પરવાહ Kinjal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પરવાહ

આજે પણ રોજની જેમ સવારમાં દોડધામ ચાલુ જ હતી. શિશિર અને ખુશીનું ટિફિન બનાવી હાલ જ નવરી થઇ અને હવે સવારના નાસ્તાની તૈયારી. બંનેને બધું જ ટાઈમ પર જોઈએ બિલકુલ પણ મોડું ના થવું જોઈએ છતાં પણ મને ગમતું આમ બંને માટે હર સમયે ત્યાં રહેવું. ખુશી અને શિશિર બંને તૈયાર થઈ રહ્યા હતા. બસ હમણાં આવતા હશે અને આવતાની સાથે જ કહેશે "મમ્મી, જલ્દી નાસ્તો આપો. બહુ ભૂખ લાગી છે." ખુશીની સાથે સાથે શિશિર પણ મસ્તીમાં મને મમ્મી કહેતા. આ સાંભળી મને હસવું આવી જતું. બંન્નેની બોલવાની રીતની સાથે સાથે ગુણ પણ સરખા જ હતા. ખુશીને જોઇને બધા જ કહેતા કે પૂરેપુરી શિશિરકુમાર પર જ ગઇ છે. આ વાતની ખુશી મારા કરતા શિશિરને હતી. બસ એક જ વાત અલગ હતી, એની મહત્વાકાંક્ષા. એની આગળ વધવાની મહત્વાકાંક્ષા જોઈ હંમેશા એક ચહેરો મારી આંખો સામે તરી આવતો.

ઘડિયાળમાં નવના ટકોરા પડ્યા એટલે મે મારી ઝડપ થોડી વધારી કારણ કે આજે બન્નેને મોડું થાય એ પરવડે એમ નથી. બન્નેને આજે બહુ જ મહત્વનું કામ છે અને મને પણ યાદ છે કે આજે કયો દિવસ છે. આ દિવસ શિશિર હંમેશા મારા માટે ખાસ બનાવતા અને આજે પણ એવું જ હતું. સાંજનો પૂરો પ્લાન રેડી હતો એટલે જ બધું કામ સમય પર પૂરું કરવાની જરૂર હતી. ઘરનું અને ઑફિસનું કામ સમયથી પૂરું થઈ જાય તો આજે આરામથી આ સમય સાથે વિતાવી શકીએ.

બ્રેકફાસ્ટ બનાવી મે શિશિર અને ખુશીને બોલાવ્યા. શિશિર તો આજે રોજની જેમ જ તૈયાર થયા હતા પણ ખુશી આજે ખુબ જ સુંદર લાગી રહી હતી, એકદમ ઢીંગલી જેવી. સુંદરતાની બાબતમાં ખુશી રૂપ મારી તરફથી લઈને આવી હતી. એણે જોઇને મને મારું બાળપણ યાદ આવી જતું અને હું ફરીથી મારું બાળપણ જીવી રહી હતી.

બન્ને સાથે નાસ્તો કરી હું ખુશીને સ્કુલ બસ સુધી મૂકવા ગઇ. પાછી આવી ત્યારે શિશિર ઓફિસ જવા માટે તૈયાર થઇ રહ્યા હતા. નિત્યક્રમ પ્રમાણે મે રૂમાલ, ફોન અને વૉલેટ એમણે આપ્યા. રોજની જેમ એમણે મારા માથે કિસ કરી, શિશિરની આ એક એવી વાત હતી જેનાથી મને સલામતીની અનુભૂતિ થતી અને હું પણ એમની સલામતી ઈચ્છતી એટલે રોજની જેમ આજે પણ મે શિશિરને કહ્યું.

"પહોંચીને એક ફોન કરી દેજો."

એ સમયે ખબર નહિ શું થયું પણ શિશિર ગુસ્સે થઇ ગયા. મને ખબર ના પડી કે થયું શું, શિશિર ક્યારેય મારી આ વાત પર ગુસ્સે નથી થયા કે ના તો ક્યારેય ના કહી છે ફોન કરવાની પણ આજે ગુસ્સે થઈ ગયા અને કહે,

"આ શું રોજરોજ ફોન કરવાનું કહે છે. ઓફિસ જ જાઉં છું બીજે ક્યાંય નથી જતો."

આટલું બોલી શિશિર તો ઓફિસ જવા નીકળી ગયા પણ હું સ્તબ્ધ થઈ ગઈ શિશિરને આ રૂપમાં જોઈ. શિશિરે ક્યારેય મારી સાથે આવો વ્યવહાર નથી કર્યો અને આજે આમ ગુસ્સો કર્યો અને એ પણ આજના ખાસ દિવસે. ત્યારે તો હું કઈ ના બોલી પણ મને બહુ જ લાગી આવ્યું. આખરે પોતાના કામમાં પરોવાઈ ગઇ એટલે બધું ભૂલી ગઇ પણ જ્યારે હું ઘરનું કામ પતાવી ઑફિસનું કામ કરવા બેઠી ત્યારે મારો ભૂતકાળ મારી આંખો સામે તરી આવ્યો.

આજ સુધી મે આ ભુતકાળને મારી અંદર સાચવીને રાખ્યો છે. મારા પરિવારને આ વાતની ખબર હોવા છતાં ક્યારેય મને એવો અહેસાસ નથી થવા દીધો કે એ લોકોને હજીએ એ દિવસો યાદ છે અને ક્યારેય મારી સામે એ વાત નથી થઇ. ખુશી એ વાતની છે કે એ લોકોએ મારા દુઃખને સમજ્યુ હતુ પણ છતાંય એ દુઃખની તિવ્રતા જાણી નહોતા શક્યા.

આજે મને આટલું દુઃખ ના થયું હોત પણ શિશિર આજે એ જુના ઘાવ પર અજાણતા ઠોકર મારીને ગયા અને શાંત થઇ ગયેલી જ્વાળા ફરીથી ભળકી ઊઠી. વાત એમ તો બહુ નાની છે પણ છતાંય એટલી નાની નથી, જેને ક્યારેક પોતાનો માન્યો હોય અને એ તમારાથી દુર થઇ જાય એ વાત નાની તો ના જ હોઇ શકે જ્યારે તમે એને ક્યારેય ના મળી શકો.

આ એ દિવસોની વાત છે જ્યારે કિશોરવસ્થામાંથી યુવાવસ્થામાં પગલાં માંડ્યા હોય, પહેલીવાર ઘરથી બહાર નીકળ્યા હોય, જાણે પંખીને આકાશ મળી ગયું હોય. આગળ વધવાની તક, પોતાની પ્રતિભા પારખવાની તક, જાણે એમ લાગે કે હવે પાછળ વળીને જોવાની જરૂર નહિ પડે. કૉલેજમાં આવ્યા પછી ઘણું બધું અલગ હતું. એમાં એક હતો "શરદ" જેના સપના, મહત્વાકાંક્ષા બધાથી અલગ હતું. એ હંમેશા બધાથી અલગ તરી આવતો, બધા એનાથી અલગ રહેતા પણ ક્યારેક ક્યારેક બધાને એની જરૂર પડતી અને એ બધાની મદદ કરતો. શરદ ક્યારેય પણ કોઈના પ્રત્યે કોઈ ભેદભાવ નહિ રાખતો, એના બદલે એ સામેથી બધાની મદદ કરતો. આ કારણે એ થોડા જ દિવસોમાં બધાનો ચાહિતો થઇ ગયો, બધી જ વાતમાં એનો સમાવેશ કરતા.

કૉલેજનો દરેક દિવસ ખૂબ જ સરસ રહેતો, આજે આ તો કાલે બીજું એમ બધા જ અલગ અલગ ઇવેન્ટમાં ભાગ લેતા અને આવી જ એક ઇવેન્ટમાં મારી અને શરદની મુલાકાત થઇ. પહેલા તો ફક્ત સવાર - સાંજ એક મેસેજ થી શરૂઆત થઇ અને પછી આખો દિવસ. ક્યારેક જ્યારે મેસેજ ના આવે ત્યારે લાગતું જાણે ઘણું ખૂટે છે અને જ્યારે મેસેજ આવે ત્યારે લાગે બધું જ મળી ગયું. અમે જ્યારે પણ કૉલેજમાં અને બહાર મળતા ત્યારે ઘણી વાતો થતી અને શરદ દર વખતે એના સપના વિશે જણાવતો. એની મહત્વાકાંક્ષા ની વાતો કરતો અને એ સપનાઓમાં, એ ભવિષ્યમાં અમે બંને હોતા. હંમેશા એ આપણી વાતો કરતો, હંમેશા સાથે રહેવાની વાતો કરતો.

કૉલેજની ફાઈનલ પરીક્ષા પછી જ્યારે અમે મળ્યા ત્યારે એણે એક ખુશ ખબર આપી અને એ ખુબ ખુશ હતો કે એણે એક સારી જગ્યાએ જોબ મળી ગઈ હતી. અમારું ભવિષ્ય મને ખૂબ જ સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું પણ હું ભૂલી ગઇ હતી કે જીવન ભવિષ્યમાં નહિ પણ વર્તમાનમાં જીવવાનું હોય છે.

શરદ વિશે મારા ઘરે પણ બધાને ખબર હતી એટલે એક દિવસ મારા માતા-પિતાએ સામેથી શરદને મળવાની અને એણી સાથે વાત કરવાની ઇચ્છા વ્યક્ત કરી. હું એ દિવસે સાતમા આસમાનમાં હતી, જ્યારે મે શરદને કહ્યું ત્યારે એણે થોડી ચિંતા થઈ પણ એણે તરત મારા ઘરે આવવાની હા કહી અને બીજા જ દિવસે શરદ મારા ઘરે આવ્યો. ઘણી વાતો થઈ શરદ અને મારા માતા-પિતા વચ્ચે, મારા માતા‌-પિતાને શરદના સપના અને એણી માતે એ જે મહેનત કરી રહ્યો હતો એ જાણીને ખુશી થઇ અને થોડી હળવાશ પણ લાગી. શરદ ઘણા સમય સુધી મારા ઘરે રહ્યો અને જમીને પોતાના ઘરે જવા નીકળ્યો બીજા દિવસે મળવાનું નક્કી કરી ને. એ દિવસે હુ શરદને બહાર સુધી મુકવા પણ ગઈ, એ જ્યા સુધી મારા ઘર પાસેનો વળાંક ના વળ્યો ત્યા સુધી હુ ત્યા જ એણે જોતી રહી. પણ મને શુ ખબર હતી કે આજે હુ એણે છેલ્લીવાર મળી રહી છુ, એણે છેલ્લીવાર જોઈ રહી છુ.

એ દિવસે મારા અને શરદના ભવિષ્ય માટે જોયેલા બધા જ સપના તૂટી ગયા. એ દિવસે રાતના ખબર પડી કે શરદનો અકસ્માત થયો છે અને કોઇક દારૂ પીધેલી હાલતમાં કાર ચાલકે શરદની મોટરસાઈકલને તક્કર મારી અને શરદનુ ઘટના સ્થળ પર જ મૃત્યુ થયુ. એ દિવસ પછી હુ ક્યારેય ખુલીને જીવી ના શકી અને જીવનમાં એક નિયમ લીધો કે મારા ઘરના કોઇ પણ ક્યાય પણ જાય બસ પહોચીને એકવાર ફોન જરુર કર જેથી મને થોડી સાંત્વના મળે. એ જ નિયમ અનુસાર આજે મે શિશિરને ફોન કરવાનુ કહ્યુ હતુ પણ આજે એ જ વાતના કારણે શિશિર મારા પર ગુસ્સે થઈને ગયા.

હું મારા વિચારોમાં હતી એટલામાં મારા ફોનની રીંગ વાગી, મેં જોયુ તો શિશિર હતા. મે ફોન ઉપાડ્યો કે તરત જ શિશિરનો અવાજ સંભળાયો.

ફોન ઉપાડતા જ શિશિર એ આઇ એમ સોરી, ખુશાલી કહ્યુ, ના હાઇ કે બીજુ કઈ નહિ બસ સીધી જ માફી માંગી અને મને ખબર પણ હતી કે એમનો ગુસ્સો બસ થોડીવાર માટે જ હતો એટલે વાત આગળ વધારવાનો કોઇ વિકલ્પ જ નહોતો. શિશિરે તરત જ કહ્યુ કે હુ ઑફિસ પહોચી ગયો છુ અને સાંજે બન્ને રેડી રહેજો આપણે બહાર જવાનું છે યાદ છે ને?

શિશિર એ યાદ કરાવ્યુ એટલે યાદ આવ્યુ કે આજે સાંજે તો બહાર જવાનું છે, મે તરત ન શિશિરને કહ્યુ કે હુ અને ખુશી બનેં રેડી રહેશુ.

શિશિરએ ફોન મૂક્યો, હુ ક્યાય સુધી વિચારતી રહી પણ પછી મારા કામમાં લાગી ગઈ.

- કિંજલ પટેલ (કિરા)