રાષ્ટ્રીય શાયર: ઝવેરચંદ મેધાણી
28મી ઓગષ્ટ 1897- 9મી માર્ચ 1947
ઝવેરચંદ મેધાણીનો જ્ન્મ ચોટીલા મુકામે સવંત 1953નાં શ્રાવણ વદ પાંચમના રોજ એટલેકે 28મી ઓગષ્ટ ઈ.સ. 1897 નાં રોજ જૈન વણિક કુટુંબમાં થયો હતો, પિતા કાળિદાસ મેધાણી અને માતા ધોળીબાઈ. મેધાણી કુટુંબ મૂળ બગસરાનું રહેવાસી. ઝવેરચંદનું પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં અને હાઈસ્કુલનું શિક્ષણ અમરેલીમાં થયું. 1912માં મેટ્રીકની પરીક્ષા પસાર કરી, ભાવનગરની શામળદાસ કોલેજમાં દાખલ થયાં. કલાપી પ્રિય કવિ હતાં. ઝવેરચંદે પણ ‘વિલાપી’ ઉપનામ રાખી કવિતા બનાવવાનું શરૂ કર્યુ. બી.એ. ની એક ટર્મ જુનાગઢની બહાઉદીન કોલેજમાં ગાળી પછી શામળદાસમાં ફરી અભ્યાસ ચાલુ રાખ્યું. અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ વિષેશ ધ્યાન આપીને કર્યો.. ઝવેરચંદ સનાતન ધર્મ હાઈસ્કુલમાં પાર્ટ ટાઈમ નોકરી સ્વીકારી એમ.એ.નો અભ્યાસ શરૂ કર્યો, એ દિવસોમાં સ્વદેશીનો પ્રચાર શરૂ થયેલો મેધાણીએ નવરાશના સમયમાં હાથમાં થેલો લઈ સાબુ, સ્ટેશનરી,શાહીની ટીકડીઓ, હાથશાળનું કાપડ લઈ ધરે ધરે જઈને વેચવાનું શરૂ કર્યું. ઝવેરચંદે ભાવનગરમાં ઔદિચ્ય બ્રાહ્મણ વિદ્યાર્થી ભવનમાં મદદનીશ ગ્રુહપતિ તરીકે કામમાં જોડાયાં.
કલકતામાં અમરેલીવાળા જીવણલાલ હંસરાજ કામાણી અને ચોરવાડવાળા જીવણલાલ મોતીચંદ શાહે એલ્યુમિનિયમનાં વાસણો બનાવવાની પેઢી જીવણલાલ કંપની સ્થાપી જેમાં એક ગ્રેજ્યુએટ થયેલા અંગત સેક્રેટરીની જરૂર હતી, આ કંપનીમાં ઝવેરચંદ જોડાયા પગાર પણ સારો આપતા હતા, પણ આ નોકરીમાં જીવ ઠરતો નહોતો મોટા પગારની નોકરી છોડીને મેધાણી પાછા કાઠિયાવાડ આવ્યા. લોકસાહિત્યના સંસ્કારો હતાં જ અંગ્રેજી, સંસ્ક્રુત, બંગાળી સાહિત્યના અભ્યાસનો રંગ ચડયો. કાઠિયાવાડ આવીને સનાતન ધર્મ હાઈસ્કુલની શિક્ષકની નોકરી તૈયાર જ હતી પરંતુ મેધાણીને ખેતી કરવાનો શોખ જાગ્યો, આ દરમ્યાન ‘મોતીની ઢગલીઓ’, ‘અમરરસની પ્યાલી’ અને ‘ચોરાનો પોકાર’ વગેરે લેખો લખાયા. રાણપુરથી પ્રસિધ્ધ થતાં ‘સૌરાષ્ટ્ર’ના તંત્રી માસિક પંચોતેર રૂપિયાના પગારે જોડાયાં. ટાગોરના ‘કથાઓ કાહિની’નો ‘કુરબાનીની કથાઓ’ નામે અનુવાદ ‘સૌરાષ્ટ્ર’ તરફથી પ્રગટ થયો. મેધાણીનું પહેલું પુસ્તક ‘ડોશીમાની વાતો’ છપાયું.
જેતપુરમાં રહેલી દમંયતી સતર-અઢાર વર્ષની પાંચ અંગ્રેજી ચોપડી ભણેલી છોકરીને મેધાણીભાઈ મળ્યાં. દમયંતીબહેન સાથે મેધાણીનાં લગ્ન થઈ ગયાં. મેધાણીએ લખવા માંડયું અને ‘સૌરાષ્ટ્ર’માં છપાવા માંડયું., તેમનું કુટુંબ પણ રાણપુર આવી બે ઓરડીનાં મકાનમાં વસ્યું. મેધાણી તો અઢવાડિયે ત્રણ દિવસ સૌરાષ્ટ્રના ગામે ગામ ફરી લોકકથાઓ, રાસડા, દુહા, ગીતો વગેરે એકઠા કર્યા કરતાં અને ટાંચણ પોથી ઓ ભરવા માંડી. પહેલા વર્ષે જ ‘સૌરાષ્ટ્રની રસધાર’નો પહેલો ભાગ બહાર પડયો. 1927 સુધીમાં તેના પાંચ ભાગ બહાર પડી ગયાં.ચાર-પાંચ વર્ષમા મેધાણીએ ‘સૌરાષ્ટ્ર’ છોડી દીધું અને ભાવનગર જઈ વસ્યા, ત્યા તેમને મહિલા વિધ્યાલયના આચાર્યા મિત્ર અમ્રુતલાલ દાણી અને પત્ની જયાબહેન દાણી મળ્યા જે ખુબજ મદદરૂપ થયાં. શનિ-રવિમાં મહિલા વિધ્યાલયની કન્યાઓ સમક્ષ બાળગીતો, કિશોરગીતો, નિસર્ગગીતો ગાતા. ‘કિલ્લોલ’ અને ‘વેણીનાં ફુલ’ જેવા બાળગીત સંગ્રહ લખ્યાં.’રઠિયારી રાત’ના ચાર ભાગ, ‘ચુંદડી’ના બે ભાગ બહાર પડયાં, ‘કંકાવટી’નાં બે ભાગ, ‘સોરથી બહારવટિયા’ના ત્રણ ભાગ, ‘સોરથી ગીતકથાઓ’, ‘દાદાજીની વાતો’ વગેરે પુસ્તકો ખુબ લોકપ્રિય થયા. સનાતન ધર્મ હાઈસ્કુલના એક સમારંભમાં પહેલી વાર ‘માડી બાર બાર વરસે’ ગીત ગાઈને મેધાણીએ શ્રોતાઓને રોવડાવ્યાં, આ અરસામાં પિતા કાળિદાસભાઈનું અવસાન થયું.
1927માં ભાવનગરમાં ‘લલિત કલાસમાજ’ સ્થાપાયો, તેમાં પ્રખ્યાત બંગાળી લેખક દ્વિજેન્દ્રરોયનો મેધાણીભાઈએ ગુજરાતીમાં ઉતારેલ નાટક ‘શાહજહાં’ ભજવ્યું. ગુજરાતી સાહિત્યકાર માટે રણજીતરામ સુવર્ણ ચંદ્રક આપવાની પ્રથા શરૂ થઈ અને પહેલી પસંદગી ઝવેરચંદ મેધાણીની થઈ. 1929માં મુંબઈની જ્ઞાન પ્રસારક મંડળીએ દર પંદર દિવસે એમ છ વ્યાખ્યાનો યોજયા. દર પંદર દિવસે મેધાણી ભાવનગરથી મુંબઈ જતાં. 1930માં દાંડીકુચનો કાર્યક્ર્મ આવ્યો, બગસરા ગામમાં સરકાર વિરુધ્ધ લોકોને ઉશ્કેરવાનો મેધાણી પર આરોપ હતો. મેધાણીભાઈને બે વરસની સજા મળી. જેલમાં વાચન-સર્જન ચાલુ રહ્યું. જાતજાતના કેદીઓને મળવા આવતા મુલાકાતીઓની વાતો સાંભળીને મેધાણીને પ્રેરણા મળી અને ગુજરાતને પાછળથી ‘જેલ ઓફિસની બારી’ નામની લેખમાળા પુસ્તક સ્વરૂપે લખી. જેલમાંજ ‘કોઈનો લાડકવાયો’ કાવ્ય રચાયું. દસેક માસ પછી ગાંધીજીને ગોળમેજી પરિષદમાં લંડન જવાનું થયું, મેધાણીએ એ વખતની ગાંધીજીની મનોદશાની કલ્પના કરી ‘છેલ્લો કટોરો’ કાવ્ય લખ્યું. “ છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો બાપુ , સાગર પીનારા! અંજલિ નવ ઢોળજો બાપુ!.” ગાંધીજી મેધાણીને ‘રાષ્ટ્રીય શાયર’ કહેતાં. 1932 માં સત્યાગ્રહ ફરી શરૂ થયો અને “સૌરાષ્ટ્ર” બંધ થયું અને “ફુલછાબ” શરૂ થયું. ‘ચિંતાના અંગારા’ની ટુંકીવાર્તાઓ, ‘સોરઠને તીરે તીરે’ લેખમાળા છપાવા માંડી. બોટાદમાં ધર રાખ્યું અને રોજસવારે રાણપુર જઈ મેધાણી રાતે બોટાદ આવતાં.
1933માં એક દુર્ધટના બની, દમંયતી બહેન અચાનક અગ્નિસ્નાન કર્યુ, પુત્ર મહેન્દ્ર નવેક વર્ષનો, પુત્રી ઈન્દુ છ એક વરસની અને જોડિયા પુત્રો નાનક-મસ્તાન બે વર્ષના હતાં. મેધાણી ભારે હ્રદયે મુંબઈ ચાલ્યા ગયાં અને દેશ-વિદેશના લોક સાહિત્યનો અભ્યાસ આદર્યો. ‘પ્રતિમાઓ’ અને ‘પલકારા’ નામનાં બે વાર્તાસંગ્રહ તૈયાર કર્યા. મુંબઈમાંથી ‘જન્મભુમિ’ દૈનિક શરૂ થયું જેમાં મેધાણીભાઈ અઠવાડિયામાં બે વાર ‘કલમ અને કિતાબ’ નામે સાહિત્ય વિભાગ શરૂ કર્યો. ‘સોરઠ તારા વહેતા પાણી’ નામની નવલકથા પણ ‘જન્મભૂમિ’માં લખવા માંડી, આ અગાઉ ‘સત્યની શોધમાં’ અને ‘નિરંજન’ નામની બે નવલકથાઓ પ્રસિધ્ધ થઈ ચુકી હતી, આ અરસામાં વિજ્યાબહેન દુર્લભજી પરીખ મારફતે શ્રી ચિત્રાદેવીનો પરિચય થયો, ચિત્રાદેવીનું લગ્ન નાનપણમાં એક નેપાળી યુવાન સાથે થયેલું, પણ થોડા વખતમાં જ તેઓ વિધવા થયેલાં. મેધાણીભાઈ અને ચિત્રાદેવી એ 1934માં સાદાઈથી લગ્ન કર્યા. મુંબઈ નિવાસ દરમિયાન અનેક સાહિત્યકારોને મળવાનું થયું. ‘તુલસીકયારો’ અને ‘વિવેશાળ’ નામની નવલકથાઓ ‘ફુલછાબ’માં લખાઈ આ ઉપરાંત ‘સમરાંગણ’, ‘ગુજરાતનો જય’, ‘પ્રભુ પધાર્યા’ જેવી નવલકથાઓ મેધાણીભાઈએ લખી જે ઉતમ નીવડી. 1941માં મેધાણીભાઈએ બે દિવસ સુધી શાંતિનિકેતનને પોતાના વ્યાખ્યાનોથી મુગ્ધ કર્યું.
1945માં અંગ્રેજ સરકારે ‘ફુલછાબ’ જપ્ત કર્યુ. મેધાણીભાઈ અને તેની મિત્રો એ નાની નાની પુસ્તિકાઓ છાપવાનું શરૂ કર્યુ, ત્યારબાદ મેધાણીભાઈએ સ્વૈછિક નિવ્રુતિ લીધી. રવીન્દ્ર્નાથનાં કાવ્યોનો સંગ્રહ ‘રવીન્દ્રવીણા’ બહાર પાડ્યો. રવિશંકર મહારાજના જીવન અનુભવોને સાંભળીને ‘માણસાઈના દીવા’ પુસ્તક પ્રગટ કર્યુ, જેના માટે મેધાણીભાઈને મહિડા પારિતોષિક મળ્યું. વર્ષોથી મેધાણીભાઈની નજર સૌરાષ્ટ્રના દેશી ભજનો પર જ હતી જે ‘એકતારો’ પુસ્તક ભજનસંગ્રહ સ્વરૂપે બહાર પાડયો. ‘યુગવંદના’ કાવ્યસંગ્રહ પણ ખુબજ પ્રખ્યાત થયો. સત્યાગ્રહની લડતમાં ગુજરાતનાં ધરે ધરમાં એમની કવિતાઓ ગવાતી. ‘વસુંધરાના વ્હાલા દવલા’, ‘અપરાધી’, ‘બીડેલા દ્વાર’ નવલકથાઓ પ્રકાશિત થઈ, ‘કાળચક્ર’ નવલકથા અધુરી રહી ગઈ. 8મી માર્ચ 1947નાં દિવસે અસ્વસ્થ તબિયતે ભાવનગર રાજ્યનાં પ્રાથમિક શિક્ષકોના સંધના બોટાદ અધિવેશનમાં ભાષણ આપ્યું, બીજે દિવસે સવારે રોજના નિયમ પ્રમાણે વહેલા ઉઠીને ગાયને નિરણ કર્યુ, છાતીમાં દુ:ખાવો ઉપડતા સુઈ ગયા. મધ્યરાત્રીએ હ્રદય બંધ પડી ગયું. દસમી માર્ચે દેહ પંચમહાભુતોમાં ભળી ગયું. પચાસ વરસમાં પાંચસો વરસ જેટલું જીવીને મેધાણીભાઈ અંતિમયાત્રા એ નીકળી પડ્યાં, તેમની દીર્ધજીવી રચનાઓ સદાય અમર રહેસે જેવી કે...............
. * ધટના ધોડા થનગને, આતમ વીંઝે પાંખ,
અણ દીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ.
*આંતર દા વાયરા, ઉઠો ઉઠો હો તમે,
આંતરદા વાયરા ઉઠો!
*મોરબની થનગાટ કરે, મન મોર બની થનગાટ કરે.
* આભમાં ઉગેલ ચાંદલો, ને જીજીબાઈને આવ્યાં બાળ બાળુડાને માત હિંચોળે; ધણ ધણ ડુંગરા બોલે!
શિવજીને નીંદરુ ના’વે, માતા જીજીબીઈ ઝુલાવે.
*જનનીના હૈયામાં પોઢંતાં પોઢંતા, પીધો કસુંબીનો રંગ, ધોળા ધાવણ કેરી ધારા એ ધારા એ, પામ્યો કસુંબીનો રંગ.......હો રાજ મને..