રાજદુલારા Manisha Hathi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાજદુલારા

🌴🌴🌴🌴🌴🌴🌴🌴
👨‍🌾 રાજદુલારા 👨‍🌾

હાઈ વે પર આવેલ ચા-નાસ્તાની નાનકડી હોટેલમાં વિવિધ ભારતી પર એક સરસ મજાનું ગીત ગુંજી રહ્યું હતું . ' મેરા નામ કરેગા રોશન જગમે મેરા રાજ દુલારા.... ,

પણ માઁ -બાપુનો નાનો સરખો લાડકવાયો , કોઈનો રાજ દુલારો તો હોટેલની બહાર આવેલા બાંકડા પરથી આળસ મરડીને ઉભો થયો . વાદળી કલરનો બુસ્કોટ , કાળા કલરનું પેન્ટ પહેરેલ બાળક .... ઉભો થતા જ વિસ્મય ભરી નજરે ચારે તરફ જોતો રહ્યો . સુમસામ રસ્તા પર અડધી રાતે નીંદર ક્યારે આવી ગઈ ખબર જ ન પડી . આંખોને ઉંચી કરતા એણે મારી સામે નજર કરી .

ઉકળતી ચા ના નીકળતા ધુમાડા સામે એ જોઈ રહ્યો . મેં એને ઇશારાથી પૂછ્યું . ' કોની સાથે આવ્યો છે ? '

જવાબમાં એ એના રડમસ ચહેરે પરાણે હસ્યો ....

કપ-રકાબીમાં ચા લઈ હું એની પાસે ગયો અને પૂછ્યું ' દીકરા કોની સાથે આવ્યો છે ? '

માનસિક રીતે ડરેલો એ બાળક જવાબમાં આપવાને બદલે મને વળગીને રડવા લાગ્યો ... કાકા મને મારા માઁ-બાપુ આગળ જવું છે .

હા , દીકરા હું તને મૂકી જઈશ પણ તું મને કહે તો ખરો ... તારું નામ , તારા બાપુનું નામ... , અહીં કઈ રીતે આવ્યો ? ' ,

હું , માઁ ને બાપુ એક બસમાં અમારા ગામ જવા નીકળ્યા હતા . બસમાં જગ્યા ન્હોતી એટલે બસ હંકાવનારની બાજુમાં બેસી ગયા હતા . કાલે રાતે અંધારામાં આ જગ્યાએ બસ ઉભી રહી અને ટીકીટ આપતા તા ઇ ભાઈ ત્યાં ઉતર્યા એટલે હું પણ નીચે ઉતર્યો ,
બોલતા બોલતા પોતાની ત્રણ આંગળી દબાવી ટચલી આંગળી ઉંચી કરતા ઇશારાથી બોલ્યો મારે આમ જાવું તું એટલે.... ,
મારા માઁ-બાપુ નીંદરમાં હતા . એટલે મેં ઉઠાડ્યા નહી ..... હું બસમાં ઉપર ચડવા જાવ ઇ પેલા તો બસ વાળાએ હંકારી મૂકી...ને હું એકલો રહી ગયો ... આખી રાત બીકમાં ને બીકમાં ગઈ . અને સવાર થતા આંખ ક્યારે લાગી ગઈ ખબર જ ના પડી .

ચા વાળાએ એને ચા સાથે નાસ્તો આપ્યો અને બોલ્યો .
' તારો કોઈ ફોન નંબર યાદ છે ' ?

પછી વિચારતી મુદ્રામાં બેઠો અને થોડીવાર રહીને બોલ્યો ' ના કાકા કાંઈ યાદ નથી આવતું ' , હા પણ હું જ્યાં રહું છું ઇ કયાનું ક્યાંય છે ...

બાપુ જે ગામમાં ધંધો કરતા હતા ઇ બધુ બંધ થઈ ગયું . એટલે માં બોલી આપણે આપણા દેશમાં જવા નીકળી જઈએ . અહીં ધંધા-પાણી વગર રહેશું શુ અને ખાશુ શુ ? '

ચા વાળાએ એનું નામ જાણ્યું .
એનું રમેશ નામ હતું . બાપુનું નામ પ્રેમજી ભાઈ... પણ પ્રેમજીભાઈના નામે તો કોને ગોતવા જાવ ...?
કોઈ પોલીસમાં નામ નોંધાવું તો થાય . હા , પણ જ્યાં સુધી કોઈ ખબર ના પડે ત્યાં સુધી તો ઘેર જ લઈ જવો પડે અહીં એકલો કેમ રખાય . '
ઘેર લઈ જવાનું વિચારતા જ પોતાની ઘરવાળીનો સ્વભાવ યાદ આવી ગયો . રાડારાડ કરી મુકશે . નાની-નાની વાતમાં ઘર માથે લેવા વાળી ... અને એમાંય આ પારકા છોકરાને ઘેર લઈ જઈશ તો...

હોટેલ પર આવતા-જતા ઘણી ગાડીઓ અહીં ચા-નાસ્તા માટે રોકાતી પરંતુ હમણાં તો એ પણ ખાસ આવતી નહોતી અને એમના ભરોસે આ છોકરાને કેમ મોકલું ? ,
છોકરો ક્યાંક અધવચ્ચે ફસાય જાય તો ... , વિચારતા વિચારતા મન મક્કમ કરી જ લીધું જે થવું હોય એ થાય પણ આને મારી સાથે ઘેર જ લઈ જઈશ . મારો હરેશ આનાથી થોડો નાનો છે ... બેય જણા સાથે રહેશે .ત્યાં સુધી તો આ છોકરાના બાપુની ભાળ ક્યાંકને ક્યાંકથી મળી જ રહેશે .

રાતે ઘેર પહોંચતા જ ઘરવાળીએ ઘર માથે લઈ લીધું . ન બોલવા ના શબ્દો બોલવા લાગી ... ' આલ્યા - માલ્યા કોના છોકરાવ ને ઘરમાં ઘાલો છો . ? ન જાત-પાત ,.... નઈ ને ક્યાંક પોલીસ વાળા આવ્યાને તમને ઉપાડી જશે તો... મારે આ છોકરો ઘરમાં ન જોવે .
એવું હોયતો આજની રાત એને બહાર ખાટલો ઢાળી દઈશ પડ્યો રહેશે .

માઁ-બાપુના છૂટી ગયાનો વસવસો રમેશના ચહેરા પર દેખાય રહ્યો હતો . પાછા મળશે કે નહીં ? એની ચિંતામાં ઝાડ નીચે ખાટલામાં સુતો રહ્યો . થોડી બીક લાગી રહી હતી . પણ છૂટકો જ નહોતો .

સવાર પડતા મનજીભાઈની ઘરવાળી રમેશ તરફ ગુસ્સાભરી નજરે જોતા જોતા ઘરવાળાને બોલી .' હું પાણી ભરવા જાવ છુ . આવું ત્યાં સુધી આના બાપુની ભાળ મળે તો મોકલી દેજો... બોલતી બોલતી બેડા લઈને પાણી ભરવા ઉપડી ગઈ .
પાણી ભરવા જવાનું ખાસ્સું એવું દુર હતુ . ઘેર પાછી આવી ત્યાંતો એનો ઓરડો ને રસોડુ ચોખ્ખું ચણાક ... હરેશ દોડીને આવ્યો અને માં ને કહેતા બોલ્યો ' માં આ જો આખું ઘર બહાર ફળિયું બધુ રમેશે સાફ કરી નાખ્યું .ચા ના એઠા વાસણ પણ ઘસી નાખ્યા .
ઓરડાની બારીમાંથી બહારનું ફળિયું દેખાતું હતું તીરછી નજરે બારીમાંથી જોયું એ પણ ધૃણા ભરી નજરે પરંતુ રમેશ તો એની મસ્તીમાં મસ્ત બેઠો હતો . પણ ઘરવાળીના વિચારોમાં રહેલો અહંકાર ક્યાં જાય..? મોઢામાંથી જોરથી બબડી ઉઠી ,
' હું તો વિચારતી હતી કે ઘેર પહોંચીશ ત્યાં તો આ ભાઈસાબ નીકળી ગયા હશે . ધુવાફુવા થતી બાકીનું કામ આટોપવા લાગી .
🍁🍁🍁🍁
આ બાજુ એસ.ટી મા પોતાના છોકરાની ભાળ ન મળતા માઁ-બાપુ રડી રડીને અડધા થઈ ગયા .
ડ્રાઇવરે એ લોકો પર રાડારાડ કરી મૂકી તમારી બેયની વચ્ચેથી છોકરો ઉતરી ગયો ને બેમાંથી કોઈને ખબર ના પડી ? થોડીવાર સુધી બંને એકબીજા પર દોષનો ટોપલો નાખતા રહ્યા .
એક બાજુથી દીકરો છુટ્ટો પડી ગયાનુ દુઃખ અને બીજી બાજુ પુરા વિશ્વમાં ફેલાયેલો રોગચાળો ...
બીજા દિવસની રાત સુધી તો બધા જ શહેરો , ગામ , દુકાનો , બસ , રીક્ષા બધુ જ બંધ થઈ ગયું ...
હવે...???? બંને પક્ષે છોકરો મુખ્ય સવાલ હતો ....
સંદેશો કેમ કરીને પહોંચાડવો ...? , ચા વાળો વિચારતો હતો .છોકરો સીધોસાદો છે કોઈ બીજા ત્રીજાના હાથમાં આવી જાયતો એની જિંદગી બરબાદ થઈ જાય ...
ધીરે ધીરે બધુ સાધારણ થશે . પછી જ કંઈ મેળ પડશે .
રમેશ સાંભળે નહિ એ રીતે મનજીએ ધીમી અવાજમાં પોતાની ઘરવાળીને સમજાવવાની કોશિશ કરી . બે-ચાર દી રાહ જો આ છોકરાના મા-બાપની ભાળ મળશે એટલે મોકલી દેશું .

પણ એની ઘરવાળી ધીમી અવાજમાં બોલે એમ હતી ? ' એ તો સામે તાડુકતા બોલી ' બે ચાર દિવસથી વધારે થયું છે તો જોઈ લે જો મારાથી ભૂંડું કોઈ નથી .

બહાર બેઠેલા રમેશના કાનમાં શબ્દો પડતા જ એની આંખમાં પાણી આવી ગયા . દિલ રડી ઉઠ્યું . પોતાની માઁ ની યાદ આવી ગઈ . એને રડતો જોય હરેશ એની બાજુમાં આવીને બેઠો .
આંખોમાં આવેલા આસું દેખાય નહિ એટલે પોતાના બંને હાથોથી ચહેરો લૂછતો હોય એવો ડોળ કરવા લાગ્યો .

હરેશ એના ખભ્ભે હાથ મુકતા બોલ્યો ' ચિંતા ન કરીશ હો તું તો મારો મોટાભાઈ જેવો છે . મારી માઁ તો બોલતી રહે એની વાત પર ધ્યાન નહી દેતો .

જવાબ આપતા રમેશ બોલ્યો ના રે ના આ તો મા-બાપુની યાદ આવી ગઈ એટલે બાકી મારા જેવા અજાણ્યાનું આટલુ ધ્યાન કોણ રાખે ...? બોલતા બોલતા ગળા સુધી આવેલો ડૂમો દબાય ગયો .

બીજા દિવસની સવાર અને મનજીની ઘરવાળી રોજની જેમ ત્રણ-ચાર બેડા લઈને પાણી ભરવા ઉપડી .
એ સમયે રમેશ ઉભો થઈને પોતાની રીતે કામ કરવા લાગ્યો . એનું જોઈને હરેશ પણ નાની-મોટી મદદ કરવા લાગ્યો . પાણીનો વધારે બગાડ ન થાય એ રીતે કપડાં પણ ધોઈ લીધા .
આજે કલાક ઉપર થઈ ગયું પરંતુ મનજીની ઘરવાળી હજી સુધી આવી નહિ . મનજીને ચિંતા થવા લાગી . આસપાસ છુટા છવાયા ઘરોમાં જઈને પૂછ્યું તો ખબર પડી કે પાણી ભરીને હજુ સુધી કોઈ આવ્યું જ નથી .
થોડીવાર થઈ ત્યાં ચાર બૈરાં રેંકડી ચલાવતા આવતા હતા . જોયું તો મનજીની ઘરવાળી એમાં સૂતી હતી . મનજી એકદમ ચિંતાતુર અવાજમાં બોલ્યો ' આ શું થયું ? '

ત્યાં એક બહેન જવાબ આપતા બોલ્યા ' અમે પાણી ભરીને નીકળતા હતા ત્યાં આમનો પગ લપટ્યો અમે લોકોએ માંડ ઉચકયા અને એક ભાઈથી રેંકડી માગી અને લઈને આવ્યા . બાકી એમનાથી તો ઉભા થવાતું જ નથી .

ઇ જ રેકડીમાં બેસાડીને મનજી દુર એક પહેલવાન આગળ લઈ ગયો .
હાથ -પગ બેય માં પાટો આવ્યો હતો .
ઘેર લાવીને ખાટલા પર સુવાડી .
દોઢ મહિનો હલવાની ના પાડી હતી .

મનજીની ઘરવાળી તો ખાટલામાં સુતા જ બરાડી ઉઠી ... ' આ ઓલો ઘરમાં આવ્યો છે ત્યારથી ઘરમાં કાંઈ સીધુ ઉતરતું જ નથી . આપણી દુકાનનો ધંધો બેસી ગયો , મારે પાટો આવી ગયો . ખબર નહિ કેવો અપશુકનિયાળ છે .???

મનજી જવાબ આપતા બોલ્યો ' દુકાનનો ધંધો આપણો એકનો નહીં , ગામડા ગામ , શહેરોમાં બધે બધુ બંધ થઈ ગયું છે .

હવે સવાલ આવ્યો ખાવાનું બનાવવાનો...
' કેવી રીતે કરશુ ? ને કોણ કરશે ?

ખાટલા પર બેઠેલા કાકાને ચિંતામાં જોઈ રમેશે પૂછ્યું ' કાકા શુ થયું ? કાકીને કંઈ વધારે તો નથી વાગ્યું ને ? '

' અરે ના દીકરા ... '
હવે રોટલાનું કેમ કરશું એ વિચારું છું મને તો ચા ઉકાળવા સિવાય કંઈ આવડતું જ નથી .

અરે એ તો હું કરી દઈશ ..હા થોડા નક્શા બનશે પણ બનાવી દઈશ .
મારી માઁ દુકાનના ધંધા માટે નાસ્તાની પુરી બનાવતી તો મને પણ વણવા બેસાડતી . પાણીપુરીની પુરી આ બધુ મને આવડે , શાક બનાવવાનું પણ થોડુંઘણું યાદ છે . કંઈ ન ફાવે તો કાકીને પૂછીને કરી લેશું ...

રમેશે પોતાના નાનકડા હાથોથી રોટલા ઘડવાની શરૂઆત કરી .
એક જ ઓરડો અને એમાં સામો જ ખાટલો ... ઘરવાળીને તો એનો ચહેરો જોવો ગમતો ન્હોતો . જોર જોરથી નિસાસા નાખવા મંડી અને વિચારવા લાગી ' અરે રામ આખો દી મારે આનું મોઢું જોવું પડશે .
પોતાની ધૃણાભરી નજર રમેશ પર નાખી આંખો ઉપર કપડું નાખીને પડી રહી ...

રમેશે ખૂબ શાંતિથી પોતાનું કામ પૂરું કરી બહાર ફળિયામાં બેસી ગયો .
રોંઢા ટાણું થયું એટલે મનજીએ પોતાના હાથના ટેકાથી ઘરવાળીને બેઠી કરી ને પોતાના હાથે કોળિયા ભરાવતો રહ્યો .
આખી ડુંગળીનું શાક , તળેલા મરચા રોટલો અને છાશ...
એક એક કોળિયો ભરતી ગઈ અને મોઢામાં મીઠાસ ઉતારવા લાગી . જીભને સ્વાદ મીઠો લાગતો હતો પણ મનમાં રહેલા અહંકારની કડવાશ તો કેમ દૂર થાય ???

હવે તો રોજનું થઇ ગયું . વ્હેલી સવારથી માંડીને રાતના વાળુ કરવા સુધી પૂરો ટાઈમ રમેશ , રમેશ , રમેશ
બાપ રે....પુરા ઓરડામાં રમેશ છવાયેલો રહ્યો . જે એની આંખોમાં ખટકતો હતો એ જ રમેશ પુરા ઘરની જવાબદારી શાંતિથી પુરી કરતો હતો . છતાં પણ રમેશના ચહેરા પર લેશમાત્ર અકળામણ કે ગુસ્સો ક્યાંય વર્તાતુ નહોતું ..
ખાટલામાં સુતા સુતા રમેશને ખબર ન પડે એમ આંખો ઉપર નાખેલા કપડાને જરાક આઘુપાછુ કરી એને તીરછી નજરે જોઈ લેતી .

પુરા દેશમાં બધે બધુ જ બંધનું એલાન એટલે રમેશના અહીંથી જવાના કોઈ અણસાર હતા જ નહીં ...
બે દિવસ , ચાર દિવસ ... સમય નીકળતો રહ્યો .
આંખોની આડે રાખેલું કપડુ ધીરે ધીરે થોડું થોડું હટતું ગયું . આંખોના હાવભાવમાં પરિવર્તન આવતું જતું હતું .કામ કરતા રમેશની સાથે એની નજર ટકરાવા લાગી ..

રમેશથી નજર મળતા જ હોઠ ધીરેથી મલ્કી ઉઠ્યા ..આખરે સ્ત્રી હતી .
રમેશના ચહેરાની માસૂમિયત અને દરેક કામને શાંતિથી પાર પાડવાનો સ્વભાવ હરેશની માઁ ના દિલમાં ઉતરતો રહ્યો .
રમેશ માટે મનમાં ઘર કરી ગયેલી કડવાશની બીમારી સામે રમેશનું વર્તન ઔષધિનું કામ કરી ગઈ .
વિચારોના વૃક્ષમાં અહંકારના પડ હળવે હળવે ઉખડીને એમાં લાગણીના નવા પર્ણોનો ખીલવા લાગ્યા . લાગણીમાં સિંચાયેલી નાનકડી ડાળ ધીરે ધીરે વૃક્ષ બનવાની તૈયારી હતી .
ઘરવાળીના હૃદયમાં રમેશ પ્રત્યે ધીમી ધારે મમતાનો ઉછેર થવા લાગ્યો ...

ઘરવાળીના સ્વભાવમાં આવેલ પરિવર્તન મનજી પોતાની આંખોથી જોઈ લેતો હતો .
રમેશની રાતની સુવાની જગ્યા હવે બદલાય ચુકી હતી .
કોઈ એક નવો સંબંધ અજાણ્યા ઘરમાં ઘરના જ સભ્યની જેમ શાંતિથી પોઢી રહ્યો હતો .
🍁🍁🍁🍁
ધીરે ધીરે દેશવ્યાપી મહામારીનો મારો ઓછો થતા રમેશના માઁ-બાપુ તપાસ કરતા કરતા રમેશને લેવા કોઈ જાણીતાની જીપ લઈને રમેશને લેવા આવી પહોંચ્યા .
માઁ-બાપુને જોતા જ રમેશ દોડીને માઁ ના આંચલમાં છુપાય ગયો . ગળે વળગીને માઁ -દીકરા બંનેએ એકબીજાને ચૂમ્મીઓથી નવરાવી દીધા .

રાતનો સમય હોવાથી મનજી ચોખ્ખા શબ્દમાં ના પાડતા બોલ્યો તમને લોકોને રાતે તો નીકળવા જ નહીં દવ... સવારે ટાઢો પહોર થતા જ નીકળી જજો...
રમેશના માઁ-બાપુ બોલી ઉઠ્યા તમે લોકોએ મારા દીકરાને ખૂબ હુંફાળો પ્રેમ આપ્યો છે . તમે લોકોએ કેટલા પ્રેમથી જતન કર્યું હશે એ રમેશની આંખોમાં દેખાય છે .

નોખા લોકો , નોખું શહેર અને નોખી વિચારધારા ધરાવનાર દરેક આજે નાનકડી ઓરડીની અંદર સમાયેલા હતા . કારણકે ત્યાં લોકોમાં લાગણી અને સ્નેહની ભાષાની સમજ હતી . એકબીજા માટે લાગણીઓની છોળો ઉછાળા મારી એમના હૃદયને સ્પર્શી રહી હતી . એકબીજાના સ્વભાવનું સમર્પણ હતું .

બીજા દિવસની વ્હેલી સવાર અને વિદાય વેળાનો સમય , માઁ -બાપુ જીપમાં બેસવા લાગ્યા . જીપમાં ચડતા પહેલા રમેશે નજર કરી..
હરેશની માં બે હાથ ફેલાવી પોતાની મીઠી નજરથી રમેશને પોતાની તરફ આવકાર્યો .. રમેશ પણ દોડીને બેહાથ ની વચ્ચે પ્રેમથી સમાય ગયો .
મમતાના આસુમાં ભીંજાયેલ રમેશ જીપમાં બેસી ગયો...

જીપની પાછલી સીટ પર બેઠેલો રમેશ પુરા ગામને નિહાળતો રહ્યો .જ્યાં નવા સંબંધોનું સિંચન થયું હતું .
જીપના ડ્રાયવરે વિવિધભારતી શરૂ કર્યું અને ફરી એ જ ગીત ગુંજી ઉઠ્યું
' मेरा नाम करेगा रोशन , जगमे मेरा राजदुलारा ... '