પત્તાનો મહેલ - 11 Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પત્તાનો મહેલ - 11

પ્રકરણ (11)

શર્વરીએ વાતો સાંભળીને રાધા નાયકને મળવું છે તેમ જણાવ્યુ – ઘરમાં દાખલ થયા. ત્યારે નાનકડા દિવાનખંડમાં સુખડની માળા અને જન્મ – મૃત્યુ – નામ વગેરે નાના અક્ષરોએ લખેલું હતું ભરત મકનજી નાયક. મૃત્યુ થયે બે એક વર્ષ થયા હતા.

 

સામે સફેદ વસ્ત્રમાં રાધા નાયક ઊભી હતી.સાથે નાનકડો દસ વર્ષનો સ્મિતલ પણ હતો.

 

‘ઓળખ્યો મને?’ – નિલયે પ્રશ્ન કર્યો.

 

‘નિલયભાઈ ?’

 

‘હા.. આ શર્વરી તારી ભાભી.’

 

‘નમસ્તે રાધાબહેન – આ બધું શું બન્યું?  કેવી રીતે બન્યું?’

 

‘એક બહુ લાંબી કહાની છે. ક્યારેક ફરી. બેસો તો ખરા.’

 

‘રાધા તારી અરજી મારી પાસે આવી હતી.તેના અનુસંધાનમાં તને મળવા આવ્યો હતો.’

 

‘તમે પેરેમાઉન્ટમાં છો?’

 

‘ હા.’

 

‘સ્વૈચ્છિક રીતે સાદગી પસંદ કરી છે. ભરતની મિલ્કતને ટ્રસ્ટ કરી દીધી છે. સ્મિતલની ’

 

‘પણ ભરતને થયું શું હતું તે તો કહે.’

 

‘સુરતમાં તેમની ઘણી લુમ્સ હતી. તેમાંથી સિલ્ક મિલ્સ ઊભી કરી. આ સિલ્ક મિલ્સની ધીકતી આવક હતી. સ્પષ્ટ વક્તા ભરત મને ગમ્યો, મળ્યા, સુખમાં સાત વર્ષ વીત્યા. સ્મિતલનાં નામ પર સ્મિતલ સિલ્ક મિલ્સ શરૂ થઈ. પછીની વાત ઘણી સફળતાની હતી. મીટરે ૫ થી ૬ રૂપિયાનો ચોખ્ખો નફો. તેમાં પણ નવી નવી ટેક્નોલૉજીને કારણે ખર્ચ ઘટતો ગયો. આવકની ટંકશાળ પડે. એટલે ગોળના ગાંગડા પર કીડા તૂટી પડે એમ જુદી જુદી જાતની વાતોથી ગવર્નમેન્ટ એજન્સીઓ, આડતીયાઓ, વેપારીઓ અને જાતજાતની ખોપરીઓ સાથે તેમનું ઊઠવા બેસવાનું થતું.

 

એક દિવસ મિલના વીવિંગ માસ્ટર સાથે સંઘર્ષ થયો. અને એણે જઈને ગવર્નમેન્ટ એજન્સીઓમાં ઘણી ખાનગી બાબતો આપી દીધી. બીજા દિવસે સવારે ચાર વાગ્યે સામૂહિક ૨૫ માણસોએ બંગલા પર, મિલ પર, ફાર્મ પર રેડ પાડી. ભરત સ્પષ્ટવક્તા હતો. તેણે કંઈ જ છુપાવ્યું નહીં. રેડ ચાર દિવસ ચાલી. સોદાબાજી થતી હતી. દરેકને પોતાનું કંઈક જોઇતું હતું. ટેક્ષ ન ભરવા સલાહ અપાઈ આટલું આપી દો. અમે કાગળીયા કરી દઈશું.

 

સાંજે દારૂની મહેફીલમાં બધાને ઘેનની દવા પાઈ  બધા કાગળીયા ચોપડા ગુમ કરાવી દીધા. વીવિંગ માસ્ટરને ખોખરો કરાવ્યો. આ બધું કાર્ય કરવામાં બચાવવાની ભાવના નહોતી પરંતુ લાંચીયા અધિકારીઓને સબક શીખવાડવાની ભાવના હતી.

 

દરેકને લાગ્યું કે સૌ ઉઘાડા પડી ગયા. તેથી સમસમીને લાગ જોઇ બેસી રહ્યા. સ્મિતલ સિલ્ક મિલ્સમાં યુનિયનની સાઠમારી શરૂ કરાવી… અને એક દિવસ આખો સ્લેબ ભારે ધડાકા સાથે નીચે તોડી પડાવ્યો પાંચ સાત મજૂરો દબાયા… ભરત પણ એમાં જ… દબાયો.

 

રાધાના સપાટ ચહેરા માં આ વાત કહેતા કોઈ જ ભાવો નહોતા.

 

ત્યારથી – એક આંતરિક શક્તિના સ્ત્રોત સાથે ઝઝૂમું છું. નોકરી મળે છે. છૂટે છે. રાધામાં ભરતની બધી ડેરીંગ છે. બિઝનેસ એડમીનીસ્ટ્રીનું ભણી રહી છું, સેક્રેટરિયેટના કોર્સ ચાલુ કર્યા છે.

 

‘રાધા, એક ચેલેન્જ વાળી ઑફર છે. અને તે પેરેમાઉન્ટમાં પર્સનલ રીલેશન મેનેજર તરીકેની. એક વસ્તુ સ્પષ્ટ છે. જેણે પૈસા જોયા છે અને પૈસાની મોહિની જેને લાગી નથી તેવી વ્યક્તિ આ કાર્યમાં ખૂબ જ સફળ થાય છે. તું મારી સાથે પેરેમાઉન્ટમાં જોડાઈશ?’

 

રાધાની આંખમાં ઝાંખી ઝાંખી  ભીનાશ હતી… નિલય જોઇ શકતો હતો…

 

રાજીવે જેમ નિલયને સિલેક્ટ કર્યો ત્યારે જે સમયસરની મદદ અને આભારનો ભાવ અને આનંદ તે હસીને શર્વરી… રાધાની હસતી આંખોમાં ભરતને જોઇ શકતી હતી.

 

‘રાધા, તું ભરતની વિધવા નથી સધવા છું . ભરત તારી આંખોમાં હજી જીવે છે.” શર્વુ બોલી… અને પહેલી જ વખત રાધા શર્વરીના ખભા પર માથુ નાખીને મોકળ્ મને રડી…’ સ્મિતલ વિચારમાં પડી ગયો.

 

શર્વરી એ તેને રડવા દીધી એનો ડૂમો ખાલી થયા પછી બોલી… ભાભી એકલી એકલી ખૂબ જ પીડાઈ છું. મારા ઘરવાળાને પણ બહુ હેરાન કર્યા છે. પણ હવે એ માઠા દિવસો લાંબા નહીં રહે…  નિલયે શર્વરીને નવા રૂપમાં જોઇ રહ્યો હતો. શ્યામલી સાથે સાહજીકતાથી ભળી ગયેલી શર્વરીએ રાધાને પણ કેટલા પ્રેમથી  સ્વીકારી લીધી? અને પોતે?

 

શર્વરીના જીવનમાં આવતા વયસ્ક પિતા તુલ્ય બનારસીદાસને પણ સ્વીકારી નથી શકતો… આવી કૃપણતા… ઉપર એને જાતે જ પોતાની જાત ઉપર ધિક્કાર આવ્યો. વિચારોમાં આગળ વધે તે પહેલા સ્મિતલ બોલ્યો.

 

‘મામા! તમને મારા fancy dress competition માં કરેલો ડ્રામા બતાવું?’

 

નિલય એની સામે હકારમાં જોઇ રહ્યો.

 

                           *****

 

સારા ફાર્માસ્યુટીકલ્સમાં નિલયનાં કેસ પેપર સહી થઈ રહ્યા હતા. વિયેરા ઉપર એસ.કે. પાટીલ દ્વારા પ્રેશર આવ્યું.

 

ખંભાતા કાગળ ઉપર હિસાબ માંડતો હતો ત્રણ વર્ષનો બેઠો પગાર ૭૬૦૦૦,  બોનસ ૧૨૦૦૦, હાઉસિંગ એલાઉન્સ ૨૪૦૦૦, વેહીકલ એલાઉન્સ ૧૭૦૦૦, મેડિકલ એલાઉન્સ ૨૨૦૦૦, એક લાખ ને એકાવન હજાર…  કેસ પાછો ખેંચવાથી થતી બદનક્ષી, ફરી પાછો નોકરીમાં આવે તો તેનાથી થતી અડચણો.

 

વિયેરા ટાલ ઉપર હાથ ફેરવતા ફેરવતા વિચારતા હતા. મારો બેટો ગુજરાતી જબરો છે. બેંગ્લોરથી પ્રેશર લાવ્યો. પાટીલ દ્વારા ગવર્નમેન્ટ હોસ્પિટલોમાં સારા ફાર્માસ્યુટીકલ્સની કરોડો રુપિયાની રેટ કોંટ્રાક્ટ દ્વારા થતી આવકોની સામે આ વળતર તો કંઈ જ ન કહેવાય… પણ એ જિદ્દી માણસ કોમ્પ્રોમાઈઝ કરશે ખરો? … આમ તો વિયેરા પણ અંદરથી ચાહતો હતો કે નિલય કૉર્ટમાં જીતે….

 

રીચાર્ડસનને વાત કરી જોઇ. રીચાર્ડસન પણ કોમ્પ્રોમાઈઝ કરવાના મતમાં હતા. પાટીલને નારાજ કરવાનું ગજું તેનામાં નહોતું.

 

ખંભાતાને નિલયના ઘરે જવાનું કામ સોંપાયું.

 

રાધાની નિમણુંકથી કાર્યભાર ઘણો સરળ થઈ ગયો હતો. અગત્યના કાગળો જોવા સિવાય બહારના Touring and Development ના તથા Persuasion ના કાર્યો નિલયે જાતે સંભાળી લીધા હતા. ઑફિસ ખુલ્યા પછીના બે મહિનાનું કલેક્શન રાજીવની ધારણા જેટલું જ હતું. પણ નિલય તેનાથી સંતુષ્ટ નહોતો. Advertisement થી બેરોજગારીનું નિરાકરણ… ઘરનું ઘર… જેવી કંઈ કેટલીય વાતો એ રોજ કેટલાયને કહેતો પણ તેને એવું જ લાગતું કે કંઈક ફાસ્ટ કરવું છે.

 

મલ્કાપુરકરને ફોન કરીને બોલાવ્યો. તેની સાથે ચર્ચા કરીને કંઈક તારણ કાઢવા તે મથતો હતો. શું કરીએ તો આ યોજના ત્વરિત ગતિએ નીચે ઊતરે.

 

મલ્કાપુરકરે દસ બાર સૂચનો કર્યા પણ બહુ જામ્યું નહીં. વિચારોનો અવઢવમાં મલ્કાપુરકરે એક સાવ સામાન્ય લાગતો વિચાર રજૂ કર્યો.

 

‘દસે એકની સ્કીમ આપીએ તો?’

 

‘દસે એક એટલે?’

 

‘જે માણસ દસ નવા ગ્રાહકો લાવે તેને એક ઉપરની રેંક આપી દસેયના કામનું કમિશન આપવું અને એ દસેયને ફરીથી નવા દસ બનાવવા કહેવું એટલે જે વિકાસ આવે તે પહેલા દસ પછી સો પછી હજાર… અને દસ હજાર…’

 

‘પત્તાના મહેલ જેવી વાત કરો છો !’

 

‘પત્તાનો મહેલ નહીં… યોગ્ય જગ્યાએ ગુરુત્વબિન્દુ સાચવીને ઊંધો પિરામિડ ઊભો કરવાનું કામ કરું. છું.’

 

‘યોગ્ય જગ્યા એટલે શું?’

 

‘જરૂરિયાતમંદ માણસો સિવાય … કોઈ જ મોટો કોંટ્રાક્ટર કે બિલ્ડર ન આવે તે રીતે કમિશનથી માણસો દ્વારા માણસો વધારવા.’

 

‘આઈડિયા તો સારો છે. પણ વ્યવહારુ છે ખરો?’      ‘કેમ? તમને દસમાંથી સો થશે કે કેમ તેની શંકા પડે છે?’

 

‘હા.’

 

‘તમે પરવાનગી આપતા હો તો હું સીધા એવા દસ માણસો તમને દસ દિવસમાં આપું કે જેઓ એમની નીચે દસને લઈને આવશે.’

 

‘દરેકને લોન મળશે તેવી કોઈ બાહેંધરી ન આપતો હં કે?’

 

‘લોન માટે તેઓ હજી તો તો તેમના શરૂઆતમાં હપ્તા ભરશે… ત્યાર પછીનો એ પ્રશ્ન છે.’

 

‘આ ટ્રાયલ કરવા જેવો લાગે છે. બે કામ કરજો એક તો દરેકનો બાયોડેટા અને ફોટોગ્રાફ લેજો.’

 

‘કેમ ? એની શું જરૂર છે?’

 

‘આપણે કેટલા માણસોને રોજગારી આપીએ છીએ તેનું પ્રમાણ આપણી પાસે રહે તે માટે. ’

 

‘ભલે – પણ તેમાં મારું શું વળશે?’

 

‘ઉઘરાવાતા દરેક હપ્તા ઉપર તમારું એક વર્ષનું બે ટકા વળતર સાચું.’

 

‘બોલ્યા છો તો પાળજો હો નિલયભાઈ..’

 

‘જો ભાઈ,  પહેલા હપ્તાના બે ટકા મને વાપરવાની છૂટ છે.’

 

‘મને બે ટકા – મારી નીચેવાળાને કેટલા ?’

 

‘તેને પણ બે ટકા.’

 

‘અને જે ખરા કામ કરનારાને?’

 

‘અને તેમની નીચે જે ખરા કામ કરવાવાળા છે તેમને પાંચ ટકા.’

 

‘અને એ બધાનો વહીવટ કેવી રીતે કરશો?’

 

‘આ ગણતરી – એકાદ બે દિવસમાં મૂકી લઈશું. પણ આ ટ્રાયલ સ્કીમ છે તેથી સમય બંધન જરૂરી છે. તેમને દસ દિવસ અને એમની નીચે બીજા દસ દિવસ આમ કુલ્લે વીસ દિવસમાં લઘુત્તમ ૧૦૦ માણસો અને તેમના દ્વારા ઉઘરાવાતી રકમ ઉપર છેલ્લા દસ દિવસમાં તમારું અગિયાર અગિયાર જણાનું કમિશન ચૂકવાઈ જશે.

 

‘ભલે નિલયભાઈ, મહિનાના અંતે મારા ત્રણ હજાર રૂપિયા નક્કી રાખજો.’

 

નિલયે મનમાં ગણતરી મૂકી, જો આયોજનમાં સફળ થાય તો આ મહિને દોઢ લાખ રૂપિયા આવશે. એનું હૃદય ફરી એક ધબકારો ચૂકી ગયું.

 

એને એક વિચાર વધુ આવ્યો. મલ્કાપુરકર જેવો દલાલ જો આ યોજના વિચારી શકતો હોય તો દરેક શહેરે શહેરે જે દલાલો છે તેમને આ પ્રકારની યોજના આપીએ તો ?

 

રાધા સાથે આ ચર્ચા કરવાની જરૂરિયાત જણાઈ. રાધાએ નિલયને એક મહિનો જ્યારે ટ્રાયલ ચાલે છે ત્યારે રોકાઈ જવાની સલાહ આપી. નિલયનું મગજ ઘણું ઝડપથી વિચારતું હતું ત્યાં ફોન આવ્યો. બેંગ્લોરથી રાજીવ હતો. તેનો આ સ્કીમ વિશે અભિપ્રાય માગ્યો. બેંગ્લોરમાં એ પ્રકારની સ્કીમ સફળ નહોતી થઈ પણ બીજા ઘણા પરિબળો તેમાં હતા. મુખ્ય માણસ Strong  હોય તો થઈ શકે તેવો આશાવાદ તેની વાતમાં દેખાયો.

 

વિયેરા ઉપર પાટીલનો સંદેશો ગયો છે. અને કોમ્પ્રોમાઈઝ કરવાની વાત આવે તેવી શક્યતાનો ઇશારો મળ્યો છે. તેમ જણાવી રાજીવે ફોન ડીસકનેક્ટ કર્યો.