Zanzavat - Divyesh Trivedi books and stories free download online pdf in Gujarati

ઝંઝાવાત - દિવ્યેશ ત્રિવેદી

દેશ-વિદેશની પ્રતિષ્ઠિત બહુ રાષ્ટ્રીય કંપની પેરેમાઉન્ટ કોર્પોરેશનમાં જનરલ મેનેજર -એચ.આર.ડી. તરીકે મારી નિમણૂક થઈ એ પછી કર્મચારીઓ માટેનો આજે પહેલો તાલીમી કાર્યક્રમ હતો. કર્મચારીઓમાં કંપની સાથેના સંબંધો સુધરે અને વધુ તંદુરસ્ત બને, કર્મચારીઓ અંદરો અંદર સુમેળ અને સહકારથી વર્તે, એમનો આત્મવિશ્વાસ વધે અને કાર્યક્ષમતા પણ ઊંચી આવે તથા એમના વ્યક્તિત્વનો પણ વિકાસ થાય એવા કાર્યક્રમો એક યા બીજા સ્વરૂપે છેલ્લાં ઘણાં વર્ષોથી કરતો આવ્યો હોવા છતાં હજુય મને દરેક કાર્યક્રમ નવો લાગે છે અને દરેક વખતે જાણે મને ય કંઈક નવું શીખવા મળતું હોય એવું લાગે છે. તાલીમાર્થીઓના ચહેરા પર હું સંતોષ જોઉં છું ત્યારે મને મારા કામની સાર્થકતા અનુભવાય છે. છેલ્લાં ૨૫-૩૦ વર્ષમાં અનેક તાલીમાર્થીઓ આવ્યા, કેટલાક સાથે પરિચય વધ્યો. કેટલાક વર્ષો પછી અચાનક ક્યાંક મળી જાય અને અગાઉના કાર્યક્રમને યાદ કરે ત્યારે ધન્યતાનો અનુભવ થાય. ઘણી વાર એવું લાગે કે શિક્ષણ જેવો જ આ ઉમદા વ્યવસાય મેં પસંદ કર્યો છે, જે મને અવારનવાર જીવન જીવવાનું નવું રસાયણ પૂરું પાડે છે. આવો વ્યવસાય પસંદ કરવા મા મને મારી જાતનું ગૌરવ પણ થતું.

જનરલ મેનેજર તરીકે હવાલો સંભાળ્યા પછી કંપનીની જુદી જુદી શાખાઓમાં નિયમિત તાલીમી કાર્યક્રમો યોજવાનો નિર્ણય લેવાયા પછી મારા વિભાગમાં કેટલાક પ્રશિક્ષકની ભરતી કરવાનું નક્કી કર્યું. એ પ્રમાણે જાહેરાત પણ આપી હતી. જવાબમાં આવેલી અરજીઓની ફાઈલ મારા અંગત મદદનીશે મારા ટેબલ પર મૂકી હતી. બે દિવસથી ફાઈલ મારા ટેબલ પર પડી હતી. પરંતુ મને એ જોવાનો સમય મળતો નહોતો. ઘણી વાર કેટલાંક કામો સાવ સાદા અને સરળ હોય તો પણ અકારણ ખોરંભે પડી જતાં હોય છે. આ ફાઈલનું પણ એવું જ થયું હતું. એ સાંજે મારા અંગત મદદનીશ શર્માએ મને કહ્યું, “આ ફાઈલ પર આપ નજર કરી જાવ તો આપણે ઈન્ટર્વ્યુ ગોઠવીએ.”

“આમાં મારે જોવા જેવું શું છે? યોગ્ય લાયકાત ધરાવતા હોય એવા ઉમેદવારને ઈન્ટરવ્યુ માટે બોલાવો...”

“પણ સાહેબ, ઉમેદવારો ઘણા છે… લગભગ પચાસ જેટલા મેં શોર્ટ-લિસ્ટ કર્યું છે. આપ નજર કરી જાવ અને ઈન્ટરવ્યુ ક્યારે રાખવા છે એ કહો તો હું આગળ કાર્યવાહી માટે પર્સોનલ ડિપાર્ટમેન્ટને કહું. એ રાત્રે જ ફાઈલ ઘરે લઈ જઈને જોઈ લેવાનું નક્કી કર્યું અને કાલે સવારે ફાઈલ લઈ જવા શર્માને કહ્યું.

રાત્રે જમ્યા પછી થોડી આળસ ચડી. સહેજ વાર તો એમ પણ થયું કે ફાઈલ સવારે જ જોઈશ. પરંતુ પછી મનમાં વિચાર આવ્યો કે તાલીમાર્થીઓને ‘ટાઈમ મેનેજમેન્ટ’ અંગે શીખવતી વખતે હું જ કોઈ પણ કામને ટાળવાની વૃત્તિ પર વિજય મેળવવાનું કહેતો હોઉં અને બીજી તરફ હું જ નજીવા કામને ટાળતો હોઉં એ બરાબર ન કહેવાય. મેં તરત જ ફાઈલ હાથમાં લીધી. ફાઈલ દળદાર થઈ ગઈ હતી. ઓછામાં ઓછી ૭૦-૯૦ અરજીઓ હશે. શર્માએ શોર્ટ-લિસ્ટ કરીને પચાસ જેટલા ઉમેદવારોની યાદી અલગ કરાવી હતી. મારે બધી અરજીઓ જોવાની જરૂર નહોતી, માત્ર યાદી પર જ નજર કરવાની હતી. સૌથી પહેલાં મેં શૈક્ષણિક લાયકાતો તરફ નજર કરી. અનેક ઉમેદવારો એમ.એ. ડિપ્લોમા, એમ.બી.એ., એમ.એસ.ડબલ્યુ. વગેરે જેવી ડિગ્રીઓ ધરાવતા હતા. મને એ વાતનો સંતોષ થયો કે માનવ સંસાધન વિકાસના ક્ષેત્રમાં પણ કારકિર્દીની ઊજળી તકો છે એ વાત હવે લોકોને સમજાઈ છે. ઘણા બધા ઉમેદવારો અનુભવી પણ હતા. પછી ઉમેદવારોનાં નામના ખાના પર એક અછડતી નજર નાખી કદાચ કોઈ ઓળખીતું નામ મળી આવે. જો કે મારે મારા વિભાગમાં ભરતી માટે અનુભવ અને લાયકાતને જ સૌથી વધુ મહત્વ આપવાનું હતું. છતાં માનવ-સ્વભાવને વશ મેં નામોની યાદી પર નજર કરી. એક નામ પાસે આવીને મારી આંખ સ્થિર થઈ ગઈ. મિસ. એસ. એન. જોગાણી – આમ તો આંખ અહીં અટકી ન હોત. પરંતુ અટક થોડી વિશિષ્ટ હતી. મને અચાનક કંઈક યાદ આવી ગયું. એક ભાવવાહી ચહેરો બે નીતરતી આંખો અને હોઠ પર રમતું મંદ છતાં રહસ્યમય સ્મિત મારી આંખો સામેથી પસાર થઈ ગયું.

મેં ફાઈલ આખી ઊથલાવી અને મિસ. એસ. એન. જોગાણીની અરજી કાઢી. અરજીમાં આખું નામ લખ્યું હતું. મિસ સરોજ નંદલાલ જોગાણી, અરજીની બધી જ વિગતો વાંચી ગયો. મનોવિજ્ઞાન સાથે એમ.એ., એચ.આર.ડી ડીપ્લોમા, દસ-બાર વર્ષનો સારી કંપનીઓમાં કામ કર્યાનો અનુભવ, એ પહેલાં કોલેજમાં વ્યાખ્યાતા. સરનામું આ જ શહેરનું હતું, આ એ જ સરોજ હશે? કદાચ હોય પણ ખરી, અને ન પણ હોય, મેં ફાઈલ બંધ કરી. પરંતુ મન ભૂતકાળના રવાડે ચડી ગયું. હું પથારીમાં પડ્યો આંખો બંધ કરી, પરંતુ ભૂતકાળના દરવાજા ખુલી ગયા. મન વીસ-પચીસ વર્ષ પાછળ ચાલ્યું ગયું. આટલાં વર્ષોની ધૂળ જાણે ખંખેરાઈ ગઈ અને વિડિયો રિપ્લે થાય એમ માનસપટ પર વીસ-બાવીસ વર્ષ પહેલાંની વાત રિવાઈન્ડ થઈને રિપ્લે થવા માંડી.

એ દિવસોમાં મારી પણ કારકિર્દીની શરૂઆત હતી. એચ.આર.ડીનો ખ્યાલ એ વખતે આટલો વ્યાપક નહોતો અને આ ક્ષેત્રમાં નોકરીની તકો મર્યાદિત હતી. હું એ વખતે શાળા-કોલેજ, ક્લબો તથા સ્વૈચ્છિક સંસ્થાઓમાં એક બે કે ત્રણ દિવસના વ્યક્તિત્વ-વિકાસ, પ્રેરણા, શૈક્ષણિક માર્ગદર્શન વગેરે જેવા કાર્યક્રમો કરતો હતો. સામેથી જઈને કાર્યક્રમો ગોઠવતો હતો. બહુ પૈસા નહોતા મળતા, પરંતુ મને એમાંથી ખૂબ આનંદ અને સંતોષ મળતો હતો. આવી જ રીતે મારા એક પરિચિત મિત્રની મદદથી એક સ્વૈછિક સંસ્થાના નેજા હેઠળ મેં વ્યક્તિત્વ-વિકાસ અંગેની ત્રણ-દિવસની તાલીમ શિબિર હાથ ધરી હતી. લગભગ ૧૮-૨૦ વર્ષની વયના કોલેજમાં ભણતાં યુવક-યુવતીઓ આ શિબિરોમાં આવ્યાં હતાં. લગભગ બધાં જ ખૂબ ઉત્સાહી હતાં. આ શિબિરોમાં મેં પ્રવચનો ફટકારવાને બદલે એમની પાસે વિવિધ પ્રવૃત્તિઓ કરાવી હતી. આથી તેઓને ખૂબ મજા પડી હતી. યુવાનોને લાંબા પ્રવચનો નથી ગમતાં એ વાત મને બહુ વહેલી સમજાઈ ગઈ હતી.

મારા આવા દરેક કાર્યક્રમમાં હું તાલીમાર્થીઓના નામો યાદ રાખવાની કોશિશ કરું છું. મને યાદ આવે છે કે એ કાર્યક્રમમાં દિનેશ નામના ત્રણ યુવાનો હતા અને સરોજ નામની ચાર યુવતીઓ હતી. બપોરે પછી એકાએક મને અહેસાસ થયો કે છેક આગળ બેઠેલી સરોજ નામની યુવતી મારી સામે કોઈક જુદી જ નજરે જોતી હતી. આમ તો આવા તાલીમી કાર્યક્રમો દરમ્યાન લગભગ દરેક ચહેરા પર જિજ્ઞાસા, ઉત્કંઠા, અહોભાવ અને થોડી મુગ્ધતા જોવા મળતી હોય છે. કેટલાક ચહેરા ગંભીર પણ હોય છે. પરંતુ આ છોકરીના ચહેરા પર કોઈક વિશિષ્ટ ભાવ જોવા મળતો હતો. એની આંખો અત્યંત ભાવવાહી હતી. આંખોમાં વિશિષ્ટ પ્રકારની નમી વર્તાતી હતી. એનું સ્મિત પણ અદ્ભુત હતું. પ્રશિક્ષક તરીકેની મારી ભૂમિકાથી હું સભાન હતો. એટલે મેં એ છોકરી તરફ બહુ ધ્યાન ન આપ્યું. છતાં થોડી થોડી વારે મારી નજર અનાયાસ એના તરફ વળી જતી હતી પણ પછી તરત હું નજર ફેરવી લેતો હતો.

દિવસ પૂરો થયા પછી કેટલાંક યુવક-યુવતીઓ મને કંઈક ને કંઈક પૂછવા મારી આસપાસ ટોળે વળી જતાં હતાં. આ ટોળામાં સરોજ પણ હતી, બધાં જ કંઈક ને કંઈક પૂછતાં હતાં, પરંતુ સરોજ કશું બોલતી નહોતી. હું જે કંઈ બોલતો હતો એ સાંભળતી હતી અને મારી સામે જ જોયા કરતી હતી. બધાં વિખરાયાં ત્યારે એ પણ ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ. ફરી બીજા દિવસે એ જ ક્રમ હતો. એની ભીની અને ભાવવાહી આંખો, મંદ છતાં રહસ્યમય સ્મિત અને મારી તરફ એકીટશે જોયા કરવાની એની અલગ તરાહ, કદાચ એની નજરમાં કશું જ અજૂગતું નહોતું. છતાં એની નજર સામાન્ય પણ નહોતી.

ત્રીજે દિવસે શિબિરની સવારની બેઠકમાં મેં વારાફરતી કેટલાક શિબિરાર્થીઓને બોલવા ઊભા કર્યા. સરોજ પણ બોલવા ઊભી થઈ. દરેક જણે પોતાના જીવનના ધ્યેય વિષે ટૂંકમાં બોલવાનું હતું. સરોજ જેટલી સુંદર અને આકર્ષક દેખાતી હતી એટલો જ એનો અવાજ પણ સુંદર અને આકર્ષક હતો. એ દરેક વાક્ય બોલીને મારી સામે જોતી હતી. હું સ્વાભાવિક ડોકું ઘુણાવતો હતો અને એ બોલતી જતી હતી. એક વાર મેં ડોકું ધુણાવ્યું નહીં અને એના તરફ નજર ન કરી તો એણે પોતાની વાત અટકાવી દીધી અને બેસી ગઈ. એણે પોતાના જીવનના ધ્યેયની વાત કરતાં સારી ગૃહિણી બનવાની અને સમાજને ઉપયોગી બની રહેવાની વાત કરી હતી.

એ બપોરે લંચ સમયે બધાં ગોઠવાઈ ગયાં હતાં. લંચ માટેના કોઈ પણ કાર્યક્રમ દરમ્યાન હું બપોરેના સમયે ખૂબ ઓછું ખાઉં છું. આજે પણ મેં આવી આદત જાળવી રાખી છે. મારી ડીશમાં ચાર ગુલાબજાંબુ હતા, મેં ત્રણ ગુલાબજાંબુ સામે પડેલા બાઉલમાં પાછા મૂકવા માંડ્યાં એટલે સરોજે કહ્યું, “સર, આ બધાં ગુલાબજાંબુ તમારા માટે જ છે!”

“કેમ? તારો શું ઈરાદો છે? મને અહીંથી જીવતો જવા દેવો છે કે નહીં?” મેં કૃત્રિમ ગુસ્સો કરતાં કહ્યું.

“એવું કેમ બોલો છો, સર?’ સરોજે એવી જ નારાજગી સાથે કહ્યું.

“તો શું? આટલાં બધાં ગુલાબજાંબુ ખાય જાઉં તો હું ગુજરી જ જાઉં!” મેં થોડી હળવાશ લાવતાં કહ્યું.

“ગુલાબજાંબુ ખાઈને કોઈ ગુજરી ગયું હોય એવું તમે સાંભળ્યું છે ખરું? મેં તો નથી સાંભળ્યું!” એ ઠપકાના સૂરમાં બોલી.

“અત્યાર સુધી ન સાંભળ્યું હોય એ સાંભળવું હોય તો મને આ બધાં ગુલાબજાંબુ ખવડાવી દે!” આ સાંભળીને આજુ બાજુ બેઠેલા બીજા યુવક યુવતીઓ હસી પડ્યાં.

પછી મેં ચૂપચાપ ખાવા માંડ્યું. એકાદ મિનિટના મૌન પછી મને થયું કે મારે કંઈક વાત કરવી જોઈએ. એટલે મેં ઔપચારિક વાત કરવા માટે પૂછ્યું, “ સરોજ, તું શેમાં ભણે છે.”

સરોજનો કોળિયો હાથમાં રહી ગયો. એ જાણે સ્તબ્ધ થઈ ગઈ હોય એવું લાગ્યું. પરંતુ પછી સ્વસ્થ થઈને નીચું જોઈ ગઈ અને બોલી, “મેં ભણવાનું છોડી દીધું છે!”

મને પણ આંચકો લાગ્યો, છતાં મેં સ્વસ્થતા જાળવીને વાત આગળ ચલાવી, “ક્યાં સુધી ભણી? કેમ ભણવાનું છોડી દીધું.”

“એફ.વાય.બી.એ.ની પરીક્ષા નથી આપી…”

“પણ ભણવાનું કેમ છોડી દીધું?”

એ કાંઈ બોલી નહીં. એના ચહેરા પર રીતસર ગ્લાનિ છવાઈ ગઈ હોય એવું લાગ્યું. અચાનક મારી અંદરનો પ્રશિક્ષક જાગી ઊઠ્યો. મેં એક લઘુ-પ્રવચન ફટકારી દીધું, “સરોજ, તું ખૂબ સુંદર દેખાય છે. પરંતુ આપણી સુંદરતા આજીવન ટકવાની નથી. આભૂષણો અને સૌંદર્ય પ્રસાધનો પણ સુંદરતા ટકાવી શકતાં નથી. ખરું આભૂષણ તો આપણું ભણતર જ છે. હવે જમાનો બદલાયો છે. સ્ત્રીઓ દરેક ક્ષેત્રમાં આગળ આવી રહી છે. ભણતર વિના આગળ આવવું અઘરું છે. હવે તો ઘેર બેઠાં અભ્યાસ કરવાની પણ અનેક સવલતો ઉપલબ્ધ છે. તારે ભણવું જ જોઈએ. બોલ, આગળ અભ્યાસ કરીશ કે નહીં?”

એ મૌન રહી. મેં એના જવાબની રાહ જોઈ. પરંતુ એ કશું જ બોલી નહીં. એટલે મેં કહ્યું, “અત્યારે ભલે તું મને સાવ જવાબ ન આપે, પરંતુ મને એટલું વચન આપ કે તું ભણવા અંગે ગંભીરતાથી વિચાર અવશ્ય કરીશ. બોલ, વચન આપે છે?”

અચાનક એના ચહેરાના ભાવ બદલાઈ ગયા એન હળવાશથી એણે હકારમાં ડોકું ઘૂણાવ્યું. એ પછી મેં જોયું તો એ જાણે મનમાં હસી રહી હતી અને આજુબાજુ બેઠેલાઓ પણ હસતા હતા. મને સમજાયું નહીં. મેં પૂછ્યું, “તમે બધા પણ સરોજના નિર્ણયથી ખુશ થઈ ગયા ને?” પરંતુ એ બધા હવે ખડખડાટ હસવા માંડ્યાં. સરોજ પણ મોં પર હાથ રાખીને ખડખડાટ હસવા લાગી. મને નવાઈ લાગી. પરંતુ સરોજનું ખડખડાટ હસવાનું મને ખૂબ ગમ્યું.

મારી ડાબી તરફ બેઠેલા પરેશ નામના યુવાને મને કહ્યું, “સર, આ સરોજે તમને વાત વાતમાં છ ગુલાબજાંબુ ખવડાવી દીધાં અને તમે ખાઈ પણ ગયા…” મને ખરેખર આશ્ચર્ય થયું. હવે મને અહેસાસ થયો કે મારા પેટમાં વજન થઈ ગયું છે. હું કંઈ બોલ્યો નહીં. ક્રિકેટની રમતમાં ઓપનિંગ બેટ્સમેન પહેલા જ બોલે આઉટ થઈ જાય ત્યારે એના ચહેરા પર જેવા ભાવ હોય એવા ભાવ મારા ચહેરા પર ફરી વળ્યા.

મેં ચૂપચાપ ખાવા માંડ્યું. હળવે રહીને સરોજ બોલી, “સોરી, સર!” હું કંઈ બોલ્યો નહીં. મેં એની સામે તીરછી નજરે જોયું. એ ગંભીર થઈ ગઈ હતી. હું કંઈક કહું એ પહેલાં એણે ધીમેથી પૂછ્યું, “સર, તમે પરણેલા છો?”

“હા, કેમ? આવો સવાલ કેમ પૂછ્યો?”

“એક વાત કહું, સર? મારાં લગ્નમાં તમે આવશો કે નહીં? તમારાં પત્નીને પણ સાથે લાવજો…”

“તારાં લગ્ન? નક્કી થઈ ગયાં છે? શું કરે છે છોકરો?” મેં સાહજિક પ્રશ્ન કર્યો.

“તમે આવશો કે નહીં? હું તમને ચોક્કસ જાણ કરીશ…”

“તું આગળ ભણવાનો નિર્ણય કરીશ તો હું જરૂર આવીશ… તારે સારી ગૃહિણી થવું છે અને બીજાઓને તથા સમાજને ઉપયોગી થવું છે એમ તે કહ્યું હતું ને? એ માટે ય તારે ભણવું જોઈએ!”

સરોજ મૌન રહી, મને એવું લાગ્યું કે કદાચ આગળ ભણવા માટે એના સંજોગો નહીં હોય અથવા ભણવાની એની દાનત નહીં હોય.

એ સાંજે શિબિર પૂરો થયા પછી ઔપચારિક વિદાય-સમારંભ યોજાયો. સંસ્થાએ મારું સન્માન કર્યું અને શિબિરાર્થીઓ વતી સરોજે મને પુષ્પગુચ્છ આપ્યો. બરાબર એ જ વખતે ફોટોગ્રાફરના કેમેરામાં કશીક ગરબડ થઈ. ફોટોગ્રાફર કેમેરા સરખો કરીને ફોટો પાડે એ માટે સરોજ થોડી વાર ઊભી રહી. પરંતુ ફોટોગ્રાફરે નકારમાં મોં બગાડ્યું એટલે એ નિરાશ થઈને બેસી ગઈ.

છેલ્લી વાર મેં નજર કરી, સરોજ નીચું જોઈને બેઠી હતી. થોડી વારે એણે સહેજ માથું ઊંચું કર્યું ત્યારે મને એની આંખો ભીનાશમાં તરતી દેખાઈ. એના ચહેરા પર એ જ ભાવો હતા અને એના હોઠ હસતા નહીં હોવા છતાં મને અદ્ભૂત હાસ્ય વેરાયું.

સમારંભો પૂરો થયા પછી બધાં વારાફરતી વિદાય થવા લાગ્યા. મારી નજર અકારણ સરોજને શોધતી હતી. થોડે દૂર દરવાજા પાસે ઊભી ઊભી એ બીજી બે-ત્રણ છોકરીઓ સાથે વાત કરતી હતી. એ સભાન હતી છતાં એનું ધ્યાન મારા તરફ હતું એ છાનું ન રહ્યું. મેં એને હાથના ઈશારાથી બોલાવી. એ મારી પાસે આવીને નીચું જોઈને ઊભી રહી. એની વેધક નજર આંખો મારા તરફ તકાઈ એટલે મેં પૂછ્યું, “આપણા વર્ગમાં ચાર સરોજ હતી. મારે તને કેવી રીતે યાદ રાખવી?”

એ મારી સામું જોઈ રહી. કદાચ એને મારો પ્રશ્ન સમજાયો નહોતો. મેં ફરી પૂછ્યું, “તારું આખું નામ હું જાણતો નથી. કદાચ એથી તને યાદ રાખી શકું…”

“સરોજ નંદલાલ જોગાણી.”

“સરોજ નંદલાલ જોગાણી… બરાબર, હવે યાદ રહેશે!” મેં કહ્યું. એટલામાં બીજા બે-ત્રણ જણ આવી ગયાં અને પછી સૌ છૂટાં પડ્યાં. થોડા દિવસ સરોજની આંખો જાણે મારી આસપાસ પહેરો ભરતી હોય એવું લાગ્યું. પરંતુ પછી તો સમયની ધૂળ ચડવા લાગી. અલબત્ત ક્યારેક ક્યારેક એ ભાવવાહી આંખો હાજરી પૂરાવી જતી હતી. છતાં આજે મને લાગે છે કે આજ સુધીના અનેક તાલીમી કાર્યક્રમોમાં મારી આંખો મારી જાણ બહાર જ એ ભાવવાહી આંખોને શોધતી હતી.

એકાએક અનેક સવાલો જાગી ઊઠ્યા. સરોજનાં લગ્ન થવાના હતા… નહીં થયા હોય કે પછી…? એણે આગળ ભણવાની મારી વાત માની અને મારી કારકિર્દી બનાવવાની વાતને પણ ગંભીરતાથી લીધી. એનું નામ એનું એ જ છે. કદાચ લગ્ન કર્યા પછી યે એણે પતિના બદલે પિતાનું જ નામ ચાલુ રાખ્યું હોય એવું પણ બને. એને ઈન્ટરવ્યુમાં બોલાવી જ જોઈએ. કદાચ એ મને અત્યાર સુધીમાં ભૂલી પણ ગઈ હોય. ના, ભૂલે કેવી રીતે? મારી વાત માનીને જ તો એ આગળ ભણી હતી… કદાચ એ આવે અને મળે તો એના જીવનમાં ઝંઝાવાત ન સર્જાય? મારા જીવનમાં ઝંઝાવાત સર્જાવાની હવે ઝાઝી શક્યતા નથી. તો મારે એને ઈન્ટરવ્યુમાં બોલાવી કે નહીં?

હું નક્કી કરી શક્યો નહીં. ટિપોય પર ફાઈલ મૂકીને ક્યાંય સુધી ફાઈલ સામે જોયાં કર્યું. પડખું ફેરવ્યું તો સામે પાંચ વર્ષ પહેલાં અવસાન પામેલી મારી પત્નીનો ફોટો હતો. એની આંખમાં આજે મને એ જ ભીનાશ તરવરતી દેખાઈ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED