શું કહેવું તારા વિશે? તું તો આ જીવનનો આધાર છે. કેટલાય રૂપ છે તારા, તને ક્યાં રૂપમાં જોવો. કેટલાય નામ છે તારા, તને ક્યાં નામથી પોકરવો. હવે તો આ જીવન પણ તુચ્છ લાગવા લાગ્યું છે. તને પૂજવો કે તને પ્રેમ કરવો કે પછી તને પૂજવામાં જ પ્રેમ છે.
મન થાય છે તારા હાથમાં સજેલી વાંસળી બની જાઉં તો ક્યારેક થાય છે તારા માથા પર સજેલ મોરપંખ બની જાઉં નહિ તો તારા ગળા માં રહેલ વૈજન્તી માળા બની જાઉં. બસ જીવનભર તારા સાનિધ્યમાં રહેવા મળે તો આ સંસારને ભૂલી જાઉં.
શું સ્થાન છે તારું મારા જીવનમાં? કૃષ્ણ, જાણે કોઈ પૂછે શું મહત્વ છે શ્વાસનું જીવન માટે. તું તો મારો જીવનનો આધાર છે, મારા જીવવાનું કારણ છે. દરેક પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત છે. દરેક રસ્તા પર મારો સાથ આપનાર સાથી છે તું.
ક્યારેક પિતા સમાન લાગે તો ક્યારેક ભાઈ, ક્યારેક સખા સમાન લાગે તો ક્યારેક પ્રિયતમ. તું બધા જ પાત્રમાં સર્વશ્રેષ્ઠ બનીને ઉભરે છે. તું દરેક સ્થાન પર રહીને સર્વશ્રેષ્ઠ છે. મારા માટે તારા ક્યાં સ્થાનનું ચયન કરું.
મને જ્યારે પણ તારી જરૂર હતી તું ત્યારે મારી સાથે હતો. મે તને જે પણ રૂપમાં વિચાર્યો તું એ રૂપમાં મારી સાથે હતો પણ જ્યારે કોઈ એકનું ચયન કરવાનો સમય આવશે ત્યારે હંમેશા તને એક સખાના રૂપમાં જ માંગીશ.
આ સંસારમાં ભલે તેટલા સારા સંબંધ હોય પણ મિત્રતાને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તારા દરેક રૂપમાં કર્તવ્ય માટે કોઇને કોઈ છુટતું આવ્યું છે.
કર્તવ્ય માટે માતા પિતાને છોડ્યા, રાધાને છોડી, ગોકુળ, મથુરા અને વૃંદાવન છોડ્યું અને જ્યારે સમય આવ્યો ત્યારે કર્તવ્ય માટે પોતાની અર્ધાંગિની ને પણ છોડીને એનાથી દૂર જવું પડ્યું. પણ એક સખા રૂપે તે ક્યારેય દ્રૌપદી નો સાથ ના છોડ્યો. અર્જુનને પણ હર સમયે તે માર્ગદર્શન આપ્યું પછી ભલે તું પાસે હોય કે ના હોય.
ઈશ્વર હોવા છતાં એક માનવ બની બધા જ કર્તવ્યોનું પાલન કર્યું. એક મનુષ્યને જેટલી પીડા થાય એનાથી અનેક ગણું દુઃખ વેઠ્યું. હંમેશા બધાનો સ્વીકાર કર્યો પછી ભલે એ સુખ હોય કે દુઃખ, આશીર્વાદ હોય કે શ્રાપ.
તું સાચે જ એક સાગર સમાન છે. દરેક વ્યક્તિ તારી પાસે આવી પોતાના દરેક દુઃખ, પીડા, અસંતોષ મૂકીને જાય છે. તું હસતા મુખે બધું જ સ્વીકાર કરે છે અને બદલામાં સુખ, રાહત અને સંતોષ આપે છે.
તારા જેવો મિત્ર આ સંસારમાં મળવો મુશ્કેલ છે. એક રાજા હોવા છતાં પોતાના મિત્ર સુદામાને મળવા ઉઘાડા પગે ચાલી નીકળ્યો હતો.
સુદામા સ્વમાન ખાતર કઈ માંગી ના શક્યા અને તું બધું આપીને પણ કઈ ના બોલ્યો.
જીવનના દરેક મોડ પર તારી ભૂમિકા સર્વશ્રેષ્ઠ હોય છે. દરેક રસ્તા પર તું એકલો જ ચાલ્યો અને સફળતા મેળવી. તું ઈચ્છતો તો મહાભારત એક ક્ષણમાં પૂરું કરી દેતો પણ તું તો બસ કરાવવા વાળો છે. જીવન યુદ્ધમાં બસ તું એકલો જ ચાલ્યો અને બધાને સાચા રસ્તા પર આગળ વધવા માટે પ્રેરણા આપતો રહ્યો.
જીવનના અંત સમયે પણ તું જીવનનો સાર આપતો ગયો અને અંત સમયે પણ બસ સ્વીકાર કરતો રહ્યો.
આખું જીવન બસ સંસારના ભલા માટે કર્મ કર્યું અને કર્મનો સૌથી મોટો ઉપદેશ આપી ચાલી ગયો.
તારા જેવો મિત્ર હોવો અને પોતાનામાં એક આશીર્વાદ સમાન છે. હું મારા જીવનમાં તારા એ જ સ્થાનનું ચયન કરું છું, તારું સર્વોતમ સ્થાન.
- કિંજલ પટેલ (કિરા)