પત્તાનો મહેલ - 12 Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પત્તાનો મહેલ - 12

પ્રકરણ (12)

 

ત્રીજા દિવસે મલ્કાપુરકર આવ્યો તેની સાથે ચારેક જણ હતા. તેમને પેરેમાઉન્ટ કંસ્ટ્રક્શન ની પ્રગતિ, ઘરનું ઘર માટેની યોજના, લોન માટેના કાગળીયા, શરૂઆતના હપ્તા જેવી નાની નાની ઘણી બાબતોની માહિતી નિલયે આપી.

 

મલ્કાપુરકરે એ ચારે સાથેની વાતચીત પત્યા પછી એક ફાઈલ આપી જેમાં દસ અરજી, દરેકના બાયોડેટા તથા ફોટોગ્રાફ હતા. અને સ્કીમની સફળતાનો આશાવાદ પણ  હતો. સભ્યપદના ૧૦૦ ફોર્મ ખરીદીને દસમા દિવસે મળવાના વાયદા સાથે તે તેના સાથીદારો સાથે નીકળી ગયો.

 

નિલય દસ અરજી અને બાયોડેટા જોઈને વિચારમાં પડી ગયો. રાધાને તે ફાઈલ બતાવી. રાધાનો Business Administration નો અનુભવ કહેતો હતો કે દસેય અરજી આ પ્રકારના કાર્યો કરનાર મજબૂત બૅકગ્રાઉન્ડ ધરાવતા માણસોની હતી. શ્રીનિવાસન અને સ્ટાફના માણસો પણ મલ્કાપુરકરના ધડાકાથી વિચારમાં પડી ગયા.

 

પાંચમે દિવસે કિસનવાડી ચિંચપોકલી હાજીબાપુની ચાલ વાળા વિસ્તારમાંથી પંદર જણ તપાસ કરવા અને મળવા આવી ગયા. મલ્કાપુરકર જોડે તમને ચર્ચા થયેલી અને મકાન બાબતે જ તેઓ મળવા આવેલા.

 

સાતમે દિવસે ટોળું ઘણું મોટું હતું. ફોર્મ સારા એવા ઊપડી ચૂક્યા હતા. દસમે દિવસે મલ્કાપુરકરે એકસો ને સિત્યોતેર ફોર્મ આપ્યા. કુલ રકમ સવા બે લાખ હતી. અને હજી દસ દિવસ બાકી હતા.

 

મલ્કાપુરકરે દરેક નબળા વર્ગના રહેઠાણોમાં એક એક બેરોજગારને નિમણૂક કરીને તેમને “મકાન માટે આજે બચાવો”  સૂત્રને ગાજતું કર્યું હતું. રોજની આઠ થી દસ કલાકની અગિયારે અગિયાર પ્રતિનિધિઓની મહેનતને કારણે આ ઉઘરાણું શક્ય બન્યું હતું.

 

આ ફોર્મને પ્રોસેસ કરવાના, દરેકના પૈસાની પહોંચ આપવાની અને અન્ય વહીવટી કાર્યમાં સાંજના સાડાસાત વાગી ગયા.

 

મલ્કાપુરકર અને એની સાથેના દસેય સભ્યોને નિલયે શાબાશી આપી. સાથે લંચ લીધું અને તેમના પ્રતિભાવો જાણ્યા ત્યારે તે દંગ રહી ગયો. દસે દસ જણા આવનારા દસ દિવસમાં બીજું આના જેટલું અથવા તેથી વધુ કાર્ય કરવાના ઉત્સાહમાં હતા.

 

દરેક જણ એક વર્ષ સુધીના હપ્તા ઍડ્વાન્સમાં લાવવા તૈયાર હતા. નિલયને આ ઉત્સાહ ટકાવી રાખવામાં રસ હતો, તેથી તળીયાનાં કાર્યકરોને પાંચ ટકા ઉપરાંત જે લક્ષ્યાંકોને દોઢા કરે તેમને ચાંદીની મુદ્રાની જાહેરાત કરી.

 

વીસ દિવસે જ્યારે પરિણામ આવ્યું તે ખૂબ જ ચમત્કારિક હતું. મલ્કાપુરકરની નીચે દસે દસ જણે તેમનું નિર્ધારિત લક્ષ્ય તો પૂરું કર્યું હતું પણ એમની નીચે ૨૨૫ માણસો આવ્યા. આ દરેકનું કુલ મળીને ૨૭૪૦ ફોર્મ ભરાયા. જેનું કુલ કલેક્શન અઠ્ઠયોતેર લાખ જેટલું થતું હતું.

 

રાજીવે ફોન પર વાત સાંભળી તો ઊભો જ થઈ ગયો. વહીવટી પ્રશ્નો ઊભા થશે તેવી દહેશત લાગી – અને રાત્રે જ રાજીવ – બરખા – શ્યામલી અને બીજા સ્ટાફનાં પંદરેક માણસો સાથે તે મુંબઈ જવા નીકળી ગયો.

 

રાધા – શર્વરી – શ્રીનિવાસન – મલ્કાપુરકર અને તેની ટોળકી સૌ આનંદમાં હતા.

 

ખંભાતા ફોન ઉપર હતો. નિલયને વિયેરા તથા રીચાર્ડસનનો સંદેશો આપવાનો હતો તેથી ટેબલ ટોક કરવા બોલાવતો હતો.

 

નિલયને અંદાજો તો આવી જ ગયો હતો. રાજીવની વાતથી તે સમજી તો ગયો જ હતો. પ્રપોઝલ સામેથી આવતી હતી. તેથી મક્કમ રહીને છેલ્લા ત્રણ વર્ષની વેદના, ત્રાસ અને અપમાનોનો ભરપૂર બદલો લેવાની તક મળી હતી.

 

સાંજના પાંચના ટકોરે ખંભાતા તેને લેવા આવવાનો હતો. વિયેરા અને અને તેના વકીલ ઓબેરોયમાં તેની રાહ જોવાના હતા. પાંચ વાગ્યે ખંભાતા આવી ગયો. નિલયની ઑફિસ… ચેમ્બર… અને તેનો રુઆબ જોઇ એનું મોં આશ્ચર્યથી ખુલ્લું રહી ગયું, આ માણસ એની જીદમાં ક્યાં ફેંકાઈ ગયો હતો… અને આજે ક્યાંથી ક્યાં હતો..?

 

પુરી સહૃદયતાથી નિલયે ખંભાતાને આવકાર્યો, ઠંડું કે ગરમ ઑફર કર્યા બાદ ખંભાતાને તેની તબિયત વિશે પૂછ્યું. ખંભાતા ફક્ત હાવભાવથી જ હા કે નામાં જવાબ આપતો હતો.

 

નિલયે બીજા સહકાર્યકરો વિશે પૂછ્યું ખંભાતા ,  ખંભાતા ફક્ત એક જ વાક્ય બોલ્યો , ‘ચાલો જઈશું– ?’  નિલયે સંમતિસુચક પગલે ખંભાતા ને કહ્યું – ‘ચાલો’

 

કારમાં ખંભાતાએ પૂછ્યું ‘મિ. બુચ: રાજકીય દબાણ ક્યાંથી લઈ આવ્યા? ’

 

‘ઑનેસ્ટી ક્યાંક તો પૂછાય છે. ખંભાતા. ’

 

‘હા પણ હવે અહીં તમે શું કરવાના છો?’ ‘તમે મને શાના માટે બોલાવો છો તે તો તમને ખબર છે જ…’

 

‘બે બીઝનેસમેન વાતો કરશે એટલે ખ્યાલ તો આવશે જ ને …’

 

‘હું સમજ્યો નહીં’ –  જરા ખચકાતા ખંભાતા બોલ્યો.

 

‘સમજો ના તેવા નાસમજ તો તમે નથી જ … અને ત્રણ વર્ષ જેના પેટનું પાણી કેટલાય ધમપછાડા કર્યા તોય ના હલ્યું તે માણસો ઓચિંતા સામેથી કોમ્પ્રોમાઈઝ કરવા બોલાવે … તે ઘટના સમજી શકાય તેવી તો હોય જ ને… ’

 

‘ભલે હોટેલ પર પહોંચ્યા પછી થોડીક વધુ વાતો કરીશું તો ચાલશે? ’

 

‘ભલે આમેય તમે મારા સીનિયર છો તેથી માન આપું છું – ’

 

હોટેલ ઉપર વિયેરા – વકીલ ટી. થોમસ અને કોઈક ત્રીજા ભાઈ બેઠા હતા. નિલયને જોઈને વિયેરા ઊભા થઈ ગયા . ‘આવો… આવો.. મિ. બુચ’

 

‘થેંક્સ’ – નિલયે સૌમ્યતાથી કહ્યું.

 

‘શું લેશો ? ’

 

‘કોલ્ડ્રીંક ચાલશે….’

 

‘ખંભાતાએ તમને વાત તો કરી જ છે. તેથી હું આગળ વાત કહું.’ ‘આપણી ચર્ચામાં દરેક સભ્યોનો પરિચય જરૂરી છે, એવું નથી લાગતું તમને ?’ નિલયે પ્રશ્ન કર્યો.

 

‘હા. આ ટી. થોમસ કંપનીના વકીલ છે. અને આ ભાઈ એમના સહાયક છે.’

 

‘તમારી પ્રપોઝલ શું હશે તેની મને કોઈ ગણતરી નથી. અને આંકડો તમે પાડશો મારે તો ખાલી હા કે ના જ કહેવાની છે.’

 

‘ટી. થોમસ : – ‘વચ્ચે દખલ બદલ માફ કરજો પણ – કાનુની બાબત છે. તેથી પૂછું છું. રકમ નક્કી થયા પછી તમે કેસ પાછો ખેંચી લો છો. અને કંપની તમને સ્વીકારવાની નથી. એ બે વસ્તુ સ્પષ્ટપણે જાણી લેશો.’

 

‘થેંક્સ સ્પષ્ટતા બદલ. કંપનીમાં મને ઘણું શીખવા મળ્યું છે. કંપનીને મેં ઘણું આપ્યું છે. એની સામે કંપનીએ મને બેદરકારનો ખિતાબ આપ્યો છે. અને ત્રણ વર્ષની શરમજનક બેકારી. તમારા સ્ટૅટિસ્ટિક્સ આ શરમિંદગીની કોઈ કિંમત તો નહીં હોય પરંતુ સારા અને સાચા મિત્રોની મદદથી તે મેં ભોગવી છે.’

 

વિયેરા : ‘મિ. બુચ જે બન્યું તે ન બન્યું થવાનું નથી અને જો તમે ફરીથી કંપનીમાં જોડાવાના હો તમે માનભેર રહી શકશો કે કેમ તે શંકા છે. કારણ કે હાલ તમારી જે પોઝિશન છે તે કંપનીમાંની તમારી જે ગ્રેડ હતી તેના કરતા ક્યાંય ઊંચી છે.’

 

‘આપણે મારા ભૂતકાળમાં હતા, તમે મારા વર્તમાન પર કેમ નજર નાખો છો?’

 

‘આડી વાતો પરથી મૂળ વાત પર આવીએ, કેસ પાછો ખેંચી લેવા માટે કંપની તમને તમારો અર્ધો પગાર આપશે – ત્રણ વર્ષનો.’

 

નિલયને જાણે કોઈએ ગાલ પર તમાચો માર્યો હોય તેવો અહેસાસ થયો.

 

‘Thanks Mr. Viera for the drinks .  મને લાગે છે મારો સમય આ વાતો કરતા વધુ કિંમતી છે. બાય.’

 

‘પણ મિ. બુચ’

 

‘જુઓ આપ મારા સીનિયર છો આપનું માન રાખવા હું આવ્યો છું તેનો મતલબ એમ નથી કે હું મારું અપમાન થવા દઈશ.’ નિલય કડક અવાજે બોલ્યો.

 

‘પણ મિ. બુચ આમાં અપમાન જેવું ક્યાં કંઈ છે?’

 

‘એમ જ છે. આ ફેર ડીલીંગ નથી. તમને ખબર છે કૉર્ટમાં હું જીતીશ અને પૂરો પગાર અને પાછી જોબ બંને મળવાની છે. અને સાથે બદનક્ષીનો દાવો કરીને જે પૅનલ્ટી મેળવીશ તે નફામાં…. તેની સામે છોકરાને પટાવતા હો… ઉપકાર કરતા હો તેમ … હાફ પે… નોકરી નહીં… જેવી બાલિશ શરૂઆત કરો છો મને કહેતા દુ:ખ થાય છે કે આ ખૂબ જ સંકુચિત અને વામણી શરૂઆત તથા રજૂઆત છે.’

 

‘OK full salary… Done?’

 

‘Forget it હું જીતવાનો છું અને ત્રણ વર્ષ રાહ જોઇ બીજા પાંચ વર્ષ રાહ જોઈને હું પૂરેપૂરું મેળવવાનો જ છું. તમે શોષણકર્તાઓના ખરીદાયેલા અમારા જેવા પગારદાર છો જે પોતાના હજાર રૂપિયાના પગાર વધારવા માટે અમારા જેવા નવા કાર્યકરોનું શોષણ કરવાના નવા નવા કિમિયા શોધી માલિકને લાખો અને કરોડોનો ફાયદો કરાવો છો. મને એ શોષણ કેમ અટકાવવું એ આવડે છે.’

 

‘મિ. બુચ તમે તો કાંઈ સામ્યવાદી નેતા બની ગયા લાગો છો, મુડીવાદી વલણોને તોડવાની વાત કરવી સારી છે. મૂળ મુદ્દા ઉપર ફરીથી આવું – સેલેરી વત્તા બધા જ એલાઉન્સ જે ખરેખર તમને મળવાપાત્ર નથી… છતાં પણ…’

 

‘હં ! અને ‘બેદરકાર’નો ખિતાબ જે આપ્યો છે. તેના વિશે શબ્દ કહેશો?’

 

‘બસ હવે વધુ ન કહેશો. બોનસ, એલાઉન્સ અને સેલેરી થઈને કુલ એક લાખ અને પચ્ચીસ હજાર પૂરા તમને મળી જશે.’

 

નિલયનું મગજ બહુ ઝડપથી કાર્ય કરતું હતું… બધું વિના સહકાર આપી દેવાનો મતલબ… સ્પષ્ટ છે…  પાટીલ દ્વારા મોટો કંઈક લાભ મળતો હશે… અને એની સામે મામૂલી રકમ હોવી જોઇએ… કેસ સેટલ થશે એટલે પાટીલ પણ માગશે અને ઈન્કમટેક્સની ક્વેરી ખરી જ…

 

નિલય… ખડખડાટ હસી પડ્યો…

 

‘મિ. વિયેરા… પાટીલ દ્વારા બેંગ્લોરની હોસ્પિટલોના કરોડો રૂપિયાના રેટ કોંટ્રાક્ટરનો સોદો આમ સાવ સસ્તામાં પતશે એવું તમે કેમ માની લીધું?’

 

છક્કડ ખાવાનો વારો હવે ખંભાતા અને વિયેરા બંનેનો હતો…આ નિલયનું હુકમનું પત્તું હતું…

 

‘તો મિ. બુચ તમે જ કહો અને આપણે નક્કી કરીએ…’

 

‘જુઓ સાહેબ ત્રણ વર્ષમાં મેં ઘણી દુનિયા જોઇ નાખી, નબળાને દબાવનારા અસંખ્ય મળે છે પણ બળિયે બળિયા મળે અને જે સંઘર્ષો થાય તે જ ખરા.’

 

‘અત્યારે અમારો હાથ તમારી નીચે છે એટલે આ ફિલોસોફી બોલવી સારી લાગે છે…’  

 

‘હા એક્ઝેક્ટલી આમજ… જ્યારે મારો હાથ તમારી નીચે હતો ત્યારે… ક્યારેક… મિ. બુચ ખોટો હેરાન થાય છે કરીને કર્ટસી ખાત પણ પૂછવા આવ્યા હતા? ના મિ. વિયેરા ના, હવે એ બધી ક્ષણોનો, બધા જ અપમાનોનો… સંયુક્ત રીતે લાભ મેળવવાનો સમય આવી ગયો છે.’

 

‘જુઓ, આડી વાત ના કરશો અને જે થયું તે ના થયું થવાનું નથી.’

 

‘ફક્ત તમારી જાણ ખાતર… હોસ્પિટલનો રેટ કોંટ્રાક્ટર તમારા ભાવો કરતા ઊંચા ભાવો વાળી મારી ફાર્માસ્યુટિકલ ફર્મને મળે તેમ છે. આઈ મીન બિઝનેસ. પાટીલ તમને તે કોંટ્રાક્ટ આપવા માગે છે પરંતુ મારા કેસને કારણે તે નબળો પડે છે. કરોડો રૂપિયાના સ્થિર ધંધાને જાળવી રાખવા થોડાક લાખ ઢીલા કરવા પડે…’

 

‘કેટલા ?’

 

‘તમને થતા નફાના પચાસ ટકા ફક્ત પહેલા વર્ષના ઍડવાન્સરૂપે’

 

‘એટલે ?’

 

‘એટલે સિમ્પલ મિ. વિયેરા… ફીફ્ટી ફીફ્ટી’

 

‘ભાઈ નિલય મારી નોકરી જતી રહેશે. મારા ધોળા વાળ સામે તો જો.’ વિયેરા કરગરી પડ્યો.

 

‘તમે ફોન કરીને પરમિશન લઈ લો. મને ખબર છે. તમે પૈસા આપશો અને પાછળ ટેક્ષવાળા, પોલિટીક્સવાળા અને છાપા વાળા પડવાના છે. તે બધાનું મારે ધ્યાન તો રાખવાનું ને?’

 

‘આ રેટ કોંટ્રાક્ટ પૂરતી વાત રાખીએ તો… આખું વર્ષની વાત જવા દે…’

 

‘આ રેટ કોંટ્રાક્ટ તો સાડાચાર કરોડનો છે. નેટ ત્રીસ ટકા ગણીએ તો પણ સવા કરોડ થશે… તેના ફીફ્ટી ફીફ્ટી  કંઈ વધારે નથી કહ્યું મેં.’

 

ટી. થોમસ, ખંભાતા અને જુનીયરને વાતો સાંભળીને પરસેવો છૂટી રહ્યો હતો.

 

વિયેરા ફોન કરવા ગયા. ટી. થોમસ ચકળવકળ થતો નિલયને જોતો હતો. ખંભાતા હબક ખાઈ ગયો હતો… એને નિલય ક્યારેય વ્યવહારુ લાગ્યો નહોતો…

 

અત્યારે પણ નહીં. વિયેરા નકામો સમય બગાડે છે તેમ તે વિચારતો હતો.

 

અચાનક નિલય ઊભો થયો અને થોમસના જુનીયરને જોરથી અડબોથ લગાવી દીધી. એના ગજવામાંથી નાનું ટેપ રેકોર્ડર કાઢી લીધું અને કેસેટ શાંતિથી ગજવામાં મૂકી દીધી.

 

અચાનક થયેલા હુમલાથી થોમસ અને ખંભાતા પણ ખચકાયા. નિલયે બંનેને ચુપચાપ બેસી રહો નહીંતર જોવા જેવી થશેની ધમકી આપી જાણે કશું બન્યું નથી તેમ વર્તવા કહ્યું.

 

વિયેરા આવ્યો. ત્યારે પરસેવે રેબઝેબ હતો. ‘નિલય…ભાઈ કંઈક કર નહીંતર મારી નોકરી જશે.’

 

‘અને જેલમાં પણ જશો. ડબલક્રોસ કરતા હતા? થોમસનો જુનીયર કોણ છે? પ્રાઈવેટ ડીટેક્ટીવ ?’

 

‘આ આખું કૌભાંડ તમે કાલે લીડિંગ ન્યૂઝપેપરમાં જોશો. સમજ્યા મિ. વિયેરા?’

 

‘પણ શું બન્યું તે તો કહે?’

 

‘આ તમારો ટી. થોમસ અને તેનો માણસ વાતચીતને ટેપ કરતા હતા. આ ટેપના જોરે હવે હું આખી સારા ફાર્મસ્યૂટિકલ્સ ના ખરીદી લઉં તો મને તમે કહેજો.’

 

‘ચલ ભાઈ, તું જીત્યો. હવે મને કહે, મારે શું કરવાનું છે? ’

 

‘નફો થાય કે ના થાય. અત્યારે મને તમે દસ લાખ રોકડા આપો… પચ્ચીસ અને સાડી સત્યાવીસના બે હપ્તા એક અઠવાડિયામાં જગ્યાના રૂપમાં આપો. અને કોઈ વાતની ચાલાકી વિના… નહીંતર દરેકે દરેક ચાલાકી દીઠ દસ લાખ વધશે.’‘ભલે ભાઈ ! આ બેગમાં દસ લાખ તો છે જ… મિસ્ટર વિયેરાને માથે પરસેવો વળતો હતો. બેગ આપતા હાથ ધ્રુજતા હતા… અને નિલયના તે લેતા. ’