પ્રેમનું વર્તુળ - ૧૨ Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પ્રેમનું વર્તુળ - ૧૨

પ્રકરણ-૧૨ વૈદેહીના પ્રત્યાઘાતો

વૈદેહી હવે ફરી રેવાંશના ઘરે આવી પહોંચી હતી. પરંતુ સાસરીમાં એનું બહુ સારી રીતે સ્વાગત થયું નહોતું અને એ પણ માત્ર એક પરિક્ષામાં નાપાસ થવાને લીધે? જેની તો વૈદેહીને કલ્પના પણ નહોતી. વૈદેહીએ ઘરમાં પગ મુક્યો ત્યાં જ વૈદેહી ને એકલી આવેલી જોઇને એની સાસુ એના પર બરાબર ભડક્યા. કારણ કે, સાસુને એમ હતું કે, વૈદેહીને એના માતા પિતા મુકવા આવશે અને એને પૂછશે તમારે કઈ પૈસાની જરૂર છે? વગેરે વગેરે... પરંતુ એમનું ધાર્યા મુજબનું કશું જ બન્યું નહિ એટલે એ વૈદેહી પર બરાબરના ભડક્યા. અને રેવાંશ તો વૈદેહી સાથે વાત પણ કરવા તૈયાર નહોતો. એ તો ઉલટું વૈદેહીને જોઇને જ ભડક્યો હતો અને એની મમ્મીને બોલ્યો, “મેં તને ના જ પડી હતી તે એને અહીં શું કામ બોલાવી? તે એને બોલાવી છે તો હવે તું જ રાખ એને. હું હવે એને બોલાવવાનો નથી.” એટલું કહી રેવાંશ ઘરની બહાર નીકળી ગયો.
વૈદેહી તો રેવાંશની આવી વાત સાંભળીને ખુબ તૂટી ગઈ. એના માટે તો સાસરી પક્ષના બધાં સભ્યોનું આવું વર્તન જ અકલ્પનીય હતું. વૈદેહીનો ચેહરો રડમસ થઇ ગયો. એ જોઇને વૈદેહીને એની સાસુ એ કહ્યું, “હું એને સમજાવીશ બેટા. એ કોઈ દિવસ અસફળતાને પચાવી જ નથી શકતો. પણ હું એને સમજાવીશ એટલે એ ધીમે ધીમે સમજી જશે. પણ હું પણ તને એટલું તો ચોક્કસ કહીશ કે, તારા માતા પિતા એ તને આવી રીતે એકલી તો નહોતી જ મોકલવી જોઈતી હતી. એમણે તને મુકવા આવવું જોઈતું હતું. અને રેવાંશને પણ પૂછવું જોઈતું હતું કે, વૈદેહી ફેઈલ થઇ છે તો તમારે કઈ પૈસાની જરૂર હોય તો કહેજો. વૈદેહી સાસુની આવી વાત સાંભળીને ચોંકી ઉઠી. એ મનોમન વિચારવા લાગી કે, “તો શું રેવાંશ એ પૈસા માટે મારી જોડે લગ્ન કર્યા છે? શું મારી એની જીંદગીમાં કોઈ કિંમત જ નથી?” પણ વૈદેહી ક્યાં જાણતી હતી કે, રેવાંશ નો ઉછેર જ એવો થયો હતો કે, એને પૈસા સિવાય કશું દેખાતું જ નહોતું. અને એને તો માત્ર ઘરમાં પૈસા કમાઈને લાવે એવી જ પત્ની જોઈતી હતી. એ હવે કઈ જ બોલી નહિ અને ચુપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ.
વૈદેહીના આવ્યા પછી રેવાંશનો ગુસ્સો થોડો શાંત થઇ જતા એ ફરી ઘરમાં દાખલ થયો. પરંતુ એ વૈદેહી જોડે એક શબ્દ પણ બોલ્યો નહિ. એટલે રેવાંશની મમ્મી અને એની બહેને એને થોડો સમજાવ્યો ત્યારે એ માત્ર એટલું જ બોલ્યો, “ઠીક છે, આ છેલ્લો મોકો આપું છું હું એને અને એ પણ તમે બંને કહો છો એટલે. એ પછી બીજી વાર મને કહેતા નહિ.” એટલું કહી એણે વૈદેહીનો સ્વીકાર કર્યો.
ધીમે ધીમે સમય વહી રહ્યો હતો. એક દિવસની વાત છે. વૈદેહીના સાસુ રસોડામાં કામ કરી રહ્યા હતા. એવામાં વૈદેહી ત્યાં આવી અને મદદ માટે પૂછ્યું પરંતુ એમણે ના પાડી એટલે વૈદેહી બહાર આવીને ટીવી જોવા લાગી. વૈદેહી ટીવી જોવા લાગી એ મહેક થી સહન થયું નહિ એટલે એ તરત બોલી, “ભાભી, મમ્મી રસોડામાં કામ કરે છે અને તમે અહીં ટી.વી. જુઓ છો? તમને શરમ નથી આવતી?” મહેકની આવી વાત સાંભળી સાસુમા એ પણ એની જોડે સુર પુરાવ્યો અને બોલ્યા. “હા, મારે તો વહુ આવી તોય કામ ના ઉતર્યું. ઉલટું મારા કામમાં તો વધારો જ થયો છે.” સાસુનો આવો બળાપો સાંભળીને અત્યાર સુધી શાંત રહેલી વૈદેહી હવે બરાબરની ભડકી.
એ ગુસ્સાથી બોલી ઉઠી, “એક તો તમે મને કઈ કરવા નથી દેતા અને પછી ફરિયાદ કરો છો? જયારે હોય ત્યારે શું ફરિયાદ કર્યા કરો છો?” હવે વૈદેહી બરાબરની ભડકી ઉઠી હતી. અત્યાર સુધી જે પણ એના મગજમાં ભર્યું હતું એ બધું જ આજે એણે બહાર કાઢ્યું. વૈદેહી ભડકી એટલે રેવાંશ એ તરત જ વૈદેહીના પિતાને ફોન કર્યો અને કહ્યું, “પપ્પાજી, વૈદેહી મારી મમ્મી ને જેમતેમ બોલી રહી છે. એ ખરાબ વર્તન કરી રહી છે. તમે એને લઇ જાવ.” એટલું કહી રેવાંશ એ ફોન મૂકી દીધો. રજતકુમાર માટે તો આ વાત માન્યામાં આવે એવી નહોતી.
આ બાજુ હજુ પણ વૈદેહીનું બોલવાનું ચાલુ જ હતું. એ શાંત થઇ રહી નહોતી એટલે હવે રેવાંશને પણ બરાબરનો ગુસ્સો આવ્યો. એણે વૈદેહી પર હાથ ઉપાડવાનો પ્રયત્ન કર્યો. પરંતુ મહેકે તેને રોકી લીધો. પરંતુ વૈદેહી રેવાંશનો હાથ ઉઠી ગયેલો જોઇને એ ચુપ ના રહી. એ તો ઉલટું વધુ ભડકી અને બોલી, “હાથ તો તમે ઉપાડતા જ નહિ મારી ઉપર કહી દઉં છું તમને.” એટલું કહી એ એના પિતાને ફોન કરવા જઈ રહી હતી પરંતુ એના હાથમાંથી મહેકે એનો ફોન લઇ લીધો કારણ કે, એ નહોતી ઇચ્છતી કે, વૈદેહી એના માતાપિતાને આ વાત જણાવે. ઘરમાં જોરજોરથી અવાજ આવી રહ્યા હતા એટલે સામેથી પાડોશમાં રહેતા નીલું આંટી રેવાંશના ઘરમાં દોડી આવ્યા. એ થોડીવાર વૈદેહીને પોતાના ઘરે લઇ ગયા. વૈદેહી ખુબ તૂટી ગઈ હતી. એ ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં ઘરમાં સેટ થઇ નહોતી રહી એટલે એણે નીલું આન્ટીને કહ્યું, “આંટી, મારે મારા પપ્પાને ફોન કરવો છે. મને તમે ફોન આપશો. મારો ફોન મહેકે લઇ લીધો છે. મને હવે અહી રહેવું જ નથી. મને ઘરે જવું છે.”
“હા, બેટા, આ લે વાત કરી લે.” નીલું આન્ટીને પણ વૈદેહીની દયા આવી ગઈ. એ બોલ્યા, “હું બધું જાણું છું બેટા, તને પાછો રેવાંશનો પણ સાથ નહી ને.” એટલું કહી એણે ફોન આપ્યો. વૈદેહી એ પિતાને ફોન જોડ્યો અને બોલી, “પપ્પા, તમે મને અહીંથી લઇ જાવ. મારે આ ઘરમાં રહેવું જ નથી. આજે તો રેવાંશ એ મારા પર હાથ ઉપાડવાનો પણ પ્રયત્ન કર્યો.” આ વાક્ય સાંભળતા જ તરત રજતકુમાર બોલ્યા,
“હું આવું છું બેટા, ચિંતા ન કર. હું અને તારી મમ્મી હમણાં જ અહીંથી નીકળીએ છે.” એટલું કહી એમણે કહ્યું, “નીલું આન્ટીને ફોન આપ.”
વૈદેહીએ એમને ફોન આપ્યો એટલે વૈદેહીના પપ્પા એ એમને કહ્યું, “બેન, મારી દીકરી ની જવાબદારી હું તમને સોંપું છું. જ્યાં સુધી અમે ત્યાં પહોંચીએ નહિ ત્યાં સુધી તમે વૈદેહીનું ધ્યાન રાખજો.”
“હા, સાહેબ. તમે બિલકુલ ચિંતા ના કરો. હું એનું ધ્યાન રાખીશ.” એટલું કહી નીલુબહેને ફોન મૂકી દીધો.
ફોન મુકીને તરત જ વૈદેહીના માતા પિતા એના સાસરે જવા રવાના થયા? શું આવશે વૈદેહીના લગ્નજીવનનું પરિણામ? શું કરશે વૈદેહીના માતાપિતા એના માટે? એની વાત આવતા અંકે....

રેટ કરો અને રિવ્યુ આપો

Aamir Vahora

Aamir Vahora 4 અઠવાડિયા પહેલા

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 1 માસ પહેલા

Sheetal

Sheetal 3 વર્ષ પહેલા

Heena Suchak

Heena Suchak 3 વર્ષ પહેલા

Rajiv

Rajiv 3 વર્ષ પહેલા