ડાયમેન્શન્સ એટલે જિંદગીની લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ અને ઊંચાઈ. મારી દૃષ્ટિએ, જિંદગીની લંબાઈ એટલે જન્મતારીખથી મૃત્યુ તારીખ વચ્ચેના દિવસો, મહિનાઓ, વર્ષો. જિંદગીની પહોળાઈ એટલે જીવનભર સ્વપ્રયત્ને કમાયેલા રૂપિયા-પૈસા, ગાડી, બંગલા, નોકર, ચાકર. જિંદગીની ઊંડાઈ એટલે કેટલા લોકોની પીડા આપણે સમજી અને જિંદગીની ઊંચાઈ એટલે કેટલા લોકોના જીવનમાં આપણે પ્રસન્નતા, આનંદ, ઉજાશ લાવ્યા? જિંદગીની લંબાઈ અને પહોળાઈ કરતા ઊંડાઈ અને ઊંચાઈ વધુ મહત્વના છે. શ્રીમદ્ આદ્ય શંકરાચાર્યજીનું આયુષ્ય કેવળ બત્રીસ વર્ષનું હતું. છતાંય આજેય કરોડો જીવનોને એમના જીવન આદર્શોએ અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનો માર્ગ બતાવ્યો છે. કરોડો માનવ પુષ્પોમાં એમણે માનવ્ય ખીલવ્યું છે.

માનવ જીવનમાં એક જબરી રમત દરેકે રમવાની છે અને એ છે વેશભૂષાની. બાળપણમાં તમે શાળામાં વેશભૂષાની સ્પર્ધામાં ભાગ લીધો હશે. કોઈ નેતા બને તો કોઈ સ્વાતંત્ર્યસેનાની, કોઈ નારદજી બને તો કોઈ ડોક્ટર. સ્પર્ધા પૂરી થાય એટલે દરેક બાળક ફરી પાછું ઓરીજનલ ડ્રેસમાં આવી જાય. બસ, વાસ્તવિક માનવ જીવનમાં આપણે આવી જ વેશભૂષાની રમત રમી રહ્યા છીએ. કોઈ ડોકટરનો એપ્રોન પહેરી ફરે છે તો કોઈ વકીલનો કાળો કોટ, કોઈ પોલીસની ખાખી વર્દી પહેરી ફરે છે તો કોઈ નેતા ખાદીમાં હાથ જોડી ઊભો છે. બાળપણમાં દસ-વીસ મિનિટ રમાતી આ રમત, વાસ્તવિક જીવનમાં ત્રીસ-ચાલીસ વર્ષ રમાય છે. ઘણીવાર આપણે ભૂલી પણ જઈએ છીએ કે આપણો મૂળ ડ્રેસ તો માનવનો છે, ડોક્ટર કે વકીલ તો માનવ સમાજની રમત પૂરતા નાટક છે. મૂળભૂત માનવ્ય વધુ ઈમ્પોર્ટન્ટ છે, એને ભૂલવાનું નથી. એટલે જ તો કોઈ મહાન ચિંતકે આપણને ટકોર કરી છે ને કે ‘હું માનવી, માનવ થાઉં તોયે ઘણું’.

તમને ખબર છે સ્મશાનમાં આપણને વૈરાગ્યભાવ શા માટે જાગે છે? સામે સૂતેલા મૃતદેહને જોઈ આપણને યાદ આવે છે કે ઓહ, આ વ્યક્તિનો ખેલ તો ખતમ થઈ ગયો. ચિતામાં નથી ડોક્ટર સૂતો કે નથી વકીલ, નથી પોલીસ અધિકારી સળગતો કે નથી કોઈ નેતા. એ તો કેવળ માનવ છે. સ્મશાનમાં જીવતા જાગતા બેઠેલા આપણે થોડી વાર માટે વેશભૂષાની આખી રમતનો અંત જોઈએ છીએ, વાસ્તવિકતા જોઈએ છીએ. આપણો અસલી વેશ તો માનવનો છે એ આપણને સ્મશાનમાં દેખાય છે. વેશભૂષાની નશ્વરતા આપણી અંદર વૈરાગ્યભાવ જન્માવે છે. પણ કોણ જાણે કેમ સ્મશાનની છતની બહાર નીકળતા જ ફરી જેવો એપ્રોન, કાળો કોટ, ખાખી કે ખાદી પહેરીએ એટલે ફરી માનવ્ય ભૂલાવા માંડે છે. (જોકે આ ચાર તો ખાલી લખ્યાં છે, લાગુ બધા જ પહેરવેશને પડે છે)

જો કે એવા ઘણા ડોક્ટર્સ છે કે જેમની સેવા અને સંવેદના સમાજને પ્રેરણા આપતી હોય છે, એવા ઘણા વકીલો છે જેમણે ન્યાયના પક્ષે રહી સમાજમાં સત્ય પ્રસ્થાપિત કર્યું હોય, એવા ઘણા પોલીસ અધિકારીઓ છે જેમની પાસેથી વિનમ્રતા શિક્ષકોએ પણ શીખવી પડે અને એવા ઘણા ખાદીધારીઓ છે જેઓ વાસ્તવમાં સમાજસેવા અને સમાજ ઉત્થાન માટે પોતાની જાત ઘસી રહ્યા છે. એવા અનેક ઇન્ટલએક્ચ્યુઅલ્સ છે કે જેમણે વેશભૂષાના સત્યને સમજ્યું છે અને પોતાની જિંદાદિલીનો શોખ જીવંત રાખ્યો છે.

સતત છ દિવસ વેશભૂષાનો ડ્રેસ પહેરી ઓન ડયુટી રહેતા આપણને સાતમો દિવસ એટલે કે રવિવાર ફરીથી સામાન્ય માનવ બનવાની અને માનવ્ય વિષે વિચાર કરવાની તક આપે છે. કાશ, જિંદાદિલી અને માનવ્યનો શોખ, કોરોના વાયરસ કરતા પણ વધુ ઝડપે વિશ્વ આખામાં ફેલાઈ જાય અને કોઈ દેશનો કોઈ ડોક્ટર એની રસી શોધી ન શકે તો પૃથ્વી પર સ્વર્ગ ઉતરી આવે. (એ પછી ટીવી પર ન્યુઝ જોવાની મજા પડે, આજે અમદાવાદમાં સો જણાંને માનવ્યનો ચેપ લાગ્યો, દિલ્હીમાં હજાર જણાં જિંદાદિલીની હડફેટે ચડ્યા, ભારતમાં માનવ્ય અને જિંદાદિલીનો આંકડો પચાસ કરોડને પાર...)

ખેર, તમારો ડ્રેસ ખીંટી પર ટાંગીને આજનો રવિવાર માનવ્યની મૌજ માણી લો, સોમવારથી તો ફરી વેશભૂષા છે જ.

હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)