સરળ સંહિતા મોતીની.... - ૧૦ પ્રથમ પરમાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સરળ સંહિતા મોતીની.... - ૧૦


૧૯.વડીલપણું

વાત આજે કરવી છે એક વડીલના વડીલપણાની!આજના વડીલોને સતત આ નવી પેઢી અને પોતાની વચ્ચે એક અંતર અનુભવાય છે.પણ આજે આપણા એક સમર્થ સાક્ષરવર્ય શ્રી નાનાભાઈ ભટ્ટના જીવનના એક પ્રસંગ વડે વડીલોને કંઈક મળે એવું લઈને આવ્યો છું. કોઈપણ વાત શીખવવાની એક રીત હોય છે જે સખેદ કહેવું પડે છે કે આજના બહુ ઓછા વડીલ આ સમજે છે.તેમને મન શીખવવાનું કંઈ જ હોતું નથી,બસ આદેશ હોય છે.

આંબલા ગામમાં નાનાભાઈ, દર્શક ,દર્શકના પત્ની વિજયાબેન,એક નવા જોડાયેલા યુવાન કાર્યકર મનુભાઈ દવે રહેતા હતા અને વિદ્યાયજ્ઞ ચલાવતા હતા.ત્યારે બધાને સુવા માટે ગાદલું, ઓછાડ હોય અને અન્ય જરૂરી વસ્તુ હોય.

ત્યારે એક વખત નવા આવેલા કાર્યકર મનુભાઈ દવે સવારમાં પોતાનો અસ્વચ્છ ઓછાડ અને ગાદલું છોડીને ન્હાવા ચાલ્યા ગયા.પાછા આવીને જુએ છે તો ગાદલું તો વ્યવસ્થિત રીતે એના સ્થાન પર મુકાયેલું હતું.એમને એમ કે વિજયાબહેને મૂકી દીધું હશે અને તેઓ દિવસમાં પરોવાઈ ગયા.પણ જ્યારે રાત્રે પાછા સૂતી વખતે એ ગાદલું ખોલ્યું તો એમાં ઓછાડ નહીં એટલે એમને વિજયાબેનને પૂછ્યું તો વિજયાબેને એમને આ વિશે કંઈ જ ખબર ન હોવાનો ઘટસ્ફોટ કર્યો.

હવે મનુભાઈ મૂંઝાયા.ત્યાં વિજયાબેન અને મનુભાઈનો સંવાદ સાંભળીને બાજુમાં વાંચી રહેલા નાનાભાઈએ અજાણ્યા થઈને પૂછ્યું ત્યારે મનુભાઈએ બધી વાત કરી.ત્યારે નાનાભાઈએ ખુલાસો કર્યો કે તેમણે ગાદલું વ્યવસ્થિત મૂકી દીધું હતું અને ઓછાડ પણ એ જ ધોવા લઈ ગયા હતા.આ જાણીને મનુભાઈ તો છોભિલા પડી ગયા અને જીવનમાં કોઈપણ કાર્ય કરવામાં નાનપ ન અનુભવવી અને સ્વચ્છતા જાળવવી એ બે પાઠ શીખ્યા.

પણ અહીં એના કરતાં પણ વધુ ધ્યાન દોરે એવી બાબત એ છે કે નાનાભાઈની સમજાવવાની રીત માત્ર આદેશ આપવાની કે ગુસ્સો કરવાની નથી,પણ શ્રમની છે-પહેલની છે!જો કદાચ આ બધા વડીલો કરી શકે તો.....


૨૦.શિક્ષકનો એવોર્ડ

કોઈ ઉદ્યોગપતિ હોય તો એની મૂડી એને ઉભો કરેલો ઉદ્યોગ અને એના એકમો હોય,કોઈ રાજકારણી હોય તો એની મૂડી એને ઉભી કરેલી શાખા હોય,કોઈ ડોકટર હોય તો એની મૂડી એને પોતાના ઈલાજ વડે સાજા કરેલા દર્દીઓની સંખ્યા હોય પણ એક શિક્ષકની મૂડી શું હોય શકે?આજના સમયમાં તો એક શિક્ષકને નિવૃત્તિ વખતે વિદ્યાર્થીઓની ગાળો મળે છે પણ આજે વાત એક એવા શિક્ષકની કરવી છે કે જેને વિદ્યાર્થીઓ તરફથી સ્નેહ,આદર અને ભરપૂર પ્રેમ મળ્યા છે.

એપ્રિલ ૨૦૦૩.ફેબ્રુઆરીની એ સાંજે લોકભારતી સણોસરાની પરંપરા મુજબ બહેનોની માંગણીથી એ આચાર્ય રાત્રિ પ્રવૃત્તિમાં ગયા.એ આચાર્યે જાહેર કરેલું કે તે નવમી મેના રોજ લોકભારતી કાયમ છોડીને અમદાવાદ રહેવા જશે.પણ બહેનો એ વાત માનતા નહોતા.એમની માંગ મુજબ આ આચાર્યે લોકભારતી છોડીને જવું નહિ.

'તમને અમદાવાદમાં નહિ ફાવે' , 'વિદ્યાર્થીઓ વિના રહેવાનું તમને ગમશે?' એમ કહી કહીને અનેક નિરર્થક પ્રયત્નો વિદ્યાર્થી કરતા હતા આચાર્યને રોકવાના!આજના સમયમાં પણ શિક્ષક માટે આવું બની શકે છે કદાચ એ જ આશાનું રશ્મિબિંદુ છે શિક્ષણના સુધારાનું!બધાનો પ્રબળ આગ્રહ હતો કે એ આચાર્ય લોકભારતીમાં જ રોકાય જાય. આચાર્ય ખરેખર નવાઈ પામતા હતા.એમને બધાને પૂછ્યું કે,"મારે લોકભારતીમાં રોકાઈ જવું જોઈએ તેનો તમારો આટલો બધો આગ્રહ કેમ છે?"એક છોકરીએ "અમને તમારો ખૂબ લાભ મળ્યો છે ભણવામાં અને એ લાભ હવે આવનારી પેઢીને નહિ મળે એ કેવડી મોટી ખોટ હશે?"એમ કહીને ચિંતા વ્યક્ત કરી.પણ પ્રેરણાનો ચમકારો આમાં નથી, ચમકારો તો હવે છે!

એ આચાર્યે પેલી બહેનને જવાબ આપતા કહ્યું કે ,"મારે બદલે જે આ કામ સંભાળશે તેઓ તમારી કાળજી લેશે." પેલી બહેને અદબ વાળી અને સહેજ થોભી જઈને જવાબ આપ્યો.આજનો દરેક શિક્ષક જો આ જવાબ મેળવવા જેટલો જ પ્રયત્ન કરે તો પણ ઘણું છે!એ છોકરીએ જવાબ આપતા કહ્યું હતું કે,"ના,વાત એમ નથી.અમે અમારી બાને કેટલીક વાત નથી કરી શકતા પણ તમને કહી શકીએ છીએ.આવું સાંભળનાર અને યોગ્ય માર્ગદર્શન આપનાર નહિ મળે તે મોટી ખોટ છે.એટલે જે બીજા પ્રશ્નો હોય તે,પણ તમારે અમારી ખાતર રોકાઈ જવું જોઈએ."

આચાર્ય તો સ્તબ્ધ થઈ ગયા અને એ સ્વાભાવિક છે કારણ કે આજના સમયમાં જ્યારે ગુરુ શિષ્યનો સંબંધ માત્ર પુસ્તકોમાં સમાયેલો છે ત્યારે આ જવાબ અપેક્ષિત જ ન હોય.આચાર્યની આંખો એક પરમ તૃપ્તિના સ્નેહાળ સ્પર્શથી ઉભરાઈ ગઈ.આચાર્યે કહ્યું,"બહેનો આજે તમે મને જે પ્રમાણપત્ર આપ્યું છે તે રાષ્ટ્રપતિ એવોર્ડ કરતા પણ મોટું છે.હું લોકભારતીમાં રોકાઈશ કે નહિ તે કહી શકતો નથી.પરંતુ તમારી સૌની સાથે જે નિરપેક્ષ સ્નેહસંબંધનો અનુભવ કર્યો છે તે મારા જીવનની મોટી અમીરાત બની રહેશે."

અને આ જવાબ આપનાર આચાર્ય હતા જાણીતા કેળવણીવિદ અને સાહિત્યકાર,ગાંધીજીની નઈ તાલીમનું પાક્કું ઘડતર મનસુખ સલ્લા.આજે તો કદાચ જો કોઈ શિક્ષક આવો જવાબ આપે અથવા આવી ઘટના બને તો આપણા મનમાં શંકાના વાદળો ઉમટી પડે છે,આ શિક્ષણ ક્ષેત્રની પડતી જ નથી તો બીજુ શું છે?