ઘર અને સરહદ Prashant Vaghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઘર અને સરહદ

પંખીઓના કલબલાટ સાથે લાંબી સ્વપ્નેદાર શિયાળાની રાત્રિને વિરામ આપવા ધીમી મધ્ધમ પણ ઉજાસ ભરી અને આળસ મરડતી સવારે સુરજના પ્રથમ કિરણને ઉદિત થતા નિહાળતા નિહાળતા આંખો ચોળતા ચોળતા સુરજબા અર્ધ જાગૃત અવસ્થામાં ઉઠતા જ હતા ત્યાં જ તેના પુત્ર રાજભાની વહુ વિલાસબાનો અત્યંત ખુશી ભર્યો અવાજ સંભળાયો..

" એ ઘરે આવ્યા " ....... એ ઘરે આવ્યા" ……. જલ્દી ચાલો બા વીરાના બાપુ આવી ગયા છે... મારા ભરથાર આવી ગયા છે.. જલ્દી ચાલો બા.. ઉઠો જલ્દી....

તરત જ સુરજબા પથારી માંથી બેઠા થઈ ગયા ..તેમના ચેહરા પર સૂરજનું તેજ બિરાજમાન થયું અને ખુબ જ ઉત્સાહમાં આવી પથારીમાંથી ઉભા થઇ તેમના એકના એક પુત્ર રાજભાને ભેટવા આંગણ તરફ દોડી પડ્યા..

રાજભાની પત્ની વિલાસબા પણ તેમની અઢી વર્ષની દીકરી વિરાને લઈ પતિને મળવા આંગણામાં જ ઉભી હતી..
જીપ માંથી ઉતરી પોતાનો સામાન બાજુમાં મૂકી રાજભા પણ તરત જ તેમની મા, પત્ની અને દીકરીને ભેટી પડયા....

દરેકની આંખો પર ઝાંકળ બાજી હતી... એ ઝંકાળ અશ્રુનું રૂપ ના લે એટલા માટે સુરજબા એ ભાવુક બનેલા વાતાવરણમાં પલટો લાવવા મીઠા અને તીખા ગુસ્સાનું મિશ્રણ હોય એવા ગુસ્સામાં કહ્યું....

"ત્રણ વર્ષ પછી આજે તને અમારી યાદ આવી.. છેલ્લા ત્રણ વર્ષથી ઘેર નથી આવ્યો અને ટપાલો પણ અટવાતી અટવાતી ક્યારેક જ આ ફળીએ પહોંચે છે. માની મમતા અને પત્નીનો પ્રેમ તને કેમ ખેંચી ના લાવ્યો આજ દિન સુધી.?? ....... અમારું તો ઠીક પણ તને આ તારી દીકરીને મળવાના પણ કોડ ના જાગ્યા ?? તારી આ દીકરી વીરા અઢી વર્ષની થઈ પણ આજ સુધી તે તેનું મો પણ નથી જોયું... તું જ્યા છે ત્યાં તારી ઘણી બધી ફરજો છે એ જ નિભવ્યા રાખીશ... પણ દીકરા તરીકે... પતિ તરીકે.. અને પિતા તરીકેની તારી ફરજોનું શુ ?...... એ પણ તું જો જરા...

માની ઝાંકળ ભીની આંખો લૂછતાં લૂછતાં રાજભા એક મીઠા સ્મિત સાથે બોલ્યા.. "અરે મારી માં શાંત થા જરા... હું મારી બધી ફરજોમાં ખરો ઉતારીશ.... હું તમને ભૂલતો જ નથી તો યાદ કરવાની વાત જ ક્યાં આવી..? અને ટપાલો તો કેમ લખું હું ના તો તને વાંચતા આવડે છે ના તો વિરાની માને... તો પણ છએક મહિને હું એક બે ટપાલ તો મોકલતો જ....

એમ કહેતા કહેતા રાજભાએ તેમની દીકરી વિરાને પોતાના ખોળામાં લીધી.... અને બોલ્યા..

"અને આ મારી લાડલીને મળવા માટે તો હું કેટલા સમયથી તડપુ છું, રાત દિવસ એના ખ્યાલોમાં જ હતો.. કેવી હશે...? કોના જેવી હશે..? ..... " બોલતા બોલતા થોડી વાર રાજભા વિરાની આંખોમાં જોઈ જ રહે છે એ વિરાના ચહેરામાં પોતાનો ચહેરો શોધવા પ્રયત્ન કરે છે... અને ફરી તેમની માં તરફ જોતા બોલ્યા.. અરે માં આતો આબેહૂબ તારા પર ગઈ છે.... જો તો ખરી તારા જેવી જ આંખો અને નાક અને ગાલ પણ...... એક દમ તું એટલે તું જ... તારું સાક્ષાત સ્વરૂપ છે આ તો....
એટલું કહી તે વિરાને તેમની પત્નીના હાથમાં સોંપે છે..
અને પછી સુરજબાનો હાથ પકડી બોલે છે.. ....
"મા તને ખબર તો છે દેશની રક્ષા કાજે અમારે સરહદે અડિખમ ઉભા રહેવું પડે.. અને આ ત્રણ વર્ષથી સરહદે અશાંતિ ફેલાયેલી છે. વારંવાર ગોલીબાર અને તોપમારો થાય છે આવી પરિસ્થિતિમાં જો હું રજા લઈને આવતો રહુ તો પછી દેશપ્રેમી મારા પિતાની આત્મા અને મારો જમીર મને ક્યારેય માફ ના કરે... અને રજા લેવી એ પણ કઈ નાની વાત નથી.. મહામુશ્કેલીએ રજા મેળે એ પણ થોડા જ દિવસો માટે...... પણ જો હવે હું આવી ગયો છું ને..... તો છોડ આ ગુસ્સો અને ચાલ હવે થોડી ઠંડી થા અને મને મારી લાડકી સાથે ભરપૂર રમવા દે... એમ કહેતા કહેતા રાજભા ફરી તેમની પત્નિના હાથમાંથી વિરાને લઈ તેની સાથે રમવા લાગ્યા... અને સુરજબા તેમને એક જ નજરે જોઈ રહ્યા...

ત્યાંજ સુરજબાને રાજભાના વહુની દર્દનાક ચિખ સંભળાય ...." બા એ ઘરે આવ્યા............."
ને સુરજબા નિંદરમાંથી જાગી જાય છે તેમનું સ્વપ્ન અધૂરું રહી જાય છે... વહુની દર્દભરી ચિખ સાંભળી સુરજબા ઘરના આંગણ તરફ દોડ્યા તો તેમણે જોયું કે તેમનો લાડકવાયો રાજભા આવ્યો તો છે.. પણ તિરંગામાં લપેટાઈને.... એ જ રીતે જે રીતે 20 વર્ષ પહેલા રાજભાનાં પિતા ઘેર આવ્યા હતા.