સરળ સંહિતા મોતીની.... - ૩ પ્રથમ પરમાર દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શેયર કરો

સરળ સંહિતા મોતીની.... - ૩

૫.સમ્રાટની ઈચ્છા

આપણી રાજાઓની પરંપરા ખૂબ જ પ્રાચીન છે.આપણને ઘણી વખત એવું લાગે છે કે એ સમ્રાટ કેટલા સુખી હતા.બેશક એ લોકો સુખી હતા પણ આજના લોકશાહીના સમ્રાટો જેમ ગાદીને પોતાનો વૈભવ અને વિલાસ સંતોષવાનું માધ્યમ ગણી બેઠા છે જ્યારે આપણી રાજપરંપરામાં ખરેખર તો એ ત્યાગનું આસન છે.એનો ઉત્તમ નમૂનો આપણને રામયણમાંથી મળે છે.

આ ઉપરાંત આપણને એક હજુ એવું જ ઉત્તમ ઉદાહરણ મૌર્ય કાળમાંથી પણ પ્રાપ્ત થાય છે.સમય તો છે મગધ પર મૌર્ય વંશની સ્થાપનાનો.ધનાનંદને હરાવીને ચંદ્રગુપ્તને મગધના સમ્રાટ તરીકે ગાદી સોંપવાની હોય છે પરંતુ તેના અનેક આંતરિક દુશ્મનો અને નંદ કુળના સમર્થકો તેના માર્ગમાં આડે આવે એમ હતા.

આથી નંદકુળના સમર્થકોનું સમર્થન પ્રાપ્ત કરવા માટે આ અખિલ ભારતના પ્રથમ અને પ્રાચીન ઘડવૈયા એવા ચાણક્યએ એક ઉપાય શોધ્યો.એ ઉપાય એ હતો કે જો નંદની પુત્રી ધારિણીનો વિવાહ ચંદ્રગુપ્ત સાથે કરી દેવામાં આવે તો નંદ લોકોનું સમર્થન પ્રાપ્ત થઈ જાય.આ વાતની જાણ જ્યારે ધારિણીને કરવામાં આવી ત્યારે તેને ચંદ્રગુપ્તને પોતાના પિતાનો હત્યારો સમજતી હોય વિવાહની ના પાડી.ત્યારે ચંદ્રગુપ્તને આ વાતની જાણ થતાં તેને પણ આચાર્યને આ વિવાહ ન કરવાની ઈચ્છા પ્રગટ કરી.

ત્યારે ચાણક્યે જે જવાબ આપ્યો તે અત્યંત ટૂંકો છે પરંતુ તમામ ઉચ્ચ પદાધિકારીઓ માટેના કર્તવ્યનું તેમાં પ્રતિપાદન છે.તેને ચંદ્રગુપ્તને કહ્યું,"ચંદ્રગુપ્ત, તું હવે મગધનો સમ્રાટ બનવા જઇ રહ્યો છે અને સમ્રાટની પોતાની કોઈ જ ઈચ્છા નથી હોતી.રાષ્ટ્રહિત માટે કમને પણ સમ્રાટે કેટલાક કાર્યો કરવા પડે છે." બીજી બાજુ ધારિણીની માતાએ પણ તેને કહ્યું કે,"બેટા,જે રાજપુત્રી હોય તેની પોતાની કોઈ જ વિવાહ કે અન્ય ઈચ્છાઓ ન હોવી જોઈએ.તમારે તો આપણા રાજ્યના હિતમાં જે કંઈપણ કરવું પડે તે કરવું જોઈએ."

આ બંને જવાબો સત્તાધારીઓને માટે શિલાલેખ સમાન હોવા જોઈએ કારણ કે સત્તા કે પદ એ વિલાસ માટે રાષ્ટ્રના વિકાસ માટે છે.

૬.કવિનું સ્વાભિમાન

'પ્રફુલ્લ અમીવર્ષણ ચંદ્રરાજ' જેવુ જાજ્વલ્યમાન બિરુદ મળ્યું હોય અને 'પ્રેમ ભક્તિ' જેવા જીવન સાર્થક શબ્દને જેને પોતાનું ઉપનામ રાખ્યું હોય અને જેને આખું ગુજરાત 'ગુજરાતની કામધેનુ' તરીકે ઓળખે છે એ મહાકવિ નાનાલાલની વાત આજે માંડવી છે.મારે આજે તેના જન્મ,જીવન અને સર્જનની ભૌતિકવાદી વાત નથી કરવી, આજે મારે વાત કરવી છે સ્વાભિમાનથી છલકતા અને ચળકતા સાહિત્યકાર નાનાલાલની!

નાનાલાલ તો ઊર્મિનોના કવિવર છે.પ્રેમને હિંડોળે ઝુલીને કવિત્વને ઉજાગર કરનાર સાહિત્યકાર છે.ગાંધીજીના અસહકારના આંદોલન માટે રાજકોટની રાજકુમાર કોલેજની અધ્યાપકની નોકરી છોડનાર આ મહાકવિને પછી કોઈની માલિકી નીચે કામ કરવું ગમ્યું નહિ અને તેને ગરીબીમાં પણ ઝઝૂમીને પણ નોકરી ન કરવાનો નિર્ણય લીધો.દીકરાનું દેવાળું તો પોતાના સર્જનથી જ ચૂકતે કરનાર સ્વાભિમાની સર્જકની આ વાત છે.

પોરબંદરના રાણા નટવરસિંહજી અને પાલિતાણાના રાજા બહાદુરસિંહજી બંને નાનાલાલના ભૂતપૂર્વ વિદ્યાર્થી હતા.આમ તો નાનાલાલને માણેક બા જેવા ઉત્તમ દામ્પત્ય સહાધ્યાયી મળ્યા છે અને એટલે જ એ સાર્થક પણ થયું.આજના દામ્પત્ય જે ગરીબીની સમસ્યા સામે પોતાના શ્વાસ છોડી મૂકે છે ત્યાં પણ પ્રેમપૂર્ણ દામ્પત્ય જીવનાર અને દુનિયા સમક્ષ ઉદાહરણ પ્રસ્તુત કરનાર આ દંપતિ હતું.જ્યારે આ બંને વિદ્યાર્થીઓ નાનાલાલને ઘરે આવે છે ત્યારે તે બંનેથી તેની ગરીબી જોઈ શકાતી નથી.આ ગરીબી એ નાનાલાલના ખુમારીભર્યા અને સ્વાભિમાનથી તરબતર એવા સ્વભાવનું જ પરિણામ હતું.

આથી બંને વિદ્યાર્થીઓએ નાનાલાલને કહ્યું કે,"હવે તમે અમારા રાજ્યમાં આવો અને અમે તમને કેળવણી ખાતાના વડા બનાવીએ .તમારી ઉપર કોઈ નહિ બસ,હવે તમે આવી જાઓ."આ વાત સાંભળતા જ નાનાલાલે કહ્યું,"ના,હું ન આવી શકું.કારણ કે જો આવું તો પછી મારે તમારી બંનેની નીચે કામ કરવું પડે ને!આ તો અત્યારે તમેં મારા વિદ્યાર્થી છો એટલે મળવા આવો છો,પછી તો હું તમારો નોકર ગણાવ."
બંને વિદ્યાર્થીઓને દુઃખ થતા તેમને કહ્યું કે,"એ તો માત્ર નિમિત્ત છે,પણ હવે અમારાથી આ ગરીબી જીરવાતી નથી."પણ નાનાલાલ તે એકના બે ન થયા. તેમની ખુમારી તે ખુમારી અને નોકરી ન કરીને,માત્ર સર્જન પર જ આજીવિકા કાઢીને સ્વાભિમાનથી જિંદગી જીવવાનો આ નિર્ણય તેને અંતિમ શ્વાસ સુધી ન બદલ્યો.આ કહેવાય એક કવિની ખુમારી,એક કવિનું સ્વાભિમાન,આજના કવિઓ તો પોતાની કવિતાને લક્ષ્મી જોઈને બદલતા થઈ ગયા છે.અત્રે નોંધપાત્ર બને છે કે તેને આ યાત્રામાં માણેક બાએ પણ એટલો જ સાથ આપ્યો છે.કદાચ એના પ્રેમથી જ 'જયા-જયંત' ઉતર્યુ હોય એવું લાગે છે.

નાનાલાલને જોતા વાત યાદ આવે છે કે ,

"યુદ્ધમેદાનથી ભાગે એ ક્ષત્રિય ન હોય ને,
ગરીબીથી ભાગે એ બ્રાહ્મણ નહિ."