એક અટપટી લવ સ્ટોરી મારા કાને પડી છે. સાંભળીને મજા આવી એટલે હવે લખવાની થોડી કોશિશ કરું છું. આ લવ સ્ટોરીમાં થોડો કોમેડી તડકો માર્યો છે. જે કલ્પના નથી પણ રિયલ સ્ટોરી છે. અને એમ કહું તો ખોટું ન પડે કે એ કોમેડી તડકો જ આ લવ સ્ટોરી લખવા પાછળ કરણભૂત બન્યો છે. તો લ્યો સાંભળો...
દ્વારકા જિલ્લામાં એક જામ ખીરસરા નામનું ગામ છે. પેહલા જિલ્લો જામનગર હતો. એટલે ગામનું નામ જામ ખીરસરા છે. ત્યાં જામ સાહેબનું રાજ હતું એટલે જામ ખીરસરા. ( માત્ર તમારી જાણ માટે કહું કે રાણા ખીરસરા ગામ પણ છે. એ પોરબંદર જિલ્લો લાગે કેમ કે ત્યાં રાણા સાહેબનું રાજ હતું. ) ગામમાં બે પ્રસંગે પેંડા વધારે વેચાય. એક તો કોઈને ત્યાં દીકરો આવે તો, અને બીજું જ્યારે કોઈ છોકરાની સગાઈ થાય તો. એટલે એક ૨૧ વર્ષના યુવાનની સગાઈ થઈ. પરિવારમાં પણ હરખ હતો. રાબેતા મુજબ ગામમાં અને સગા વ્હાલાઓને પેંડા ખાવા મળ્યા.
૨૧મી સદીની હરોળમાં ચાલવા માટે નિયમ પ્રમાણે છોકરો છોકરી ફોનમાં વાત તો કરવાનાં જ છે. એટલે ભાઈએ પણ સામે સસરા પક્ષમાં વાત કરીને ફિયાંસીને ફોન અપાવ્યો. પછી ધીમે ધીમે વતો શરૂ થઈ. લવ મેરેજ હોય તો એકબીજાને ઓળખતા હોય. પણ અરેંજ હોય તો વાત લાંબી ખેચવા સુધી ઘણી વાર લાગે. પેહલા તો ૧૦ મિનિટ જ વાત થતી હોય. એકબીજા શરમાતા હોય, શું બોલવું અને શું ન બોલવું એવી ગફલત થતી હોય. શરૂઆતમાં આવા ઘણા બધા વિઘ્ન આડે આવતા હોય. પણ એક સમયે એ બધું સોલ્વ થઈ જાય અને વાત જાનું બાબુ દિકા સુધી પહોંચવા લાગે.
સમય વીત્યો એમ આ છોકરો પણ હવે એક તબક્કે પોહચી ગયો હતો. દીકા મિસ યુ, લવ યુ, કિસ યુ જેવા શબ્દ પ્રયોગો હવે બંનેની વાતના અંતમાં આવવા લાગ્યા હતા. ટૂંકમાં હવે કોઈ અજાણ્યા હોય એમ નહીં પણ સાત જન્મારાનો સાથી મળી ગયો હોય એમ વતો થવા લાગી હતી. પણ ઘટનામાં મોડ કંઇક અલગ જ આવ્યો. નસીબમાં જોગે ન થવાનું થયું.
શિયાળાની ઋતુ ચાલતી હતી. ગામડામાં તો ઘરે વાત કરવા માટે છત પર જવું પડે. સાંજ પડી એટલે જમીને રોજના નિત્યક્રમ પ્રમાણે છોકરો ફોનમાં વાત કરવા ધાબા પર ચડી ગયો. વાત શરૂ થઈ. શું જમ્યું, શું કર્યું પુશ્યું અને પ્રેમાલાપ શરૂ થયો. ખબર નહીં પણ બંને વાતોમાં ડૂબી ગયા. એવા ડૂબ્યા કે હું શું વાત કરું. છતાંય જો એ કેવા ડૂબ્યા એવી વાત કરીએ તો.....
બાજુમાં ઢોલ વગાડી લેવાની છૂટ, પપૂડા વગાડો, ફટાકડા ફોડી લેવાની છૂટ, અને ગાળો આપી દેવાની પણ છૂટ, છતાં પેલો પ્રેમમાં અને ફોનમાં વાત કરવામાં એટલો એકરસ થઈ ગયો કે એની બાજુમાં એક આખી દુનિયા છે એવું ભૂલી જ ગયો. હવે બન્યું એવું કે છત ચારેબાજુથી ખુલી હતી. એની કિનાર કરવાની બાકી હતી. હવે અસલી ખેલ શરૂ થયો.
વાત કરતો કરતો આમ તેમ આંટા મારવાની ભાઈને ટેવ હતી. પ્રેમાલાપમાં એવો ખોવાયો કે એને ખબર ના રહી. અને સીધો નીચે ખાબક્યો. ખાબક્યો એ તો ઠીક પણ બંને પગ જમીનમાં ખૂતે એમ જ ભફાંગ થયો. રાતનો સમય હતો એટલે કોઈ જાગતું નોહતું. હવે ભાઈ એવા પડ્યા કે ઉભુ થવાય એમ પણ નોહતું.
આજુબાજુ રેહતા લોકોના નામ લઈને છોકરો બૂમાબૂમ કરવા લાગ્યો. પણ કોઈ સાંભળે થોડું. બધા ઘોર નિદ્રામાં પોઢી રહ્યા હતા. પણ છોકરો પણ ૨૧મી સદીમાં જીવતો હતો હો! એટલે રાત્રે અચાનક ત્વરિત વિચાર આવ્યો અને અમલમાં મૂક્યો. હવે આજુબાજુ રેતા લોકોના નામ લઈને મોટી મોટી ગાળો ભાંડવા લાગ્યો. મનફાવે એમ ગાળો દીધી. અને સાહેબ તરત જ બાજુમાં રેતા એક ભાઈ લાકડી લઈને આવ્યા. હજુ તો લાકડી લઈને પોહચે ત્યાં તો છોકરો બૂમ પાડે કે ભાઈ મને મારતા નહિ. હું ધાબા પરથી પડ્યો, રાડો પાડીને થાક્યો પણ કોઈ સાંભળ્યું જ નહીં. પછી ગાળો બોલવી પડી.
રાત્રે જ દવાખાને ગયા અને સારવાર કરાવી. બંને પણ ભાંગી ગયા હતા. એટલે પાટો બાંધીને આ પ્રેમી ઘરે આવતો રહ્યો. રિવાજ પ્રમાણે ધીરે ધીરે ગામમાં ખબર પડી કે ફલાણા ભાઇના છોકરાના બેય પગ ભાંગી ગયા. રિવાજ પ્રમાણે સગા સંબંધી ખબર લેવા આવ્યા. બધાને પેલો પ્રેમમાં પાગલ છોકરો એક જ જવાબ આપે કે, સાયબો મારો લાખનો, ખરચો આવ્યો દોઢ લાખનો...
-અલ્પેશ કારેણા.