સુંદરી - પ્રકરણ ૨૧ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુંદરી - પ્રકરણ ૨૧

એકવીસ

“ભઈલા, જરા બહાર ઉભો રે’જે તો!” સોનલબાએ હુકમના સ્વરમાં કહ્યું.

વરુણે જવાબમાં પોતાનું ડોકું હલાવ્યું અને બારણાની બહાર નીકળી ગયો. વરુણની પાછળ બીજા બે વિદ્યાર્થીઓ નીકળ્યા અને તેના પછી કૃણાલ આવ્યો.

“કૃણાલભાઈ જરા બહાર ઉભા રે’શો? મને તમારું થોડું કામ છે.” સોનલબાએ કૃણાલને પણ કહ્યું.

કૃણાલ પણ સોનલબાને હા પાડીને બહાર નીકળ્યો તો તેણે જોયું કે વરુણ ક્લાસની બહારની લાંબી લોબીમાં એક જગ્યાએ ક્લાસના દરવાજા સામે જોઇને ઉભો હતો એટલે એ વરુણથી થોડે દૂર ઉભો રહ્યો. થોડીજ વારમાં સોનલબા ક્લાસમાંથી બહાર આવ્યા.

“આવો કૃણાલભાઈ, મારી જોડે...” સોનલબાના રસ્તામાં પહેલા કૃણાલ આવ્યો એટલે એમણે કૃણાલને પોતાની સાથે આવવાનું કહ્યું.

સોનલબા અને તેમની પાછળ કૃણાલને પોતાની તરફ આવતા જોઇને વરુણને નવાઈ લાગી, પણ તેણે આગળ શું થાય છે તેની રાહ જોવાનું નક્કી કર્યું.

“બંને જણા મને દસ મિનીટ પછી કેન્ટીનમાં મળો તો.” બસ આટલું કહીને સોનલબા પાછા વળી ગયા અને ક્લાસની બાજુમાં જ આવેલા દાદરામાંથી નીચે ઉતરી ગયા.

સોનલબાના આમ અચાનક તેમને સસ્પેન્સમાં છોડીને જતા રહેવાથી વરુણ અને કૃણાલ ઘણા સમયથી એકબીજા સાથે બોલતા ન હોવા છતાં પણ સામસામે જોઈ રહ્યા. છેવટે વરુણે પહેલ કરી અને દાદરા તરફ આગળ ચાલવા લાગ્યો. ક્યાંક વરુણ સાથે બોલવું ન પડે એમ વિચારીને કૃણાલ વિરુદ્ધ દિશામાં ચાલવા લાગ્યો જે આ વિશાળ કોલેજનો બીજો છેડો હતો અને ત્યાં ઘણે દૂર બીજો દાદરો આવેલો હતો.

થોડીજ વારમાં વરુણ તો કેન્ટીન પહોંચી ગયો જ્યાં તેણે સોનલબાને દૂર એક ટેબલ નજીકની ખુરશી પર બેસતા જોયા.

“બોલો શું હતું?” વરુણે સોનલબાની સામેની ખુરશી ખેંચતાની સાથેજ પૂછી લીધું.

“કૃણાલભાઈને આવવા દે.” સોનલબા હજી પણ તેમના રોજના સરળ અને મૃદુ સૂરને બદલે કડક સૂરમાં બોલી રહ્યા હતા.

“એ બીજા દાદરાથી આવે છે, વાર લાગશે.” વરુણને સોનલબાના મનમાં શું ચાલી રહ્યું છે તેની ઇન્તેજારી હતી.

“મેં કીધુંને ભઈલા કે કૃણાલભાઈને આવવા દે?” સોનલબાએ વરુણને આટલું કહીને કેન્ટીનના દરવાજા સામે જોવાનું શરુ કરી દીધું.

વરુણ નિરાશ થયો કારણકે સોનલબા પાસેથી વાત કઢાવવાની તેની કોશિશ નિષ્ફળ રહી. લગભગ પાંચ મિનીટ બાદ કૃણાલ કેન્ટીનના દરવાજામાંથી અંદર પ્રવેશતો દેખાયો. તેણે તરત જ વરુણ અને સોનલબાને જોઈ લીધા એટલે સીધો જ તે એમના ટેબલ તરફ ચાલવા લાગ્યો.

કૃણાલ વરુણ અને સોનલબાની બરોબર વચ્ચેની ખુરશી પર બેઠો.

“તમે લોકો ચ્હા લેશો કે કોફી? હું કોફી લઈશ!” કૃણાલના બેસતાની સાથેજ સોનલબા બોલ્યા.

“મને કશું ખાવા-પીવાનું મન નથી, આને કશું મંગાવું હોય તો મંગાવે.” વરુણે કૃણાલ સામે જોયા વગર એના તરફ હાથનો ઈશારો કરીને કહ્યું.

“ના મારે પણ કશુંજ નથી પીવું.” કૃણાલે ટૂંકાણમાં પતાવ્યું.

“ઠીક છે, તો હું મારી કોફી લઇ આવું.” આટલું કહીને સોનલબા ઉભા થયા.

“અરે! તમે કેમ ઉભા થયા? હું લઇ આવું તમારી માટે કોફી.” વરુણ તરતજ ઉભો થયો અને પોતાનો હાથ લાંબો કરીને સોનલબાને રોકવાની કોશિશ કરવા લાગ્યો.

“ના, આજે તો હું જ લઇ આવીશ. તું બેસ.” સોનલબા આજે દરરોજ કરતા સાવ અલગ જ વર્તન કરી રહ્યા હતા.

સોનલબા કેન્ટીનનો માલિક જ્યાં બેસતો હતો તે તરફ ગયા, તેને પૈસા ચૂકવ્યા અને તેની પાસેથી કોફીનું ટોકન લીધું અને પછી જ્યાંથી ચ્હા અને કોફી સર્વ થતી હતી તે બારીમાં જઈને તેને આપી દીધું અને કોફી સર્વ થવાની રાહ જોવા લાગ્યા.

આ આખોય સમય વરુણ અને કૃણાલ બંને માટે તકલીફ આપે એવો હતો. એ બંને એકબીજા સાથે વાત તો કરવાના ન હતા અને એકબીજાની સામે પણ જોઈ શકે એમ ન હતા. એટલે બંને મનોમન સોનલબા ક્યારે પોતાની કોફી લઈને ટેબલ પર આવે અને પોતે વાત શરુ કરે એની પીડાદાયક રાહ જોઈ રહ્યા હતા.

સોનલબાને લગભગ બે અઢી મિનીટ બાદ સર્વિંગ વિન્ડોમાંથી કોફી મળી ગઈ એટલે એ કોફીનો મગ લઈને પોતાના ટેબલ તરફ ચાલવા લાગ્યા. વરુણ અને કૃણાલ બન્નેને આ જોઇને રાહત થઇ. સોનલબાએ પોતાનો મગ ટેબલ પર મૂક્યો અને પછી ખુરશી ખસેડીને તેના પર બેઠા.

વરુણ અને કૃણાલની પીડા હજી પણ દૂર થવાની ન હતી કારણકે સોનલબા આરામથી પોતાની સાથે લઇ આવેલા બે સેશેમાંથી ખાંડને કોફીના મગમાં ઠાલવી રહ્યા હતા અને ચમચીથી હળવે હળવે કોફીને હલાવી રહ્યા હતા. પોતાને સંતોષ થાય એ રીતે કોફીમાં ખાંડ હલાવ્યા બાદ સોનલબાએ તેમાંથી ધીમેધીમે કોફીના સીપ લેવાનું શરુ કર્યું.

આ તરફ વરુણ અને કૃણાલ ઉપરતળે થઇ રહ્યા હતા અને વિચારી રહ્યા હતા કે સોનલબાએ એમને બંનેને દસ મિનીટમાં જ કેન્ટીનમાં પહોંચવાનો હુકમ તો આપ્યો પણ હવે તેઓ ખુદ કોઇપણ જાતની ઉતાવળ કર્યા વગરનું વર્તન કેમ કરી રહ્યા છે?

“આ શું ચાલી રહ્યું છે તમારી બંને વચ્ચે?” છેવટે અડધો મગ ખાલી કર્યા બાદ સોનલબાએ વરુણ અને કૃણાલની પીડાનો અંત આણ્યો.

“શું?” વરુણ અને કૃણાલ બંને એકસાથેજ બોલી પડ્યા કારણકે એ બંનેને સોનલબાએ તેમને શું કહેવા બોલાવ્યા હશે એ જાણવાની એકસરખી તાલાવેલી હતી.

“ક્યારથી નથી બોલતા એકબીજા સાથે?” ફરીથી એક સીપ લઈને સોનલબા બોલ્યા.

સોનલબાના આ સવાલનો જવાબ વરુણ અને કૃણાલ બંને પાસે હતો પરંતુ બંનેને બોલવાની હિંમત નહોતી થતી કારણકે બંને સોનલબાનું એકસરખું સન્માન જાળવતા હતા.

“બોલો? કૃણાલભાઈ? ભઈલા?” સોનલબાએ બંને સામે વારાફરતી જોઇને પૂછ્યું.

“લગભગ પંદર દિવસથી...” વરુણે છેવટે મૌન તોડ્યું.

“હમમ... અને કારણ?” સોનલબા હવે મુદ્દા પર આવવા માંગતા હતા.

“એજ જેના વિષે આપણે બંને સહમત છીએ... પણ આને એ બરોબર નથી લાગતું.” વરુણે હવે વાતાવરણ ઢીલું કરવાનું શરુ કર્યું.

“યુ મીન... મેડમ?” ત્રણેય કોલેજની જ કેન્ટીનમાં બેઠા હોવાથી ત્યાં અસંખ્ય કાન હતા જે સુંદરીનું નામ લેવાતા ચકોર થઇ જાત એટલે સોનલબાએ ‘મેડમ’ કહીને ફક્ત સુંદરી તરફ સંકેત જ કર્યો.

“હા..” વરુણ પણ સોનલબાનો સંકેત સમજી ગયો.

“શું વાંધો છે તમને કૃણાલભાઈ?” સોનલબાએ હવે કૃણાલને સીધો જ સવાલ કર્યો.

“સમાજ આવા સંબંધોને સ્વીકારતો નથી અને મને પણ નથી ગમ્યું.” કૃણાલે સીધોજ જવાબ આપ્યો.

“વ્યક્તિગત પસંદ નાપસંદને સમાજનો સ્વીકાર મળે જ એ જરૂરી છે કૃણાલભાઈ?” સોનલબાએ પ્રશ્ન કર્યો.

વરુણને લાગ્યું કે સોનલબા જાણેકે તેના વકીલ હોય એ રીતે કૃણાલને સવાલ કરી રહ્યા છે.

“એવું નથી પણ આ યોગ્ય નથી.” કૃણાલ પાસે બીજી કોઈ દલીલ ન હતી.

“એવું તમને લાગે છેને? મને, ભઈલાને અને મારા પપ્પાને તો આ બરોબર લાગે છે. કોઈ એક વાતે આપણા બાળપણના મિત્ર સાથે સહમત ન થઈએ તો એની સાથે બોલવાનું બંધ કરી દેવાનું? એટલી હદે કે એની સાથે આંખ પણ નહીં મેળવવાની? મારા ભાઈએ એમને પ્રેમ કર્યો છે કોઈ ગંભીર ગુનો નથી કર્યો કૃણાલભાઈ.” સોનલબાએ મજબૂત સ્વરમાં વરુણની પેરવી કરી.

“પણ... એ મારું માનતો જ નથી. હું કાઈ એનું ખરાબ થાય એવું ઈચ્છું છું? મને પણ એની ચિંતા છે. જો એ મારો બાળપણનો મિત્ર હોય તો હું પણ એનો બાળપણનો જ મિત્ર છું સોનલબેન.” કૃણાલે પોતાનો પક્ષ રજુ કર્યો.

“તમે પણ ક્યાં એની વાત માનો છો કે એને મેડમ સાથે પ્રેમ થઇ શકે છે, કે થઇ ગયો છે? બરોબરને?” સોનલબાએ કૃણાલની આંખમાં આંખ નાખીને સવાલ કર્યો.

“હા... એ તો બરોબર પણ...” કૃણાલ જરા થોથવાયો.

“તો પછી ન બોલવાનું ક્યાં આવ્યું? ભાઈલો તમારી સાથે સહમત નથી, તમે ભઈલા સાથે સહમત નથી તો ફક્ત આ એક વાતને બાજુમાં મુકીને દોસ્તીતો ચાલુ રાખી જ શકાયને કૃણાલભાઈ? જીવનમાં આપણે આપણા માતાપિતા સાથે પણ ઘણીવાર સહમત નથી હોતા પરંતુ તેમનો આદેશ મૂંગા મોઢે માની જ લેતા હોઈએ છીએને? કે પછી એમની સાથે બોલવાનું કે એમની સામે જોવાનું પણ બંધ કરી દઈએ છીએ?” સોનલબાએ પોતાની ધારદાર દલીલબાજી ચાલુ રાખી.

“પણ હું આ મામલે એને કોઈજ સપોર્ટ નહીં કરું. ઝીરો!” કૃણાલે પોતાની શરત મૂકી.

“ન કરતા, પણ સંબંધ તો બંધ ન કરો? જ્યારથી મને શંકા ગઈ છે કે તમે બંને એકબીજા સાથે નથી બોલતા મેં માર્ક કર્યું છે કે બંનેમાંથી કોઇપણ ખુશ નથી. તો એક અસહમતીને કારણકે શું તમારે એકબીજાને માટે દુઃખી રહેવું છે? ભઈલા હું તને પણ કહી રહી છું. મેડમના વિષયમાં તમે બંને અસહમત છો એ બાબતે તો સહમત થાવ? પછી જુઓ બાકીના મુદ્દાઓ પર કેવી રીતે ફરીથી એકબીજા સાથે પહેલા જેવું જ વર્તન કરી શકો છો. તમે બંને મારા ભાઈઓ છો અને મને મારા બંને ભાઈઓમાં ભાગલા પડે એ પસંદ નથી. ચાલો હાથ મેળવો અને બે અઠવાડિયાથી દીવેલ પીધેલા હોવ એવા ચહેરા પર સ્મિત લાવો. ચાલો તો?” સોનલબાએ હસતા હસતા કહ્યું.

“મને વાંધો નથી પણ હું આ મામલે એને જરાય સાથ નહીં આપું અને ક્યારેય નહીં આપું, મારા પ્રિન્સિપલ્સની વિરુદ્ધ છે.” કૃણાલે દોહરાવ્યું.

“ના કરતો બે લ્યા... તારી જરૂર પણ નહીં પડે મને.” વરુણ પહેલીવાર બોલ્યો પણ કડવું બોલ્યો.

“એવું ન બોલ ભઈલા. તમારા ખાસ મિત્ર છે ને? મને ખબર છે તારા માટે જીવ પણ આપી દેશે મારા કૃણાલભાઈ. બસ બંને બોલતા રહો, એકબીજાની મસ્તી કરો છો એ કરતા રહો કારણકે તમારી મસ્તીઓને કારણેજ તમારી બંનેની આ બેનને કોલેજમાં આવવાનું મન થાય છે.” સોનલબાએ ભાવુક થઈને કહ્યું.

વરુણે તરતજ કૃણાલ સામે પોતાનો હાથ લંબાવ્યો અને એ પણ સ્મિત સાથે. તો સામે કૃણાલે પણ હસીને વરુણનો હાથ પકડી લીધો. બંને ઉભા થયા અને ભેટી પડ્યા. સોનલબાની કોફી પણ પૂરી થઇ ગઈ હતી એટલે એ પણ ઉભા થઇ ગયા.

“ભઈલા હવે તારે આ બાબતે કૃણાલભાઈને કોઈજ ફોર્સ નથી કરવાનો, પ્રોમિસ કર.” સોનલબાએ વરુણ સામે હાથ લંબાવ્યો.

“પ્રોમિસ, સિસ્ટર!” વરુણે સોનલબા સાથે પોતાનો હાથ મેળવતા કહ્યું.

“અને કૃણાલભાઈ, તમે પણ વરુણને હવે મેડમ બાબતે કોઈજ ફોર્સ નહીં કરો ભલે એને જે કરવું હોય તે કરે.” સોનલબાએ હવે કૃણાલ સામે પણ પોતાનો હાથ લંબાવ્યો.

“હા કોઈજ ફોર્સ નહીં કરું, આ મામલે એ ખાડામાં પડશે તોય ઉભો કરવા નહીં આવું એનું પણ પ્રોમિસ કરું છું.” કૃણાલે હસીને સોનલબાનો હાથ પકડ્યો.

“એ શક્ય નથી કૃણાલભાઈ. આજની તારીખ, સમય અને કેન્ટીનની જગ્યા તમે યાદ રાખજો. આ મામલે પણ તમે તમારા જીગરજાન મિત્રની સાથે એક દિવસ ખભેખભો મેળવીને ઉભા હશો અને એ પણ ત્યારે જ્યારે આખી દુનિયા મારા ભઈલાની વિરુદ્ધ હશે! લખી રાખો તમારી બુકમાં.” સોનલબાએ ગંભીરતાથી કહ્યું.

વરુણ અને કૃણાલ બંને સોનલબાના આત્મવિશ્વાસને આશ્ચર્યચકિત થઈને જોતા જ રહ્યા! બંનેમાંથી કોઈને પણ વિશ્વાસ નહોતો થઇ રહ્યો કે ભવિષ્યમાં કૃણાલ સુંદરીને પામવાના મામલે વરુણની પડખે આવીને ઉભો રહેશે.

==:: પ્રકરણ ૨૧ સમાપ્ત ::==