અંગત ડાયરી - જમૂરો Kamlesh K Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અંગત ડાયરી - જમૂરો

અંગત ડાયરી
============
શીર્ષક : જમૂરો
લેખક : કમલેશ જોષી
ઓલ ઈઝ વેલ
લખ્યા તારીખ : ૦૯, ઓગષ્ટ ૨૦૨૦, રવિવાર

કોઈ તમને પૂછે કે ‘કુદરત એટલે શું?’ તો તમે શું જવાબ આપો? આ ઝાડ, પાન, નદી, પર્વત, આકાશ, પૃથ્વી, સૂર્ય, ચંદ્ર એવું એક લીસ્ટ આપણે આપીએ. કદાચ વધીને હાથી, ગેંડા, ચકલા, ચકલી, વાંદરા, ગધેડાનો પણ તેમાં ઉમેરો કરીએ. પણ તમે માર્ક કર્યું? આ લીસ્ટમા ‘માણસ’નું નામ ઉમેરવાનું આપણને યાદ નથી આવતું અથવા મન નથી થતું અથવા તો આપણે ‘માણસ’ના કુદરતી હોવા અંગે અવઢવમાં છીએ!

માણસના વાણી, વર્તન અને વિચારોમાં એટલી બધી કૃત્રિમતા વ્યાપી ગઈ છે કે માનવજાતને ખુદને પોતાના કુદરતી હોવા અંગે શંકા ઊભી થઈ ગઈ છે. ખોટે ખોટું હસવું, ખોટે ખોટું રીસાવું, ખોટે ખોટાં વખાણ કરવા અને ખોટે ખોટો પ્રેમ કરવો. જેમ સર્કસમાં હાથી, વાંદરા અને સિંહને ટ્રેનીંગ આપીને નાચતા-ગાતા કરી દેવામાં આવે એમ માનવસમાજે પણ કુદરતી ખોળે જન્મેલા માનવપુષ્પોને કૃત્રિમતાની ટ્રેનીંગ આપવાની એવી ખતરનાક સિસ્ટમ ઊભી કરી દીધી છે કે માનવ નથી કુદરતના મેળનો રહ્યો, નથી કૃત્રિમતાના મેળનો. કમનસીબીની વાત એ છે કે વાંદરા કે સિંહને કૃત્રિમ જીવનની ટ્રેનીંગ એની જાતિના વાંદરા કે સિંહે નથી આપી, માનવે બળજબરીથી આપી છે, જયારે માનવને કૃત્રિમતાની ટ્રેનીંગ માનવ ખુદ જ આપી રહ્યો છે.

વહેતા પવન કે ઉડતા વાદળની જેવું જીવન જીવવા જન્મેલા માનવને મદારીનો જમૂરો બનાવવાના તમામ પાઠ, સિલેબસ અને કોર્સ એકદમ જડબેસલાક છે. ના, આ કોર્સ કોઈ નિશાળમાં નથી ચાલતા. આ કોર્સ તો સમાજમાં, શેરીઓમાં, ગલીઓમાં અને ઘરોમાં ચાલી રહ્યા છે. સિલેબસની લીટીએ લીટી નક્કી છે. ગંભીર અને ગમગીન જૂની પેઢી આ કોર્સમાં પી.એચ.ડી. છે. એ લોકો ત્યાં સુધી જંપીને નથી બેસતા જ્યાં સુધી નવું જન્મેલું બાળક, નવી પેઢી એમના જેવી ગમગીન અને ગંભીર ન થઈ જાય. આ પ્રયોગ ખાલી ગુજરાત કે ભારતમાં જ નહિ, પૂરા વિશ્વના સાત અબજ માનવો પર વર્ષોથી ચાલી રહ્યો છે. ચોતરફ બસ જમૂરાઓ ઘૂમી રહ્યા છે. મદારી કહે જમૂરા ઉઠ તો જમૂરા ઉઠ જાયેગા, જમૂરા નાચ તો જમૂરા નાચેગા, જમૂરા રો તો જમૂરા રોએગા. બસ એ જ રીતે માનવ જમૂરાઓ રોજ સવારે જાગે છે ખાય છે, પીએ છે, મજૂરી કરે છે, પરણે છે, બીમાર પડે છે અને મરી જાય છે.

ટ્રાફિક પોલીસ સીટી વગાડે અને વાહનો ઊભા રહી જાય, બીજી સીટી વાગે એટલે વાહનો દોડવા માંડે એમ જ માનવ પેઢીઓ ઉઠ બેસ કરી રહી છે. યંત્રવત્. શા માટે ઉઠ્યા? શા માટે જન્મ્યા? કશો પ્રશ્ન જ ઉદ્ભવતો નથી. ઘડિયાળનું એલાર્મ વાગે એમ બોસનો ચહેરો દેખાય એટલે જમૂરો માંડે ભાગવા. બોસ પણ એક જમૂરો જ છે. એને પૈસાના ઢગલા દોડાવે છે. સત્તાના ઉપાસક જમૂરાઓ સભાગૃહોમાં બેંચો પછાડે છે, એમને હાઈ કમાન્ડની સિસોટીઓ નચાવે છે. આખી જિંદગી નાચી નાચીને થાકી ગયા પછી છેલ્લા શ્વાસોની નજીક પહોંચેલા જમૂરાઓ જયારે ફળિયામાં ઉગેલા ગુલાબના ગોટાને ‘ખીલેલો’ જુએ છે ત્યારે ઊંડે ઊંડેથી એને પોતાના ‘વણ ખીલેલા’ કે ‘મુરઝાયેલા’ ચહેરા કે જીવન પ્રત્યે વસવસો જન્મ્યા વિના રહેતો નથી.

માનવજાતમાં પાંચ હજાર વર્ષ પહેલા જન્મેલો કૃષ્ણકાનુડો એટલે ‘ગુલાબના ગોટા’ને પણ જેની પાસેથી ‘ખીલવાની’ પ્રેરણા મળે એવો ‘પૂર્ણ પુરુષોત્તમ’. કોશિશ તો એનેય મારી-તમારી જેમ ‘જમૂરો’ બનાવી દેવાની થઈ હતી, પણ એણે હાર ન માની, એ તાબે ન થયો, એ ઝઝૂમ્યો અને આખી માનવજાતને એની કથળી ગયેલી ઉછેર પદ્ધતિનું - જીવન પદ્ધતિનું ભાન કરાવ્યું. નિશાળ-કોલેજના સિલેબસ કેવળ વિદ્યાર્થી-જીવન પૂરતા જ હોય છે અને એય માત્ર બ્રેડ-બટર કમાતા શીખવે છે, સમગ્ર માનવ જીવન માટેના સિલેબસ અને કોર્સ તો સાવ જુદા જ અને આજીવન ચાલનારા હોય છે. આજકાલ રાક્ષસ કોર્સ, દુર્યોધન કોર્સ, કંસ કોર્સની ડિમાન્ડ વધુ છે, કૃષ્ણ કોર્સ, રામ કોર્સમાં કોઈ એડમીશન લેતું નથી.

જન્માષ્ટમી નજીક છે. કૃષ્ણ કોર્સમાં એડમીશન ઓપન થશે. શું કરીશું? ફોર્મ ભરી દેવું છે? કે પછી સુકીભાજી, વેફર જાપટીને ‘નંદ ઘેર આનંદ ભયો’ની બૂમો પાડી કૃત્રિમ ‘આનંદ’ની મૌજ માણવી છે? શ્રીમદ્ ભગવદ્ ગીતાનું એકાદ પાનું મનથી વાંચીને આ વખતે કૃષ્ણની છબી સામે જોજો, તમે શું બનવા-કરવા જન્મ્યા છો એનો ઈશારો ચોક્કસ મળી જશે. જમૂરા અને માનવ વચ્ચેનો ફર્ક તો ચોક્કસ જ સમજાશે.

હેપી સન્ડે, આવજો. (મિત્રો, આપની કમેન્ટનો અમે આતુરતાથી ઈન્તેજાર કરીએ છીએ હોં...!)