પ્રેમનું અંતર Kinjal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનું અંતર

બધે જ અંધારું છે કાળુ ડીબાંગ અંધારું. એમ જ લાગે જાણે હવે સૂરજ ઉગશે જ નહીં કાયમ આમ અંધારું જ રહેશે. હવે હું ક્યારેય અજવાળું નહિ જોઈ શકુ કે પછી મારી આંખો ક્યારેય નહી ખુલે. હું જીવું છું કે મૃત્યુ પામી છું એ પણ મને ખબર નથી. આ એક હકીકત છે કે પછી હું સ્વપ્ન જોઈ રહી છું એ પણ મને ખબર નથી એટલામા મને પહેલા મારા હાથ પર અને પછી મારા માથા પર ઠંડો સ્પર્શનો અનુભવ થયો. એ સ્પર્શ પછી એમ લાગ્યું જાણે મારા શરીરમાં ચેતના આવી રહી હોય અને હું સ્વપ્નમાંથી જાગી હોય એમ સફાળી ઊભી થઈ ગઈ.

જાગ્યા પછીનો નજારો કંઇક અલગ જ હતો, સફેદ મલમલનો પલંગ હતો જેના પર હું બેઠી હતી. અહી બધું જ સફેદ હતું બારી, બારણાં, ઘરમાં રાખેલ તમામ વસ્તુઓ એટલામાં જ મારી નજર રૂમના ખૂણામાં પડી. ત્યાં એક વ્યક્તિ ઊભી હતી પણ હું એણે ઓળખી નહોતી શકતી, એ વ્યક્તિએ પણ સફેદ કપડાં પહેરેલાં હતાં પણ થોડા અજીબ હતા અને એ વ્યક્તિ પણ અજીબ જ હતી.

મને હજી પણ એમ જ લાગતું હતું કે હું મારી ગઈ છું પણ મને એટલામા થોડા અવાજ સંભળાયા, આ ભાષા કંઇક અલગ જ હતી. હું કઈ જ સમજી નહોતી શકતી અને મને ભય જેવું વાતાવરણ પણ નહોતું લાગતું.

થોડીવાર પછી ત્રણ વ્યક્તિ રૂમમાં પ્રવેશી, એ લોકોએ પણ રૂમમાં રહેલ વ્યક્તિ જેવા જ કપડાં પહેરેલાં હતાં. મને ખૂબ જ અજીબ લાગતું હતું. જાણે હું ક્યાં આવી ગઈ છું એ જ વિચારી રહી હતી એટલા માં પેલી ત્રણમાથી એક વ્યક્તિ આગળ આવી અને મારી સામે જોઈ કંઇક બોલે છે પણ આ ભાષા મારી સમજમાં નહોતી આવતી. પણ પછી તરત જ રૂમના ખૂણામાં રહેલ વ્યક્તિ એ કહ્યું કે હું હજી હમણાં જ ભાનમાં આવી છું અને હું હજી કમજોર છું
પહેલા તો મને કઈ સમજ ના પડી કારણ કે મને કઈ જ યાદ નહોતું આવી રહ્યું પણ અચાનક વિજળી પડી હોય એમ મને બધું યાદ આવવા લાગ્યું. કે હું કોણ છું, અને મારી સાથે શું થયું હતું? પણ હું અહી શું કરી રહી હતી એ હું હજી નહોતી સમજી શકતી.

મારી મૂંઝવણ સમજી એ વ્યક્તિ એ બોલવાની શરૂઆત કરી, “તમે ડરો નહિ તમે અહી સુરક્ષિત છો. અહી તમને કોઈ હાની નહિ પહોંચાડી શકે.” પહેલીવાર મને ઈચ્છા થઇ કે હું કંઇક કહું પણ હું મૌન રહી એટલે એ લોકો ત્યાંથી ચાલ્યા ગયા સિવાય કે એ વ્યક્તિ.

બધા ના ગયા પછી મને સમય અનુકૂળ લાગતા એ વ્યક્તિને સવાલ કર્યો કે હું ક્યાં છું? ત્યારે એ વ્યક્તિ એ કહ્યું કે હું એમની દુનિયામાં છું. એનો મતલબ કે હું પૃથ્વી પર નથી, પહેલા તો મને વિશ્વાસ ના થયો બધું કોઈ ફિલ્મસિટી જેવું લાગતું હતું. જાણે કોઈ મારી સાથે મજાક કરી રહ્યું હોય અને આ તો કઈ જ નથી જિંદગીએ મારી સાથે બહુ મોટી મજાક કરી હતી એટલે આ મજાક તો સાવ નાનો હતો. મને ગુસ્સો નહોતો આવી રહ્યો.

એટલે પછી મે બીજો સવાલ પૂછ્યો, હું અહી કેટલા સમયથી છું? અને જવાબ સાંભળી મારી આંખો પહોળી થઇ ગઈ. હું અહી છેલ્લા ૬ મહિનાથી હતી એ પણ બેભાન અવસ્થામાં. મને મારા ઘરના લોકો શોધવા પણ ના આવ્યા. હવે મારું દુઃખ વધતું જતું હતુ.

મારી હાલત જોઈ એ વ્યક્તિ એ ફરી કહ્યું કે મારા ઘરના જાણતા નથી કે હું અહી છું જાણે એ મારા મનની વાત જાણી ગયો હોય એમ મારા વણબોલ્યા પ્રશ્નનો જવાબ આપતો હતો.

હવે મારું ધ્યાન એ વ્યક્તિ પરથી હટી એક જ વિચાર પર કેન્દ્રિત થઇ ગયું કે આજે હું આ હાલતમાં કોના કારણે છું. એ જ વ્યકિત જેના પર મે પોતાના કરતા વધારે વિશ્વાસ કર્યો, જેને મે મારું બધું આપી દીધું. એટલું કે મારું સર્વસ્વ મે એને આપી દીધું અને મને શું મળ્યું, “દગો”.

એણે મારું બધું છીનવી લીધું. મારા પ્રેમની એણે કોઈ કદર ના થઈ બસ એણે તો ફક્ત મારી મિલકત થી પ્રેમ હતો. જે મળતા જ મને દગો મળ્યો. મને કંઈ નહોતું સમજાતું એટલે આખરે આ જીવન ટૂંકાવવા ના આશયથી હું પાણીમાં તો કૂદી પણ અત્યારે હું અહી છું. મને એટલું યાદ છે કે મારા હાથ સાથે કંઇક અથડાયું હતું પણ એ શું હતું એ મને નહોતી ખબર.

ફરીથી મારા સવાલનો જવાબ એ વ્યકિત એ આપ્યો એ પણ પૂછ્યા વિના.

એણે કહ્યું કે મારી સાથે જે અથડાયું હતું એ બીજું કોઈ નહિ પણ એ પોતે હતો અને એ જાણે છે કે મારી સાથે શું થયું છે ને હું અત્યારે કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છુ. એની આંખોમાં મને દયા નહોતી દેખાતી પણ હું ફરીથી એવા કોઈ ભ્રમમાં ફસાવા નહોતી માંગતી.

આખરે મે અહી રહેવાનો નિર્ણય કર્યો. મને નહોતી ખબર કે મારો આ નિર્ણય સાચો હતો કે નહિ પણ હું હાલ મારા એ જીવનમાં પાછી જવા નહોતી માંગતી.

અહી સમય સરળતાથી પસાર થઈ રહ્યો હતો પણ મારે પાછું જવું જરૂરી હતું એટલે એક દિવસ સામેથી મારી દુનિયામાં પાછી જવાની વાત કરી અને કોઈ જ આનાકાની વગર એ મને પાછી મૂકવા માટે તૈયાર થઈ ગયો. હું જવા માટે તૈયાર તો થઇ ગઇ પણ મારું મન નહોતું માનતું. હું એ દુનિયામાં પાછી જવા તૈયાર થઈ ગઈ જ્યાં પ્રેમનો મતલબ કોઈને ખબર નથી અને અહી હું કોણ છું, ક્યાંથી આવી છું, એ કઈ પણ જાણ્યા વગર મને અહી આટલો પ્રેમ મળ્યો

આખરે છેલ્લી પળે મે મારો નિર્ણય બદલી નાખ્યો અને હું અહી જ રહેલા તૈયાર થઇ ગઇ એનો હાથ થામી ને જેને મારો જીવ બચાવ્યો હતો.

-કિંજલ પટેલ (કિરા)