jungle na fool books and stories free download online pdf in Gujarati

જંગલના ફૂલ - દિવ્યેશ ત્રિવેદી

વીસ-બાવીસ વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું હતું. એ વખતે અજય મુનશીને ડાંગની નજીક આવેલા મિદનાપોર ગામમાં ફોરેસ્ટ ઈન્સ્પેકટર તરીકે પોસ્ટીંગ મળ્યું હતું. લગ્ન થયાને માંડ બે વર્ષ થયાં હતાં. તપસ્વી માંડ અગિયાર મહિનાનો હતો. મિદનાપોરના અંતરિયાળ જંગલ વિસ્તારમાં આવડા નાના બાળક સાથે ઘણી તકલીફ પડે એ હેતુથી જ એણે પત્ની અવનીને એકાદ વર્ષ પિતાને ત્યાં રહેવા કહ્યું હતું. પરંતુ અવની માની નહોતી. એને જંગલ વિસ્તારમાં રહેવાનો બહુ મોહ હતો. મિદનાપોરમાં એ વખતે અજયને કાચા-પાકા બાંધકામવાળું એક નાનકડું મકાન મળ્યું હતું. અવનીએ જંગલમાં મંગલની જેમ એ મકાનને જંગલની ચીજો વડે સજાવ્યું હતું. બહાર નાનકડો બગીચો બનાવ્યો હતો અને એક ઝૂલો પણ બાંધ્યો હતો. વાતાવરણ ખૂબ સરસ હતું. સવારનો તડકો અને સાંજનો ઠંડો પવન શહેરમાં તો ક્યાંય જોવા ન મળે. વરસાદ આવે ત્યારે માઝા મૂકીને આવે.

ગામ સાવ નાનું અને બહુ બધું મળે નહીં. હા, દૂધ-શાકની શાંતિ હતી. ગામથી વીસેક કિલોમિટર દૂર આવેલા નાનકડા શહેરમાંથી અઠવાડિયે એક વાર કરિયાણું અને સામાન લઈ આવો પડતો. ગામની ફરતે આવેલા જંગલમાં મોટે ભાગે લાકડાં કાપવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી. એ સિવાય વગડામાં દારૂ ગળાતો. જો કે એ ગામની વસ્તી બહુ ભોળી હતી. ગામ લોકો મૂળભૂત રીતે આનંદી સ્વભાવના અને ધાર્મિક વૃત્તિના હતા. કોઈ કારણ વગર ઉત્સવો ઉજવતા, નાચ-ગાન કરતા. અજય અને અવનીને ઘણી વાર એમની ન સમજાય તેવી વિશિષ્ટ વાનગીઓનો લહાવો મળ્યો હતો.

આટલાં વર્ષો પછી ઘણું બધું બદલાઈ ગયું હતું. જંગલ હવે પહેલાં જેવું ગીચ રહ્યું નહોતું. પહેલાં રસ્તા શોધવા પડતાં હતા. હવે કેડીઓ, પગદંડીઓ અને સાંકડાં રસ્તા પણ બની ગયા હતાં. ઘણાં બધાં ઝૂંપડાં અને ખોરડાં ગાયબ થઈ ગયાં હતાં. એને બદલે ઈંટ, માટી અને ગારાનાં નાનાં નાનાં મકાનો જોવા મળતાં હતાં. ક્યાંક વળી શાકભાજીની વાડીઓ પણ થઈ ગઈ હતી. આજે આ જ મિદનાપોરમાં અજય મુનશીના હાથે રેન્જ ફોરેસ્ટ ઓફિસનું ઉદ્ઘાટન થવાનું હતું. એ વિસ્તારના ધારાસભ્ય મુખ્ય મહેમાન તરીકે આવવાના હતા. આમ તો આ સમારંભો માટે અજય એકલો જ આવવાનો હતો. પરંતુ અવની હજુ આટલાં વર્ષે ય મિદનાપોરની કેટલીક સ્મૃત્તિઓ મનમાં સાચવીને બેઠી હતી. એટલે જ એ પણ અજયની સાથે જીપમાં મિદનાપોર આવવા નીકળી હતી. એની નજર સતત બદલાયેલા વાતાવરણ પર ફરતી હતી. ઉદ્ઘાટન સમારંભ ગામમાં પાંચેક વર્ષ પહેલાં બનેલી નાનકડી પ્રાથમિક શાળાના મકાનમાં હતો. એ તરફ જતાં અચાનક અવનીની નજર એક કાચા-પાકા મકાન પર પડી. એણે ડ્રાઈવરને જીપ ઊભી રાખવાનું કહ્યું. જીપ ઊભી રહી એટલે એ કોઈક યૌવનાની જેમ કૂદકો મારીને નીચે ઊતરી અને પેલા મકાન પાસે પહોંચી ગઈ. આ એ જ મકાન હતું, જ્યાં તે એક-દોઢ વર્ષ રહી હતી. એના મનમાં કઈ સ્મૃત્તિઓ રમતી હતી એ કળાતું નહોતું. પરંતુ એના ચહેરા પર સાવ જુદાં જ ભાવ હતા. એને યાદ આવ્યું આંગણાંમાં કાળીએ રોપેલું પેલું નાનકડું ઝાડ. કાળી એ વખતે એને ત્યાં કામ કરવા આવતી હતી. ઘરના સભ્ય જેવી જ બની ગઈ હતી. એવી કામગરી હતી કે અવનીને જરાય તકલીફ પડવા દેતી નહોતી. તપસ્વીને પણ એ જ રાખતી. આના પર વરસાદ આવે એટલે રંગીન ફૂલો આવે છે. સવારે ઊઠીને તમે એ ફૂલ સામે હસીને જૂઓ તો ફૂલ તમને હસતાં દેખાય અને દુઃખી થઈને જુઓ તો ફૂલ દુઃખી દેખાય. એવાં ફૂલ તમને ક્યાંય જોવા ના મળે. શહેરમાં તો નહીં જ! અવનીની આંખો એ નાનકડા ઝાડને શોધતી હતી, પરંતુ એને ક્યાંય એવું કશું દેખાયું નહીં.

અને એને સહજ કાળી યાદ આવી ગઈ. એ વખતે કાળીની ઉંમર માંડ સત્તર-અઢાર વર્ષની હશે. નામ ભલે કાળી હતું. પરંતુ એનો વાન ઊજળો હતી. એની મારકણી આંખો અને લાંબા વાળ તથા પાતળો સુડોળ દેહ કોઈ સૌંદર્યા કરતા કમ નહોતાં. એનો બાપ જંગલમાં લાકડાં કાપતો હતો. કાળી અવનીને ધેર કામ કરવા આવતી હતી. ત્યારે એને એકાદ વર્ષની નાની દીકરી પણ હતી. એનો વર કેશવ પણ જંગલમાં લાકડાં કાપવા જતો હતો. કાળી લગભગ આખો દિવસ અવનીને ઘેર જ હોય. કચરા કાઢવા, કપડાં ધોવા, ઘર સાફસૂફ રાખવું તપસ્વીને સાચવવો અને અવની જે કહે એ કામમાં મદદ કરવી. થોડા જ દિવસમાં અવની જાણે કાળીની પરવશ બની ગઈ હતી. કાળી કલાક માટે પણ ન દેખાઈ હોય તો અવનીને અકળામણ થઈ જતી.

એ દિવસે ધોધમાર વરસાદ પડ્યો હતો. નજીકના શહેરને જોડતો માટીનો પુલ ધોવાઈ ગયો હતો. તપસ્વી માટે પહેલું ચોમાસું હતું. એને એકાએક સખત શરદી અને તાવ આવી ગયાં હતાં. રાત્રે શહેરમાં જઈને ડોક્ટરની દવા લાવવાનું શક્ય નહોતું. રાત્રે સાત – આઠ વાગ્યા પછી તપસ્વીને તાવ વધ્યો ત્યારે અવનીની ચિંતા વધી ગઈ. અજય સવારે જ શહેરમાં ગયો હતો અને શહેરને જોડતો પુલ ધોવાઈ ગયો હોવાથી કદાચ એક-બે દિવસ ન પણ આવી શકે એવી શક્યતા હતી. તપસ્વીને તાવ આવ્યો છે એવી એને ખબર પણ નહોતી. અવની મૂંઝાતી હતી. કાળી જાણે અવનીની મૂંઝવણ સમજી ગઈ હોય તેમ બોલી હતી, “બેન બા, ચિંતા ના કરશો. હું છું ને? ભાઈને કંઈ નહીં થાય. આવો વરસાદ છે ને, નહીંતર….” અવનીને જિજ્ઞાસા થઈ એણે પૂછ્યું, “નહીંતર…?”

“કંઈ નહીં.……થોડે દૂર વશરામ ભૂવાની દવા લઈ આવત. એ વૈદ છે ને… બધાં એમની જ દવા કરે છે. એ પવાલું પાણી પાયને રોગ નાઠો જ સમજો…” કાળી અજ્ઞાત ગૌરવ લેતાં બોલી.

“તે એ ભૂવા બહુ દૂર રહે છે?” અવનીના પ્રશ્નનો મતલબ કાળી સમજી ગઈ હોય તેમ ઓછણું સરખું કરીને ઊભી થતાં બોલી, “બેન બા, આ બચીને જરા જોજો. હું અબ ઘડી આવું. દોડતી જઈને દોડતી આવું…” અવનીના જવાબની પણ રાહ જોયા વિના એ તો છલાંગ મારીને બહાર નીકળી ગઈ. અવની કંઈક કહેવા જતી હતી, પરંતુ કાળીને સાંભળવાની ફુરસદ જ નહોતી.

લગભગ ત્રણેક કલાક વીતી ગયા. વરસાદ રોકાતો નહોતો. અવનીને હવે ચિંતા થવા લાગી. કાળી હજુ આવી નહોતી. લગભગ રાત્રે સાડા અગિયાર થવા આવ્યા હશે ત્યાં તો કાળીનો પતિ કેશવ કાળીની તપાસ કરવા આવ્યો. વરસાદ બહુ હતો અને નાની છોકરીને લઈને આવવામાં તકલીફ પડે એથી એ કંતાન ઓઢીને કાળીને લેવા આવ્યો હતો. અવનીએ વાત કરી એટલે તરત જ કેશવ બોલી પડ્યોં, “એ નક્કી વશરામ ભૂવા પાસે જ ગઈ હશે. આવી રાત્રે તો જવાતું હશે? એમ આ બચીને તમારી પાંહે મૂકીને?” અવનીને સહજ ગુનાઈત લાગણી થઈ આવી.

એવામાં કાળી આવી પહોંચી. પલળીને લથબથ થઈ ગઈ હતી. એના હાથમાં એક માટીની કુલડી હતી. અવની સામે કુલડી ધરતાં બોલી, “વશરામ ભૂવો પીને પડ્યો હતો, માંડ માંડ દવા લાઈ છું. ભાઈને પાઈ દો, હવારે તો ઘોડાની જેમ હણહણશે…” કેશવ એની સામે જોઈ રહ્યો. એ કંઈ બોલે એ પહેલાં જ કાળીએ કેશવને કહી દીધું, “તું તારે જા…. આજે હું બેન બા પાસે જ રહેવાની… જોતો નથી. એકલાં છે ને ભાઈને…. અને બેન બા, વાર ના કરો ભાઈને કુલડી પાઈ દો…”

અવની મૂંઝવણમાં હતી. કુલડીમાં કેવી ય દવા હોય. પાણી અશુધ્ધ હોય અને તપસ્વીનો રોગ વકરે તો? પરંતુ કાળીનો આગ્રહ અને આત્મવિશ્વાસ જોતાં એણે બહુ લાંબુ વિચાર્યા વિના તપસ્વીને ધડકતા હ્રદયે દવા પાઈ દીધી. લીલા રંગના પાણીએ શું જાદુ કર્યો કે થોડી વારમાં તો તપસ્વી ઘસઘસાટ ઊંઘી ગયો. અવની પણ બેઠા બેઠા જ ઊંઘી ગઈ. કાળી લગભગ આખી રાત જાગતી રહી. મોડી રાત્રે વરસાદ કંઈક અટક્યો. બીજે દિવસે પણ તપસ્વી માટે દવા લેવા ન જઈ શકાયું. ત્રીજે દિવસે સવારે કાચો પુલ કામચલાઉ રીપેર થયો. અજય આવ્યો અને તપસ્વી માટે દવા લઈ આવ્યો. અવનીએ અજયને બધી જ વાત કરી. અજયને બહુ ગમ્યું નહીં. એણે ટકોર પણ કરી કે ભૂવાના વહેમમાં પડીને ગમે તેવી દવા આપવાનું જોખમ ન લેવું જોઈએ. અવની માત્ર એટલું જ બોલી કે, "દવા કરતાં કાળીની લાગણીનું મારે મન વધારે મહત્વ હતું.” અવનીના હ્રદયમાં આટલાં વર્ષે ય કાળી માટે આભારની લાગણી ધસી આવી.

પણ અત્યારે ક્યાં હશે કાળી? એની બચી પણ મોટી થઈ ગઈ હશે! એ કેશવને ધેર જ હશે કે પછી પેલા બાબુ સાથે…..? અને એને એ આખી યે વાત યાદ આવી ગઈ.

દરરોજ અવનીને ઘેર નિયમિત રીતે કામ કરવા આવતી કાળી એ દિવસે બિલકુલ દેખાઈ નહીં. અવની માટે તો કાળી બે હાથ અને બે પગ જેવી હતી. આખો દિવસ કાળી આવી નહીં. એટલે એ અકળાઈ ગઈ. બીજે દિવસે પણ કાળી દેખાઈ નહીં. સાંજે અવનીએ એક છોકરાને કાળીની તપાસ કરવા મોકલ્યો. છોકરાએ આવીને કહ્યું, "કાળી તો પેલા બાબુ સાથે નાસી ગઈ છે હવે નહીં આવે!”.

અજય તરત જ બોલી ઊઠ્યો, "આવા લોકોને બહુ સામાજિક મૂલ્યો ના હોય. નકામી તું એના આધારે રહે છે. વરસ- સવા વરસની છોકરી મૂકીને પારકા જોડે ભાગી જાય એનો ભરોસો શું?

રાત્રે હજુ માંડ અજયની આંખ લાગી હશે ત્યાં તો બારણું ખખડ્યું. કાળીનો પતિ કેશવ હતો. બારણું ખોલતાં જ કેશવ અજયના પગમાં પડી જતાં બોલ્યો, "સાહેબ, કાળીએ મોં કાળું કર્યું છે. એ પેલા બાબુ દારૂડિયાં સાથે કાલે નાસી ગઈ હતી. મારા બાપા એને શોધી લાવ્યા છે અને પોલીસ પટેલને ઘેર બેયને બેસાડ્યાં છે. તમે ચાલો અને એને સમજાવીને મારી પાસે મોકલો. આ નાની છોકરી ખાતર…..” અજયને જરા ગુસ્સો તો આવ્યો. એનાથી બોલી જવાયું, "એની મેળે ગઈ છે તો એની મેળે આવશે. એમ મનાવવાથી થોડી જ આવવાની છે? અને છોકરીને તું કેવી રીતે રાખીશ? એને જ સોંપી દે!”.

કેશવ લગભગ કરગરી પડતાં બોલ્યો, "સાહેબ, કાળી ભલી ભોળી છે. બાબુડીયો ક્યારનો ય એની પાછળ પડ્યો છે. તમે સમજાવો. બાબુડિયો એને સુખી કરવાનો નથી. બાબુની બૈરી જમુને જોઈ છે? જમ જેવી છે. અને એને ય પાછો એક છોકરો છે…”

અજયને કેશવની વાત બરાબર સમજાઈ નહીં. એણે લાગતું જ પૂછી નાખ્યું, "અલ્યા, તારી બૈરી આમ કોઈકની સાથે નાસી ગઈ તો ય તું એને પાછી લાવવા કરગરે છે? કેશવ કંઈ બોલ્યો નહીં. એ મૌન રહીને જે કંઈ બોલ્યો હતો એ અજયને સમજાયું નહીં. પરંતુ અવનીએ અજયને આગ્રહ કર્યો અને અજય કમને કેશવ સાથે પોલીસ પટેલને ઘેર જવા તૈયાર થયો. અચાનક અવનીને શું થયું કે એ પણ અજય અને કેશવની સાથે ગઈ.

ત્રણેય જણાં પોલીસ પટેલને ઘેર ગયાં ત્યારે ઘરની બહાર પોલીસ પટેલ ખાટલા પર બેઠો હતો. સામે બાબુ ઊભા પગે બેઠો હતો અને કાળી દરવાજા પાસે નીચું જોઈને ઊભી હતી. આ લોકો ત્યાં પહોંચ્યાં એ જ વખતે બાબુની પત્ની જમુ કાંખમાં બાળકને લઈને ત્યાં આવી પહોંચી. કોઈની ય પરવા કર્યા વિના એ બાબુને ગાળો દેવા માંડી. છોકરાને નીચે પટકીને એ કાળી પર ત્રાટકવા ગઈ. એના મોમાંથી તો ગાળોનો વરસાદ વરસતો હતો. પોલીસ પટેલે માંડ માંડ એને શાંત પાડી. અજય અને અવનીને પણ આ સ્થિતિ કેવી રીતે થાળે પાડવી એ સમજાતું નહોતું. કાળી એમના એક પણ પ્રશ્નનો જવાબ આપવા માંગતી નહોતી. એણે માત્ર એટલું જ કહ્યું કે બાબુ એને લઈ જતો હોય તો તે બાબુ સાથે જવા તૈયાર છે પોતાની છોકરી અને બાબુના છોકરાને પણ રાખવા તે તૈયાર હતી. અવનીએ પૂછપરછ કરી ત્યારે એમના બધાના આશ્ચર્ય વચ્ચે એણે કહ્યું કે કેશવ સામે એને કોઈ જ ફરિયાદ નથી. કેશવ સારો માણસ છે. પરંતુ બાબુ લઈ જાય તો એ બાબુ સાથે જ જવા માગે છે. બીજી બાજુ જમુ તો પૂરેપૂરી જમ થઈ ગઈ હતી. થોડી જ વારમાં સમજાઈ ગયું કે જમુ વાતને પડતી મૂકે એવી નથી. એણે રીતસર બાબુ પર હુમલો કર્યો એને ધૂળમાં રગદોળ્યો અને એના પર સખત રીતે તૂટી પડી. છેવટે અજય અને પોલીસ પટેલ તથા અવનીની દરમ્યાનગીરીથી બાબુ અને જમુ એમને ઘેર ગયાં અને કેશવ કાળીને લઈને પોતાને ઘેર ગયો.

અવનીને સમજાતું નહોતું કે કાળીને કેશવ સામે કોઈ જ ફરિયાદ નહોતી તો પછી એણે આવું શા માટે કર્યું હશે? અવનીએ આ પછી બે-ચાર વખત કાળીનું મન જાણવાની કોશિશ કરી, પરંતુ કાળી મગનું નામ મરી પાડતી નહોતી. હવે એ અવનીને ઘેર પણ પહેલાં જેટલું આવતી નહોતી. આવે તો ય ઝટઝટ કામ કરીને ચાલી જતી. કાળીના મન વિશેની અવનીની જિજ્ઞાસા જોઈને અજય ક્યારેક એને કહેતો પણ ખરો, "આવા લોકોમાં બહુ ઊંડા ન ઊતરવું, આ લોકોનું જીવન તો આમ જ ચાલે !”

પછી તો બે-ત્રણ મહિનામાં જ અજયને મિદનાપોર છોડવું પડ્યું. જતી વખતે કાળી અવનીને કહેતી ગઈ, “બહેન બા, તમને હું બહુ ખરાબ લાગતી હોઈશ. પણ હું એવી નથી…. એન હા, ભાઈને સાચવજો. હવે તો એમને કોઈ દા’ડો વરાધ નહીં થાય. અને થાય તો મને કહેવડાવજો હું વશરામ ભૂવાની દવા મોકલાવીશ”.

અવનીને ભલે ફરી ક્યારેય તપસ્વી માટે વરાધની દવાની જરૂર ન પડી હોય. પરંતુ આજે અચાનક એ બધું યાદ આવી ગયું. કાળીની છોકરી બચી પણ હવે તો ખાસ્સી મોટી થઈ ગઈ હશે. કાળી કેશવની સાથે જ હશે કે બાબુ સાથે….. પણ એ બધું વિચારવાનો કોઈ અર્થ નહોતો. છતાં એને ઊંડે ઊંડે કાળી વિષે કંઈક જાણવાની ઈચ્છા તો હતી જ. પરંતુ અહીં હવે આટલાં વર્ષે પૂછવું પણ કોને?

બપોરે શાળાના મકાનમાં રેન્જ ફૉરેસ્ટ ઓફિસનો સમારંભ યોજાઈ ગયો. ધારાસભ્યનું ભાષણ પૂરું થયું અને બધાં શાળાની પાછળના ચોગાનમાં જમવા માટે આવ્યાં ત્યાં અચાનક એક આધેડ ઉંમરની બાઈ આવીને અવનીનો પાલવ પકડીને ઊભી રહી ગઈ. એ એવા જ સ્મિત સાથે બોલી, "બેન બા, હું કાળી! મને ઓળખી! ભાઈ કેમ છે? પછી ફરી વરાધ તો નથી થઈ ને?”.

“ અરે, કાળી, તું? તું તો સાચે જ કાળી પડી ગઈ છે! બોલ, હું તને જ યાદ કરતી હતી! તારી બચી ક્યાં છે? કેશવ અને પેલો….” પરંતુ એ આગળ બોલી શકી નહીં. એની બાજુમાં જ બચી ઊભી હતી. બિલકુલ કાળીની પ્રતિકૃતિ જ જોઈ લો!.

અવની કાળીને હાથ પકડીને પથ્થર પર એક ઝાડ પાસે લઈ ગઈ. અવની એક પથ્થર પર બેઠી અને કાળી તથા બચી નીચે જમીન પર બેસી ગયાં. કાળીએ ફરી તપસ્વીના ખબર પૂછ્યા એટલે અવનીએ કહ્યું કે એ તો બહુ મોટો થઈ ગયો છે અને અત્યારે વિલાયતમાં ભણે છે.

આડી અવળી વાતો કરતાં કરતાં અવનીએ થોડો ભૂતકાળ ઉખેડવા પ્રયત્ન કર્યો. અગાઉ હંમેશાં ચૂપ રહેનારી કાળીએ દિલ ખોલીને વાત કરી.

એણે કબૂલ કર્યું કે એ કેશવ સાથેનાં લગ્ન પહેલાંથી બાબુ પર મરતી હતી. પરંતુ બાબુ બહુ દારૂ પીતો હતો અને બીજી બાજુ કાળીના બાપાના માથે કેશવના બાપાનું દેવું હતું. એટલે એણે કેશવ સાથે લગન કર્યા હતાં. કેશવ આ વાત જાણતો હતો છતાં કાળીને સારી રીતે રાખતો હતો અને કદી હેરાન પણ કરતો નહોતો. છતાં એને તો બાબુ સાથે જ જવું હતું. પરંતુ જમુ બાબુને છોડવા તૈયાર નહોતી છેવટે કાળીએ મન મનાવી લીધું હતું અને બાબુને પડતો મૂક્યો હતો.

લગભગ પાંચેક વર્ષ પછી એક દિવસ એવું બન્યું કે કાળીની પાંચ – સાત વર્ષની છોકરી બચી વાડીએથી પાછી આવતી હતી ત્યારે વગડામાં ગામના સરપંચના મોટા છોકરા શિવુએ બચીને રસ્તામાં આંતરી અને એનાં કપડાં ફાડી નાંખ્યા. એ બચી પર તૂટી પડવા જતો હતો ત્યાં તો અચાનક બાબુ ત્યાં આવી ચડ્યો. બાબુ એ દિવસે ચિક્કાર પીધેલો હતો. બચીની ચીસો અને રાડા રાડ સાંભળીને એણે બચીને છોડાવી અને શિવુ પર તૂટી પડ્યો. એણે આવેશમાં શિવુનું ગળું દબાવી દીધું. બાબુને પોલીસ પકડી ગઈ. બે વર્ષ પછી બાબુને જેલમાં જ કોઈક રોગ લાગુ પડ્યો અને એ મરી ગયો. એની બૈરી જમુએ એ પછી નાતરું કર્યું. મરતાં પહેલા બાબુએ કેશવ અને કાળીને આજીજી કરી હતી કે મેં તારી છોકરી ખાતર શિવુને પતાવી દીધો એટલે જમુ મને માફ નહીં કરે. કોઈક દિવસ જરૂર પડે તો મારા છોકરાને સાચવજે. મને જમુનો ભરોસો નથી.

અને બન્યું પણ એવું જ. જમુ પેટના એકના એક છોકરાને એની નાની બહેન પાસે મૂકીને નાતરે ગઈ. પછી તો જમુની બહેનના પણ બીજે ગામ લગન થયાં અને કાળી બાબુના છોકરા હરિયાને પોતાની પાસે લઈ આવી. સાત-આઠ વર્ષની ઉંમરથી કેશવ અને કાળીએ હરિયાને ઉછેર્યો હતો.

કાળીએ થોડીક શરમ સાથે અવનીનો હાથ પકડીને કહ્યું, "બેન બા, હરિયાને મેં બચીની જેમ જ મોટો કર્યો છે. મેં તો બેયને મનથી પરણાવી દીધાં છે. કાલે જ એમના અહીં મંદિરમાં લગન રાખ્યા છે. કાલે તમે એ બેયને આશીર્વાદ આપીને જ જજો.” અવની તો કાળીની સામે જોઈ જ રહી. એવામાં કેશવ પણ ત્યાં આવી ચડ્યો. એની સાથે જે છોકરો હતો તે હરિયો જ હશે એ સમજતાં અવનીને વાર ન લાગી. કેશવ અને હરિયો અવનીને પગે લાગ્યા. અવની એ ચારેય ને જોઈ રહી. કાળીએ ફરી વાત દોહરાવી, “બહેન બા તમે કાલે જ જજો. મારા હરિયા અને બચી માટે આજે રોકાઈ જાવ…”

“કાળી, તારી વાત તો સાચી છે. પરંતુ અમારે કાલે સવાર વહેલા નીકળીને પહોંચી જવું પડે એમ છે. સાહેબને કાલે એક મિટીંગમાં હાજર રહેવું પડે એમ છે. અમારા આશીર્વાદ તમારા લોકોની સાથે જ છે…”

“બહેન બા, સાહેબને હું તો ના કહું, પણ તમે એમને સમજાવો. કાલનો દિવસ…” કાળીએ વિનંતી કરી.

“કાળી, તને તો ખબર છે ને….. સાહેબ નહીં માને…” અવનીએ નિરાશા સાથે કહ્યું.

ત્યાં તો બે – ત્રણ જણા અવનીને જમવા બોલાવવા આવ્યા. અવનીને વાત અડધેથી પડતી મૂકીને ઊભા થવું પડ્યું.

બપોરે જમીને શાળાના જ એક ઓરડામાં અજય અને અવની માટે આરામની વ્યવસ્થા કરવામાં આવી હતી. થાક અને મસ્ત જમણને કારણે બપોરથી સરસ ઊંઘ આવી ગઈ. ચારેક વાગ્યે ઊઠ્યા પછી અવનીએ અજયને કાળીની બધી જ વાત કરી અને કાલે હરિયા અને બચીના લગ્નમાં હાજર રહેવાના એના આગ્રહ વિષે પણ કહ્યું – અજયને અણગમો ઉપસી આવ્યો અને એણે છણકો કરીને કહ્યું, "તારું ભેજું ફરી ગયું છે કે શું?”

અવની કંઈ બોલી નહીં. એને અજયનો આવો પ્રતિભાવ ગમ્યો નહીં. અજયે તો પાછો એવો કટાક્ષ પણ કર્યો કે, ”આ લોકોના સંબંધોમાં વળી મૂલ્ય શું? કાલે એ જ બચી પાછી કોઈક બાબુ પાછળ હરિયાને મૂકીને જતી રહેશે! ”

અવનીને અજયની આવી ટકોર ગમી નહીં. છતાં એના મનમાં એવો વિચાર તો આવ્યો જ કે આપણને એમના સંબંધોના મૂલ્ય ભલે ન સમજાય પરંતુ એમના મૂલ્યો એ એમના મૂલ્યો તો છે જ! અને કહી દીધું, "આપણે કાલે સવાર પાંચ વાગ્યે અહીંથી કોઈપણ સંજોગોમાં નીકળી જવાનું છે. નકામી આ લોકોની પંચાતમાં પડીશ નહીં.”

અજય વાક્ય પૂરું કરે એ પહેલાં જ કાળી અને કેશવ આવી પહોંચ્યાં. કાળીએ જ અવનીને કહ્યું, “બહેન બા, તમારે સવારે જવાનું જ છે ને, એટલે મેં અત્યારે રાત્રે જ મંદિરમાં હરિયા અને બચીનાં લગન લેવડાવ્યાં છે. તમારે આવવાનું જ છે. કેશવ, સાહેબને તું કહે…”

રાત્રે આઠ વાગ્યે હરિયા અને બચીનાં લગન લેવાયાં. અવની અને અજય હાજર રહ્યાં. અવનીએ પોતાના ગળામાંથી માળા ઉતારીને બચીના ગળામાં પહેરાવી અજયને પણ શું સૂઝ્યું કે એણે હરિયાના એક કાંડા પર પોતાનો રૂમાલ બાંધી દીધો અને બીજા કાંડા પર પોતાની ઘડિયાળ બાંધી દીધી. રાત્રે અજય કંઈ બોલ્યો નહીં. અવનીને પણ કાંઈ સમજાતું નહોતું. છતાં એને કોઈક અકથ્ય આનંદ અનુભવાતો હતો. રાત્રે લગ્ન પતાવીને પાછાં ફરતી વખતે અજય અને અવનીએ કેશવ અને કાળીના ચહેરા પર જે ભાવ જોયા હતા એ ઉકેલવાની મથામણ જાણે એમના મનમાં સતત ચાલ્યા જ કરતી હતી.

વહેલી સવારે પાંચ વાગ્યે અજય અને અવની જીપ લઈને જેવાં શાળાની બહાર નીકળ્યા કે સામે જ હરિયા અને બચીને ઊભાં રહેલાં જોયાં. હરિયાના હાથમાં એક છાબડી હતી. છાબડીમાં પેલા જંગલી જાદુઈ ફૂલોનો છોડ હતો. હરિયાએ એ છોડ અવનીને આપતાં કહ્યું, "આ છોડ તમે…. આ જાદુઈ છોડ….” પરંતુ અવની એને વચ્ચેથી રોકતાં બોલી, "આપણે હસીને જોઈએ તો એ હસે અને રડીને જોઈએ તો એ રડે, બરાબર ને?”

અવનીએ હરિયા અને બચીના માથા પર હાથ મૂકીને છોડ લઈ લીધો અને પોતાના ખોળામાં મૂકતાં બોલી, “ઘેર જઈને હું આ છોડને વાવી દઈશ અને કાયમ એની સામે હસીને જોઈશ.”

જીપ સડસડાટ આગળ વધી. અવનીને એ નાનકડા અને કુમળા છોડ પર આવનવાં અને રંગબેરંગી ફૂલો સતત હસતાં દેખાયાં. અજયને આખા રસ્તે એ જ ફૂલો અવનીના ચહેરા પર ખીલતાં દેખાયા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED