રાજકારણની રાણી - ૧૩ Mital Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજકારણની રાણી - ૧૩

રાજકારણની રાણી

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૩

સુજાતા સાથે ફોન પર વાત કરીને હતાશ થયેલા જતિનને કંઇક યાદ આવ્યું એટલે દોડીને બેડરૂમમાં પહોંચ્યો અને કેમેરાની જગ્યા શોધવા લાગ્યો. જતિન પહેલા એ જગ્યા પર સૂઇ ગયો જ્યાં ટીના સાથે મસ્તી કરી હતી. ટીના સાથે બેડ પર સંબંધ બાંધવાની કોશિષ કરી હતી એ જગ્યાએથી જતિને જોયું તો ત્યાં દિવાલ હતી. એ ઊભો થઇને દિવાલ પર હાથ ફેરવવા લાગ્યો. તેને કોઇ વસ્તુ ફિટ કરવામાં આવી હોય એવું લાગ્યું નહીં. દિવાલ પર રંગ એવો જ હતો. ક્યાંય કોઇ ધબ્બો પણ ન હતો. મતલબ કે કોઇએ કેમેરો ફિટ કર્યો ન હતો. તે દિવાલ પૂરી થતી હતી ત્યાં બાથરૂમના દરવાજા પાસે ગયો. બાથરૂમ ખોલીને નિરીક્ષણ કર્યું. ત્યાં પણ કોઇ શંકાસ્પદ વસ્તુ મળી નહીં. તો શું કોઇ બાથરૂમમાં છુપાયું હતું? જેણે ચોરીછૂપી અમારું શુટિંગ કરી લીધું હોય? ના-ના, ટીના તો બે મિનિટ ફ્રેશ થવા બાથરૂમમાં ગઇ હતી અને પછી થોડી જ વારમાં સુજાતા આવી ગઇ હતી. અંદર કોઇ હોય તો ત્યારે જ પકડાઇ જાય એમ હતું. અને એ પછી તો હું પણ બાથરૂમમાં ગયો હતો. જતિનને થયું કે તેની બધી થિયરી ખોટી પડી રહી છે. પોતાના જ બેડરૂમમાં બહારથી કોઇ આવીને શૂટિંગ કરી જાય એ તેના માનવામાં આવતું ન હતું. કોઇએ ફેક વિડીયો તો બનાવ્યો નથી ને? તેણે ફરી ફરી વિડીયો જોયો. તેને જગ્યા પોતાના બેડ પરની જ લાગી. તીને પોતાની હરકત યાદ હતી. આ રહસ્ય હવે કેવી રીતે ઉકલશે? અચાનક તેને વિચાર આવ્યો કે પોતે નશામાં હોવાથી ટીનાએ પોતાના મોબાઇલમાં રેકોર્ડિંગ કરી લીધું હોય એવું બની શકે? તેણે તરત જ ટીનાને મોબાઇલ લગાવ્યો. ઘણી વાર સુધી રીંગ વાગતી રહી. કદાચ છેલ્લી ઘડીએ ટીનાએ ફોન ઉપાડી લીધો હશે એટલે જતિને ખુશ થઇને પહેલાં પોતે જ કહ્યું"ટીના, મને માફ કરી દેજે. મારાથી નશામાં તારી સાથે ગેરવર્તણૂક થઇ ગઇ હતી. હું એ માટે તું કહે તે કિંમત ચૂકવવા તૈયાર છું..."

"સાહેબ, કિંમત તો તમે પોતાને જ ચૂકવી રહ્યા છો. તમારી કિંમત કોડીની નથી રહી. તમે મને શું કિંમત ચૂકવવાના હતા. તમે અમારી સાથે વિશ્વાસઘાત કર્યો છે. એ તો સારું થયું કે સુજાતાબેનને અણીના સમય પર ભગવાને મોકલ્યા. નહીંતર હું તો મારા પતિને મોં બતાવવાને લાયક ના રહી હોત. તમારી એ હરકત માફીને લાયક નથી. અને હવે પછી મને ફરી ફોન કરતા નહીં. નહીંતર હું પોલીસમાં માનસિક હેરાનગતિનો કેસ નોંધાવી દઇશ...." ટીનાએ સખત અવાજમાં ધમકી આપતી હોય એમ કહ્યું.

જતિન ગભરાઇ ગયો. હજુ બદનામીના આ કલંકમાંથી તે ક્યારે છૂટશે એની ખબર નથી ત્યાં બીજામાં ક્યાં ફસાવવાનું? તે ગભરાયેલા સ્વરમાં બોલ્યો:"ટીના, ચલ છોડ એ વાત, એ કહે કે આપણું એ શૂટિંગ કોણે કર્યું હતું? તેં તારા મોબાઇલમાં જ લઇ લીધું હતું ને?"

"સાહેબ, લાગે છે કે તમે વિડીયો બરાબર જોયો નથી. એનું શૂટિંગ દૂરથી થયું છે. મારા હાથમાં મોબાઇલ હોય તો આપણા આખા શરીર ના દેખાય અને તમારો ઇરાદો કેવો હતો એ પણ. મને તો લાગે છે કે તમે જ કેમેરો ગોઠવીને આ શુટિંગ કર્યું હતું. તમે મને એ શુટિંગથી બ્લેકમેલ કરવા માગતા હતા. એ વિડીયો જાહેર કરી મને બદનામ કરવાની ધમકી આપી મારું શોષણ કરવા માગતા હતા એવું લાગે છે...." ટીનાના નવા આક્ષેપથી જતિન થથરી ઊઠયો. તેણે તરત જ ફોન કાપી નાખ્યો.

જતિનને થયું કે હવે પોતે જાસૂસ બનવાને બદલે જે થઇ ગયું છે એમાંથી બહાર નીકળવાનો વિચાર કરે. તેણે શહેર બહાર જવા માટે તૈયારી શરૂ કરી દીધી. જ્યાં સુધી આ મુદ્દો ગરમ છે ત્યાં સુધી અહીં રહેવામાં જોખમ છે. વાત ઠંડી પડી જાય પછી આવવાનું વિચારીશ.

***

ચૂંટણી નજીક આવી રહી હતી. 'ભારત લોકસમર્થન સંવાદ પાર્ટી' (બી.એલ.એસ.પી.) ના કાર્યાલયમાં કાર્યકરોની અવર-જવર સતત ચાલુ હતી. જતિનને પક્ષમાંથી કાઢી મૂકવામાં આવ્યા પછી કાર્યાલયમાં ધીમા અવાજે તેના વિશે ઘૂસપૂસ ચાલુ થઇ ગઇ હતી. એક ભાઇ કહેતો હતો કે જતિને તો ભારે જલસા કર્યા ભાઇ! તેની વાત સાંભળીને બીજો હસી પડ્યો અને તેના કાનમાં કહ્યું કે એ ભૂગર્ભમાં ઉતરી ગયો ના હોત તો ટીપ્સ લઇ લીધી હોત! એક મહિલા બીજીને એવી રીતે બોલી કે તેને મુશ્કેલીથી સંભળાયું કે બહુ રંગીલો માણસ હતો નહીં! બીજીએ કહ્યું કે રાજકારણમાં ઘણા મજા કરવા પણ આવતા હોય છે! એક યુવતી તો બધાને સંભળાય એમ બોલી ઊઠી કે આવા લોકોને તો જાહેરમાં ફટકારવા જોઇએ. લોકોની સેવાના નામે રાજકારણમાં આવીને મહોરું પહેરી ધતિંગ કરતા આવા લોકોની સાન ઠેકાણે લાવવાનું બીડું સુજાતાબેને ઝડપ્યું છે એનો મને આનંદ છે. બીજી યુવતીએ એની વાતમાં ટાપસી પૂરતા કહ્યું કે હું પણ આવા પતિને લાત મારીને ઘરની બહાર કાઢી મૂકું. છેલ્લા બે દિવસથી પક્ષના કાર્યાલયમાં જતિન અને સુજાતાની જ ચર્ચા હતી. કાર્યાલયમાં રતિલાલે બધી કામગીરીના સંચાલનની જવાબદારી પોતાની પુત્રી અંજનાને સોંપી હતી. અંજના અડધો દિવસ કાર્યાલયમાં બેસીને મતદારયાદીનો અભ્યાસ કરી બૂથ પ્રમાણે પ્રચારનું આયોજન કરી રહી હતી. તેના મનમાં પણ જતિનના જ વિચાર આવતા હતા. તે એક રીતે ખુશ હતી. જતિન બદનામ થયા પછી ધારાસભ્ય અથવા સાંસદના પદ માટે તેને ટિકિટ અપાવવાનું રતિલાલ માટે સરળ બની જવાનું હતું. બીજા દાવોદારો જતિન જેટલા સક્ષમ ન હતા. પોતાને ધારાસભ્ય રતિલાલનું પીઠબળ હતું. એમણે છેલ્લા સાડા ચાર વર્ષમાં સારી સંપત્તિ મેળવી લીધી હતી. હમણાં પોતાના માટે તે ખર્ચ કરી શકે એમ હતા. જતિનનો વિડીયો બહાર આવ્યા પછી ત્રણ જ દિવસમાં તેનું નામ ખરાબ થઇ ગયું હતું. તેની પત્ની સુજાતા મહિલા મંડળ ચલાવીને શું સાબિત કરવા માગે છે એ અંજનાને સમજાતું ન હતું. તેણે જતિન વિરુધ્ધ બ્યુગલ ફૂંકીને પોતાનું કામ આસાન બનાવી દીધું હતું. તેને લોકસેવા કેવી રીતે થાય છે એની હવે ખબર પડશે. થોડા દિવસ ઉત્સાહ રહેશે પછી ગાંઠનું ગોપીચંદ ખરીદવું પડશે ત્યારે એનું મહિલા મંડળ શોભાના ગાંઠિયા જેવું બની જશે. પણ માનવું પડશે કે બાઇ હિંમતવાળી છે. પોતાના પતિ વિરુધ્ધ જઇને તેણે મહિલાઓને સારો સંદેશ આપ્યો છે. પતિના છાનગપતિયાં ચલાવી લેતી સ્ત્રીઓને તેણે જાગૃત કરવાની ચળવળ ઉપાડી છે પણ સમાજમાં પોતાનું નામ ખરાબ થાય એની બીકે કેટલી સ્ત્રીઓ તેને સાથ આપશે એ સવાલ છે. એનું મહિલા મંડળ સારી પ્રવૃત્તિ કરે તો અમારા રાજકીય પક્ષ તરફથી તેનું સન્માન કરવાનું પણ વિચારી શકાય.

અંજના વિચાર કરતી હતી અને એક સ્ત્રી કાર્યાલયમાં પ્રવેશી. કાર્યાલયમાં ગણગણાટ ચાલુ થઇ ગયો. અંજનાને થયું કે કોણ આવ્યું છે? બધા એ તરફ કેમ જોઇ રહ્યા છે? અંજનાએ નજર નાખી તો એક સાડી પહેરેલી સ્ત્રી કાર્યાલયના પ્રવેશદ્વારની અંદર આવીને ઊભી હતી. દૂરથી તેનો ચહેરો દેખાતો ન હતો. કોઇ મોટા માણસની પત્ની કાર્યાલયની મુલાકાતે આવી હોય એવું તેને લાગ્યું. એ જાજરમાન લાગતી સ્ત્રી કાર્યાલયમાં ચારે તરફ નજર નાખતી ઊભી હતી. કાર્યાલયના સ્ત્રી-પુરુષોનો ગણગણાટ બંધ થઇ ગયો. કોઇ કંઇ બોલી રહ્યું ન હતું. અચાનક વાતાવરણ શાંત થઇ ગયું. અંજના નવાઇથી જોઇ રહી હતી. તેને થયું કે કોઇ મહેમાન હસ્તી છે અને આવકારની રાહ જોઇ રહી છે. અંજનાએ નજીકમાં બેઠેલી એક મહિલા કાર્યકરને ધીમેથી પૂછ્યું:"શું વાત છે? કોણ છે એ બહેન?"

"બેન, તમે નથી ઓળખતા?" મહિલા કાર્યકરે આશ્ચર્યથી પૂછ્યું.

"ના, દૂરથી ઓળખાતા નથી..." અંજનાએ ભોળાભાવે કહ્યું.

મહિલા કાર્યકર સહેજ હસીને બોલી:"સુજાતાબેન છે. જેમના પતિનું કારસ્તાન બહાર આવ્યું હતું એ..."

મહિલા કાર્યકર આટલું બોલી ત્યાં નજીક આવી ગયેલી સુજાતાએ સાંભળી લીધું હતું. સુજાતા એ મહિલા તરફ નજર રાખી શાંત સ્વરે બોલી:"બહેન, એ મારા પતિ હતા. હું એમનાથી અલગ થઇ ગઇ છું. મને મહિલા મંડળના સંચાલિકા સુજાતા તરીકે અત્યારે ઓળખશો તો વધુ યોગ્ય ગણાશે..."

અંજનાને થયું કે મહિલા મંડળના સંચાલિકાને રાજકીય પક્ષના કાર્યાલયમાં આવવાની શું જરૂર પડી? તે કયા ઇરાદા સાથે આવી હશે?

વધુ ચૌદમા પ્રકરણમાં...

***

* મિતલ ઠક્કરની સૌથી લોકપ્રિય નવલકથા 'મોનિકા' ઉપરાંત 'પ્રેમપથ' પણ જરૂર વાંચો.

* રાકેશ ઠક્કરની 'રેડલાઇટ બંગલો', 'લાઇમલાઇટ' અને ૨૧ કિસ્સા સાથેની આત્મહત્યામાં હત્યાનું રહસ્ય શોધતી 'ઇન્સ્પેક્ટર ઠાકોરની ડાયરી' વાંચવાનું ચૂકશો નહીં.