અજાણ્યો શત્રુ - 19 Divyesh Koriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અજાણ્યો શત્રુ - 19

છેલ્લે આપણે જોયું કે રાઘવ વિરાજ અને જેકને વિલા પર રવાના કરે છે, તથા પોતે મિલીના ફ્લેટ પર રોકાઈ જાય છે.

હવે આગળ......

******

વિરાજ અને જેકના ગયા બાદ રાઘવ ફરી સોફા પર ગોઠવાય છે.ઘડિયાળ અત્યારે વહેલી સવારના સાડા ત્રણનો સમય બતાવતી હતી. કમરામાં તથા બહાર એકદમ નીરવ શાંતિ હતી, બહારથી થોડી થોડી વારે શેરીનાં કૂતરા ભસવાનો અવાજ આવતો હતો. એ સિવાય ક્યાંય કોઈ હલચલ નહતી.

પરંતુ કમરામાં હાજર ત્રણેય લોકોના મગજમાં ધમાંસાણ મચ્યું હતું. રાઘવને લાગતું હતું, હવે મિલી પાસેથી કોઈ ખાસ ફાયદો મળશે નહીં, સિવાય કે અંદરના કામકાજની કોઈ નાની મોટી માહિતી મળી રહે. માટે તેણે હવે મેરી સાથે સોદો કરવાનું નક્કી કર્યું. રાઘવ મેરી અત્યારે અહીંયા શું કરે છે? એ જાણતો નહતો,પણ મેરીની પહોંચથી અજાણ પણ નહતો. એમાય મેરી છેલ્લા ઘણા સમયથી અહીં હતી. મતલબ એ પણ કોઈ મોટા શિકાર માટે જ આવી હતી.

મિલીને સમજાતું નહતું, આમ અચાનક આ શું થઈ ગયું? કેમકે આવી પરિસ્થિતિ તેના જીવનમાં પહેલીવાર આવી હતી. તેને કેમ પહોંચી વળવું એ મિલીને સમજાતું નહતું. જીંદગીમાં પહેલીવાર તેણે કોઈને પ્રેમ કર્યો હતો,તે જેક સાથે આયખું પસાર કરવાનાં સપના જોતી હતી, પણ તેને ક્યાં ખબર હતી કે તેના સપના કાચના છે. જેને એક હળવી ઠેસ પણ તોડી નાખે, આજ એ કાચ સંપૂર્ણ તૂટ્યો તો નહતો, પણ તેમાં મસમોટી તિરાડ પડી હતી, જે કદાચ ફરી સંધાય નહીં.

મેરીએ મિલીને રૂમમાં જઈ આરામ કરવા કહ્યું. લગભગ આખી રાત તેઓ જાગ્યા હતા. મેરી આરામ કરવાનાં બહાને મિલીને અંદર મોકલવા માંગતી હતી, જેથી એ અને રાઘવ બન્ને આરામથી વાતચીત કરી શકે. તે જાણતી હતી કે રાઘવ તેની સાથે વાત કરવા માટે જ અહીં રોકાયો હતો.

"હું અહીં જ ઠીક છું ". મિલીએ ધીમેથી મેરીને કહ્યું. તે રડવા માંગતી હતી. કોઈને પોતાના મનની વાત કહેવી હતી. પણ અહીં તેનું સાંભળવા માટે હતું કોન? રાઘવને હવે મિલીની હાજરી કઠતી હતી. તે મિલી સામે મેરી સાથે બધી વાત ન કરી શકે. મિલી થોડી વાર માટે પણ તેઓ બેઠા હતા એ રૂમની બહાર જાય એ માટે રાઘવે તેને ચા અથવા કોફી માટે કહ્યું.

રાઘવની વાતથી મિલીએ એટલો સમય રોકી રાખેલા આંસુ આંખમાંથી વહી નીકળ્યા. તેને રાઘવ પર બહુ જ ગુસ્સો આવતો હતો. એક તો રાઘવ અડધી રાત્રે તેના ઘરમાં ઘુસી આવ્યો, તેના અને જેકના સંબંધમાં તિરાડ પાડી, જેક સાથે તેને બે ઘડી સરખી વાત પણ ના કરવા દીધી, એ પહેલાં જ જેકને પાછો મોકલી દીધો અને પોતે અહીં રોકાઈ ગયો. અને હવે ચા કોફી માંગતો હતો. મિલીને ગુસ્સો તો એટલો આવ્યો કે રાઘવને ઢોરમાર મારી અધમૂઓ કરી નાખે.

મેરીને મિલીને જોઈ લાગ્યું કે જો મિલી વધારે વાર રાઘવ સામે હાજર રહી તો પરિસ્થિતિ વણસી શકે છે. આ સમયે ખોટો ઝઘડો થાય અને આસપાસના લોકો જાગી જાય, એ ઉચિત નહતું. મેરી મિલીને સમજાવતાં સૂવા માટે તેના કમરામાં લઈ ગઈ. પંદરેક મિનિટ પછી મેરી બહાર હોલમાં આવી ત્યારે તેને રાઘવ હાથમાં ચાનાં બે કપ લઈ રસોડામાંથી બહાર આવતાં દેખાયો.

"ચા ચાલશે ને? "ચાનોં કપ મેરી સામે ધરતાં રાઘવે પૂછ્યું. મેરી રાઘવના વ્યવહારથી થોડી પરેશાન હતી. રાઘવ અને મેરી બન્ને જાસૂસ જ હતા. પણ તેમના કામ કરવાની રીત અલગ હતી. કામ પણ અલગ હતું. રાઘવ પેસિવલી બહુ કામ કરતો નહીં. કામ માટે પૂરતું ગ્રાઉન્ડવર્ક થઈ જાય પછી મિશનને એક્ટિવલી હેન્ડલ કરવાનું અને અંજામ આપવાનું કામ તેનું હતું. આથી તેને કામ કરવા માટે આમપણ સમય ઓછો જ મળતો. એટલે તેનામાં વાટ જોવાની કે જાળવી જવાની ધીરજ નહતી. જ્યારે મેરી મોટેભાગે સંપર્કો બનાવવાનું અને માહિતી એકઠી કરવાનું કામ કરતી. કદી આમને સામનેની લડાઈમાં તે ભાગ લેતી નહીં.

મેરીએ ચાનો કપ ઉઠાવતા રાઘવને કહ્યું, "તમારા લોકોનું અહીં આવવાનું પ્રયોજન તો ખબર પડી ગઈ. પણ આ ક્યાં વાયરસની પાછળ તમે લોકો પડ્યા છો? અને એવી અચાનક શું જરૂર આવી પડી તે ભારત સરકારે તમને લોકોને તાબડતોડ અહીં મોકલ્યા? હમણાં થોડા દિવસોમાં અમેરીકિ પ્રમુખની ભારતની મુલાકાત છે અને તમે અહીં ભાંગફોડ કરવા આવી ગયા. "

" વાયરસ તો ક્યો એ તમારે જણાવવાનું હોય, અમને તો અહીં આવ્યાને હજુ થોડા જ દિવસો થયા છે. તમે તો અહીં ક્યારના અડિંગો જમાવી બેઠા છો. અને મારી જાણ પ્રમાણે અમેરીકી સરકારે તમને અહીં વેકેશન માણવા તો નહીં જ મોકલ્યા હોય? "રાઘવે પ્રત્યુત્તરમાં મેરીને કહ્યું. રાઘવ અને મેરી બન્ને એકબીજાની સચ્ચાઈ જાણતા હતા, બન્નેને એકબીજાની જરૂરત હતી, પરંતુ કોણ પહેલા પોતાના પત્તા ખોલે એની રાહ જોતા હતા.

રાઘવ જાણતો હતો, તેની પાસે સમય ઓછો છે અને મેરી તેના ધૈર્યની પરીક્ષા કરશે જ. માટે પોતે જ અત્યારે નમતું જોખવામાં ભલાઈ હતી. રાઘવે ફરી મેરીને કહ્યું, "અમે અહીં એક વાયરસની તપાસ માટે આવ્યા છે. અમારી જાણકારી પ્રમાણે ચાઇના વાળા વાયરસમાં મ્યુટેશન કરી કોઈ નવા જ પ્રકારનો ખતરનાક વાયરસ બનાવી રહ્યા છે. અને તમે જાણો જ છો... એનો પહેલો શિકાર અમારો હશે અને આખરી તમારો..." રાઘવ મેરી સમક્ષ પોતાના આવવાનું કારણ જણાવતા બોલ્યો.

"આખરી શિકાર અમે એટલે... "મેરી લાંબા સમયથી અહીં કામ કરતી હતી. વાયરસની વિશે તેને આછી-પાતળી માહિતી હતી, પણ રાઘવે અત્યારે તેની સમક્ષ જે ધડાકો કર્યો હતો, એ વિષયે મેરી તદ્દન અજાણ હતી.

" આખરી એટલા માટે કે ભારત, જાપાન અને રશિયા એશિયામાં હાજર હોય ત્યાં સુધી ચાઈના અમેરિકાને પહોંચી વળે નહીં. ભારત અને જાપાન અમેરિકાના મિત્ર છે. રશિયાને પણ ચાઈનાના ઈરાદાઓની જાણ છે. માટે તે આપણો સાથ ન આપે તો ચાઈનાનો પણ ન આપે અને ભારત, જાપાન પછી રશિયાનો જ વારો આવે. અમે ત્રણ ખતમ થયા પછી ચાઈનાને એશિયામાં રોકવા વાળુ કોઈ નહીં રહે. અને અમારા સાથ વિના એશિયામાં અમેરિકા એકલું ચાઈનાને પહોંચી નહીં વળે. બાકી આગળ તમારી મરજી.... "રાઘવે મેરીને પોતાના પક્ષમાં કરવા માટે આબાદ ચાલ ચાલી હતી. એવું નહતું કે તેને કહ્યું તે ખોટું હતું. પણ સમય અને સંજોગ પ્રમાણે સ્થિતિ અને શબ્દોનું મૂલ્ય બદલી જાય છે.

" એટલે કે આ વાયરસને ચાઈના બાયોલોજીકલ વેપન તરીકે ઉપયોગ કરવા માંગે છે? "મેરી માંડ માંડ થૂક ગળેથી નીચે ઉતારતા બોલી. તે ભલે જાસૂસ હતી, પરંતુ એ પહેલાં મેડિકલની સ્ટુડન્ટ રહી ચુકી હતી,અને અત્યારે પણ ઓન પેપર તો તે ચાઈનામાં એક મેડિકલ રિસર્ચર જ હતી,માટે વાયરસ કેવી તારાજી સર્જી શકે, તેનો મેરીને પુરો અંદાજ હતો.

" કરવા માંગે છે નહીં, તેઓ ઉપયોગ કરી ચૂક્યા છે. તેઓએ કેટલાક દૂર સુદૂરના વિસ્તારોમાં આ વાયરસનું પહેલા તબક્કાનું પરીક્ષણ પૂર્ણ કરી લીધું છે, અને ટુંક સમયમાં જ બીજા તબક્કાની શરૂઆત કરવાના છે. "

" તો તમે લોકો શું કરવા ધારો છો? વાયરસનું પ્રુફ લઈ દુનિયાને દેખાડો. અમે તમને સાથ આપશું. "મેરી રાઘવની વાતો સાંભળી પોતે આ વખતે કેટલી નબળી પૂરવાર થઈ હતી તથા આગળ રાઘવની મદદ પોતા માટે કેમ લેવી એનો ઉપાય કરતાં બોલી.

" ના અમે વાયરસ દુનિયાને દેખાડવાના નથી, કેમકે એમ કરવા જતાં વાયરસ ક્યાથી આવ્યો એનું પ્રમાણ આપવું પડે અને એમ કરવા જતા અમારા અને ચાઈનાના સંબંધ વધુ વણસે, જે અત્યારે અમને પાલવે એમ નથી. અમે વાયરસ અને જો એનો એન્ટીડોટ હોય તો એ લેવા આવ્યા છે. જેથી અમે પહેલેથી જ વાયરસનો એન્ટીડોટ બનાવી લઈએ. જેથી જ્યારે એટેક થાય ત્યારે અમે સલામત રહી શકીએ. "રાઘવે પોતાના પ્લાન ની પ્રાથમિક માહિતી આપતા મેરીને કહ્યું.

" પરંતુ તમે યુ. એનમાં પૂરાવા સાથે રજૂઆત...... "

"ના, અમારે એ નથી કરવું.ભારત અને અમેરિકા સારા મિત્રો છે. પણ ચાઈના સાથેના સંબંધો અમારી મજબુરી છે. તમારી અને ચીનની લડાઈમાં અમારે બલિનો બકરો નથી બનવું. જો યુ.એનમાં ફરિયાદ કરવી જ હોય તો સેમ્પલ અમે આપશું, ફરીયાદ તમે કરજો."

"હમ્મ, એ તો જોયું જશે, પણ વાયરસ લઈ અહીંથી નીકળશો કેમ? "મેરીને રાઘવનો પૂરો પ્લાન જાણવાની ઉત્કંઠા હતી.

" એ સમય આવે ખબર પડી જશે, અત્યારે તો એટલું જણાવો કે તમે અમારી સાથે છો કે નહીં? "રાઘવ અત્યારે જ બધું ક્લિયર કરી લેવા ઈચ્છાતો હતો. જેથી ભવિષ્યમાં કોઈ અડચણ ઉભી થાય નહીં.

" અમે હંમેશા તમારી સાથે જ છીએ. વધારે માહિતી માટે હું આજે જ મારા નેટવર્કને કામે લગાડી દઈશ. " મેરીએ રાઘવ ને આસ્વસત કરતાં કહ્યું.

" અને મિલી....? "રાઘવે મેરીને પ્રશ્ન કર્યો. કેમકે મિલી તેમના વિશે આમ તો કંઈ ખાસ જાણતી નહતી, પરંતુ જેક માટે જો તે અહીંના સત્તાવાળાઓ પાસે મદદ માંગે અને અહીં થયેલી વાતચીતના બે-ચાર અંશ પણ કોઈના કાને પડે, તે સારી વાત નહતી.

" મિલીની ચિંતા છોડી દે... એને હું સંભાળી લઈશ.. અને એ આપણો સાથ પણ આપશે..તું ફક્ત આગળની યોજનાની તૈયારી કર... અને હવે સવાર થવા આવી છે, તારે અહીંથી નીકળવું જોઈએ. "મેરીએ વહેલી સવારના બહાર પંખીઓનો કલરવ સાંભળી રાઘવને ક્હ્યું.

રાઘવને પણ લાગ્યું મેરી તેની સાથે હોય તો તે મિલીને પણ સાથે કરી જ લેશે અને વગર કામે અહીં વધુ રોકાવાનો કોઈ ફાયદો નહતો. રાઘવ મેરીની વિદાય લઈ ત્યાંથી નીકળી ગયો.

*******

શું મિલી મેરીની વાત માનશે? શું મિલી આ યોજનામાં રાઘવનો સાથ આપશે? શું મેરી રાઘવને સાથ આપશે? જાણવા માટે વાંચતા રહો 'અજાણ્યો શત્રુ'.

તમારા અમૂલ્ય પ્રતિભાવ તથા સુચનો આપવાનું ચુકશો નહીં.

Divyesh Koriya
Wh no. :- 9265991971

જય હિંદ.