અગોચર ને નમનાંજલિ Falguni Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અગોચર ને નમનાંજલિ

જો એ અઘટિત ઘટના ઘટી હોત તો મારા મોં માંથી કેટલી મોટી અને ભયાનક ચીસ નીકળી ગઈ હોત એની હું કલ્પના કરૂં છું ને અત્યારે તો પણ મારૂં શરીર કંપિત થવા લાગે છે.
હજુ ગ‌ઈકાલની જ વાત છે.છેલ્લા કેટલાય દિવસથી પડી રહેલા તોફાની વરસાદ ની મસ્ત મોસમ જામી હતી.ચારેય બાજુ લીલોતરી જ લીલોતરી નજરે ચઢે છે. હવા પણ ઠંડી ઠંડી આવે છે. કુદરત પણ ખૂબ જ મહેરબાન થ‌ઈ છે. ને ઘરે થોડા મહેમાન પણ આવેલા હતાં તો મને થયું કે આજે તો મોસમ ને અનુરૂપ ડીનર પણ બને ,એટલે મેં ગરમાગરમ દાળવડા બનાવવાનું નક્કી કર્યું.

રાત્રે બધાં જ મહેમાન આવે પરિવાર નાં સભ્યો દાળવડાં ની આતુરતા થી રાહ જોઈ રહ્યા હતાં. મેં રસોઈઘરમાં જ‌ઈને છલોછલ તેલથી ભરેલી કડાઈ ગેસ પર ગરમ થવા રાખી. દાળવડાં માટે તેલ ગરમ થયું એટલે મેં ખીરૂં હાથમાં લઈને વડા તેલમાં મુકવાનું શરૂ કર્યું.પહેલી વખત તો ૨૦/૨૫ વડા ખૂબ જ સરસ બન્યા. એની સુગંધ આખાયે ફ્લોર પર પ્રસરી ગઈ. નાના બાળકો એ ડીનર લેવાનું શરૂ પણ કરી દીધું.
હવે બીજી ડીશ માટે વડા ઉતારવાનું શરૂ કર્યું.પણ જેવું મેં ખીરૂં હાથમાં લઈને કડાઈ માં વડા માટે હાથ નાખ્યો ને તરતજ ખીરૂં કડાઈની બહાર પડ્યું અને મારો હાથ ગરમ તેલની કડાઈ તરફ સરક્યો પણ ત્યાં જ મારો હાથ કોઈએ બહાર ખેંચી લીધો ને હું બચી ગ‌ઈ.પણ જો મારો હાથ કડાઈ ની અંદર ઉકળતા તેલમાં પડ્યો હોત તો આને એ જ હાથ નાં વળતા ધક્કા થી ઈ ઉકળતું તેલ મારા પેટ પર ઉછળ્યું હોત તો કદાચ મારી એ ચીસ કેટલી ભયંકર હોત.!! એની કલ્પના પણ મને ધ્રુજાવી દે છે.
પછી લગભગ ૫/૭ સેકન્ડ પછી હું એ તંદ્રા માંથી બહાર આવી તો મને એ આભાસ થયો કે ત્યારે મારો એ હાથ બહાર ખેંચી ને મને બચાવનાર કોણ હતું? એ સમયે તો રસોઈઘરમાં મારા સિવાય અન્ય કોઈ વ્યક્તિ તો હતું જ નહીં.

તો પછી કોણ હશે ઈ? જો એણે મને બચાવી નો હોતતો કદાચ હું કેટલી ભયંકર રીતે દાઝી ગ‌ઈ હોત.શકય છે કે હું કોઈ હોસ્પિટલમાં જીવન મૃત્યુ વચ્ચે પણ હોત. થવા કાળ કોઈ ડાહ્યું નથી.
દસ મિનિટ પછી બધાં જ મહેમાનો ને ડીનર કરાવ્યું ને બધા છૂટા પડ્યા.

પછી આ વાત રાત્રે ડેડી વીથ ટેડી ને કરી. ડેડી વીથ ટેડી નાં કહેવા મુજબ મને બચાવનાર કોઈ સારો આત્મા જ હશે. એમનાં માનવા મુજબ આપણી આસપાસ ૨૪ કલાક કેટલાક આપણાં પૂર્વજો નાં આત્માઓ આપણી રક્ષા કરતાં હોય છે.આપણું ધ્યાન રાખતા હોય છે. ઈ લોકો અગોચર વિશ્વ માં રહીને પણ આપણને તકલીફ માં , અણી ટાણે તમને માન્યામાં નો આવે એવી મદદરૂપ થાતાં હોય છે. ઈ પોતે પણ આવા અગોચરી આત્મા ની સહાય નો અનુભવ જીવનમાં કેટલીયે વાર કરી ચૂક્યા છે.
જ્યાં આપણું કોઈ જ્ઞાન , તર્ક વિતર્ક , અનુભવ કે બુધ્ધિ ચપળતા કામ નો આવે ને ત્યાં આવી શકિત‌ઓ વાયુવેગે આવી ને પળ વારમાં આપણને અઘટિત ઘટના માં થી ઉગારી લે છે.
એમની પાસે પણ અદ્ભૂત શક્તિઓ હોય છે.જે ચમત્કાર કરવા સક્ષમ હોય છે. આપણને ખૂબ જ પ્રેમ કરતાં કે ગમતા વ્યક્તિઓ મૃત્યુ પામ્યા પછી પણ સતત આપણી આસપાસ રહે છે.એ અગોચરો ક્યારેય કોઈને આપણું ખરાબ નો કરવા દે. આપણું ક્યાંક અટકેલું કામ એમની શક્તિ થી ચપટીમાં થઈ જાય.
દુનિયા માં જેમ ભૂતપ્રેત જેવી અનેક યોનિઓ હોય છે એમ આ પણ એક સારા આત્માઓની યોનિ હોય છે.કોણ ક્યારે સહાય કરશે એ ખબર નહીં પણ એમની સહાય ચોક્કસ મળશે એ નક્કી. માટે જ આપણા શાસ્ત્રોમાં , ધર્મ માં , ને સાહિત્ય ની લોકકથાઓ માં આવા ઉલ્લેખો વારંવાર વાંચવા મળે છે.
આપણે સવારે ૨ મિનિટ નિયમિત આવા મહાન આપણા માતૃઆત્માઓને , પિતૃઆત્માઓને , અને ગમતાં આત્માઓને યાદ કરવા જ જોઈએ જેથી એમનાં આશીષ મળતા રહે ને આપણો શૂળી નો ઘા સોયથી સરકી જાય.

(સૌરાષ્ટ્રમાં આજે પણ આવા મહાન આત્માઓ ને યાદ કરીને એની પૂજા કરવામાં આવે છે . જે સુરાપુરા નાં પાળિયા , દેરાં ,ખાંભી , ચાગિયા, થેસા , પ્રાણીઓનાં પાળિયા , સતીમાતા ના પાળિયા, સુરધનના પાળિયા, ક્ષત્રિયો નાં પાળિયા, વડવાઓના દેરાં , ને ક્ષેત્રપાલના પાળિયા તરીકે પ્રસિદ્ધ છે.)

🙏🙏 આજે શ્રાદ્ધ પક્ષનાં પ્રથમ દિવસે ડેડી વીથ ટેડી અને મારા સૌ મહાન અગોચર આત્માઓને હ્રદયપૂર્વક આભાર સાથે સાદર પ્રણામ 🙏🙏

(આ સત્ય ઘટના તા.૩૧/૦૮/૨૦૨૦ રોજ મારી સાથે ઘટી છે)
-ફાલ્ગુની શાહ ©