સુંદરી - પ્રકરણ ૧૯ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુંદરી - પ્રકરણ ૧૯

ઓગણીસ

વરુણ અને ઇશાની એક તરફ બેઠા જ્યારે કૃણાલ ટેબલની બીજી તરફ બેઠો. જે જગ્યાએ વરુણ બેઠો હતો તેની જમણી તરફના સીધા જ ખૂણે સુંદરી બેઠી હતી જ્યારે અરુણાબેનની પીઠ વરુણ સામે હતી. ફ્લોર મેનેજર વરુણ અને કૃણાલને મેન્યુ પકડાવી ગયો. વરુણ અને ઈશાની એક જ મેન્યુમાંથી પોતાની મનપસંદ ડીશીઝ શોધવા લાગ્યા જ્યારે કૃણાલ પોતાની રીતે.

“ભાઈ, હું તો ઢોંસો જ ખાઈશ.” ઈશાનીએ મેન્યુનું વધારે નિરીક્ષણ કર્યા વગર જ પોતાની પસંદગી કહી દીધી.

“તું પણ શું કાયમ ઢોંસો, ઢોંસો અને ઢોંસો જ મંગાવે છે? અને એમાંય સાદો ઢોંસો, ક્યારેક તો કશું બીજું મંગાવ?” વરુણ ઈશાની સામે મોઢું બગાડીને બોલ્યો.

“પણ મારે ઢોંસો ખાવો હોય તો તને શું પ્રોબ્લેમ છે? મને ભાવે છે...” ઈશાનીએ ગુસ્સામાં કહ્યું.

“અરે, પણ ક્યારેક તો ચેન્જ જોઈએને માણસને?” વરુણે વળતો જવાબ આપ્યો.

વરુણ અને ઈશાનીની ચડભડ ચાલી રહી હતી એવામાં સુંદરી અને અરુણાબેનના ટેબલ પર વેઈટર એ બંનેની પસંદગીના સૂપ અને સ્ટાર્ટર પીરસી ગયો. સુંદરીએ પોતાની સામે મુકવામાં આવેલા સૂપના બાઉલમાંથી જેવી પોતાની નજર ઉપર કરી કે તરતજ તેનું ધ્યાન પોતાની જમણી બાજુના સીધા ખૂણે ઇશાની સાથે ચર્ચા કરી રહેલા વરુણ પર પડી.

વરુણને એ જ રેસ્ટોરન્ટમાં જોતા સુંદરીને આશ્ચર્ય થયું અને કુદરતી રીતેજ એનો હાથ ઉપર થયો અને તેણે વરુણ સામે પોતાનો હાથ હલાવ્યો. વરૂણનું ધ્યાન હજી પણ ઈશાની સાથે ઢોંસાની ચર્ચામાં જ હતું. સુંદરીએ બે-ત્રણ વખત પોતાનો હાથ હલાવ્યો પરંતુ વરૂણનું ધ્યાન તેના પર ન પડતાં તેણે હાથ નીચો કરી લીધો.

“કોણ છે એ?” સુંદરીને આ રીતે કોઈને સતત હાથ હલાવતા જોઇને અરુણાબેને પાછળ વળીને જોયું અને સુંદરીને પૂછ્યું. જો કે અરુણાબેનને એ ખ્યાલ ન આવ્યો કે સુંદરી કોની સામે પોતાનો હાથ હલાવી રહી છે.

“વરુણ, મારો સ્ટુડન્ટ છે. ફર્સ્ટ યર...” સુંદરીએ જવાબ આપ્યો.

સુંદરીએ હવે વરુણનું ધ્યાન ખેંચવાના પ્રયાસો મૂકી દીધા. તેને થયું કે જ્યારે પણ વરૂણનું ધ્યાન તેના પર પડે કે ન પડે રેસ્ટોરન્ટમાંથી નીકળતા પહેલા એ એક વખત તેને જરૂર મળી લેશે.

“અહીં કેટલી બધી ચોઈસ મળે છે, પંજાબી છે પિત્ઝા છે, અરે, પાઉભાજી પણ છે પણ તારી પીન કાયમ સાદા ઢોંસા પર જ ચોંટી હોય છે.” વરુણ હજી પણ ઇશાનીને કોઈ બીજી ડીશ પસંદ કરવા માટે દબાણ કરી રહ્યો હતો.

“જો આજે મારો બર્થ ડે છે એટલે આજે બર્થ ડે ગર્લ જે વિશ કરે એ તારે પૂરી કરવાની હોય, અન્ડરસ્ટૂડ?” ઈશાનીએ હવે ટ્રમ્પ કાર્ડ ખુલ્લું મૂકી દીધું.

“તો ખા તારો ઢોંસો...” વરુણે હથિયાર હેઠા મૂકી દીધા.

કૃણાલ આ સમગ્ર ચર્ચા દરમ્યાન મૂંગો જ રહ્યો અને સતત સ્મિત વેરી રહ્યો હતો. વરુણ અને ઈશાની સાથે એ એમના બાળપણથી જ જોડાયેલો હતો એટલે એમના આ ઝઘડા વિષે અને તેનો અંત કેવો આવશે તેના વિષે તેને આગોતરી ખબર જ હતી.

ત્યાંજ ફ્લોર મેનેજર ઓર્ડર લેવા આવ્યો.

“મેડમ માટે સાદો ઢોંસો, સાહેબ માટે પુલાવ અને મારા માટે પાઉભાજી, જરા તેજ બનાવજો.” વરુણે મેન્યુ ફ્લોર મેનેજરને આપતા કહ્યું અને છેવટે તેનું ધ્યાન સુંદરી પર પડ્યું.

સુંદરીને જોતાની સાથેજ પહેલા તો તેને લાગ્યું કે તેને કોઈ વ્હેમ પડ્યો છે કારણકે આમ પણ આજકાલ એને આંખો બંધ હોય કે ખુલ્લી સુંદરી જ દેખાતી હતી. એટલે વરુણે છેવટે કૃણાલ કે ઈશાનીનું ધ્યાન ન જાય એમ પોતાના જમણા હાથની પહેલી આંગળી પોતાના દાંત વચ્ચે હળવેકથી દબાવી. આ ક્રિયા કર્યા બાદ પણ તેને સુંદરી દેખાઈ રહી હતી એટલે એને વિશ્વાસ થયો કે સુંદરી ખરેખર તેનાથી અમુક જ ફૂટ દૂર બેઠી છે.

જો કે એ વખતે સુંદરી સૂપ પીતાં પીતાં અરુણાબેન સાથે વાત કરી રહી હતી એટલે હવે તેનું ધ્યાન વરુણ પ્રત્યે બેધ્યાન હતું. પોતાની પ્રોફેસર હોવાથી વરુણ એમ સુંદરીની જેમ હાથ હલાવીને તેનું ધ્યાન ખેંચવાની કોશિશ શકે એ શક્ય ન હતું. વળી, સામે વાઘ જેવો કૃણાલ બેઠો હતો જેને અગાઉથી જ વરુણની સુંદરી પ્રત્યેની ખરી લાગણી વિષે શંકા થઇ ચૂકી હતી. હવે જો વરુણ આ રીતે સુંદરી સામે હાથ હલાવે અને કૃણાલને સ્વાભાવિકપણે તેની ખબર પડી જાય તો વળી પાછુ લેક્ચર આપવા માંડે અને એ પણ ઈશાનીની સામે.

અને જો ઇશાની આ બધું ઘરે જઈને કહી દે તો વધુ મોટું ટેન્શન. જો કે વરુણને હર્ષદભાઈ કે પછી રાગીણીબેન વઢશે એવી કોઈજ ચિંતા ન હતી, પરંતુ તેને બરોબર ખબર હતી કે દરેક સત્યને સામે લાવવાનો એક સમય હોય છે અને તેના પરિવાર સમક્ષ સુંદરી વિષેના સત્યને લાવવામાં હજી ઘણો સમય બાકી હતો. ઉપરાંત હજી તો જેમ કિશનરાજે તેને પહેલા જ કહ્યું હતું કે તેણે હજી તો ઘણી લડાઈઓ લડવાની બાકી હતી.

આ બધા વિચારો એકસાથે આવતા જ વરુણે અત્યારે જે પરિસ્થિતિ છે તેને જ વળગી રહેવાનું નક્કી કર્યું. જો કે તે સુંદરી સામે વારેવારે જોવા પોતાની જાતને અટકાવી શકતો ન હતો. કૃણાલ અને ઇશાની વાતે વળગ્યા હતા એટલે વરુણને કોઈ હેરાન નહોતું કરવાનું.

બીજી તરફ સુંદરી અને અરુણાબેન સૂપ પીતાં પીતાં વરુણ વિષે જ વાત કરી રહ્યા હતા તેની કલ્પના તો વરુણને હતી જ નહીં.

“હમમ... કદાચ મારા કમ્પલસરી ઈંગ્લીશમાં આવતો હશે પણ એમાં તો કેટલા બધા ભેગા સ્ટુડન્ટ્સ હોય, માય ગોડ! કોઈનો ચહેરો પણ ક્યાંથી યાદ રહે?” અરુણાબેને સુંદરીએ જ્યારે વરુણની ઓળખ આપી ત્યારે તેનો જવાબ આપતા કહ્યું.

“અરુમા, તમે નવાજુની પૂછતાં હતાંને? તો નવાજુની કહેવામાં આ રહી ગયું હતું. તમને યાદ છે એકવાર ઓગસ્ટ મહિનામાં એક દિવસ ખૂબ વરસાદ પડ્યો હતો? તમે તો આવ્યા જ ન હતા?” સુંદરીએ વાત શરુ કરતા કહ્યું.

“હમમ... હા, હા મને બરોબર યાદ છે, મારા ઘર પાસે તો તે દિવસે એટલા બધા પાણી ભરાયા હતા કે વાત જ ના પૂછ.” અરુણાબેને પણ એ દિવસ યાદ કરતા કહ્યું.

“હા, એજ દિવસે મારું હોન્ડા સ્ટાર્ટ જ ન થયું એટલે પછી હું કોલેજે રીક્ષામાં આવી. સવારે અમારે એટલો વરસાદ ન હતો કે મારે રેઈનકોટ લેવો પડે. પણ ધીમેધીમે વરસાદ ખૂબ વધ્યો. કોલેજ છૂટી પછી પણ મેં પંદર-વીસ મિનીટ રાહ જોઈ કે વરસાદ બંધ થાય. બસ ત્યાં આ વરુણ અને તેનો ફ્રેન્ડ પણ આપણા એક્ઝીટ ગેટ પર વરસાદ ધીમો પડવાની રાહ જોઈ રહ્યા હતા.” સુંદરીએ પોતાની વાત આગળ વધારી.

“પછી?” અરુણાબેનને પણ વાતમાં રસ પડ્યો.

“પછી અચાનક જ વરુણ સાથે વાતચીત શરુ થઇ અને વાતવાતમાં મેં એને કહ્યું કે પપ્પા મારી ચિંતા કરતા હશે. એને તો કેમ કહેવાય કે પપ્પા મને લડશે? તો એણે તરતજ મને ઘેર સુધી મૂકી જવાની ઓફર કરી. એની પાસે બાઈક તો હતું જ પણ ખૂબ વરસાદ હતો એટલે એ કોલેજમાં જ રોકાયો હતો.” સુંદરીએ કહ્યું.

“ઓહ! અચ્છા...” અરુણાબેન પણ રસથી સાંભળી રહ્યા હતા.

“મારે તો ઘરે જવું જ હતું એટલે પછી મેં ના ન પાડી. એણે તો એનો રેઈનકોટ પણ મને આપી દીધો અને પોતે પલળતો પલળતો મને છેક ઘર સુધી મૂકી ગયો. સારો છોકરો છે. પછી તો કોલેજમાં પણ મારી સાથે કોઈક વાર વાતો કરે છે, એક-બે વાર લેક્ચર પૂરું થયા પછી પણ એને કશું સમજાયું ન હોય તો મને પૂછ્યું હતું.” સુંદરીએ વરુણ સાથેના અનુભવની વાત પૂરી કરી.

“સારું કહેવાય, બાકી આજની જનરેશન આટલી જવાબદાર નથી હોતી. પ્રોફેસર હોય તો એના ઘેરે હોય, મારે શું એમ કરીને બિલકુલ પણ હેલ્પ ન કરે. અરે! આપણી પીઠ પાછળ આપણી જ મજાક કરતા હોય આ લોકો.” અરુણાબેને કોલેજના વિદ્યાર્થીઓ અંગે પોતાનો અનુભવ શેર કર્યો.

“હમમ... એમ તો મેં એને ઘણીવાર આપણી કોલેજના ગાર્ડનમાં પોતાના ફ્રેન્ડ્સ સાથે મસ્તી કરતા જોયો છે, પણ સારી વાત એ છે કે એ જરૂર હોય ત્યારે મેચ્યોરીટી પણ દેખાડે છે એટલીસ્ટ મારી સાથે.” સુંદરીએ કહ્યું.

ત્યાંજ સુંદરી અને અરુણાબેને આપેલો ઓર્ડર લઈને વેઈટર આવી ગયો.

વરુણ તો વારેવારે સુંદરી તરફ જોઈજ રહ્યો હતો કે ક્યાંક તેનું ધ્યાન પડે અને તેને ખ્યાલ આવે કે પોતે પણ આ જ રેસ્ટોરન્ટમાં છે. વેઈટર સર્વ કરી રહ્યો હતો ત્યારે સુંદરીએ ફરીથી વરુણ સામે જોયું અને આ વખતે બંનેની નજર મળી. સુંદરીએ તેનું એ સ્મિત જેનાથી વરુણ કાયમ ઘાયલ થઇ જતો એ વરુણ સામે ફેંક્યું અને પોતાનો હાથ મક્કમતાથી હલાવ્યો, કારણકે આ વખતે તેને ખ્યાલ હતો કે વરુણનું ધ્યાન તેની સામે છે જ.

વરુણે પણ હળવેકથી પોતાનો હાથ સુંદરી સામે હલાવ્યો. વરુણને આ રીતે કોઈની સામે હાથ હલાવતા જોઇને ઈશાની અને કૃણાલનું ધ્યાન પણ સુંદરી તરફ ગયું. કૃણાલે પાછું વળીને સુંદરી તરફ જોયું અને તેને પણ આશ્ચર્ય થયું કે સુંદરી પણ એજ રેસ્ટોરન્ટમાં છે જ્યાં એ અને વરુણ ઈશાની સાથે આવ્યા છે.

“કોણ છે એ?” ઈશાની એના સ્વભાવ પ્રમાણે ટહુકો કર્યા વગર રહી શકી નહીં.

“અમારા પ્રોફેસર છે...” વરુણના ચહેરા પર સ્મિત હતું અને તે સુંદરી સામે જોઈ રહ્યો હતો.

“હોઓઓઓઓ... આટલા યંગ? કેટલા બ્યુટીફૂલ છે ને?” ઈશાનીએ આટલા અંતરેથી પણ સુંદરીની સુંદરતાનો અંદાજ લગાવી લીધો.

વરુણને ઈશાની દ્વારા સુંદરી માટે કહેવામાં આવેલો ‘બ્યુટીફૂલ’ શબ્દ ખબર નહીં પણ કેમ પોતાની જાત પર અભિમાન કરવા જેવો લાગ્યો.

સુંદરીએ ઇશારાથી જ વરુણને સંદેશ આપ્યો કે તે જમીને તેને મળશે. વરુણે પણ જવાબમાં પોતાનું ડોકું હકારમાં હલાવ્યું. કૃણાલે પણ આ બધું જોયું અને પોતાનું મોઢું બગાડ્યું કારણકે તેને ફરીથી લાગ્યું કે વરુણ સુંદરી તરફ લપસી રહ્યો છે, પરંતુ ઈશાનીની હાજરીએ તેને આ અંગે કશું પણ કહેવાથી રોક્યો.

પરંતુ વરુણને હવે કૃણાલની જરાય પડી ન હતી, તેને તો હવે ક્યારે એ અને સુંદરી પોતપોતાનું જમવાનું પતાવે અને એકબીજાને મળે એની જ રાહ હતી...

==:: પ્રકરણ ૧૯ સમાપ્ત ::==