મા️ Prashant Vaghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મા️

ગતિથી ચાલતો સમય આજે ધીમો પડી ગયો હતો, એકાંતનો અનુભવ થતો હતો, મનમાં કેટલાય પ્રકારના વિચારોના વંટોળ ઉદ્ભવતા હતા. આવી અંધારી રાત જીવનમાં પહેલી વાર જ આવી હતી. કોઈ સૂચક ઉદ્દગાર, પ્રસંગ કે વાકય જે ભાવપરિસ્થિતિને ઉત્તપન્ન કરે છે તેવુ અહીં કંઇ જ ના હતુ. કેમકે પેપર સમજની બહારનું, ખુબ જ અઘરૂ અને અટપટું હતું. વાંચેલુ કંઇ પણ કામ ના આવ્યું. શું આખા વર્ષની મહેનત એક અઘરા અને અટપટા પેપરના કારણે શૂન્ય થઈ જવાની? શું થશે? નાપાસ થઈશ તો મારા મમ્મી-પાપાને કેમ મો બતાવીશ? ઘરની બહાર કઇ રીતે જઈશ? મારા બધા મિત્રો પાસ થઈ જશે અને હુ ના-પાસ! આટલી બધી મહેનત કરી તો મારી મહેનતનું ફળ ક્યાં? અનેક પ્રશ્નો પણ જવાબ એક નહિ. સૌથી વધારે ડર તો પપ્પાનો છે એ તો મારી મારીને ચમાડી ઉતારી નાખશે. આ કાળજાળ ગરમીમાં પણ શરીર ધ્રુજે છે. માથું પણ હવે દુખવા લાગ્યું છે. બધા જ પેપર સારા ગયા. અરે ખુબ જ સારા ગયા. આ એક જ છેલ્લું પેપર........ હવે હું શુ કરૂ?

બે દિવસ પહેલા બાજુ વાળા અંકલ કહેતા હતા કે અમદાવાદમાં એક છોકરાએ પેપર સારૂ ન જવાના કારણે આત્મહત્યા કરી. શું હુ પણ .. ના ના મારી મમ્મી મારા વગર નહિ જીવી શકે અને મારો નાનો ભાઈ તો સાવ એકલો પડી જશે. પણ હું નાપાસ થઈશ તો પણ બધા મને કેવું-કેવું કહેશે? એ બધાનો સામનો હુ કેવી રીતે કરીશ? ના મારાથી સહન નહિ થાય. બસ બે જ રસ્તા છે, આત્મહત્યા કરૂ કા’તો પરિણામનો હિંમત ભેર સામનો કરૂ. હિંમત તો અત્યારે થોડી પણ નથી તો શું હવે મારી પાસે એક જ રસ્તો છે? હા! હવે તો આ જ રસ્તો છે.

ધીરે ..ધીરે ..ધીરે વિચારોના વંટોળ મોટું સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ એક બિંદુ પડ્યું અને આખોય રંગ પલટાઈ ગયો! વિચારોનો વંટોળ એકદમ જ શાંત પડી ગયો. એ બિંદુ હતુ માતૃપ્રેમનું. મમ્મીએ માથા પર હાથ ફેરવીને પૂછ્યું ; કેમ મારો દિકરો હજી સુતો નથી? હવે તો પરીક્ષા પૂરી થઈ ગઈ હવે તો સુઈ જા. અત્યાર સુધી રાત-રાતના ઉજાગરા કરીને વાંચ્યું છે. હવે તો આરામ કર. આટલું કહીને મમ્મી શાંત થઈ અને કંઈ વિચારવા લાગી,ખળ ખળ વહેતું નદીનું પાણી વહેતું અટકી જાય ત્યારે જે શાંતીનો અહેસાસ થાય બસ એવી જ કઈ શાંતીનો અહેસાસ અહી પણ થયો.

અચાનક જ મમ્મીએ માંથુ દબાવવાનું શરૂ કર્યું અને બોલવા લાગ્યા જો બેટા પરિક્ષાનું જરા પણ ટેન્શન ના લઈશ. પરિણામ જે આવવું હોય તે આવે, તારા પપ્પા પણ ભણવામાં ઠોઠ હતા, બે વાર ના-પાસ થયેલા તો પણ આજે કેટલા સફળ છે. તારા પપ્પા પણ કહેતા હતા કે સારા ટકા ના આવે તો આપણે લાલાને કઈ કહેવું નથી. એની મરજી હોય તો આગળ ભણાવીશું નહિ તો મારી સાથે કામ પર લઈ જઈશ.આમ, પણ મારા પછી તો આપણું કારખાનું લાલાએ જ સંભાળવાનું છે ને.

તડકામાં પણ શિતળતાનો અહેસાસ કરાવે તેવા વ્હાલ ભર્યા મમ્મીનાં શબ્દોમાં આટલું સાંભળ્યું ત્યાં તો એટલી શાંતી અને નિરાંતનો અનુભવ થયો જેનું શબ્દોમાં વર્ણન કરવું મારી તાકાત બહારની વાત છે. હવે મારી પાસે બિજો રસ્તો પણ હતો પરિણામનો હિંમત ભેર સામનો કરવાનો. અચાનક આ હિંમત ક્યાંથી આવી? અંધારી રાતે પણ ઉજાશનો અહેસાસ કેવી રીતે? એ વિચારતા વિચારતા ખબર નહિ ક્યારે ઉંઘ આવી ગઇ. સાવારે ઉઠીને સીધો જ મમ્મીને વળગી પડ્યો. પણ મમ્મીએ એ માટેનું કારણ પણ ના પૂછ્યું. શું મમ્મી જાણતી હશે કે હું એમને શા માટે વળગી પડ્યો? શું એ જાણતી હશે કે રાત્રે એ ના આવી હોત તો કદાચ મારો આજનો દિવસ શરૂ જ ના થયો હોત? મમ્મી મારી મનોવેદના જાણી ગઈ હશે? ફરી વિચારોના વંટોળ ઉદ્ભવવા લાગ્યા પણ આ વિચારો પેલા વિચારોથી તદ્દન અલગ હતા. આ વિચારો મમ્મી પ્રત્યેના પ્રેમમાં અઢળક વધારો કરતા હતા. આજે મને સમજાયું કે ઝવેરચંદ મેઘાણીના પેલા કાવ્યમાં “મા”ના આટલા બધા ગુણગાન કેમ ગવાયા છે...