પત્તાનો મહેલ - 7 Vijay Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

શ્રેણી
શેયર કરો

પત્તાનો મહેલ - 7

પ્રકરણ 7

 

ત્યારપછીના સત્તર અઢાર વર્ષો સુધી શર્વરી બનારસીદાસનાં અંગત સુખદુ:ખ અને કૌટુંબિક સંબંધોમાં એક અગત્યનું અંગ બનીને રહી. નિલય સાથેના લગ્નજીવનમાં બનારસીદાસથી આ ઉપકારોનો બદલો શી રીતે વાળુની ભાવનામાં જ ન કરવા જોઇએ તેટલી હદ સુધી ડોકિયા થઈ જતા અને આખા મિજાજનો નિલય તે સહન ન કરી શકતો. અને તેથી જ તો શર્વરીનું એ નબળું પાસું છે સમજીને જ્યારે પણ તેને છંછેડવી હોય કે ખખડાવવી હોય  ત્યારે તે નબળા પાસાનો ઉપયોગ કરતો.

 

શર્વરી આ એક જ વાત ચાલવા દેતી – બાકી બીજી દરેક વાતમાં તેને જબરી ફાઈટ આપતી – તેને વેઠતી અને નાના બાળકની જેમ સાચવતી.

 

બેંગ્લોર ગયા પછી નિલયનો ફોન આવ્યો નહોતો તેથી તે થોડીક બેચેન તો  બની હતી વળી એક છૂપો આનંદ પણ તેને થતો હતો. આ વખતે તે ટાઈમમાં બેઠી નહોતી – આ શુભ સમાચાર નિલયને તે આપવા માંગતી હતી – પણ નિલયનો કોઈ પત્તો જ નહોતો.

 

તેના મનમાં છૂપો આનંદ નવ પલ્લવિત કુંપળોની જેમ ફૂટતો હતો એને જોઇતો નાનો નિલય એને મળવાનો છે એ વાત એને ખૂબ જ શાંતિ આપતી હતી – નોકરીના ઢસરડામાંથી અને પોતાનું નાનું આકાશ – નાનું ઘર – નાનું નાનું સંકેન્દ્રિત અસ્તિત્વ તેને જોઇતું હતું તેને માટે તો તેણે કેટલું કેટલું વેઠ્યું હતું. નિલયનો ગુસ્સો – નિલયનો પછડાટ – નિલયનો તિરસ્કાર… પણ એ બધું આ નાનકડા જીવને કોઈપણ જાતની તકલીફ ન પડે તે માટે તેણે સહ્યું હતું. તેનું અંતરમન કહેતું હતું કે નિલય આ વખતે જરૂર સફળતાને વરીને જ આવવાનો છે. એના જીવનની સંઘર્ષમય કથાની કાળી રાતનો અંત હવે હાથવેંતમાં જ છે.

 

એ ત્રણ જુદી જુદી જિંદગી જીવતી હતી. ઑફિસમાં સફળ સેક્રેટરી, ઘરમાં રુઆબ જમાવતા પતિની સામે ઝઝૂમતી પત્ની અને બનારસીદાસની જિંદગીમાં એમનું માન જાળવતી અને જળવાવતી દીકરી. એની આ ત્રણ જિંદગીમાં એક ચોથી જિંદગી – બાળકની માની ઉમેરાવાની હતી – આ ચાર ઘોડે તે દોડી (ચડી) શકશે? દોડશે તો દોડ કેવી હશે?  કયો ઘોડો છૂટશે?

 

મનોમન તેણે નોકરી છોડી દેવાની વાત વિચારી… પણ ફ્લૅટની લોન… અને નિલયની અસ્થિર પરિસ્થિતિ…? ના નોકરી તો મજબૂરી છે – ન છોડાય – હા,  કદાચ નિલય પીગળે – તેનું માને ને તો આ વખતે તેને નાનો નિલય આપવાની છું – એટલે ફરીથી કદાચ… હવે એને ઝઝૂમવું નહીં પડે. અને એ બાકીનો બચતો સમય… એનો નાનકડો નિલય અને એ – એક પછી એક આનંદના મોજા તેના શરીરને હિલ્લોળતા રહ્યા.

 

વહેલી સવારે તેના શરીરમાં અસુખ જેવું જણાયું. સમયસર ઉઠવાની ઇચ્છા ન થઈ  –  આઠ ને દસની લોકલ જતી રહી એને ઉલ્ટીના સેન્સેશન થતા હતા. મોર્નિંગ સિકનેસ – એના આનંદને શબ્દો આપતી હતી.  તે એક સ્ત્રી – દીકરી – પત્ની બનીને સંપૂર્ણતા તરફ આગળ વધી રહી હતી – માતૃત્વ ધારણ કરવા જઈ રહી હતી – આ સમયની કલ્પના તેણે ઘણા વખતથી કરી હતી. – પરંતુ તેને મૂર્તિમંત કરી શકતી નહોતી.  – એની પોતાની મજબૂરીથી. આખરે થાકીને એણે નિલયમય થઈ જવાનું નક્કી કર્યું. અને  આ સુખદ ક્ષણ એના જીવનમાં વસંતના પ્રથમ સ્પર્શે આમ્રવનમાં કોયલના ટહુકે પ્રગટતી મંજરીની જેમ મહેંકી.

 

નવ વાગ્યે કામવાળીએ ડોરબેલ વગાડ્યો ત્યારે  તે ઊઠી. નિલયને તે આ ક્ષણોમાં બહુ જ તીવ્રતાથી ઝંખતી હતી. કામવાળીને શર્વરીની હાજરીથી નવાઈ લાગી. એણે પૂછ્યું – બહેન તબિયત તો સારી છે ને? અને શર્વરીથી મલકી પડાયું – હકારમાં માથું હલાવીને તે બ્રશ કરવા ગઈ.

 

બ્રશ કરતા કરતાં વોશબેઝિનમાં જડેલા અરીસામાં તેના ચહેરાને જોઇ રહી… એને એના ચહેરામાં નિલયનો ચહેરો એકાત્મ થઈ જતો જણાયો. એને પોતાની જાત જોવા જેવી લાગી – બ્રશ કરતાં કરતાં કામવાળીને ચા બનાવવાનું કહી તે બાથરૂમમાં નહાવાનું ગીઝર ચાલુ કરવા ગઈ.

 

ચા પીતા પીતા છાપા પર નજર કરી. રાજીવ જે કંપનીમાં હતો તે કંપનીની એડવર્ટાઈઝ ઉપર નજર પડી. થોડોક અભ્યાસ કર્યો અને એને ફરીથી અંતઃસ્ફુરણા થઈ નિલય જરૂર આ પ્રકારના કાર્યમાં સર્વશ્રેષ્ઠ સાબિત થશે જ…

 

‘હેલો નિલય !’ શ્યામલીએ શરૂઆત કરી.

 

‘હેલો !’ શ્યામલીને પ્રતિભાવ આપતા નિલય બોલ્યો.

 

‘નિલય – હું તારી તકલીફોથી વાકેફ છું – અને એ તકલીફોમાં મિત્ર તરીકે રાજીવની જેમ જ મદદરૂપ થવા ઉત્સુક છું શરત ફક્ત એટલી જ કે આ કંપની મારી હોવાને બદલે આપણી છે તેમ માનીને  કાર્ય કરવાનું છે.’

 

‘એટલે ?’

 

‘ભૂપતને સિલ્ક મીલ્સ અને લૂમ્સમાંથી ફુરસદ નથી – રાજીવ અને ભૂપતે આ કંપનીને ફ્લોટ કરી છે. અને સાઉથમાં ભારે સફળતા મેળવી છે. હવે વેસ્ટમાં એને તારે આગળ ધપાવવાની છે. As a partner – કબૂલ છે?’

 

‘…પણ …’

 

‘હવે પણ ને બણ કંઈ જ નહીં. આ કંપની વર્ષે પાંચથી આઠ લાખનો પ્રોફિટ કરે છે. હવે ત્રણને બદલે ચાર ભાગ પડશે.’

 

‘એટલે ?’

 

‘એટલે હું, રાજીવ અને બરખા ત્રણ હતા. તું ચોથો ભાગીદાર છે. કંપનીને મુંબઈમાં જગ્યા લેવાની છે – તેનું તથા બ્રાંચના કાર્ય માટે જરૂરી ફાઈનાન્સની ચર્ચા રાજીવ જોડે કરી લે – પછી ઘરે આવ – થોડીક કૉલેજના સમયની ભૂપત જોડે ગપસપ કરીશું – રાજીવને આ વાત સીક્રેટ રાખવા મેં કહ્યું હતું. તેથી તેને ગાળો ન દઈશ. એણે તને જે કાંઈ સમજાવ્યું, જણાવ્યું એ બધું તારી સાથે પૂર્વઆયોજિત કાવતરાના ભાગ રૂપે હતું સમજ્યો?

 

‘હં !’

 

દસેક મીનિટની વાતોમાં નિલયના મન ઉપરથી મણનો બોજો ઊતરી ગયો. એ માની પણ નહોતો શકતો કે એ આટલો બધો નસીબદાર છે. ખૂબ જ સમયસરની મદદ હતી તેને માટે.

 

રાજીવે પાછળથી આવીને ધબ્બો માર્યો– વેલકમ દોસ્ત !

 

નિલય ખૂબ જ ઉષ્માથી રાજીવને ભેટી પડ્યો. –

 

બરખાએ આવીને ટહુકો કર્યો – એ નિલયભાઈ – મારા હક ઉપર તરાપ નહીં મારવાની’ અને બધા હસી પડ્યા.

 

સાંજે શ્યામલીને ત્યાં પાંચે જણા બેઠા હતા. ભૂપત – શ્યામલી – રાજીવ – બરખા અને નિલય. રાજીવે નિલયને છેડવાનું શરુ કર્યું.

 

‘ભૂપત તને ખબર છે નિલય મને શ્યામલીની હોડમાં competitor માનતો હતો.’

 

‘ના ભાઈ ! શું વાત છે? અમારી મેડમના બે દિવાના સાથે ભેગા થયા?’

 

‘હા ..! હું તો તે વખતે પણ બાકાત હતો… પણ શ્યામલીને નિલયનું જક્કી વલણ રમુજ પ્રેરીત લાગતું અને તેથી તેને ચીઢવતી.’

 

‘ભાઈ પણ તમારી એ ચીઢ હવે ચાલુ નહીં રાખવાની – નહીંતર મારા પૈસા સલવાશે – શું કહો છો નિલયભાઈ ?’

 

‘ભૂપત – ફક્ત નિલય જ કહેવાનું – ખેર આમ અચાનક બધું થઈ જશે તે સમજાયું નહીં અને બીજી એક વાત હું ભાગીદાર તો ખરો પણ મારે કેટલી રકમ ઇન્વેસ્ટ કરવાની છે? ’

 

‘એક પૈસો પણ નહીં ’ – ભૂપત બોલ્યો.

 

‘કેમ ? ’

 

‘કારણ કે તું સમય – મહેનત અને આવડત ઇન્વેસ્ટ કરીશ. મારી પાસે તેમાનું કશું નથી. એટલે મારી પાસે જે છે તે એટલે કે પૈસા ઇન્વેસ્ટ કરીશ.’

 

‘ફાઇન – અને મારે રીપોર્ટ કોને કરવાનો?’

 

‘કોઈને નહીં.’

 

‘ઉપાડની મર્યાદા ?’

 

‘ભાગીદાર ધારે તેટલો ઉપાડ કરી શકે છે.’

 

‘અરે વાહ! અલાઉદ્દીનના ચિરાગ જેવી આ તક છે.- ’

 

‘શ્યામલીને તારી આવડત ઉપર પૂરો ભરોસો છે – અને એ તારી સાથે તને Confidence  આવે ત્યાં સુધી મુંબઈ રહેશે અથવા તું અહીં બેંગ્લોર રહે. ડૉક્યુમેન્ટ્સ તૈયાર છે. એક બીજી વાત. કોઈ કારણોસર કંપની નુકસાનમાં જાય તો તેમાં તમારી કોઈની જવાબદારી નથી. ફક્ત મારી જ જવાબદારી છે. જ્યારે નફામાં સરખા ભાગીદાર – આપણો આ હાતિમતાઈ સોદો મંજૂર છે?’

 

નિલયને આ વાત ન જચી . તેના મનમાં વિદ્રોહ જાગ્યો – તેણે ભૂપતને ના પાડી અને રાજીવ ખડખડાટ હસી પડ્યો – ‘Bhoopat, he is as genius as ever.’

 

અને પાર્ટનરશીપ ડીડમાં નિલયે ધાર્યું કરાવ્યું – નફા અને ખોટમાં સરખી ભાગીદારી…

 

અને એના માનમાં બીજા દિવસે સાંજે બેંગ્લોરની મોંઘી હોટેલમાં શાનદાર પાર્ટી યોજાઈ. જ્યાં એ કંપનીના બધા જ કાર્યકરો મોજૂદ હતા – અને કુટુંબના સભ્યોની જેમ સૌએ નિલયને એક જ અવાજે વધાવી લીધો.

 

બપોરે સાડા બાર વાગે શર્વરી ઑફિસ પહોંચી. તેના ટેબલ ઉપર સમાચાર હતા. બેંગ્લોરનો ફોન નંબર અને નિલયનું નામ હતું. તેણે તરત ફોન જોડ્યો. નિલયને લાઈન ઉપર આવતા થોડીક વાર લાગી – એ બેચેની ભરી ક્ષણો પસાર કરતાં શર્વરીને બહુ લાગ્યું. સામે છેડે નિલયનો અવાજ સાંભળ્યા પછી તે બોલી–

 

‘હેલો નિલય – શું થયું? કેવો Interview રહ્યો?’

 

‘સરસ. સાંભળ – હવે રાજીનામું આપી દેવાની તૈયારી કરી લે.’  

 

‘કરી લીધી’

 

‘કેવી રીતે ?’

 

‘યુ વીન’

 

‘એટલે ?’

 

‘એટલે – તું જીત્યો Junior has come’

 

‘શું વાત કરે છે?’

 

‘હા, એટલે તો ક્યારનીય તારા ફોનની રાહ જોતી હતી.’

 

‘પણ તું તો ફોન ઉપર નહોતી.’