અંગત ડાયરી - કેમિકલ લોચો Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંગત ડાયરી - કેમિકલ લોચો

અંગત ડાયરી
============
શીર્ષક : કેમિકલ લોચો
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ :૧૬, ઓગષ્ટ ૨૦૨૦, રવિવાર

જન્માષ્ટમીના દિવસે હું શ્રી કૃષ્ણની છબી સામે તાકતો બેઠો હતો અને ભીતરે વૈચારિક કેમિકલ લોચો સર્જાયો.. એ જ લોચો આપની સમક્ષ પેશ કરું છું, સાંભળો...

તમે કદી એ વિચાર કર્યો કે : તમારા ગયા પછી તમને કોણ કોણ યાદ કરશે? શા માટે યાદ કરશે? કેટલા દિવસો કે કેટલા વર્ષો સુધી યાદ કરશે?

ગાંધીજી જેવા સત્ય અને અહિંસાના ઉપાસકને પ્રજા વર્ષો સુધી યાદ રાખે, મીરાંબાઈ - નરસિંહ મહેતા - જલારામબાપા જેવા ભક્તોને પ્રજા સદીઓ સુધી ન ભૂલે.. જયારે રામ-કૃષ્ણ જેવા અવતારો હજારો વર્ષો સુધી માનવ જાતના માનસમાં પૂજનીય સ્થાન જમાવી શકે એની પાછળ સમાજનું કઇંક તો ગણિત હશે ને? યાદ રહે મિત્રો, ગમે એવો માલેતુજાર પડોશી કે શેઠ હોય, આપણે એની આરતી નથી ઉતારતા, એની પાલખી નથી ઉપાડતા. પાંચ હજાર વર્ષ પહેલા જન્મેલા કૃષ્ણનો રથ આજેય આપણે શણગારીએ છીએ તો એની પાછળનું રહસ્ય શું? તમને શું લાગે છે? કૃષ્ણે પોતે રામનવમીનું એકટાણું કે ઉપવાસ કર્યા હશે? આ એક જ પ્રશ્ન બાદ મગજની અંદર ઉથલપાથલ મચી, કેમિકલ લોચો સર્જાયો.

નાનપણમાં કાનુડાએ ઘરમાં થતી રામનવમીની ઉજવણી જોઈને યશોદા મૈયાને પૂછ્યું હશે? ‘બા આ શાની તૈયારી ચાલી રહી છે’ અને યશોદા મૈયાએ જવાબમાં કહ્યું હોય કે ‘કાલે રામનવમી છે, એની’ અને કૃષ્ણે પૂછ્યું હોય ‘રામનવમી એટલે ?’ મૈયા બોલી હોય ‘રામ ભગવાનનો જન્મ દિવસ’ અને કાનુડાએ પૂછ્યું હોય ‘ભગવાન એટલે?’ ત્યારે મૈયા યશોદાએ શું જવાબ આપ્યો હશે? અને એ જવાબથી કાનુડાના માનસ પટ પર ક્યા સિદ્ધાંતો અંકાયા હશે? (કે જેના પર ચાલીને એણે ખુદ ભગવાન બનીને બતાવી દીધું!)

એ પછી ગોકુળ છોડી ગયેલા કૃષ્ણે વર્ષો બાદ...
મથુરામાં રામનવમીની આગલી સાંજે રુક્મિણી સાથે હિંચકે હિંચકતા શું ચર્ચા કરી હશે? ‘કાલે તો એકટાણું કરીશું. બપોરે ફૂલ ડીશ અને સાંજે ફ્રુટ વધુ મંગાવી રાખજો. દુધેય થોડું વધુ રાખજો નહિંતર ખાલી પેટે પાછી રાત્રે ઊંઘ નહિ આવે’ - શું આવી વાતો થઈ હશે? આજ કાલના કાનુડાઓ તો એમની રુક્મિણીઓ સાથે આવી જ વાતો કરતા હોય છે.

કે પછી કૃષ્ણે આખા રામજીવનનો એકદમ પ્રેક્ટિકલ વિચાર કર્યો હશે? પિતાનું વચન પાળવા ચૌદ વર્ષ વનમાં જવા તૈયાર થતા રામની મન:સ્થિતિ કૃષ્ણ પોતે આત્મસાત કરવા મથ્યા હશે? રાવણ જેવા જ્ઞાની યોદ્ધા સામે યુદ્ધે ચઢનાર રામની વોર-સ્ટ્રેટેજી સમજવા કૃષ્ણ મથ્યા હશે? કે પછી રામરાજ્ય જેવી વ્યવસ્થા કેમ ઊભી કરવી એ અંગે કૃષ્ણે મનોમંથન કર્યું હશે? કે પછી કૃષ્ણે કૈંક બીજું જ વિચાર્યું હશે રામનવમીના દિવસે? એક અવતારે બીજા અવતારના જન્મ દિવસે શું વિચાર્યું હશે?

ગુલાબના સમાજમાં કોઈ ગુલાબ પૂજાતું હોય તો એનો ટોટલ અર્થ એટલો જ કે જો કોઈ પણ ગુલાબની કળી પૂર્ણ પણે ખીલે તો એ પૂજનીય ગુલાબ જેટલી ખીલી શકે. રામ અને કૃષ્ણ એ માનવ પુષ્પનું પૂર્ણ ખીલેલું સ્વરૂપ છે. તમે અને હું માનવ પુષ્પ છીએ. જો ધારીએ તો રામ-કૃષ્ણ જેટલા જ ખીલી શકીએ. અણુ, પરમાણુ, ન્યુટ્રોન, પ્રોટોન, ઈલેકટ્રોન બેઝીકલી આપણા અને રામ-કૃષ્ણના સરખા જ છે, ફર્ક કેવળ વાણી, વર્તન, વિચારોનો છે, કર્મનો છે. છટકબારી રાખવી હોય તો નસીબનો છે.

બસ, આવી જ છટકબારીઓમાંથી છટકી - છટકીને આપણે રામ કે કૃષ્ણ થવા સર્જાયેલા માનવો, રાવણ કે કંસ જેવા જીવન જીવતા થઈ ગયા છીએ કારણ કે બેઝીક સ્ટ્રક્ચર તો આપણા, રાવણ અને કંસ સાથેય સામ્યતા ધરાવે છે ને! તમને શું લાગે છે? કંસે રામનવમીનું એકટાણું કર્યું હશે? દુર્યોધને અને શકુનિએ ‘રઘુ કુલ રીત સદા ચલી આઈ, પ્રાણ જાયે પર વચન ન જાયે’ ચોપાઈ કે એવી બીજી કોઈ ધૂન રામનવમીના દિવસે ગાઈ હશે? ધૃતરાષ્ટ્રે દુર્યોધનને રામનવમીના દિવસે રામની ત્યાગ ભાવના વિષે શું સમજાવ્યું હશે?

કે પછી..
રામ નવમીના દિવસે કંસ, દુર્યોધન, શકુનિ, ધૃતરાષ્ટ્ર જેવા લોકો કૈંક જુદું જ કરતા હશે? કૈંક એવું કે જેથી રામનો કોઈ સદગુણ એમને સ્પર્શીને, ભીતરી માનવ્યના સ્પંદનોને જગાડી ન જાય. કૈંક એવું કે જેથી રામનો એકાદ વિચાર ભીતરે કેમિકલ લોચો પણ જગાવી ન દે...

શું આવો કેમિકલ લોચો થયો હોત તો જીવતે જીવતો કૃષ્ણ એના સમકાલીન કંસ, દુર્યોધન, શકુનિ, ધૃતરાષ્ટ્રને ઓળખાઈ ન જાત? શું આવું થયું હોત તો આ વિલન મંડળીના જીવનમાં શુભ પરિવર્તન આવ્યું ન હોત? તો શું મહાભારતનો એન્ડ બદલાયો હોત...?

મિત્રો, હું એ વાત માનવા તૈયાર નથી કે આપણી આસપાસ કૃષ્ણ નથી કે રામ નથી. આપણી ભીતરે રહેલા કંસત્વ, શકુનિત્વ આપણને પજવી રહ્યા છે એમાં બેમત નથી. આપણી અંદર કૈંક એવો કેમિકલ લોચો સર્જાય અને શબરી કે, કેવટ કે, સુદામા કે, અર્જુન કે, હનુમાનજીની જેમ આ જન્મે જ રામત્વનો કે કૃષ્ણત્વનો ભીતરી અહેસાસ થાય તોય ભયો ભયો... કવયિત્રી ડૉ. રંજન જોષી કહે છે એમ :
'હું નથી મીરાં નથી રાધા કે નથી રુક્મિણી
તારા પ્રેમ કે ભક્તિ મહીં મારું કોઈ સગપણ છે નહીં
તું મળે તો તને પામવાનો એક અભરખો છે ખરો
તું ઈશ કે જગદીશ હો એવી કોઈ અટકળ છે નહીં

હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)