છેલ્લો નિર્ણય Kinjal Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છેલ્લો નિર્ણય

મારા રૂમની બહાર ઘણા સમયથી દોડધામ ચાલી રહી હતી. બધા જ ખુશીથી હોંશે હોંશે પોતાના કામ કરી રહ્યા હતા. બધા ખુશ હતા, બહું જ ખુશ અને કેમ ના હોય એમની ખુશીનુ કેન્દ્ર હું પોતે હતી.હા, હું ઝંખના અને આ ઝંખના માટે બધા જ ખુશ હતા કારણ કે આજે મે જે નિર્ણય લીધો છે એ મારા જીવનનો સૌથી અઘરો નિર્ણય છે. કદાચ છેલ્લો પણ હોઈ શકે.

આજે આટલા વર્ષો પછી મે લગ્ન કરવાનો નિર્ણય લીધો. આ નિર્ણયથી મારો પરિવાર તો ખુશ હતો પણ હું. ખબર નહિ, પોતાની જાતને આ માટે તૈયાર કરી રહી હતી પણ મારા મનમાં એક ગુનાહિત ભાવના અચૂક રહી જશે કે કદાચ મારા પોતાના લોકોની ખુશી માટે હું આજે કોઈ એકના જીવન સાથે રમત રમવા જ રહી છું.

એવું નથી કે સંયમ મારી વાતને નહિ સમજે પણ આમ જાણી જોઈને કોઈના સપના તોડી નાખવા એ હક કોઈને નથી મને પણ નહિ અને આ બધી દોડધામ વચ્ચે મે સંયમને મળવાનો નિર્ણય કર્યો. હું તૈયાર થઈ સંયમને ફોન કરીને નજીકના કૉફી શોપમાં આવવા કહ્યું અને એ એક પણ પ્રશ્ન પૂછ્યાં વિના આવવા તૈયાર થઇ ગયાં.

મારા પરનો એમનો આટલો વિશ્વાસ જ મને અંદરથી કોરી ખાય છે. હું હિંમત એકઠી કરી નીચે ગઇ અને મમ્મીને જણાવ્યું કે હું સંયમને મળવા જઉં છુ. મમ્મી સમજી ગઇ કે હું શું વાત કરવા જઇ રહી છું. છતાંય મને રોકી નહિ ફક્ત એક જ વાત કહી.

"બેટા યાદ છે ને પહેલા પણ તે હિંમત કરીને આ વાત બીજા છોકરાઓને પણ કરી હતી જે તને જોવા આવ્યા હતા. જો આ વખતે પણ  જ પરિણામ આવ્યું તો?"

મમ્મીની વાત હું સમજતી હતી પણ મે જે નિર્ણય કર્યો છે એ હું કરી ને જ રહીશ એટલે મે મમ્મીને કહ્યું,
મમ્મી, મને ખબર છે પણ આ વખતે હું કોઈ પણ પરિણામ માટે તૈયાર છું. આટલા વર્ષો પછી ફરી પરણવાનો નિર્ણય કર્યો છે અને સંયમ પર પસંદગી ઉતારી છે. તો આ જોખમ તો મારે લેવું જ પડશે કેમ કે અસત્યના સહારે હું સંબંધ શરૂ નહિ કરી શકું.

મમ્મી કઈ બોલવા જઇ રહી હતી પણ પછી કાઈના કહ્યું અને આંખોથી સહમતિ આપી ત્યારે મને થોડી રાહત થઇ અને હું ઘરેથી નીકળી કૉફી શોપ તરફ ચાલવા લાગી. કૉફી શોપ નજીક જ હતી એટલે મને વધારે સમય ના લાગ્યો. હું જ્યારે કૉફી શોપ પર પહોંચી ત્યારે સંયમ ત્યા મારી રાહ જોઈ રહ્યા હતા.

સંયમને ત્યા જોઈ મારા હ્ર્દયના ધબકારા વધી ગયા. ત્યારે લાગ્યું કે હું આ શું કરવા જઇ રહી છું. મારી વાત સાંભળી કદાચ સંયમ લગ્ન માટે ના કહી દેશે તો. હું એમણે ખોઈ દઈશ તો, અમને મળે કંઈ વધારે સમય નથી થયો પણ છતાંય મારે જેવા જીવનસાથીની શોધ હતી સંયમ બિલકુલ એવા જ છે. પણ લીધેલા નિર્ણયથી પાછા હટી શકાય એમ નહોતું એટલે હિંમત કરી આગળ વધી અને સંયમને મળી.

મારા એમની પાસે જતાં જ એમને કૉફી શોપમાં જવાનો ઈશારો કર્યો. એમના પાસે હોવાથી જ મારો બધો ડર દૂર થઇ ગયો જાણે લાગ્યું કે હવે કંઈ જ ખરાબ નહિ થાય. મારા જીવનમાં પણ ખુશીઓ આવી શકે છે. અમે બંને એક ખૂણાના ટેબલ પર બેઠા, સંયમ એ બે કોફીનો ઑર્ડર આપ્યો. ત્યાં સુધી હું કંઈ જ ના બોલી, મારા મનમાં એક પ્રકારનું યુદ્ધ ચાલી રહ્યું હતું અને અચાનક જ સંયમ બોલ્યા,

તમે મને કંઇ કહેવા માંગો છો?

આ સાંભળી પહેલા તો હું કંઇ જ ના બોલી પણ પછી જવાબ આપવો જરૂરી હતો એટલે મે કહ્યું.

સંયમ મારે તમારી સાથે મારા અતીતની થોડી વાત કરવી છે. એ જાણ્યા પછી તમે મારી સાથે લગ્ન કરવાનો નિર્ણય કરો તો વધું સારું રહેશે અને આ વાત જાણ્યા પછી જો તમારી ના હશે તો પણ મને સ્વીકાર હશે.

મારી વાત સાંભળ્યા પછી સંયમે કંઇ ખાસ પ્રતિભાવ ના આપ્યો એટલે મને લાગ્યું કદાચ એમણે મારી વાતમાં કોઈ જ રસ નથી.
છતા પણ હિંમત કરી મે એમણે કહેવાનું વિચાર્યું પણ મને ખબર નહોતી પડી રહી કે હું શરૂઆત ક્યાંથી કરું અને હું કઈ બોલું એ પહેલા જ સંયમ એ કહ્યું,

"ગભરાશો નહિ, તમારે જે કહેવું છે એ તમે કહી શકો છો પણ હું એટલું જરૂર કહેવા માંગુ છું કે તમારા કંઇ પણ કહેવાથી મારો જવાબ બદલવાનો નથી એટલે બેફિકર થઈ જે કહેવું હોય એ કહી દો."

આ સાંભળી મને ધક્કો લાગ્યો પણ આજે તો દિલની વાત કહી જ દેવી છે એટલે મે ધીમેથી વાતની શરૂઆત કરી. સંયમ આ ત્યારની વાત છે જ્યારે હું કોલેજમાં ભણતી હતી અને ત્યારે હું એક રીલેશનશીપ માં હતી અને હું એના પર બહુ વિશ્વાસ કરતી હતી પણ એક દિવસ એના એક ફોને મારું જીવન બદલી નાખ્યું.

એક દિવસ એનું લેપટોપ ચોરી થઇ ગયું અને એમાં અમારા થોડા ફોટા અને વીડિયો હતા. મને ખબર નહોતી પડી રહી કે એ સાચું કહે છે કે ખોટું પણ જો એ બધું ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગયું તો? આ ડર મને બહુ જ સતાવતો હતો. આ જ કારણે હું કોઈના પર પણ વિશ્વાસ નહોતી કરી શકતી અને એટલે જ મે આટલા સમય સુધી લગ્ન માટે પણ ના કહી હતી. પણ જ્યારે તમે મળ્યા ત્યારે લાગ્યું કે ભલે ગમે તે થાય પણ હું તમારાથી કોઈ વાત નહિ છુપાવું. હવે નિર્ણય તમારો રહેશે કે મારી સાથે લગ્ન કરવા કે નહિ.

હું આટલું બોલી ચૂપ થઇ ગઇ પણ એના પછી સંયમે જે કહ્યું એના પર હું વિશ્વાસ નહોતી કરી શકતી. એમણે કહ્યું
"ઝંખના, તે આજે જે કર્યું એની મને આશા નહોતી પણ તે જે કર્યું એનાથી મારા નિર્ણય પર કોઈ અસર નથી થઇ.જે થયું એ તારું ભૂતકાળ હતો પણ હું તારું ભવિષ્ય હોઈશ અને મને ખાતરી છે કે આપણે સાથે ઘણા સુખી રહેશું.

તો શું સાથ આપીશ મારો?"

મારી આંખમાંથી આંસુની ધારા વહી રહી હતી. હું કઈ પણ બોલું એવી સ્થિતિમાં નહોતી અને કંઇ પણ બોલ્યા વિના મે હકરમાં માથું હલાવ્યું.

સંયમના ચહેરા પર સ્મિત હતું અને આ જોઈ મને સૌથી વધુ ખુશી થઇ રહી હતી. આજે મને એવો જીવન સાથી મળ્યો છે જે મારી પર ક્યારેય અવિશ્વાસ નહિ કરે બસ એ વાતની ખુશી હતી. હવે તો ફક્ત એ જ દિવસની રાહ જોઉ છું જ્યારે હું પૂરી રીતે એમની થઇ જઈશ.

- કિંજલ પટેલ (કિરા)