કોરોના – હકારત્મક પ્રસંગો - 5 VIJAY THAKKAR દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

કોરોના – હકારત્મક પ્રસંગો - 5

કોરોના – હકારત્મક પ્રસંગો-

સંપાદન-વિજય ઠક્કર

(5)

કોરોના.. ૪ મને પોષાય છે.

(microfiction) વિજય શાહ

મારો એક મિત્ર…સાધન સંપન્ન છે તેના ઘરે સાંજે રસોઇ કદી થાય જ નહીં. અને સાંજ પડે એટલે ગાડી લઈને ક્યાં જમવા જવું એ જ વિચારાતુ… પણ કોરોનાએ ભારે કરી લોકાઉટ માં બહારનું ખાવાનું બધે જ બંધ. તેના કુટુંબમાં કોરોનાથી પીડાયેલા લોકોની વાતોમાં હોસ્પીટ્લ નાં બીલોની કથા સાંભળ્યા પછી તે મિત્ર બહાર ખાવા જવાનું ભુલી ગયો. અને જે એક વખતે કહેતો હતો કે બહાર ખાવા જવાનું મને પોષાય છે. તે હવે કહે છે હોસ્પીટલનાં બીલો જોઇ તેને હવે લાગતુ નથી કે તેને હોસ્પીટલનાં બીલો પોષાય..( હોસ્પીટલ માં કોરોનાથી સાજા થયેલા પેશંટ પણ લાખોનું બીલ જોઇને પાછો માંદો પડી જાય)

કોરોના. ૫ કોરોના વોરીયર્સ કામીની મહેતા

વિરાટ પ્રકૃતિએ માનવને જન્મ આપ્યો..પોતાના મદમાં છકેલો માનવ એ ભૂલી ગયો છે.ભૂલી ગયો છે કે જેટલો હક મારો છે, એટલો જ અન્ય પ્રાણીઓનો પણ છે..પોતાની સર્વોપરિતા સાબિત કરવા મનુષ્ય બીજા જીવો, વનસ્પતિ, વ્રુક્ષોનું નિકંદન કાઢતા અચકાતો નથી.પર્યાવરણ તો એ હદે બગાડ્યું કે ધરતીને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી.

એટલે..એટલે જ વિરાટે એક પીછું ફેરવ્યું છે..કોરોનાએ બધે હાહાકાર ફેલાવ્યો છે.લોકો લોકડાઉનમાં છે..ઘરમાં પૂરાયા છે.લોકોને હવે સમજાય છે કે ક્યાંક ચૂક થઈ છે.

હોસ્પિટલો કોરોના પેશન્ટથી ઉભરાય છે. હોસ્પીટલમાં બેડ ઓછા પડે છે. ડોકટરો,નર્સો,પેરામેડીકલ સ્ટાફ રાત દિવસ જોયા વગર પેશન્ટને સુશુશ્રામાં લાગ્યા છે.બધા થાકીને લોથ થયા છે..સ્ટાફની કમી પડી છે.

અનઘા મેડીકલ થર્ડ ઈયર સ્ટુડેન્ટ હતી.લોક ડાઉન જાહેર થયું, હોસ્ટેલ બંધ થઈને ઘરે આવી હતી.હજુ તો આવી જ હતી કે હોસ્પિટલમાંથી તેને મેલ આવ્યો..હોસ્પિટલમાં સ્ટાફની અછત છે. તમે ઈચ્છો તો હોસ્પિટલ જોઈન કરી શકો છો.

સ્વેચ્છાએ આ યજ્ઞમાં જોડાવાનું ઇજન હતું. અનઘાએ તરત સ્વીકાર્યું. ઘરમાં બધાએ વિરોધ કર્યો..સામે ચાલીને ખતરામાં કેમ પડે છે..આ રોગ કેવો ચેપી છે.તને તો ખબર જ હોય. સામે ચાલીને કેમ મોતના મોઢામાં જાય છે..?

પપ્પા વિજયભાઈએ એના નિર્ણયને આવકાર્યો..આજે દેશને તારી જરૂર છે.અનઘા..તારે જવું જ જોઈએ..મને બહુ ગર્વ છે તારા પર..

અને અનઘા ગઈ..

રાત દિવસ મરીજોની સેવા કરે છે..નથી ખાવાના ઠેકાણા, ન ઉંઘના..અત્યારે થાક્વાને પણ અવકાશ નથી..પાંચ દિવસની સળંગ ડયુટી પછી..બે દિવસનો બ્રેક મળે છે.એક મહિનાથી ત્યાં જ હતી.

અંતે ન થવાનું થયું..અનઘાને ચેપ લાગ્યો..તે કોરોના રોગના ચપેટમાં આવી ગઈ..સ્થિતિ ક્રીટીકલ હતી.તેને વેન્ટીલેટર પર રાખવામાં આવી..ઘરેથી કોઈને મળવા તો આવવા નહોતા દેતા.ફોન પર એની તબિયતના સમાચાર મળતા રહેતા..વિજયભાઈ ઈશ્વરને પ્રાર્થના કરતા..રક્ષા કરજે પ્રભુ..લોકોનો સેવા પરથી વિશ્વાસ ન ઉઠે, તારે જોવાનું છે..

ટેમ્પ્રેચર બહુ છે..શ્વાસ લેવામાં પણ બહુ તકલીફ પડે છે...વેન્ટીલેટરપર રાખી છે..આજે થોડી સ્ટેબલ છે...આજે થોડું સૂપ પીધું..આજે તાવ ઓછો થયો..આજે બહારના વોર્ડમાં શિફ્ટ કરી..આજે થોડું ખાધું છે..એમ કરતા પંદર દિવસે સ્વસ્થ થઈ અનઘા બહાર આવી..

ઘરે પહોંચી તો પોલીસો, સોસાયટીના સભ્યો,કુટુંબીજનોએ તેને તાળીયો..ફૂલોથી વધાવી લીધી..વિજયભાઈની આંખો અશ્રુથી ભરાઈ ગઈ..એની દીકરી એ આજે એમનું માથું ગર્વથી ઊંચું કરી દીધું હતું..

અનઘા..કોરોના વોરીયર્સ હતી..

કોરોના ૬. રીનાના પપ્પા ડૉ ઈંદુબહેન શાહ.

“મમ્મી બધાના પપ્પા ઘેરથી કામ કરે છે મારા પપ્પા કેમ રોજ જોબ પર જાય છે?”

“બેટા તારા પપ્પા પોસ્ટ ઓફિસમાં કામ કરે છે બધાને મેલ પહોંચડવી પડે ને? ”

“મમ્મી પપ્પા માસ્ક મોજા ગાઉન બધું પહેરીને તો જતા નથી! ”

” બેટા બધુ ગાડીમાં હોય છે બધું પહેરીને હોફિસમાં જાય છે ઘરમાં નથી લાવતા આપણી સેફ્ટી માટે,”

“પપ્પા આપણું બહુ ધ્યાન રાખે છે પણ મને એમની ચિંતા થાય છે રાતના બધી મેલ સોર્ટ કરવામાં આ વાયરસ તેમને લાગી જશે તો મારા પપ્પા ૬૫ વર્ષના છે ૬૦ વર્ષથી મોટા લોકોને આ વાયરસનો ચેપ જલ્દી લાગે છે,”

“બેટા તું ચિંતા નહિ કર રામ રાખે તેને કોણ ચાખે!!” હું અને તારા પપ્પા રોજ રામાયણ સાંભળીએ છીએ, દર શનિવારે તારા પપ્પા હનુમાન ચાલીસાનો પાઠ કરે છે, તને તો ખબર છે હનુમાનજીએ રાવણ જેવા મોટા રાક્ષસની લંકા બાળી નાખી હતી. કોરોના રાક્ષસને પણ જરૂર બાળશે, ૧૦ વાગ્યા હવે સુઇ જા તારા ૮ વાગ્યાથી ઑન લાઈન ક્લાસ શરુ થશે. જ્યારથી લોકડાઉન શરુ થયો ત્યારથી મા-દીકરીનો આ વાર્તાલાપ રુટીન થઈ ગયેલ.

એક દિવસ રાકેશભાઈને સવારના હળવો માથાનો દુખાવો થયો, તેમનો સ્વભાવ ફરજ, નિયમિતતા પ્રામાણીકતા તેઓ હળવા દુખાવાને ગણકારે? રાત્રે જમીને કામ પર ગયા. ૧ વાગે ઘેર આવ્યા સુતા બપોરના ૧ વાગ્યો ઊઠ્યા નહી.રમીલાએ મનમાં વિચાર્યું કોરોનાને કારણે સ્ટાફ ઓછો એટલે સ્વભાવ મુજબ કામ વધારે કર્યું હશે ભલે આરામ કરતા. રસોઈ કરવાલાગી, જીવ બેડરૂમમાં, પાછી જોવા ગઈ, માથે હાથ મુક્યો, તાવ ચોકી ગઈ તુરત પતિને ઊઠાડ્યા રીના.. રીના …જલ્દી આવ ૯૧૧ને ફોન કર પપ્પાને ઇ. આર.માં લઈ જવા પડશે. રીનાએ તુરત ફોન કર્યો એમ્બુલન્સ આવી, પેરામેડીકે તપાસ્યા રેસ્પિરેસન ખૂબ ધીમી ગતીનું જણાયું ઓક્સિઝન કેન્યુલા નાકમાં પરોવી ઓક્સિઝન શરુ કર્યો. મા-દીકરી કારમાં બેઠા મેથોડીસ્ટ હોસ્પિટલ પહોંચ્યા. ઈ.આર ડોકટરે તુરત જ વેન્ટીલેટર પર મુક્યા આઇ.સી .યુમાં ખસેડ્યા. કોરોના પોઝિટીવ રીઝલ્ટ આવ્યું મા-દીકરીને ઘેર ક્વોરોન્ટાઈન રહેવાની સલાહ આપી. રીના નો રોસ “મોમ you did’t listen, see what happened) (તું મારું માનતી નોતી જોયું શું પરિણામ આવ્યું) મને જે બીક હતી તે કોઈ હનુમાને મિટાડી નહિ, સાચી પડી, મમ્મી હનુમાન લંકા બાળી શકે કોરોનાને નહિ આજે દુનિયાભરના સાઇન્ટીસ તેની રસી શોધવા રિસર્ચ કરી રહ્યા છે તેની અસરકારક દવા પણ હજુ શોધી નથી શક્યા, રીના આક્રોસ ઢાલવી રહી..રમીલા ચોધાર આંસુ સારતી રહી.

રીનાએ સોસિયલ મિડીયા પર પ્લાસમા માટે અપિલ કરી. એક કોવિડ૧૯ પેસન્ટ સારો થયેલ તેનું પ્લાઝમા મળી ગયું રીનાએ તુરત જ ડોનર અને ડૉ ને ફોન કર્યા. પ્લાઝમા રાકેશને અપાયું ધીરે ધીરે વેન્ટીલેટર્સ સપોર્ટ ઘટાડતા ગયા, ઓક્સિઝન નેઝલ કેન્યુલા મારફત આપ્યો બે દિવસમાં ઘેર લઈ આવ્યા. મા-દીકરી બન્નેના કોરોના ટેસ્ટ નેગેટિવ હતા. રાકેશભાઈને બે અઠવાડિયાની ઓફિસિયલ રજા. બે અઠવાડિયા પછી રિપિટ ટેસ્ટ નેગેટિવ આવ્યો ને તુરત સિન્સિયર રાકેશભાઈ પોસ્ટઓફિસના કામે લાગી ગયા.

સત્ય ઘટના પર આધારીત નામ, જગ્યા વગેરેના ફેરફાર કરેલ છે

કોરોના ૭ “અનલૉક” રોહિત કાપડીયા

અમર અને આશાના લગ્નને સાત વર્ષ વીતી ગયા હતાં. ત્રણ વર્ષ પૂર્વે જ્યારે ખુશીનો જન્મ થયો ત્યારે તો તેમનાં જીવનની ખુશી ચરમસીમાએ હતી. ખેર! ખુશીના જન્મનાં છ મહિના પછી અમરના ખાસ મિત્ર અવિનાશનાં મૃત્યુએ એમના જીવનમાં વળાંક આવ્યો. અવિનાશના શોકમાં મગ્ન એની પત્ની કામિનીને આશ્વાસન આપવા અમર ઓફિસેથી છૂટીને એના ઘરે જતો. શરૂઆતમાં તો કામિનીનું દર્દ હળવું કરવા અમર એનાં ઘરે જતો હતો પણ કોક અજાણ પળે એ બંને એકમેકનાં પ્રેમમાં પડી ગયાં. હવે અમર ખાસ્સો સમય કામિનીને ત્યાં પસાર કરતો હતો. કામિનીને તો પ્રેમ પણ મળી ગયો ને આર્થિક મદદ પણ મળી ગઈ તેથી એ બહુ જ ખુશ હતી. ભણેલી ગણેલી આશાને આ વાતનો તરત જ ખ્યાલ આવી ગયો. એણે અમરને એ રસ્તેથી પાછા વાળવાનાં ઘણાં પ્રયત્નો કર્યાં. પણ સફળ ન થઈ જો કે અમર તેનું તેમ જ ખુશીનું પણ એટલું જ ધ્યાન રાખતો હતો. તેથી જ ખુશીના ભવિષ્યને ધ્યાનમાં લઇ અમલથી છૂટા થઈ જવાને બદલે એણે પરિસ્થિતિ સાથે સમજૂતી કરી લીધી સમય વીતી રહ્યો હતો

ત્યાં જ કોરોના મહામારીનાં કારણે લોકડાઉન ચાલું થયું.શરૂઆતનાં અમરના દિવસો તો ખુશી અને આશા સાથે વીતી ગયાં. જેમ જેમ લોકડાઉન લંબાતું ગયું તેમ તેમ અમરને કંટાળો આવવા માંડ્યો. કામિનીની સાથે હાલ માત્ર ફોન પર વાતચીત થતી હતી. તે દિવસે સાંજે આશા ખાવાનું બનાવી રહી હતી અને અમર રૂમ બંધ કરીને કામિની સાથે વાત કરી રહ્યો હતો. અમરે કહ્યું “મીનુ, હવે તને મળ્યા વગર… (ઉધરસ ખાઈને) ચેન નથી પડતું

બે દિવસથી મન ઉદાસ… (ફરી થોડી ઉધરસ ખાઈને) રહે છે. શરીર પણ… (ઉધરસ) એ બધું જવા દે. હું કાલે સવારે તને મળવા આવું છું અને પછી ખૂબ વાતો… (ઉધરસ).

સામે છેડેથી એની વાતને વચ્ચેથી જ અટકાવીને કામિનીએ કહ્યું “તને તો ખૂબ ઉઘરસ થઈ ગઈ છે. ડોક્ટરને બતાવ્યું?”

કોરોનાની શરૂઆત ઉધરસથી જ થાય છે. હમણાં તો તમે મને મળવા આવતાં જ નહીં. આ બહુ જ ચેપી રોગ છે.”

અમરેકહ્યું “ના, ના મીનુ! આ તો ગળામાં કંઈક અટકી ગયું હતું એટલે. હું કાલે સવારે ત્યાં આવું..”

ફરી એની વાતને વચ્ચેથી અટકાવતાં કામિનીએ જોરથી કહ્યું” એક વાર અહીં આવવાનીના પાડી તો પણ સમજતાં નથી. મને કંઈ થશે તો મારૂં કોણ ધ્યાન રાખશે. ” એટલું કહીને એણે જોરથી ફોન મૂકી દીધો.

અમર ગુસ્સામાં રૂમમાંથી બહાર આવીને સોફા પરબેઠો. ઉદાસ ચહેરે બેઠેલા અમરનાં ગળામાં હજુ ખાવાનોકણ અટવાયેલો હોવાથી એને પાછી ઉધરસ આવી.

એ સાથે જ આશાએ રસોડામાંથી બહાર આવી પાણીનો ગ્લાસ અમરનાં હાથમાં આપતાં કહ્યું ” ધીરે ધીરે પી જાવો ઉધરસ શમી જશે. હું હળદરવાળું દૂધ બનાવી લાવું છું. હમણાં બેદિવસથી ખૂબ ઉદાસ રહો છો. આખો દિવસ ગુમસુમ રહો છો. મને ખબર છે કે લોકડાઉનથી તમે કંટાળી ગયા છો. એક કામ કરો. કાલે સવારે લોકડાઉનની છૂટનાં બે કલાકમાં કામિનીને મળી આવો. તમને સારૂં લાગશે. “.

આ સાંભળતાં જ સ્તબ્ધ થઈ ગયેલો અમર એકીટશે આશાને જોઈ જ રહ્યો. અચાનક જ એની ઉદાસી દૂર થઈ ગઈ.

ઊભો થઈને એ અચાનક જઆશાને ભેટી પડ્યો. આશાના માથામાં હાથ ફેરવતાં એણેકહ્યું” આશા, મને માફ કરજે. આજથી કામિની સાથેનાં સંબંધપર કાયમનું ‘લોક’. આશાને કંઈ સમજાયું નહીં પણ અમરનાંપ્રેમાળ સ્પર્શથી એનું બિડાયેલું હ્રદય પુષ્પ અનલૉક થઈ ગયું. ખીલી ઉઠયું.

રોહિત ખીમચંદ કાપડિયા