૧૧.ભારતીય ચિંતન
દક્ષિણ ભારતના એક મહાન વેદાંતી બ્રાહ્મણ વિશ્વનાથ પંડિત!ધર્મશાસ્ત્ર અને સંસ્કૃતની કેળવણી માટેનું ગુરુકુળ ચલાવે.અનેક શિષ્યોને વિશ્વની સર્વે ભાષાની જનની એવી ભાષાનું વિદ્યાદાન કરનાર આ મહાપંડિત સંપૂર્ણ રીતે વૈદિક જીવન જીવતા અને વિદ્યાર્થીઓ પાસે અપેક્ષા રાખતા.પણ આ આશ્રમ હતો,માતૃભાષા બોલવા પર મોટો ગુનો કર્યો હોય એમ સજા આપનાર સખ્ત શાળા ન હતી.અહીં તો બધું સ્વૈચ્છિક હોય કોઈ પર દબાણ લાવવામાં ન આવતું.ઋષિ પરંપરાથી ચાલતી આ આશ્રમશાળામાં અત્યાર સુધી બધા જ વિદ્યાર્થીઓએ પરંપરાનું નિષ્ઠાપૂર્વક પાલન કર્યું હતું.
પણ એક વખતે એક અલ્લડ અને યુરોપમાં ભણેલો છોકરો આ ઋષિશાળામાં ભણવા આવ્યો-પ્રભાવિત થઈને નહિ પણ આ વ્યવસ્થાની નિરર્થકતા સાબિત કરવા!એને એમ હતું કે આ બ્રહ્મણોની આશ્રમશાળામાં જે વિષયો ભણાવવામાં આવી રહ્યા છે તેનો વ્યવહારિક જીવનમાં કોઈ લાભ છે નહીં.તેને મન ધર્મ અને અધ્યાત્મ નકામી અને દંભની વસ્તુ હતી.તે આવ્યો એટલે એને જોતા જ વિશ્વનાથ પંડિત એને ઓળખી ગયા કે આ છોકરાનો ઉદ્દેશ શુ છે!પણ સર્વેનો સ્વીકાર કરવો એ આ ભૂમિની જૂની પરંપરા રહી છે એ ન્યાયે એમને એ અલ્લડ અને ઉપાલંભની તૃષ્ણાથી આવેલા આ છોકરાને ઋષિશાળામાં પ્રવેશ આપ્યો.
પણ આ છોકરો આશ્રમના કોઈ નિયમને ન પાળે એ તો સ્વાભાવિક હતું.પણ બીજા વિદ્યાર્થીઓને શિક્ષા કરનાર આ મહાપંડિત આચાર્ય આ દંભીને કેમ કંઈ કહેતા નહોતા એ કોઈ વિદ્યાર્થીઓને સમજાતું નહોતું.એક વખત બધા વિદ્યાર્થીઓએ આ બાબતે આચાર્યને પૂછ્યું ત્યારે આચાર્યે માત્ર એટલું જ કહ્યું કે,"રાહ જુઓ."
વિદ્યાર્થીઓ બહુ સમજ્યા નહિ આથી આચાર્યે રાહ જોવાનું કહ્યું.ઘણા દિવસો સુધી આ અલ્લડ છોકરાએ ઘણા નખરા કર્યા.પણ આ છોકરાને આચાર્ય કશું કહેતા નહોતા.પણ આ વાત વિદ્યાર્થીઓને સહન થતી નહોતી.એ વિદ્યાર્થીઓ પેલા અલ્લડ છોકરાની વિરુદ્ધ ષડયંત્ર કરવા લાગ્યા અને તે અહીંથી ચાલ્યો જાય એ માટે એને હેરાન કરવા લાગ્યા.પણ એક દિવસે તો એમને આ વિદ્યાર્થીઓની પૂજામાં ભંગ પાડ્યો આથી બધે ગુસ્સે ભરાયા અને એને મારવા દોડ્યા.આચાર્યને ખબર પડતાં જ એને પેલાને બચાવ્યો ત્યારે જો આચાર્ય પેલાને ન બચાવત તો આજે એનું મોત કદાચ નક્કી જ હોત.
પણ આચાર્યના આવા વર્તનથી પેલા અલ્લડને પશ્ચાતાપ થયો અને તેમને આચાર્યને પૂછયું કે,"હું આવ્યો ત્યારથી તમારી સંસ્કૃતિનું અને ચિંતનનું અપમાન જ કરતો આવ્યો છું.હું તમારો વિરોધ કરવા તો અહીં આવેલો તેમ છતાં તમે મને બચાવ્યો એ મને ન સમજાયું."ત્યારે આચાર્યે હસીને કહ્યું,
"सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः।
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद दुःख भाग भवेत।"
પછી આગળ કહ્યું કે,"જે દિવસે તું આ મંત્રના અર્થને પામી જઈશ તે દિવસે તને તારા પ્રશ્નનો ઉત્તર મળી જશે."વર્ષો સુધી એ અલ્લડ છોકરો આ મંત્રના અર્થને પામવા માટે ભારતીય સંસ્કૃતિનું અધ્યયન કરતો રહ્યો અને તે એક અલ્લડ છોકરામાંથી એ જ ગુરુકુળનો ઉત્તરાધિકારી આચાર્ય નિમાયો અને આ વાત પોતાની આચાર્યપદથી નિવૃત્તિ વખતે સમગ્ર શ્રોતાઓને કહી અને બોલ્યો,
"માત્ર આર્યો કે હિન્દુઓનું જ નહીં પણ સમગ્ર માનવજાતનું જે કલ્યાણ ઈચ્છે તે ભારતીય ચિંતન છે."
૧૨.પ્રજ્ઞાચક્ષુ
વાત આજે માંડવી છે એવા સર્જકની જેને બહુ જ સંઘર્ષ કરીને પોતાની જાતને કુદરત સામે વધારે શક્તિમાન અને દ્રઢ નિશ્ચયી સાબિત કરી છે.
આજે સુરતની એ શાળાના એ વર્ગમાં શિક્ષક પ્રવેશ્યા.શિક્ષકને ખબર જ હતી કે એ છોકરો ભણવામાં બહુ જ હોશિયાર,એટલે બોર્ડ પર કંઈપણ લખે તો એમની પાસે જ વંચાવતા.આમેય એ છોકરાને શાળાનું પુસ્તકાલય અને એમાં રાખેલા પુસ્તકો,વિશેષ તો સાહિત્યિક પુસ્તકો વાંચવાનો બહુ જ શોખ!આવડી ઉંમરે પણ એને ઘણા પુસ્તકો વાંચી નાખેલા.દર વખતે આજે માસ્તરે બોર્ડ પર કંઈક લખ્યું ને પછી એ જ છોકરાને ઉભા કરીને કહ્યું,"શર્મા,આ વાંચી જા તો." છોકરાએ પોતાની આંખો બોર્ડ પર ટેકવી પણ આ શું...?છોકરાને દેખાયું માત્ર અંધારું.છોકરો એ કશું જ વાંચી શકતો નહોતો.કદાચ એને અંધાપો આવી ગયો હતો.છોકરો મૂંઝાઈ ગયો ને મા બાપને ખબર પડતાં જ તે છોકરાને ડોક્ટર પાસે લઈ ગયા.ડોક્ટરે એની આંખ ચકાસી અને જે બે ધમકી આપી એ માત્ર એ ધમકીઓએ તો આ છોકરાની માત્ર આંખમાં જ નહીં,પણ સમગ્ર જીવનમાં અંધારું ફેલાવી દીધું!
ડોક્ટરે કહ્યું,"છોકરા આજથી તું બે વાતની ગાંઠ બાંધી લે.પહેલી કે તું નિશાળે જવાનું હવે ભૂલી જા.બીજી કે હવે તારે આખી જિંદગી ચોપડીઓને અડવાનું પણ નથી, લખવા વાંચવાનું ભૂલી જા."છોકરા માટે તો આ તેના જીવન અને કવન બંને પર પડેલો કુઠારાઘાત હતો.એનો તો શોખ જ આ હતો અને એની મનાઈ હોય એ તો કેમ ચાલે?પણ આ છોકરાએ નક્કી કર્યું કે ભલે નિયતિ આજે મારી સામે આ આછા અંધાપાની રમત રમતી હોય પણ હું વાંચવાનું પણ ચાલુ રાખીશ અને ભણવાનું પણ અને ખરેખર એ છોકરાએ એ કરી બતાવ્યું!આગળ જતાં એ છોકરાએ પોતાના જ જીવનના આ અતિ કરુણ પ્રસંગને લઈને નવલકથા પણ લખી જેનું નામ છે-અસુર્યલોક!
એ છોકરો આજે તો દેહથી આપણી વચ્ચે ઉપસ્થિત નથી પણ આ નવલકથાના પાને પાને એ ઝળકે છે.એ છોકરો આ દુનિયા પરથી ગયો ત્યારે તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની ડી.લિટ.ની માનદ પદવી લઈને અને ગુજરાતી સાહિત્ય જગતમાં પોતાના પ્રદાન થકી એક અવિસ્મરણીય નામ નોંધાવીને ગયો હતો અને એ છોકરો એટલે ભગવતીકુમાર શર્મા!વંદન છે આવા સાક્ષરને જેને પોતાની જાતને અંધમાંથી પ્રજ્ઞાચક્ષુ બનાવી દીધી!