આજનો આપણો વિષય છે "મહિલા સશક્તિકરણ". શું ખરેખર આપનો સમાજ મહિલા સશક્તિકરણમાં માને છે? મહિલાઓને આગળ વધારવામાં માને છે? આજ સુધી ઘણી સતી સ્ત્રીઓની કહાણીઓ કહેવામાં આવે છે. એમના ત્યાગ અને સમર્પણની મિશાલ આપવામાં આવે છે. પણ જ્યારે મહાનતાની વાત આવે ત્યારે ફક્ત પુરુષોના નામ જ લેવામાં આવે છે.
આપણા પુરાણોમાં ઘણી એવી સ્ત્રીઓ થઇ ગઈ છે જે ત્યાગ, સમર્પણ, ગુણ અને સુંદરતાથી વધુ બુદ્ધિમતા માં પણ પુરુષોને પાછળ પાડી શકે એમ હતી અને આજના સમય કરતાં એ સમયમાં સ્ત્રીઓને વધુ સ્વતંત્રતા હતી, પ્રશ્ન પૂછવાની સ્વતંત્રતા.
આપણો સમાજ પહેલાથી જ પુરુષ પ્રધાન રહ્યો છે પણ ક્યારેય જો સ્ત્રી આગળ વધવાની કોશિશ કરે તો એને ચૂપ કરી દેવામાં આવે છે. કાંતો એણે બંધનમાં બાંધી દેવામાં આવે છે. છતાંય બધી તકલીફનો સામનો કરી આગળ વધી બીજી સ્ત્રીઓ માટે ઉદાહરણ રૂપ બની જાય છે.
એમ નથી કે હું પુરુષોની વિરુદ્ધ છું પણ હું સમાનતામાં માનું છું. જે હક ,જે અધિકાર પુરુષને આપવામાં આવે છે એ બધા જ હક એક સ્ત્રીને પણ આપવામાં આવે. "નારીવાદ" એ એક સમાનતાને જન્મ આપતી વિચારસરણી છે. એનો મતલબ કોઈને પાછળ પાડવું કે નીચું બતાવવું નથી થતું. "નારીવાદ" હંમેશા સમાનતાને જ મહત્વ આપે છે. જરૂરી નથી કે કોઈ સફળ પુરુષ પાછળ કોઈ સ્ત્રીનો જ હાથ હોય. કોઈ આગળ સ્ત્રી પાછળ કોઈ પુરુષનો પણ હાથ હોઈ શકે છે પછી એ એના પિતા, ભાઈ, પતિ કે દોસ્ત પણ હોઈ શકે.
એમ તો સમાજમાં સ્ત્રીઓ અને પુરુષ અને માટે પરીક્ષાઓ ઘણી છે પણ સ્ત્રીઓ એ ડગલે અને પગલે આ પરીક્ષાઓનો સામનો કરવો પડે છે. સ્ત્રીને એના ભણતરને લઈને કે પછી દેખાવને લઇ, સ્વભાવને લઈને, બધી રીતે માપવા, તોલવામાં આવે છે. જો પોતાનો પક્ષ મૂકે વતો મોં ફટ કેવામાં આવે છે.
જો કોઈ સ્ત્રી ભણવાની વાત કરે તો એની ટીકા થાય છે, આગળ વધવાની વાત કરે તો એની નિંદા થાય છે એટલે સ્ત્રી માટે આ સમાજમાં નામ બનાવવું અને સન્માન મેળવવું ઘણું જ અઘરું છે. થોડી ઘણી સ્ત્રીઓ માન- સન્માન મેળવવામાં સફળ થઈ પણ જાય છે. પરંતુ એનાથી બીજી સ્ત્રીઓના જીવનમાં કોઈ ફેરફાર નથી આવતો. પરિવર્તન આવે તો બધાના જીવનમાં આવવું જોઈએ.
આજના સમયમાં એવા ઘણા વિષય છે જેના ઉપર આપણે ચર્ચા કરી શકીએ. જ્યારે સ્ત્રીઓને આગળ વધારવા માટે જુંબેશ ચાલતી હોય છે ત્યારે અમુક સ્ત્રીઓ પોતાના માટે બનેલ કાયદાઓનો ગેરલાભ ઉઠાવતી હોય છે. આવી રીતે થોડી ઘણી સ્ત્રીઓના કારણે બધી સ્ત્રીઓનું ભવિષ્ય જોખમમાં મુકાય છે.
ક્યારેક પોતાના નિર્દોષ નાટકની પાછળ કેટલાયની જિંદગી સાથે રમી જતી હોય છે આવી સ્ત્રીઓ. આજે આપણે આવી જ અમુક સ્ત્રીઓ વિશે વાત કરશું નામ આપ્યા વગર.
સૌથી પહેલા આપણે એક મુખ્ય મુદ્દા પર વાત કરીએ "ઘરેલુ હિંસા". જ્યારે પોતાની પત્ની પર હાથ ઉપાડી પતિ ગર્વ અનુભવે અને બીજી બાજુ એક પત્ની પોતાના પતિને ખોટી રીતે ફસાવે. આ બન્ને પરિસ્થિતિ એકબીજાથી વિરુદ્ધ છે પણ બન્નેમાં ખોટી સ્ત્રી જ છે. પોતાના સ્વાભિમાન માટે એણે જાતે જ લડવું પડે છે પણ બીજા ના સ્વાભિમાન સાથે રમવાનો હક કોઈને નથી.
જો કોઈ પુરુષ સ્ત્રી પર હાથ ઉપાડે તો નિર્દય કહેવાય અને જોઈ કોઈ સ્ત્રીના હાથે માર ખાય તો કાયર. બન્ને સ્થિતિમાં પુરુષ જ ખોટો સાબિત થાય છે પણ દરેક વખતે પુરુષ ખોટો હોય જરૂરી નથી, સ્ત્રી પણ તો ખોટી હોઈ શકે.
દા.ત. જો વાહન ચલાવતા કોઈ છોકરી ટક્કર થઇ પડી જાય તો છોકરીનો તો વાંક જ ના હોય. વાંક હંમેશા સામેવાળા નો જ હોય પછી ભલેને એ બહેન ખોટી સાઈડમાં ચલાવતા હોય. એ બહેનના બધા માનેલા ભાઈઓ મળીને સામે વાળાની પથારી ફેરવી નાખે.
અત્યારના કોર્પોરેટ વર્લ્ડ માં પણ કંઇક એવું જ ચાલી રહ્યું છે. આગળ વધવાની ઘેલછામાં બીજાની જિંદગી સાથે રમતા પણ અચકાતી નથી. આજકાલની સ્ત્રીઓ. એવું નથી કે હું સ્ત્રીઓના વિરોધમાં બોલું છું પણ હું ખોટાની વિરુધમાં છું, હંમેશા સત્યની સાથે રહેવા માંગુ છું.
સમાજમાં સ્ત્રી કે પુરુષ ખોટા કે સાચા નથી હોતા પણ પોતે વર્તન કેવું કરે છે. એ વધારે મહત્વનું છે. જીવનમાં સ્ત્રી અને પુરુષ બંને ગાડીના બે પૈડાની જેમ હોય છે. જો એક પણ ના હોય તો ગાડી થંભી જાય છે.
હું પણ એક સ્ત્રી જ છું એટલે સ્ત્રી પર થતા અન્યાય અને સ્ત્રી દ્વારા કરવામાં આવતા અન્યાય બન્ને સમજી શકું છું.
- કિંજલ પટેલ (કિરા)