maansai books and stories free download online pdf in Gujarati

માણસાઈ

છેલ્લાં એક પોઇન્ટ પાંચ વર્ષથી રોજ ટ્રેનમાં સુરત થી ભરૂચ અને ભરૂચથી સુરત કુલ બે થી બે પોઇન્ટ પાંચ કલાક રોજ મુસાફરી કરું છું. દરિદ્રતાથી પીડાતા જાતભાતના લોકો જોવા મળી જાય. પોતાના શર્ટથી ડબ્બો લુંછતા અપંગો, બાળકો તથા નશામાં છુર યુવાનો, નાની નાની વસ્તુઓ વેચતા નેત્રહીન વયક્તિઓ, ગીત ગાઈ કે વાજિંત્રો વગાડી મનોરંજન કરાવતા બાળકો અને વૃદ્ધો, પૈસા લઇ દુવાઓ આપતા અર્ધનારેશ્વરો, દીકરા માટે ભોજન માંગતી માં, ફળ ફૂલ, ભેળ, વડાપાઉં, સમોસા, ઠંડા પીણા વગેરે વેંચતા ફેરિયાઓ ....દરેકની પોત પોતાની એક કહાની છે. કોઈ પોતાના માટે તો કોઈ પરિવાર માટે વગર મુસાફરીએ પણ મુસાફર બની જાય છે.
ઘણા સમય પહેલા મુસાફરી કરતી વેળાએ મેં જોયું કે, એક શિક્ષિત લાગતા યુવા દંપતિ પોતાના 6 થી 7 વર્ષના બાળક સાથે બેઠેલા, બાળકને ખૂબ લાડ લડાવતા હતા. બાળક બિસ્કીટ કે એવું કંઈક ખાતું હતું. થોડી વારમાં એક એટલી જ ઉંમરનું કે થોડીક વધારે ઉંમરનું એક બાળક આવ્યું, નામ એનું રાજા .. નામ હું એટલે જાણું કેમકે મારી અંદરનો શિક્ષક સુઇ ના જાય એ માટે એટલે કે મારા સ્વાર્થ માટે એ બાળક અને એના સાથી મિત્રો(ત્રણ છોકરી અને ચાર છોકરા)ને હું ટ્રેનમાં સુરત થી અંકલેશ્વર સુધી થોડું સામન્ય એવું જીવન ઉપયોગી શિક્ષણ આપતો, આથી એ બાળક પણ મને સારી રીતે ઓળખતો .. બન્યું એવું કે એ પહેલા તો સીધો મારી પાસે આવ્યો એટલે મેં સ્માઈલ આપી અને હાલ સાલ પૂછુંયા એણે પણ મસ્ત ટપોરી ભાષામા મને જવાબ આપતા આપતા અંતે ધીમે થી કહ્યું યાર આજ ભૂખ બહોત લગી હે. મેં તરત જ પાકીટ ખોલીને થોડા રૂપિયા આપી કહ્યું, આવતા સ્ટેશન પર ઉતરીને કઇ નાસ્તો કરી લેજે. નાનકડું સ્મિત આપી ને એ આગળ ચાલ્યો થોડી વાર અગ્નિરથના દ્વાર પાસે ઉભો રહ્યો અને પછી ખબર નહિ શુ આવ્યું તેના અંતઃકરણમાં કે તરત ત્યાંથી ગયો પેલા દંપતિ પાસે. પહેલા તો એ દંપતિએ રાજા પર ધ્યાન ના આપ્યું પણ માંગવા માટે હાથ લંબાવવા જતા રાજાનો હાથ પેલું બાળક જે બિસ્કિટ ખાઈ રહ્યું હતું તેને ટચ થયો તરત જ પેલા ભાઈએ રાજાને ધક્કો મારી, ધમકાવ્યો અને આગળ જવા કહ્યું. મારાથી ના રહેવાયું, મારી અંદર રહેલો રાજાનો શિક્ષક જાગી ગયો અને પેલા ભાઈ ને થોડા ઊંચા અવાજમા કહ્યું કે, માણસાઇ ના દેખાડ તો કઈ નહિ પણ જાનવરોને પણ શરમાવે એવું વર્તન શા માટે કરે છો ? બાળક છે જરા જો તો ખરો. એ ભાઈ થોડો આંચકાયો કઇ બોલવા માંગતો હતો પણ ચૂપ જ રહ્યો.. પણ એને સુખ દુઃખમાં સાથ આપનારી એની ધર્મપત્ની બોલી, તમારા જેવા લોકો જ આવાનો સાથ આપે છે. આવા જ લોકો આગળ જઇ ને ચોર ગુંડા બને છે. આ લોકોને કઈ આપવું જ ના જોઈએ અરે ટ્રેનમાં જ ના ચડવા દેવા જોઈએ. આ શબ્દો સાંભળી ને લોહી ઊકળી ગયું. એ બેનને કેમ કહું કે તમારી ધિક્કારની લાગણી જ આ બાળકોને અસામાજિક પ્રવૃત્તિ તરફ દોરી જાય છે. પણ એક સ્ત્રી સાથે માથાકૂટ કે બોલાચાલી કરીને હું પણ મારી અંદરની માણસાઈ ને મારવા નોહતો માંગતો, એટલે કઈ બોલ્યા વગર બેસી ગયો. પણ મન મંથન કરી રહ્યું હતું આ બનાવ માં સાચુ કોણ .કોના શબ્દો સાચા... મનને બહેલાવવાનો એક પ્રયાસ કર્યો કે ચાલો કોઈ મદદ નથી કરતું, હું કંઈક તો કરું છું ને?
આપણે પોતાને અંદરથી ગમે તેટલો સારા કહેતા હોઈએ કે દુનિયા આપણને ઘણો સારો સમજતી હોય, પણ જો મને મારા કે મારા કુટુંબીઓ સિવાય બીજા કોઈની ચિંતા થતી ના હોય કે સમય આવ્યે કોઈને નિસ્વાર્થ મદદ કરવાની લાગણી થતી ના હોય તો શું આપણે દેશની બીજી સામાજિક કે અન્ય કોઈ સમસ્યામાં પોતાનું યોગદાન પૂરા દિલથી આપી શકીએ? કે પછી ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પર સારા વિચારો, સારા લેખ શેર કરવાથી કે કોઈ સમસ્યા વિષે અભિપ્રાય આપી દેવાથી આપણી સામાજિક જવાબદારી પતી જાય છે? હું પોતે ઘણી વાર આવું કરું છું, અને પછી એવી “સ્વાર્થી” લાગણી થાય છે કે ચાલો હું કંઈક બોલું તો છું, કઈક કરૂં તો છું. પણ એ તો ખુદ ને ખુશ રાખવાનો એક વિચાર માત્ર છે. સારા સંસ્કારોના લીધે માણસ સારા કર્મો કરવાનું વિચારી શકે, પણ એને અમલમાં મુકવા દ્રઢ મનોબળ અને નિસ્વાર્થ ભાવના હોવી જરૂરી છે, જે આજે માણસમાંથી ખોવાઈ ગઈ છે ક્યાં તો માણસ પોતે જ એક રૂટીન જીંદગીમાં ખોવાય ગયો છે. છતાં તક્ષશિલા આર્કેડમા લાગેલી આગ વખતે પોતાના જીવના જોખમે બચાવ કામગીરમા લાગેલા (મોબાઈલ હાથમાં પકડી ઉભેલા નહિ) થોડા ઘણા લોકોની માણસાઈ જોઈને હૃદયને આશ્વાસન મળી જાય છે કે .. "હજી માણસાઈ મરી પરવારી નથી. હજી તેમાં શ્વાસ બાકી છે થોડો"

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED