કોરોના – હકારત્મક પ્રસંગો-
સંપાદન-વિજય ઠક્કર
(4)
કોરોના મોતનો ફરિશ્તો (1) વિજય શાહ
નવ ગુજરાત ટાઇમ્સ માં આવેલો આ લેખ વિશે ચર્ચા કરતા હ્યુસ્ટન સીનીયર સીટીઝન ડે કેરમાં ચાર વયો વૃધ્ધ માણસો બેઠા હતા. નાનજી પટેલ, રામજી ઠાકોર, શામળ દાસ માધવાની અને શીરીશ ભટ્ટ. બધા સીતેર વટાવી ચુકેલા હતા અને વ્યવસાયે નાનજી પટેલ કન્વીનીયંટ સ્ટોર ચલાવતો હતો, રામજી ઠાકોર અને શામળદાસ માધવાની પેટ્રોલ પંપ ચલાવતા હતા અને શીરીશ ભટ્ટ ડોક્ટર હતા આમેય ચારેને સાંકળતુ પરિબળ સિનિયર સીટીજ્ન ડે કેર હતું.
“બહું સચોટ લેખ લખ્યો છે વિજયભાઈએ” નાનજી પટેલે મૌન તોડતા કહ્યું. ચર્ચા ચાલે તે હેતૂ થી શામળભાઈ બોલ્યા “મને તો લાગે છે વિજયભાઇ થોડાક વધારે ડરી ગયા લાગે છે.”
“ લાખોની સંખ્યામાં મૃત્યુ જોનારાની ફડક સંપૂર્ણ વ્યાજબી છે” ડૉક્ટર સાહેબે પોતાનો અભિપ્રાય આપ્યો. ” ડૉક્ટર તરીકે હું પણ આટલા મૃત્યુનાં સમાચારો વાંચીને આવીજ ફડક અનુભવું છું.”
શામળદાસ માધવાની ઉંમરમાં મોટા હતા અને તેમના પત્ની આવીજ માંદગીમાં જતા રહ્યા હતા. તેઓએ ચર્ચા શુષ્ક ન બને તે હેતૂ થી બોલ્યા હવે આટલી મોટી ઉંમરે મૃત્યુ નો ભય રાખવો અસ્થાને છે. તે એક એવું સત્ય છે જે આવવાનું જ છે. તેને હસતા હસતા સ્વિકારવું એ બહાદુરી છે.કોઇ હોસ્પીટલમાં તો કોઈ ઘરમાં યમરાજાને ભેટવાનું છે જ.
નાનજી પટેલ બોલ્યા વિજયભાઇનો ભય પીડા સહીતનાં અપ મૃત્યુનો છે. એ વાત સાચી છે કે ઉંમરલાયક થયા એટલે મૃત્યુ તો થવાનું જ છે પણ બીન જરુરી વેદનાઓ અને માવજતનાં પૈસા ખર્ચવાની વાત અકારણ છે.
શામળદાસ ભાઈ બોલ્યા “પીડા રહિત મૃત્યુ એ વરદાન છે જે પુણ્યશાળીઓને જ મળે છે”
રામજી ઠાકોરે સંમતિ સુચક માથુ હલાવ્યું. અને બોલ્યા “મોતનો ફરિશ્તો કરતા મોતનો દૂત કોરોનાનું રુપ લઈને આવ્યું છે. આજે મને ઈ મેલમાં રજ્નીકુમાર પંડ્યાનો લેખ આવ્યો છે તેમાં ડર ની વાત નો નિકાલ કર્યો છે.કહે છે ને કે જે રોગનો ઇલાજ મળી જાય તે રોગ અસાધ્ય રહેતો નથી.”
” આ રોગનો ઇલાજ તો ક્લોરો ક્વીનાઈન ની ગોળીઓ છે જે રોગ લાગ્યા પછી અસર કરે. પણ આ રોગ લાગેજ નહીં તે માટે સોસીયલ ડીસ્ટંસીંગ અને તેની રસી શોધવી જરુરી છે” ડોક્ટર શીરિષ ભટ્ટ બોલ્યા..
કોરોના.. ૨ મમ્મીને લાડ પ્રવીણા કડકિયા
અરે, સાંભળે છે ? મદને અંદરથી બૂમ પાડી. નામ હતું મદન પણ મદનિયાના કોઈ લક્ષણ હતા નહી. મંગુ દોડીને આવી.‘હું મારા રસોઈના કામમાં વ્યસ્ત છું, શામાટે મને ખોટી દોડા દોડ કરાવે છે ?
‘જરા બાજુમાં બેસ, આખો દિવસ તને તો કામની પડી છે ! ખબર છે લગ્ન મારી સાથે કર્યા છે કામ સાથે નહી ‘!
મંગુના મુખ પર હાસ્ય રમી રહ્યું મદન સાથે લગન થયાને ૨૦ વર્ષ થઈ ગયા હતા. બે બાળકો પણ કોલેજમાં આવી ગયા હતા. છતાં મદનનો પ્રેમ એવો ને એવો હતો. મંગુ એ સાંભળ્યું હતું લગ્ન ના અમુક વર્ષો પછી ,’પ્રેમ’ સુકાઈ જાય છે અને તેની જગ્યા ‘કામ’ થી પૂરાઈ જાય છે. પતિ અને પત્ની એક બીજાને માત્ર વેંઢારે છે !
મદન સાવ વિપરિત નિકળ્યો. કોરોનાને લીધે ઘરમાં ભરાણો હતો, શું કરે ? બીજો કોઈ ઉપાય પણ ન હતો. મંગુને ઘરના કામની બાબતમાં મદદ કરતો. સાથે તેને ‘લાડ; કરવાનું પણ ન ભૂલતો. ખબર હતી રોજની ભાવતી મજેદાર રસોઈ કોણ બનાવે છે?
આજે સવારથી મંગુને કોને ખબર કેમ ખાંસી આવતી હતી. છ અઠવાડિયાથી ઘરમાં ગોંધઈ રહ્યા હતા. પવનની દિશાની બારી પણ બંધ રાખતાં. રખેને પવનની સાથે ‘કોરોના’નો વાઈરસ ઘરમાં ઘુસી જાય !
ઉચ્ચ અદાલતમાંથી ફરમાન આવ્યું, ‘આજે તું આરામ કર’. મીતા અને મનોજે સાદ પુરાવ્યો. બે દિવસ સંપૂર્ણ આરામ. પાણીનો ગ્લાસ સુદ્ધાં મમ્મી તને પથારીમાં મળશે. સહુને ડર લાગ્યો કદાચ મંગુને કોરોના લાગી નથી ગયો ને ?
મંગુએ ખૂબ આનાકાની કરી પણ ત્રણે જણાએ નક્કી કર્યું હતું કહેવાય છે .ધાર્યું તો ધણીનું થાય. મદન ટસ નો મસ ન થયો. આખરે મંગુ એ પથારીમાં બે દિવસ રહેવાનું નક્કી કર્યું. આમ ગભરાવા જેવું કશું ન હતું. પણ બધાની વાત માની તેમને શરણે ગયા વગર છૂટકો ન હતો.
સવારે ઉઠી ત્યારે ગરમા ગરમ ચા અને નાસ્તો આવ્યા. નાસ્તામાં પણ બટાકા પૌંઆ બનાવનાર હતી તેની દીકરી મીતા. મનોજે ચાખીને પ્રમાણ પત્ર આપવાનું કે સ્વાદમાં કેવા છે ? પછી જ મમ્મીને આપવાના. . મમ્મીની રસોઈ સ્વાદિષ્ટ બને. મીતા મમ્મીને નિહાળતી કેવી રીતે બનાવે છે.
આ ઉમર એવી હોય છે, જે જુએ તે યાદ રહી જાય. વર્ગમાં શિક્ષક ભણાવે ત્યારે જો મન મૂકીને સમજી લે તો ઘરે જઈને વાંચવું પણ ના પડે. મંગુને ચા અને બટાકા પૌંઆ ખાવાની મઝા પડી ગઈ.ઉભી થઈને વાસણ મૂકવા જતી હતી ,ત્યાં હુકમ છૂટ્યો ,’મમ્મી હું બધું જોંઉ છું , તારે ઉભા થવાનું નથી’ બોલતો મનોજ દોડી આવ્યો. મનમાં મમ્મીને આવા લાડ ગમ્યા. રોજ બધાનું ધ્યાન રાખતી મમ્મીને આજે બધા હાથમાં રાખે છે.
ત્રણેક દિવસ પછી મંગુની તબિયત સારી થઈ ગઈ. ખાંસી દૂમ દબાવીને ભાગી. મંગુ એ મનોમન કોરોનાનો આભાર માન્યો જેને કારણે તેને આરામ કરાઅ મળ્યો
કોરોના તે< ઘણાના જાન લીધાં. કેટલા લુટુંબોને બરબાદ કર્યા? ત્યાં કોઈક ઠેકાણે રણમાં મીઠી વિરડીને જેમ ઘણાં કુટુંબોમાં ભરપૂર પ્યાર ફેલાવ્યો. .
કોરોના.. ૩ રોહિત ખીમચંદ કાપડિયા.
એક પ્રતિષ્ઠિત કંપનીમાં કામ કરતો અમર પોતાની મહેનતથી ટૂંકા સમયમાં ઉંચી પદવી પર પહોંચી ગયો. સારો પગાર હોવાથી એણે હપ્તાથી મોટો ફ્લેટ પણ ખરીદી લીધો ને ગાડી પણ વસાવી લીધી હતી. હવે મકાન અને ગાડીના માત્ર છ જ હપ્તા બાકી હતાં. અમર, આશા અને નાનકડી ખુશીના ત્રિવેણી સંગમમાં જાણે એ સ્વર્ગમાં મહાલી રહ્યો હતો. બધું જ બરાબર ચાલતું હતું. ત્યાં જ લોકડાઉન આવ્યું. શરૂશરૂમાં તો ઘરે રહેવાનું એને ગમ્યું. પણ પછી ખબર પડી કે એની કંપનીએ નાદારી નોંધાવી છે ને એની નોકરી પણ જતી રહી છે. હવેના કટોકટીના સમયમાં આટલા મોટા પગારવાળી નોકરી મળવી મુશ્કેલ હતી. લોકડાઉન લંબાતું ગયું અને અમરની મૂંઝવણ વધતી ગઈ. અનલોક - ૧ ચાલુ થતાં એણે નોકરી માટે પ્રયત્નો ચાલુ કર્યાં. પણ ક્યાંય સફળતા મળી નહીં. જોકે આશા એને હિંમત આપતી રહેતી.
તે દિવસે બપોરે જમીને એ સોફામાં આડો પડ્યો હતો ને ખોટા વિચારોમાં ગુંચવાયેલો હતો. ફ્લેટ ને ગાડીના હપ્તા, ફ્લેટનું મેઈન્ટેનન્સ બિલ અને બીજા બધા જરૂરી ખર્ચાઓ આ બધામાં તો જે કંઈ થોડી ઘણી મૂડી બચાવી છે તે પૂરી થઇ જશે. પછી શું? એ પ્રશ્ન એને મૂંઝવી રહ્યો હતો. એક પળ માટે તો આપઘાતનો વિચાર પણ આવી ગયો. પણ આશા અને ખુશીનો વિચાર આવતાં જ તે અટકી ગયો. અચાનક એની નજર ખુશી પર પડી. એક મોટા બોલને જોઈને ખુશ થતી છ મહિનાની નાદાન ખુશી પ્રથમવાર પડખું ફેરવવા કોશિશ કરી રહી હતી. બધું જ ભૂલીને અમર એ દ્રશ્યને વીડિયોમાં ઝડપવા લાગ્યો. બોલ પકડવા માટે જતાં અચાનક જ ખુશી પડખું ફેરવતાં ઉંધી થઇ ગઇ. એક ક્ષણ માટે તો બોલ એના હાથમાં આવ્યો પણ એને મજબૂત રીતે પકડે તે પહેલા છૂટી ગયો. એણે રડવાનું ચાલુ કર્યું પણ બીજી જ પળે બાજુમાં રહેલા એક નાનકડા રંગીન બોલને જોઈને એણે ઝડપી લીધો ને પછી હાથમાં પકડીને હસવા લાગી. વિડિયોમાં એ દ્રશ્ય કંડારતા જ અમરની આંખમાં ચમક આવી. તેની ઉદાસી દૂર થઈ ગઈ. એ વીડિયો આશાને બતાવવા ઉભો થયો. ત્યાં જ અંદર ચોપડી વાંચી રહેલી આશા કંઈક કહેવા બહાર આવી. એ કંઈ બોલે તે પહેલાં અમરે પેલો વિડિયો એને બતાવી દીધો. પછી કહ્યું "આશા, આપણે આ ફ્લેટના હપતા ભરાઈ જાય એટલે કાઢીને પછી નાનો ફ્લેટ લઈ લઇશું અને ગાડી પણ કાઢી નાખશું. ખુશીની જેમ મોટો બોલ પકડવાથી આવેલા આંસુને નાનો બોલ પકડી હાસ્યમાં પલટાવી દઈશું. ત્યાં સુધીમાં ઓછા વધતા પગારે નોકરી તો મળી જ જશે. બોલ, તું શું કહેતી હતી?" આશાએ કહ્યું" અમર, હમણાં જ એક હૃદયસ્પર્શી વાર્તા વાંચી. સાંભળ. એક તૂટેલી ફૂટેલી ઝૂંપડીમાં કાતિલ ઠંડીથી બચવા બે નાના છોકરાઓ જુના છાપાઓ ઓઢીને સૂતાં સૂતાં વાતો કરતા હતાં. નાનાએ કહ્યું' હેં, મોટાભાઇ! જે છોકરાઓ પાસે ઓઢવા માટે છાપા નહીં હોય તેનું શું થતું હશે? બસ મને જિંદગી જીવવાની સાચી રીત મળી ગઈ ને હું તમને જે કહેવા માંગતી હતી તે તમે જ કહી દીધું. સાંભળો. લોકડાઉનમાં મને જાતે કામ કરવાની ટેવ પડી ગઈ છે અને મને કામ કરવું ખૂબ ગમે છે તો હવે બાઈ પણ નહીં રાખીએ .
લોકડાઉનમાં આપણે ઓછી વસ્તુઓથી ચલાવતા શીખી લીધું છે તો હવે આપણે આપણી જીવનશૈલી બદલીને એ જ રીતે જીવશું. શકય હશે તો કોઈને ઉપયોગી થઇને આપણી ખુશીને બમણી બનાવીશું. "આ સાંભળતાં જ અમર આશાને ભેટી પડ્યો. જાણે ખુશીનો સાગર છલકાઈ ઉઠ્યો .