૧૩.યુદ્ધ આમ પણ જીતી શકાય!
વિશ્વના ઇતિહાસના તખ્ત પર તારીખ હતી ૧૯ મે,૧૭૯૮.નેપોલિયનની નકારાત્મક ગતિ ધરાવતી અને સત્તાલાલસાથી ભરપૂર છતાં અસરકારક યુદ્ધકુશળતા અને પ્રતિભા સામે યુરોપના અન્ય દેશોનો પ્રથમ સંઘ તો સંધિ સ્વીકારી ચુકેલો.પણ નહોતી શાંત થઈ નેપોલિયનની મહત્વકાંક્ષા કે નહોતા હિંમત હાર્યા યુરોપના અન્ય દેશો!
પહેલા સંઘમાં એ સમયે પોતાની ઉત્કૃષ્ટ નૌકાસેનાને લીધે 'સમુદ્રની મહારાણી' ગણાતું ઈંગ્લેન્ડ જ નેપોલિયન સામે યુદ્ધ શરૂ રાખી શકેલું.તેમને શક્તિથી હરાવવું નેપોલિયન માટે અશક્ય હતું આથી નેપોલિયને પહેલા આફ્રિકામાં ઇજિપ્ત કબજે કરી સિરિયા,મધ્ય એશિયા અને અફઘાનિસ્તાન થઈ હિન્દુસ્તાન પહોંચી ઈંગ્લેન્ડની સત્તાનો અંત આણવો એમ નક્કી કર્યું.વાસ્તવમાં તો આ નેપોલિયનને પણ સિકંદરની માફક 'પૂર્વ'નું આકર્ષણ થયેલું.
પહેલા તો તેની ડાયરેક્ટરીના સભ્યો પણ ડઘાઇ ગયા પણ કદાચ નેપોલિયનથી મુક્તિ મેળવવાના વિચારે મંજૂરી આપી દીધી.પણ આ બધી તો થઈ ઐતિહાસિક સામગ્રીની વાતો.મૂળ વાત તો આજે એ પ્રતિપાદિત કરવી છે કે -યુદ્ધ માત્ર સૈનિકોથી લડી શકાતા નથી. આપણને ઘણી વખત બૌદ્ધિકોની જરૂરિયાત પર પ્રશ્નો ઉભા થાય છે કે જે વિચારકો માત્ર કાગળ અને કલમના માણીગર છે તેની દેશમાં એવી તે શું જરૂર હશે?એ વાતનું સમાધાન આજની વાતમાં છે.
નેપોલિયન ઉપરોક્ત તારીખે જયારે ઇજિપ્ત સામે યુદ્ધ કરવા નીકળ્યો ત્યારે તેના કાફલામાં ૩૮,૦૦૦ સૈનિકો હતા.આશ્ચર્યની વાત એ છે કે એ કાફલામાં ૧૭૫ જેટલા પુરાતત્વવિદો,પૌર્વાત્યવિશારદો, ખનીજશાસ્ત્રીઓ,ખગોળશાસ્ત્રીઓ,ઇજનેરો,કવિઓ અને કલાકારોનો પણ સમાવેશ થતો હતો.આપણે સૈનિકોનો અર્થ બહુ ટૂંકા અર્થમાં લઈએ છીએ.આવા બૌદ્ધિકો પણ યોદ્ધા જ છે જે વૈચારિક કક્ષાએ પોતાની કલમ,વિચારશક્તિ અને સંશોધન વડે યુદ્ધ લડે છે.
આથી જ નેપોલિયને એ સમયે કહેલું કે,"આ ચડાઈ એ માત્ર લશ્કરી સાહસ જ ન હતું,પરંતુ તે સાથે તેનો ઉદ્દેશ આ પ્રસિદ્ધ છતાં અજાણી ભૂમિના રીતરિવાજો,ઇતિહાસ અને કલાનો ઊંડાણભર્યો અભ્યાસ કરી માનવીના જ્ઞાનની ક્ષિતિજો વિસ્તારવાનો પણ હતો."
એ વાત અહીં અસ્થાને છે કે નેપોલિયન વ્યક્તિગત રીતે સત્તાલાલસાથી પીડાયેલો હતો.પણ આપણને પોતાની પ્રતિભા થકી આ એક સંદેશ આપી ગયો કે ,"યુદ્ધ આમ પણ જીતી શકાય!"
(સંદર્ભ:યુરોપનો ઇતિહાસ-દેવેન્દ્ર ભટ્ટ)
૧૪.લૂંટારો
સમય થયો હતો રાત્રીના બારેક વાગ્યાનો.આખા ગામમાં ભુપત બહારવટિયાના ડરથી સન્નાટો હતો.ગામના દરેક માણસના મનમાં એનો ડર બેસેલો હતો.પોલીસ પસાયતાઓ પણ આ બહારવટીયાથી ડરીને ઘરમાં પુરાઈ ગયેલા.ગામને છેવાડેથી ઘોડાનો ને જામનગરી બંદૂકમાંથી ફટાકડાની માફક ફૂટતી ગોળીઓનો અવાજ વાતાવરણને પણ ધ્રુજાવતો હતો અને જાણે સંદેશ આપી રહ્યો હતો કે ભુપત આવી રહ્યો છે.
ખરેખર ભુપતે ગામમાં પ્રવેશ કર્યો અને લૂંટ પણ ચલાવી.ગામના ધનિકોને તો બંદૂકની અણીએ ખૂબ લૂંટયા. એક બે શેઠિયા તો ભુપતના માણસોના હાથે સ્વર્ગસ્થ પણ થયા. દર વખતેના ક્રમ મુજબ પોલીસ આવી અને તપાસ આદરી. ત્યાં ગામના એક છેવાડાના મકાનમાંથી એક યૌવન ઝરતી સ્ત્રીનો રડવાનો અવાજ આવ્યો. એની સાથે ભૂપતના માણસે બળાત્કાર કરેલો.ગામમાં રહેલા ભૂપતના માણસોએ જઈને ભૂપતને આ વાતની જાણ કરી.એને પોતાના સથીદારોને ભેગા કર્યા.ભુપત આશ્ચર્યમાં અને દુઃખી હતો કે એના કોઈ સાથીદારે એવું કરેલું.
હવે એ ખબર કેમ પડે કે એમાં કયા સાથીદારે એવું કર્યું હશે?ત્યાં ભૂપતની નજર એના એક સાથીદારના કપડાં પર પડી.એ કપડાં પર છોકરીએ પ્રતિકાર રૂપે કરેલા ઘાના નિશાન હતા.ભુપતે પૂછ્યું,''આ નિશાન શેના છે?" તેનો સાથીદાર બોલ્યો,"એ...તો...પેલા શેઠના..." ભુપત સમજી ગયો અને તેનું માથું વધેરી નાખ્યું અને બોલ્યો,"આપણે વહવાયા ધાડ પાડીએ છીએ પેટનો ખાડો પુરવા, ગામની બેન દીકરીઓની આબરૂ લૂંટવા નહિ.એ તો બહારવટિયાની નાત માટે કલંક કહેવાય".
વાચકને ફરીથી જણાવી દઉં કે આ ખમીરવંતુ વાક્ય એ સમયનો ખૂંખાર બહારવટિયો બોલ્યો હતો.બહારવટિયા પણ એક જમાનામાં ખમીરવાળા હતા.
(આજના ચોર અને લૂંટારાઓને સમર્પિત છે આજનો લેખ!)