પિશાચિની - 23 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

પિશાચિની - 23

(23)

અદૃશ્ય

શક્તિ

શીનાએ એના બન્ને હાથથી જિગરનો ચહેરો પકડયો ને પોતાની તરફ ખેંચ્યો.

અને આ સાથે જ જિગરના શરીરમાં ભયનું એક લખલખું ફરી વળવાની સાથે જ તેના મગજમાંથી એક ડરામણો વિચાર પણ પસાર થઈ ગયો કે, ‘કયાંક...કયાંક શીના તેની ગરદનમાં દાંત ખૂંપાડીને તેને મારી તો નહિ નાંખે ને ? !’ અને એટલે જિગરે એકદમથી જ તેનો ચહેરો શીનાથી દૂર હટાવવા માંડયો.

તો શીના બોલી ઊઠી : ‘શું થયું, જિગર ?’

‘તું...,’ જિગર સહેજ કંપતા અવાજે બોલી ઊઠયો : ‘...તું શું કરી રહી છે, શીના ? !’

શીના હસી : ‘તને એમ લાગ્યું ને કે, હું તારી ગરદનમાં દાંત ખૂંપાડીને તારું લોહી પી જઈશ ? !’

‘હ...હા !’ જિગરે કબૂલ્યું.

‘ના !’ શીના વધુ જોરથી હસી પડી : ‘હું તારું લોહી પીવા નથી માંગતી, પણ...,’ શીનાએ પોતાના લાલ અને રસીલા હોઠ પર લુચ્ચાઈભર્યું સ્મિત રમાડયું : ‘...હું તને પ્રેમ કરવા માંગું છું.’

‘પ..પ..પ્રેમ...! ! !’ જિગરના શરીરમાંથી જાણે ઈલેકટ્રીકનો કરન્ટ દોડી ગયો.

‘હા, પ્રેમ...,’ શીનાની આંખોમાં મદહોશી આવી ગઈ : ‘....હું તને પ્રેમ કરવા માંગું છું.’

જિગરને શું બોલવું એ સમજાયું નહિ.

‘સાચું કહું, જિગર ! તું એ દિવસે મોડી રાતે ફિલ્મ જોઈને ઘરે પાછો ફરી રહ્યો હતો, ત્યારે જ મારી નજર તારી પર પડી હતી ને હું તારી પર વારી ગઈ હતી. તારા માથે ઘૂમવા માંડી હતી.’ શીના બોલી : ‘બાબા ઓમકારનાથ મને તારા માથા પર ઘૂમતી જોઈ ગયા હતા અને એમણે તને મારાથી સાવચેત કરી હતી, પણ તું આ બધી વાતોમાં માનતો નહોતો, એટલે તેં એની વાત અવગણી હતી.’ શીના સહેજ રોકાઈને આગળ બોલી : ‘અને એ પછી તું મોડી રાતના સ્મશાન પાસેથી પસાર થયો, ત્યારે મેં તારા માથા પર સવાર થવાનો નિર્ણય લઈ લીધો અને મેં તારી મોટરસાઈકલને ત્યાં જ અટકાવી દીધી. હું એ વખતે જ તારા માથા પર સવાર થઈ ગઈ.’

જિગર શીનાની વાત સાંભળી રહ્યો.

‘જિગર ! હું તને ચાહતી હતી, એટલે હું તારી દરેક ઈચ્છા પૂરી કરતી હતી. હું તને પ્રેમ કરવા માંગતી હતી, પણ મારા મગજમાં મારો પતિ અને એની સાથેના બદલાની વાત ઘૂમતી હતી. જ્યાં સુધી મારા પતિ પાસે હું મારા મોતનો બદલો ન લઉં, ત્યાં સુધી મને ચેન પડવાનું નહોતું. પણ...’ અને ફરી શીનાની આંખોમાં જિગર માટેનો પ્રેમ છલકાઈ આવ્યો : ‘હવે હું મારા પતિ પાસે બદલો લઈ ચૂકી છું. હવે હું તને પ્રેમ કરીશ, પૂરા દિલથી-મન ભરીને પ્રેમ કરીશ !’ અને શીનાએ ફરી જિગરનો ચહેરો પોતાની તરફ ખેંચ્યો, એટલે જિગર બોલી ઊઠયો : ‘ના, નહિ-નહિ !’

‘....કેમ નહિ, જિગર ? !’ શીના બોલી : ‘શું હું ખૂબસૂરત નથી ? ! શું હું તને ગમતી નથી ? !’

‘ના, એવું નથી, પણ હું પરણેલો છું.’ જિગર બોલ્યો અને તેણે બાજુમાં પલંગ પર ઘસઘસાટ ઊંઘી રહેલી શીના સામે જોયું : ‘હું મારી પત્ની સિવાય બીજી કોઈને પ્રેમ ન કરી શકું. એ પાપ કહેવાય !’

સાંભળતાં જ શીના ખડખડાટ હસી પડી : ‘તું પાપ અને પુણ્યની વાત કરી રહ્યો છે, જિગર ? ! તું...? !’

જિગર શીનાને જોઈ રહ્યો-સાંભળી રહ્યો.

‘તું જુગાર રમીને માલદાર બન્યો અને હજુ પણ એ રીતના જ માલદાર બનવા માંગે છે એ શું પુણ્ય છે ? ! તેં અગાઉ પણ મારા માટે કેટલીય નિર્દોષ વ્યક્તિને મોતને ઘાટ ઉતારી અને હજુ હમણાં થોડીક વાર પહેલાં જ તું મારા પતિને મોતને ઘાટ ઊતારીને આવ્યો, એ શું પાપ નથી ? !’

‘...એ તો હું તારા કહેવાથી....’

‘...તો અત્યારે પણ હું જ તો તને કહી રહી છું ને મનેે પ્રેમ કરવાનું !’ અને શીનાએ તેના ગાલ પર હાથ ફેરવ્યો.

હવે જિગરના દિલો-દિમાગમાં પણ મદહોશી છવાવા લાગી. તેણે પલંગ પર સૂતેલી માહી તરફ જોયું.

‘તું એની િંચંતા ન કર. એ નહિ જાગે. એ અત્યારે સપનામાં વિચરી રહી છે.’ આટલું કહેતાં જ શીનાએ જિગરને પોતાની તરફ ખેંચ્યો.

જિગર આ વખતે આસાનીથી ખેંચાઈ ગયો. તે ખરા-ખોટાનું ભાન ભૂલીને, પાપ-પુણ્યની વાતને બાજુએ મૂકીને શીનાની ખૂબસૂરતીમાં ખોવાઈ ગયો.

દૃ દૃ દૃ

થોડીક વાર પછી જિગર શીનાથી અળગો થયો, ત્યારે જાણે એ હવામાં તરી રહ્યો હતો.

તે માહીને દિલોજાનથી ચાહતો હતો. તે એક પત્ની તરીકે માહીને પામીને ખુશ હતો, પણ અત્યારે શીનાને પ્રેમિકા તરીકે પામીને જાણે એ પોતાની જાતને ધન્ય માની રહ્યો હતો.

શીના જેવી અદૃશ્ય શક્તિએ તેની ઉપર જે પ્રેમ લુંટાવ્યો હતો, એ તે બયાન કરી શકે એમ નહોતો.

‘હવે તું આરામ કર.’ શીના બોલી : ‘હું નીકળું છું. સવારે આવીશ.’

‘તું નહિ જાય તો નહિ ચાલે, શીના ? !’ હવે શીના તેનાથી પળવાર માટે પણ દૂર જાય એ જિગરને ગમેે એમ નહોતું.

‘ના !’ શીના હસી : ‘હું સવારે પાછી આવીશ, ત્યાં સુધી હવે તું તારી પત્ની પાસે રહે.’ અને શીના આટલું બોલી, ત્યાં જ જાણે એ ધુમાડાની બનેલી હોય એમ હવામાં વિખરાઈ ગઈ અને દેખાતી બંધ થઈ ગઈ.

જિગર પલંગ પર માહીની બાજુમાં લેટયો. માહી ઊંઘમાં હતી. એના હોઠ પર મુસ્કુરાહટ ફરકી રહી હતી. કદાચ એ કોઈ સપનામાં હતી.

જિગરનું મન ડંખ્યું. ‘તેણે શીનાને પ્રેમ કરીને માહી સાથે બેવફાઈ તો નથી કરી ને ? ! માહીને આની ખબર પડી જશે તો ?’ પણ પછી તેણે તુરત જ મનમાંના આ ડંખ પર મનગમતી દલીલનું મલમ લગાવ્યું, ‘શીના તેની પર જાન લુંટાવી રહી હતી, તો બદલામાં તે શીના પર થોડોક પ્રેમ લુંટાવે તો એમાં ખોટું શું છે ? ! વળી શીના એટલી શક્તિશાળી છે કે, એ તેમના આ પ્રેમસંબંધની માહીને કદીય ગંધ પણ નહિ જવા દે.’ અને આ વિચાર સાથે જ સંતોષનો શ્વાસ લેતાં જિગરે આંખો મીંચી ને થોડીકવારમાં જ તે ઊંઘમાં સરી ગયો.

દૃ દૃ દૃ

જિગર શીનાના પ્રેમમાં મશગૂલ હતો, ત્યાં જ અચાનક તેના કાને માહીનો અવાજ અફળાયો : ‘જિગર ! આ-આ હું શું જોઈ રહી છું ? !’ અને એ સાથે જ જિગરે એકદમથી જ શીનાને પોતાનાથી દૂર ધકેલી અને જોયું તો રૂમના દરવાજા પાસે માહી ગુસ્સાથી કાંપતી ઊભી હતી.

‘માહી હું..હું...,’ અને જિગર આગળ બોલવા જાય, ત્યાં જ માહી ગુસ્સાથી બોલી ઊઠી : ‘...તું તારા બચાવમાં કંઈ જ કહી શકે એમ નથી, જિગર ! તેં...તેં મારી સાથે બેવફાઈ કરી છે. તેં...તેં આ ચુડેલ માટે મારી સાથે દગો કર્યો. આ રસ્તે રખડતી એક બૂરી બલા ખાતર...’

‘...તેં...તેં મને ચુડેલ કહી ? !’ જિગર કંઈ બોલે એ પહેલાં જ શીના તાડૂકી ઊઠી : ‘...તેં મને બલા કહી ? !’

‘હા-હા !’ માહી સામી ચિલ્લાઈ : ‘એક વાર નહિ, પણ હજાર વાર હું તને બલા કહીશ-ચુડેલ કહીશ.’

‘એમ છે, તો જો હું તને ચુડેલ બની બતાવું છું-બલા બની બતાવું છું !’ અને આ સાથે જ શીનાનો ચહેરો એકદમથી જ ભયાનક બની ગયો. એના ઉપરના બે દાંત અણીદાર ને લાંબા થઈને બહાર નીકળી આવ્યા.

‘જિગર ! તેં જોયું ને ! હું-હું કહેતી હતી ને કે, આ ચુડેલ....’ અને માહી પોતાનું વાકય પૂરું કરે એ પહેલાં જ શીનાનો હાથ લાંબો થઈને માહી પાસે પહોંચ્યો અને શીનાના એ હાથે માહીને ગરદન પાસેથી પકડીને પોતાની પાસે ખેંચી લીધી અને ચીસો પાડવા માંડેલી માહીની ગરદનમાં પોતાના લાંબા અણીદાર દાંત ખૂંપાડી દીધાં.

અને આ સાથે જ ‘નહિઈઈઈઈઈ !’ની ચીસ પાડતો જિગર એકદમથી જ ઊંઘમાંથી ઝબકીને બેઠો થઈ ગયો.

‘શું થયું ? !’ પૂછતાં માહી રસોડામાંથી નીકળીને તેની તરફ ધસી આવી.

જિગરે પહેલાં માહી સામે જોયું, પછી આસપાસમાં જોયું. શીના નહોતી.

તેને સમજાઈ ગયું. તે શીનાને પ્રેમ કરી રહ્યો હતો અને પછી શીના અને માહી વચ્ચે તડાફડી થઈ હતી એવું તેને ભયાનક સપનું આવ્યું હતું.

‘કંઈ નહિ !’ જિગર માહી સામે જોતાં બોલ્યો : ‘...મને એક ભયાનક સપનું આવ્યું હતું.’

‘હું તો ડરી જ ગઈ હતી.’ માહી બોલી : ‘ચાલ , તૈયાર થઈ જા. હું નાસ્તો લઈ આવું છું.’

‘ભલે !’ કહેતાં જિગર પલંગ પરથી ઊભો થયો. માહી પાછી સ્સોડામાં ચાલી ગઈ.

જિગર બાથરૂમ તરફ આગળ વધ્યો. તે બાથરૂમમાં પહોંચ્યો. તેણે અંદરથી બાથરૂમનો દરવાજો બંધ કર્યો અને ફુવારા નીચે ઊભો રહ્યો. બીજી જ પળે તેની પીઠ પાછળથી તેના ખભે કોઈકનો હાથ મુકાયો. એકદમથી જ ચોંકી ઊઠતાં તે ચીસ પાડવા ગયો, ત્યાં જ તેના મોઢે કોઈકનો હાથ દબાયો ને કાનમાં અવાજ ઘોળાયો : ‘હું છું, જિગર, તારી દિવાની !’

જિગર પાછળ ફર્યો.

શીના તેની લગોલગ ઊભી-ઊભી મલકી રહી હતી. તેણે શીનાની આંખોમાં જોયું. શીનાની આંખોમાંથી પ્રેમનો નશો છલકાતો હતો.

જિગર બીજી જ પળે એ નશામાં ચૂર બનીને શીના તરફ ખંચાઈ ગયો.

દૃ દૃ દૃ

‘...કેટલી વાર છે, જિગર !’ બાથરૂમના બંધ દરવાજા બહારથી માહીનો અવાજ આવ્યો, પણ શીનાના પ્રેમમાં ગળાબૂડ જિગરના કાનના પડદા સાથે એનો અવાજ અથડાઈને પાછો ફરી ગયો.

‘જિગર !’ શીના જિગરને પોતાનાથી અળગો કરતાં બોલી : ‘...તું તો મારા પ્રેમમાં એટલો ખોવાઈ ગયો કે, તને તારી પત્નીનો અવાજ પણ સંભળાતો નથી.’

‘જિગર, જવાબ કેમ નથી આપતો, જિગર !’ અને આ વખતે માહીનો આ ચિંતાભર્યો અવાજ સંભળાવાની સાથે જ બાથરૂમનો દરવાજો ખટખટાવવાનો પણ અવાજ સંભળાયો.

‘હા, બસ માહી, હું બહાર નીકળું જ છું.’ જિગરે ઉતાવળા અવાજે કહ્યું.

શીના ખડખડાટ હસી પડી.

‘તું જા,’ જિગરે ધીરેથી કહ્યું : ‘હું દરવાજો ખોલું છું.’

‘આપણે સાથે જ બહાર નીકળીએ છીએ.’ કહેતાં શીના દરવાજાની સ્ટોપર ખોલવા ગઈ, ત્યાં જ જિગર બોલી ઊઠયો : ‘ના-ના, શીના ! માહી તને જોઈ જશે.’

‘...એ મને નહિ જોઈ શકે.’ બોલતાં શીનાએ બાથરૂમનો દરવાજો ખોલી નાંખ્યો અને બહાર નીકળી. માહી સોફા પર બેઠી હતી. એણે ટીપૉય પર ચા-નાસ્તો મૂકી રાખ્યો હતો.

જિગર ફફડતો શીના પાછળ બહાર નીકળ્યો.

માહીએ જિગર તરફ જોયું ને મલકી.

શીના જિગરની બાજુમાં જ હતી, છતાંય માહીએ મુસ્કુરાહટ રેલાવી એટલે જિગરે રાહતનો શ્વાસ લીધો. ‘ખરેખર જ માહી શીનાને જોઈ શકતી નથી.’ અને જિગરે શીના તરફ જોયું.

દરવાજા પાસે પહોંચેલી શીનાએ જિગર તરફ એક મુસ્કુરાહટ રેલાવી અને દરવાજો ખોલ્યા વિના જ-એમાંથી આરપાર નીકળી જઈને દેખાતી બંધ થઈ ગઈ.

જિગર માહીની બાજુમાં બેઠો. તેણે ટૉસ્ટને ચાના કપમાં ઝબોળ્યું અને માહીના મોઢામાં મૂકયું.

‘આઈ લાવ યુ, જિગર !’ માહી પ્રેમભીના અવાજે બોલી.

‘આઈ લવ યુ ટૂ !’ જિગરે કહ્યું.

-અને બન્ને ખુલ્લા દિલે હસી પડયા.

દૃ દૃ દૃ

જિગરનું આ રૂટિન થઈ ગયું.

રોજ અદૃશ્ય શક્તિ શીના તેની પાસે આવતી. તેને રેસ રમવા લઈ જતી-જુગારની કલબમાં લઈ જતી અને સારા એવા પૈસા જિતાડતી. પછી તે ઘરે આવતો અને માહી સૂઈ જતી પછી શીના આવતી અને તે અને શીના પ્રેમમાં ખોવાઈ જતાં.

એક મહિનામાં જિગર પાસે ખાસ્સો પૈસો થઈ ગયો. તેણે એક કાર ખરીદી લીધી અને ફેકટરી પણ ચાલુ કરી. તે હવે એક ફલેટ પણ ખરીદવાનું વિચારી રહ્યો હતો.

જોકે, શી ખબર કેમ, પણ તેને શરીરમાં કમજોરી જેવું લાગતું હતું. તેનુ વજન પણ ઓછું થયું હતું.

અને આ વાતની નોંધ માહીએ પણ લીધી હતી.

‘જિગર !’ નાસ્તો પૂરો થયો એટલે માહી બોલી : ‘તું ભલે તારી તબિયત ‘સારી છે-સારી છે’ કરી રહ્યો હોય, પણ મને તારી તબિયતમાં કંઈક ગરબડ લાગે છે. જો તો ખરો, તું કેટલો સૂકાઈ ગયો છે.’

જિગર કંઈ બોલ્યો નહિ.

‘ચાલ, આપણે ડૉકટરને બતાવી આવીએ.’

‘ના માહી, એની જરૂર નથી.’

‘તું મારી સાથે ન ચાલે તો તને મારા સોગંદ !’ માહી બોલી : ‘શરીરમાં કમજોરી આવે અને શરીર સુકાય એ સારી વાત તો ન જ ગણાય.’

જિગરને માહીની વાત સાચી લાગી. ડૉકટરને બતાવવામાં કંઈ વાંધો તો નહોતો જ.

‘ચાલ !’ જિગરે કહ્યું : ‘તું કહે છે તો આપણે ડૉકટર પાસે જઈ જ આવીએ.’

અને જિગર માહીને લઈને ડૉકટર પાસે પહોંચ્યો.

ડૉકટરે તેને તપાસ્યો અને અરજન્ટ અમુક રિપોર્ટ કઢાવવાનું કહ્યું.

જિગર રિપોર્ટ કઢાવીને પાછો ડૉકટર પાસે પહોંચ્યો.

ડૉકટરે રિપોર્ટ જોયા અને કહ્યું : ‘શરીરમાં સહેજ લોહી ઓછું છે, બાકી બધાં જ રિપોર્ટ નૉર્મલ છે. હું તમને શક્તિની દવા લખી આપું છું. રાહત થઈ જશે.’

માહીએ રાહતનો શ્વાસ લીધો. જિગરના જીવને પણ શાંતિ થઈ.

દૃ દૃ દૃ

આ રીતના જ બીજો એક મહિનો વીત્યો.

જિગર રેસ રમતો, જુગાર રમતો અને પૈસા જીતતો અને રાતના શીનાના પ્રેમમાં ખોવાઈ જતો.

તેણે એક ફલેટ નકકી કરી લીધો હતો અને એના પોણા ભાગના પૈસા પણ આપી દીધા હતા. બીજા પંદર દિવસમાં તે શીનાની મદદથી બાકીના રૂપિયા ભરીને માહી સાથે એ ફલેટમાં રહેવા ચાલ્યો જશે, એવી તેની ગણતરી હતી.

જોકે, તેની તબિયતમાં જોઈએ એટલો સુધારો થયો નહોતો. તેને કમજોરી જેવું તો લાગતું જ હતું.

અત્યારે રાતના બાર વાગ્યા હતા અને તે માહીની બાજુમાં જાગતો પડયો હતો.

માહી હમણાં થોડીવાર પહેલાં જ ઊંઘમાં સરી હતી.

રોજ માહી ઊંઘી જાય કે, તુરત જ શીના આવી પહોંચતી હતી. હવે ગમે તે પળે શીના આવી પહોંચે એમ હતી. જિગર અધીરાઈપૂર્વક શીનાના આવવાની વાટ જોઈ રહ્યો હતો.

‘શું થયું, જિગર !’ શીનાનો અવાજ કાને પડયો, એટલે જિગર પલંગ પરથી ઊભો થઈ ગયો.

શીના આવી ચૂકી હતી.

શીના એકદમથી જ હવામાંથી આકાર લઈને તેની સામે ખડી થઈ જતી હતી અને હવામાં ઓગળી જઈને તેની આંખો સામેથી દૂર થઈ જતી હતી.

‘તેં મને તારા પ્રેમમાં પાગલ બનાવી મૂકયો છે.’ જિગરે શીનાને બન્ને બાવડા પાસેથી પકડી : ‘તું જરાક મોડી પડે છે અને હું બેચેન થઈ ઊઠું છું.’ કહેતાં એ શીનાને પોતાની તરફ ખેંચવા ગયો, ત્યાં જ શીના બોલી : ‘ના-ના, એક મિનિટ ? !’

‘શું થયું ? !’ જિગરે પૂછયું.

‘...પ્રેમ પછી, પહેલાં મારું કામ !’ શીના બોલી : ‘આજે મારે એક વ્યક્તિનું લોહી પીવું પડશે !’

‘ઠીક છે, !’ જિગરે પૂછયું : ‘બોલ, આપણે કયાં જવાનું છે ? !’

‘આજે આપણે બહાર નથી જવાનું.’ શીના બોલી : ‘હું જે વ્યક્તિનું લોહી પીવા માંગું છું, એ વ્યક્તિ આ ઘરમાં જ છે ? !’

‘...એ...આ ઘરમાં જ છે ? !’ જિગરે મૂંઝવણ સાથે પૂછયું : ‘... કોણ છે એ...? !’

‘માહી...!’ શીના ઘસઘસાટ ઊંઘી રહેલી માહી તરફ જોતાં બોલી ગઈ : ‘...હું આજે માહીનું લોહી પીવા માંગું છું.’

( વધુ આવતા અંકે )

રેટ કરો અને રિવ્યુ આપો

Jayana Tailor

Jayana Tailor 9 માસ પહેલા

Rakesh

Rakesh 1 વર્ષ પહેલા

NAUPAL CHAUHAN

NAUPAL CHAUHAN 2 વર્ષ પહેલા

Rajiv

Rajiv 2 વર્ષ પહેલા

Sanjay Bodar

Sanjay Bodar 2 વર્ષ પહેલા