૧. આકાશ આકાશ
બંધ મુઠ્ઠીમાં સમાયું જે આકાશ,
ખૂલેને તો ચોપાસ વેરાય આકાશ.
આંખોના સ્વપ્નોમાં વસે આકાશ,
સહેજ ઝબકો, ઝૂકી જાય આકાશ.
પ્રત્યેક કદમ પર વિસ્તરે આકાશ,
ચરણ રોકાય ત્યાં ઊઠાવે આકાશ.
ભીતર જતાં શ્વાસમાં ધડકે આકાશ,
ઉચ્છવાસમાં પડઘે ભીતરનું આકાશ.
શબ્દો વચ્ચેનું અંતર એકમાત્ર આકાશ,
અંતરનો મર્મ ઝીલાય તો સ્ફૂટે આકાશ.
કિરણોની સવારી પર ઊગતું આકાશ,
ઝાકળ થઇ ઝાકળમાં ડૂબતું આકાશ.
કોણ વસે છે અહીં સિવાય આકાશ,
અત્ર તત્ર સર્વત્ર માત્ર આકાશ આકાશ.
આમ જોઇએ તો સર્વત્ર આકાશની જ ઉપસ્થિતિ છે. એ નથી તો કશું જ નથી. બધાને ઘેરનાર અને સંભાળનાર આકાશ – માત્ર આકાશ.
૨. જીવાઇ ગયું છે.
ક્વચિત સૂર્યના કિરણો અમથાં ઝીલાયાં હોય,
તો રતીભર સભર સભર કંઇક જીવાઇ ગયું છે.
અજાણ્યા બાળકને કદીક વહાલથી જોયું હોય,
એ ક્ષણે બસ એની આંખોમાં જીવાઇ ગયું છે.
આંખોમાંથી ધસમસતાં ગાલ પરના અશ્રુઓને
અપાયેલા સ્પર્શની ભીનાશમાં જીવાઇ ગયું છે.
સલામની આદત અને ટટ્ટાર ડોકની ખેંચતાણમાં
સ્વપ્નમાં ય ઝૂકેલી નજરમાં જ જીવાઇ ગયું છે.
તને ભૂલી ગયાનું એકેય સ્મરણ જ નથી,
મોત જેવું જ સદંતર આ કેવું જીવાઇ ગયું છે.
જીવવાનું તો ક્ષણમાં જ હોય છે. પણ એ ક્ષણ શું સંવેદનાથી સભર છે? નિર્દોષ અને સરળ છે? આંખોમાં કોઇના માટે આંસુઓની જગ્યા છે?
૩. દરિયો સૂકવવો છે.
એક વાદળ આકાશને ધીમેથી કહે કાનમાં,
મારે આખેઆખો દરિયો સૂકવવો છે.
લટમાં ફસાયેલા પવનને વાગી એક છાલક,
પાલવમાં સમાયેલા આભને ચગવવો છે.
ટશર ફુટતાં જ કાંટાને લાગી ગઇ ઠેસ,
સૂકાયેલાં ફૂલોનો ભાર હવે ચૂકવવો છે.
કોરા કાગળમાં પહોંચી’તી એક નવલકથા,
આંસુઓમાં મૌન નિશ્વાસો ઘૂઘવવા છે.
શીખરની નજર ફરી, જોયું સાવ તળિયે,
ખીણને પૂરવા પર્વત આખો ઝૂકવવો છે.
સપનું હકીકત બનશે કે નહીં તે સવાલ નથી. તમે સ્વપ્ન જુઓ છો ખરાં? તે કેવું છે તે નહીં, તેને જોવાની કલ્પનામાં જ તે સમાઈ જાય છે. સ્વપ્ન પોતે જ પોતાનામાં પર્યાપ્ત છે.
૪. હાથમાં આકાશ
જરા હાથ લંબાવું,
ત્યાં
આકાશ મારા હાથમાં,
આકાશને
મારા હાથમાં જ
વસાવી દઉં
સમેટી લઉં,
ત્યાં
આકાશે ધીમેથી કહ્યું,
હું તો
તારા હાથમાં જ
વસ્યો છું,
સમેટાયો છું.
પણ
તેં
તારો હાથ
દઇ દીધો છે,
પાંજરામાં પૂરેલા પોપટને…
અને
હાથે મુઠ્ઠી વાળી
ત્યાં
આકાશ અદ્રશ્ય થઇ ગયું.
ઈશ્વરે આપણને આપણા સામર્થ્ય કરતાં અધિક આપણને આપણા જન્મ પહેલાં જ આપી દીધું છે,પણ આપણી લાલસાઓ ઓછી થતી જ નથી અને આપણે નસીબને સહારે દોડી જઈએ છીએ.
૫. માણસને જ વિઝાની જરુર કેમ છે?
એ જ સૂર્ય ઊગે મારા દેશમાં,
ને વળી તારા દેશમાં પણ
અને
એ જ સૂર્ય કિરણો પાથરે
મારી અગાસી પર..
એ જ સૂર્યથી ખિલે સૂર્યમુખી,
અને
ઝળકે ઝાકળ બિંદુઓ..
ચાંદનીની શીતળતાને કોણ રોકે?
રણની તપ્ત રેતને ઠંડી રજાઇ ઓઢાડે,
ને વળી ક્યાંક દરિયાના મોજાંઓમાં છબછબિયાં કરે.
તો વળી ક્યાંક પ્રિયતમાની આંખોમાં
સ્વપ્નો બની તરવર્યા કરે!
હવાને કહો, ક્યાં જવાની પાબંદી?
વૃક્ષ વૃક્ષ, ફૂલ ફૂલ, નદીઓ પહાડ ને
ઓળંગે સાત સાત સમંદર,
હોય કુટિરનું આંગણ કે ગગનચુંબી ઇમારતો,
પહેલાં અને છેલ્લા શ્વાસમાં એની જ આવન-જાવન.
નિરંતર વહ્યા જ કરે છે એક સીમાથી ક્ષિતિજની પેલે પાર પણ…
જળની કરુણાનો વળી પાર જ નહીં,
રહે ધરતી પર, ને આકાશ સુધી તેની પહોંચ,
પહાડો ખૂંદી, મેદાનો પાર કરી પહોંચે,
દૂર-સુદૂર વળી પાછાં સમાય સાગર મહીં..
સવાલ નિરંતર એક જ મૂંઝવે????
માણસને જ વિઝાની જરુર કેમ પડે છે?
પૃથ્વી એક, પ્રકૃતિ એક, પણ રાજકીય અને ભૌગોલિક સીમાઓની પાબંદી કેમ? પ્રકૃતિ કોઇ પણ ભેદભાવ વગર અનરાધર વરસે, માણસ જ કોઈ પર વિશ્વાસ ન કરે? એની બસ, તાળાઓની જ દુનિયા??