સમાંતર - ભાગ - ૧૯ Shefali દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સમાંતર - ભાગ - ૧૯

સમાંતર ભાગ - ૧૯

આગળના ભાગમાં આપણે જોયું કે બે સાવ આજણી વ્યક્તિ નૈનેશ અને ઝલક કેવી રીતે ફેસબૂક પર મળે છે અને કેવી રીતે સાવ સાહજિક રીતે શરૂ થયેલી એમની ચેટ હવે મિત્ર બનવાની સફર પર આગળ વધી ગઈ છે. આમ તો બંને પોતપોતાના જીવનમાં ખૂશ જ હોય છે પણ એવામાં ઝલકના જીવનમાં એક એવો બનાવ બને છે કે એ અંદરથી તૂટી જાય છે. બહોળો પરિવાર અને મિત્રો હોવા છતાં પણ એ વખતે એને કોઈ એવા સાથની જરૂર પડે છે કે જે એના અંગત જીવનમાં ડોકિયું કર્યા વિના એને સાથ આપે અને માર્ગદર્શન આપે. ઝલકને સાથ આપતા આપતા એકબાજુ નૈનેશને ઝલકનું વ્યક્તિત્વ આકર્ષિત કરતું હોય છે તો બીજી બાજુ એ પોતાના જીવન વિશે વિચારે ચઢી જાય છે અને એક નિર્ણય લે છે. હવે આગળ...

*****

બીજા દિવસે સવારથી જ નૈનેશ વિચારોમાં ખોવાયેલો હોય છે. એણે ફરી નમ્રતાને દોસ્ત બનાવવાનો નિર્ણય તો લઈ લીધો પણ એના માટે શું કરવું જોઈએ એ એને સમજમાં નહતું આવતું. તો બીજી તરફ ઝલકના મનમાં કંઇક બીજો જ વિચાર ચાલતો હોય છે. એને સતત એ વાત કોરી ખાતી હોય છે કે જો રાજે એનાથી કામિનીની વાત છુપાવી તો પોતે પણ રાજથી વાત છુપાવી છે. એ પણ રાજ જેટલી જ ગુનેગાર છે તો એને કોઈ હક નથી રાજ ઉપર ગુસ્સે થવાનો. આમને આમ બપોર પડી જાય છે અને એ રાહ જુવે છે નૈનેશના ઓનલાઇન થવાની. અને એવામાં જ નૈનેશનો મેસેજ આવે છે, "કેમ છો દોસ્ત.?"

ઝલક : બસ ફાઇન. તમે કેમ છો.?

નૈનેશ : મુઝવણમાં... (નૈનેશે સીધું જ લખી દીધું...)

ઝલક : હું મદદ કરી શકું.?

નૈનેશ : હા, એટલે જ કહ્યું કે મુઝવણમાં છું. પણ ખબર નથી પડતી શું કહું અને ક્યાંથી કહું.?

ઝલક : પહેલા મુઝવણ શું છે એ કહો અને પછી એ કેમ છે એ કહો.

નૈનેશ : મારે એને ફરી પહેલા જેવી મિત્ર બનાવવી છે.

ઝલક : કોને.? ભૂતકાળની કોઈ ગર્લફ્રેન્ડને.? (એક સ્માઈલી મૂકતા ઝલક લખે છે.)

નૈનેશ : ના.. ના.. એવું કશું નથી. મારી પત્ની નમ્રતાને. લગ્ન જીવનની શરૂઆતમાં મેં નક્કી કર્યું હતું કે હું નમ્રતાનો એક મિત્રની જેમ સાથ આપીશ અને શરૂઆતના વર્ષોમાં તો હું સફળ પણ રહ્યો. ખૂબ જ સુંદર સફર રહી અમારા બંનેની, પણ...

ઝલક : પણ.!??

નૈનેશ : હું મને દુનિયાનો સૌથી સુખી માણસ માનતો હતો અત્યાર સુધી. સુખ દુઃખમાં સાથ આપે એવી પત્ની, સમજદાર પુત્રી, સ્વસ્થ માતા પિતા, સફળ ધંધો.. ના નમ્રતાને મારાથી કોઈ ફરિયાદ ના મને એનાથી, બધું જ જાણે પરફેક્ટ.! પણ કાલે તમારી જોડે ચેટ કરતા લાગ્યું કે જવાબદારી પૂરી કરતાં કરતાં મારી નમ્રતા જોડેની મિત્રતા ક્યાંય પાછળ છૂટી ગઈ છે અને કદાચ એટલે જ અમારી જિંદગીમાં એકધારા પણું આવી ગયું છે.

ઝલક : તો કરો ફરિયાદ.

નૈનેશ : એટલે.!?

ઝલક : એટલે એમ કે કોઈ વાર ફરિયાદ કરો, કોઈ માંગણી કે જીદ કરો તો જ લાગેને સંબંધ જીવંત છે. બાકી એકદમ સમજદાર બનીને રહીએ તો એકધારા પણું લાગવું સ્વાભાવિક છે. અને આમ પણ સ્ત્રીનો સ્વભાવ હોય છે કે એ ભલે ગમે તે બોલે પણ એને મનમાં એના પતિ દ્વારા કરવામાં આવતી કોઈ નાની જીદ કે માંગણી ગમતી હોય છે.

નૈનેશ હજી કોઈ જવાબ આપવા જાય એટલામાં નમ્રતાનો ફોન આવે છે. નૈનેશ એને રોજ કરતા મોડો ફોન કરવાનું કારણ પૂછે છે એના જવાબમાં એ કહે છે કે, "ઘરે ગામડેથી મહેમાન આવી ગયા હતા એટલે મોડુ થયું અને આજે સાંજે એમને સાદી ખીચડી, કઢી ને ભાખરી ખાવાની જ ઈચ્છા છે તો જમવામાં એ બનાવવાનું છે. તમને ચાલશે ને.?" નમ્રતા જાણતી હતી કે નૈનેશને ના ભાવતી વસ્તુ હશે તો પણ ના નહીં પાડે તોય એ રોજ બપોરે ફોનમાં પૂછી જ લેતી.

પહેલા તો આદત મુજબ નૈનેશ હા જ પાડવા જતો હોય છે પણ એને ઝલકની વાત યાદ આવી જાય છે અને તરત કહે છે, "મને સાદી ખીચડી ઓછી ભાવે છે. મારા માટે વઘારેલી કરજે."

નમ્રતાને થોડી નવાઈ લાગે છે નૈનેશનો જવાબ સાંભળીને. એ જાણતી હતી કે નૈનેશને સાદી ખીચડી નથી જ ભાવતી પણ આજે કેટલા સમય પછી એણે પોતાના માટે અલગ બનાવવાનું કહ્યું. નમ્રતા થોડી ઉતાવળમાં હોય છે એટલે એ હા કહીને વાત પતાવી દે છે. અને નૈનેશ તરત જ ઝલકને મેસેજ કરે છે, "સોરી, વચ્ચે નમ્રતાનો કોલ આવી ગયો. અને બોલો મેં આજથી જ તમારી વાતનો અમલ ચાલુ કરી દીધો." અને નૈનેશ ટૂંકમાં ઝલકને એની અને નમ્રતાની વાતચીતનો સાર કહે છે.

ઝલક વાહ, સરસ લખે છે અને જોડે પૂછે છે કે, "તમને એક પ્રશ્ન પૂછું.?"

નૈનેશ : હા એમાં પૂછવાનું શું.! બિંદાસ્ત પૂછો..

ઝલક : જો તમારે તમારા લગ્ન પહેલા કોઈ ગર્લફ્રેન્ડ હોત કે તમે કોઈને ચાહતા હોત તો શું તમે નમ્રતાને એ વાત કરી હોત.?

નૈનેશ : હું ભણતો જ હતો ને નમ્રતાનું માંગુ આવ્યું હતું. થોડી ભીને વાન, નમણી, કાળી મોટી આંખોવાળી ને એકદમ સરળ નમ્રતાને જોતા જ હું એના પ્રેમમાં પડી ગયો હતો. લગ્ન પહેલા અમે બહુ મળ્યા જ નહતા એટલે કહોને કે લગ્ન સુધી અજાણ્યા જ હતાં. પણ હા પ્રેમ નામનું બીજ લગ્ન પહેલા જ અંકુરિત થઈ ગયું હતું એ અનુભવ્યું હતું મેં.! અમારા લગ્નની પ્રથમ રાત્રિએ એને થોડી ગભરામણમાં જોઈને મેં સૌથી પહેલા એના મિત્ર બનવાનું અને પછી જ મારા પતિ તરીકેના હકનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. એ આખી રાત અમે એકબીજા જોડે વાતોમાં કાઢી હતી. એકબીજાની પસંદ-ના પસંદ, ગમા-અણગમા બધું જાણવામાં અને ત્યારથી જ અમે જાણતા હતા કે અમે એકબીજાથી કેટલા અલગ છીએ. પણ અમે દરેક તબ્બકે એકબીજાને સાથ આપવાનું નક્કી કર્યું હતું અને શરૂઆતમાં અમે સફળ પણ રહ્યા. ત્યાર પછી ધીમે ધીમે એ અમારા સંસારમાં પડી ગઈ અને હું મારા ધંધામાં. તો મારે એવી કોઈ પરિસ્થિતિ જ નથી આવી કે આવો પ્રશ્ન ઉદ્દભવે. (વર્ષો જૂના કોઈ મિત્રને કહેતો હોય એટલી સ્વાભાવિકતાથી નૈનેશે કહ્યું.)

ઝલક : તમે કેટલા સરળ છો. આમ મારી ઉપર વિશ્વાસ મૂકીને તમારા અંગત જીવન વિશે ઘણું કહી દીધું.

નૈનેશ : સામાન્ય રીતે હું આટલો જલદી વિશ્વાસ નથી મૂકતો કોઈના પર, પણ તમારી વાત અલગ છે. ખોટો અર્થ ના લેતા, પણ જ્યારે તમે પહેલી વાર મળ્યા ત્યારથી જ કોઈ અલગ લગાવ થઈ ગયો છે તમારી જોડે. અને હવે વાત તમારા પ્રશ્નની તો પોતાના ભૂતકાળના પ્રેમ વિશે કહેવું ના કહેવું એ દરેકની અંગત પસંદગી છે. જો કોઈ કારણસર ના કહ્યું હોય તો પણ એમાં કંઈ ખોટું નથી. એ ભૂતકાળ હતો, એ સમય વહી ગયો. અને લગ્નજીવન એ વર્તમાન અને ભવિષ્ય છે તો એને સુંદર બનાવવા જે પણ યોગ્ય લાગે એ કરવું જોઈએ. બાકી જૂની એવી વાતો જે અત્યારના સમયમાં કોઈ પણ રીતે સ્પર્શતી ના હોય એને મહત્વ ના આપીએ તો ચાલે.

ઝલક : અને સ્પર્શતી હોય તો.?

નૈનેશ : તો પછી યોગ્ય સમય અને સંજોગો પ્રમાણે પોતાના જીવનસાથીને વિશ્વાસમાં લઈને કહેવી જોઈએ.

ઝલક : હા, મારું પણ એવું જ માનવું છે. આભાર તમારો, અજાણતા જ મારા વિચારોને સમર્થન આપવા માટે.

નૈનેશ : હવે તમે કહો..

ઝલક : શું કહું.!?

નૈનેશ : જેમ મેં કહ્યું એમ, તમારા પરિવાર વિશે.

ઝલક : હું M.A ના પહેલા વર્ષમાં હતી અને રાજનું માગું મારા મામા મામી લઈને આવ્યા હતા. મારે ભણવું હતું આગળ, મારું સપનું પૂરું કરવું હતું પણ રાજનો પરિવાર જાણીતો હતો અને કુટુંબ પણ સરસ હતું એટલે પરિવારના સપના આગળ મારું સપનું અધૂરું મૂકવું પડ્યું. નક્કી કર્યાના ચાર મહિનામાં તો લગ્ન થઈ ગયા પણ આ ચાર મહિના અમે ઘણું ફર્યા, એકબીજાને સમજ્યા અને એકબીજાના પ્રેમમાં પણ પડ્યા.! લગ્નના બીજા વર્ષે તો મારા દીકરા દેવનું આગમન થઈ ગયું હતું જીવનમાં. શરૂ શરૂના વર્ષો થોડા સંઘર્ષના રહ્યા. રાજ ઘરનો સૌથી મોટો દીકરો એટલે એને જવાબદારી વધુ રહી ને એમાં સમય ક્યાંય વહી ગયો. હવે બધું એકદમ સેટલ છે. અત્યારે હું, રાજ, દેવ અને મારા સાસુ સસરા આટલા છીએ ઘરમાં.

નૈનેશ : તો શું તમારે શિક્ષક બનવું હતું.? (નૈનેશે પહેલા પણ અનુભવ્યું હતો ઝલકના અધૂરા રહી ગયેલા સપનાનો અફસોસ એટલે જ જ્યારે ઝલકે આગળ ભણવાની અને સપનું પૂરું કરવાની વાત કહી એ તરત ભાપી ગયો એના શિક્ષક બનવાના સપના વિશે.)

ઝલક : હા, ગુજરાતી અને હિન્દીના. મને નાનપણથી જ ભાષા અને સાહિત્યમાં રસ ને રુચિ હતા.

નૈનેશ : તમે લગન પછી પણ ભણીને ટીચર બની શક્યા હોત.

ઝલક : બધાને એમ લાગતું કે લગન થઈ ગયા હવે ક્યાં આગળ ભણવાની જરૂર છે એટલે મારી મરજી જાણવાની કોઈને જરૂર નહતી લાગી. અને પછી મેં પણ મનને મનાવી દીધું ને આ વાત મનમાં જ ધરબી દીધી.

નૈનેશ : તમારા હસબન્ડને ખબર છે આ વાત.?

ઝલક : ના.! ઇન્ફેક્ટ તમે એ પહેલા વ્યક્તિ છો જેને મેં મારા આ અધૂરા સપના વિશે કહ્યું છે.

અને પછી ઝલકને કંઇક યાદ આવતા તરત ફરી લખે છે, "બીજી વ્યક્તિ.."

નૈનેશ : બીજી વ્યક્તિ.!? તો પહેલી કોણ છે.? (નૈનેશે સ્વાભાવિકતાથી પૂછ્યું...)

ઝલક : મલ્હાર...

નૈનેશ : એ કોણ.?

"મનનો કોઈ તરંગ હતો કે જીવનનો કોઈ રંગ હતો.!?
જે પણ હતો.! પણ એક બેહદ ખૂબસૂરત સંગ હતો.!!"

સીધો જવાબ આપવાનું ટાળવા માટે ઝલક જવાબમાં નાની રચના મોકલીને લખે છે.

નૈનેશ : વાહ.!! ખૂબ જ સુંદર પંક્તિ. તમે લખી છે આ.!? (પોતાના પ્રશ્નને ભૂલીને નૈનેશ પંક્તિના શબ્દોમાં ખોવાતા લખે છે.)

ઝલકનું દિલ જોર જોર થી ધડકવા લાગે છે. એને ફરી યાદ આવી જાય છે એ દિવસોની અને એની સામે ફરી એજ આકૃતિ આવીને ઊભી રહી જાય છે જેની ઝલક એને નૈનેશમાં દેખાતી હતી, અને કદાચ એટલે જ એના અચેતન મને નૈનેશને જીવનમાં પ્રવેશ આપ્યો હતો.

ઝલકનો જવાબ ના આવતા નૈનેશ ફરી લખે છે, "હેલો... નોક નોક... કોઈ છે ઘરમાં.!?" અને વિચારોમાંથી બહાર આવીને સ્માઈલ કરતા ઝલક લખે છે, "તમારે કોનું કામ છે.?"

નૈનેશ : મારી એક દોસ્ત જે વારે ઘડીયે વાત કરતા ગાયબ થઈ જાય છે એનું.

ઝલક : હા.. હા.. હા.. હું પણ એને જ લેવા ગઈ હતી. જુઓને ભાગી જાય છે એ હમણાંથી એના વિતેલા સમયમાં અને પછી મારે એને લેવા જવી પડે છે.

નૈનેશ : તો જો એ પાછી આવી હોય તો એને પૂછોને જરા કે શું આ ખૂબસૂરત પંક્તિ એણે લખી છે.?

ઝલક : હા.. એતો એમ જ લખાઈ ગયું...

નૈનેશ : વાહ, કહેવું પડે તમારું એમ જ...

"એમ જ.! કહીને ટાળો છો તમે વાત,
ને પછી રહસ્ય રાખો છો એ મુલાકાત."

ઝલક : તમે પણ લખો છો.!? (આશ્ચર્યથી ઝલક પૂછે છે.)

નૈનેશ : એતો એમ જ... હા.. હા.. હા (નૈનેશ મજાક કરતા લખે છે.)

ઝલક : આપણી આ વાત પણ મળતી આવી. (બિલકુલ એની જેમ જ.. ધબકતા હૃદયે સ્વગત બોલતા ઝલક લખે છે.)

નૈનેશ : ના ના, હું એમ કઈં લખતો નથી આતો કોઈ વાર લખાઈ જાય અને એમાં પણ વળી આજે તમારામાંથી પ્રેરણા મળી.

કોણ જાણે કેમ ઝલકને આજે વર્ષોથી મનમાં ધરબીને રાખેલી વાત બહાર કાઢવાની તીવ્ર ઈચ્છા થઈ જાય છે. અને એ એક નામ લખે છે, "મલ્હાર દવે..."

"મનના પડળ ખોલું છું આજ, પહેલી વાર,
રહસ્ય દિલના કહું છું આજ, પહેલી વાર.
કરવું છે હવે તો હૈયું થોડું હળવું મારે પણ,
વિશ્વાસ મૂકું છું દોસ્ત પર આજ, પહેલી વાર."

અને ફરી નીચે એ આ નાની રચના લખે છે.

"હજી પણ વિચારી જોવો આગળ કંઈ પણ કહેતા પહેલા. તમે વિશ્વાસ મૂકશો તો તોડીશ નહીં હું એ પાક્કું, અને આ વાત આજે જ અહીંયા અટકી જશે. ભવિષ્યમાં એનો મારા તરફથી ક્યારેય પણ ઉલ્લેખ નહીં થાય એની ખાત્રી પણ આપુ છું. પણ બે મિનિટનો વિરામ લો અને શાંત ચિત્તે વિચારો પછી નક્કી કરો આગળ શું કરવું." (એક નાની વાત અહીંયા સુધી પહોંચી એ વિચારે સ્તબ્ધ થઈ ગયેલા નૈનેશે લખ્યું...)

ઝલકને નૈનેશની પરિપક્વતા પર માન થઈ ગયું અને એણે એક વાર વિચાર્યું કે એ અટકી જાય. પણ પછી તરત જ પોતાના માટે અપરાધનો ભાવ આવી ગયો. રાજે જ્યારે કામિનીની વાત કહી એ વખતે બધું જાણીને એની સ્થિતિ એવી નહતી રહી કે એ રાજ સમક્ષ પોતાના ભૂતકાળને સ્વિકારી શકે અને હવે યોગ્ય સમય નહતો એ વાત કહેવાનો.! એને લાગતું હતું કે એ સતત દબાતી જાય છે અપરાધ ભાવ નીચે ને એને તીવ્રતાથી લાગતું હતું કે જો એ કોઈની સમક્ષ હૈયું નહીં ખોલે તો એ ફાટી પડશે.!!

નૈનેશ એને આ વાત કરવા માટે યોગ્ય વ્યક્તિ લાગ્યો. અને એણે લખ્યું, "મલ્હાર નામ હતું એનું. જેવું નામ એવો જ એ. પોતાના સ્નેહી ઉપર લાગણી વરસાવવામાં ક્યારેય પાછો ના પડે એ. મારી જેમ એને પણ સાહિત્યમાં ઊંડો રસ. ગઝલનો મારો શોખ અને જાણકારી આટલી વિકસી એનું એક કારણ મલ્હાર પણ છે. એના મિત્ર બન્યા પહેલા પણ હું ગઝલ સાંભળતી, પણ એતો જાણે મને હાથ ઝાલીને એ દુનિયામાં જ ખેંચી ગયો.

ઝલક જાણે એ સમયમાં પહોંચી ગઈ હોય એમ અટકે છે અને ફરી લખે છે, "B.A ના પહેલા વર્ષમાં મળ્યાં હતાં અમે. લગભગ અઢી વર્ષ જેવો સાથ રહ્યો અમારો પણ એ સમય દરમિયાન મારો માનસિક અને સાહિત્યિક રીતે ઘણો વિકાસ થયો. ઘરમાં સૌથી પ્રથમ સંતાન હતી હું અને સંજોગો પણ કંઇક એવા હતા કે કાયમ મારે ભાગે જ બધું સમજવાનું આવતું પણ મલ્હાર પહેલો એવો વ્યક્તિ હતો જે સંપૂર્ણ મને સમજતો હતો. મારી પસંદ, નાપસંદ, રસ, રુચિ બધું જ મારા કરતા એ વધુ સમજતો.

નૈનેશ : કોલેજમાં મળ્યાં હતાં.? ક્લાસ મેટ હતો એ તમારો.?

ઝલક : હા કોલેજમાં મળ્યાં હતાં પણ એ મારો ક્લાસ મેટ નહતો, સિનિયર હતો અમારો. અમારી પ્રથમ મુલાકાત પણ થોડી રસપ્રદ રહી હતી. કોલેજનો પ્રથમ દિવસ હતો અને મારી બસ મોડી પડી. પહેલા જ દિવસે હું જેમ તેમ ક્લાસ શોધીને એમાં પ્રવેશી તો હિન્દીનો લેક્ચર ચાલુ થઈ ગયો. હતો. પ્રોફેસર દ્વારા હરિવંશ રાય બચ્ચનની એક સુંદર કવિતા મધુશાલાનું પઠન થઈ રહ્યું હતું. ધડકતા હૈયે મેં અંદર દાખલ થવાની પરમિશન માંગી, પઠનમાં વિક્ષેપ પડવાથી સર ગુસ્સે થઈ ગયા અને મને એમની જગ્યાએ ઊભી, એમની બુક આપી અને આખી કવિતાનું ફરી પઠન કરાવ્યું. મારા જીવનનો એ સૌથી પહેલો પ્રસંગ હતો આમ બધાની સામે ઊભા રહીને બોલવાનો. પહેલા તો હું સખત ડરી ગઈ હતી, પણ પછી સરે મને એટલું લાંબુ લેક્ચર આપ્યું કે ડરના માર્યા મેં આખી કવિતાનું પઠન કરી નાખ્યું.

એક પળનો વિરામ લઈને ઝલક આગળ લખે છે, "શું થયું, કેવી રીતે થયું એ બધુ સમજવાની સૂઝબૂઝ જ જતી રહી હતી એ વખતે, જ્યારે સરે મારા માટે તાળી વગાડી ત્યારે હું જાણે ભાનમાં આવી. આંખોમાં ઘસી આવેલા આંસુ માંડ માંડ રોકી રાખ્યા હતા ને લેક્ચર પત્યાનો બેલ વાગ્યો. મને બેન્ચ પર બેસવાનું કહીને સર એમની જગ્યાએ આવ્યા અને કહ્યું, "મિત્રો, હું છું મલ્હાર દવે તમારો સિનિયર અને સ્વાગત છે તમારું એલ ડી આર્ટ્સ કોલેજમાં. હું B A ના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. આજે હિન્દીના પ્રોફેસર નહતા આવ્યા તો થયું કે ચાલો ફ્રેશર જોડે થોડી મજાક મસ્ત કરી આવું. હું અહીંના કલ્ચરલ ડિપાર્ટમેન્ટ નો સેક્રેટરી છું, કંઈ પણ કામ હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. મારો ક્લાસ તમારી બાજુમાં જ છે, આશા રાખું છું કે મને અહીંયાથી નવું ટેલેન્ટ મળી રહેશે." અને પછી મારી સામું જોઈને બોલ્યા કે, "એક ટેલેન્ટ તો મળી જ ગયું છે, હવે જોઈએ આગળ.." અને પછી એ પોતાના ક્લાસમાં જતો રહ્યો.

નૈનેશ હજી તો, "વાઉ, જોરદાર, intresting..." મેસેજ કરે છે ને એને નમ્રતાનો કોલ આવે છે જેમાં એ કહે છે કે મહેમાનને કોઈ કામ છે એટલે પપ્પાએ એને અત્યારે ને અત્યારે જ ઘરે બોલાવ્યો છે. એ તરત ઝલકને બીજો મેસેજ કરે છે, "સોરી દોસ્ત, અધૂરી વાત છોડવી પડશે અત્યારે, મારે અત્યારે જ ઘરે જવું પડશે."

ઝલક : કંઈ વાંધો નહીં, પણ બધું બરાબર છે ને ઘરે.!? આમ સાવ અચાનક આ સમયે ઘરે.!!

નૈનેશ : અરે હા બધું બરાબર. આતો ગામડેથી મહેમાન આવ્યા છે તો એમને કામ છે એટલે...

ઝલક : હા, નીકળો... મળીએ કાલે... હવે મને પણ થોડો ભાર હળવો થયો હોય એવું લાગે છે.

અને ઝલક ઓફ લાઈન થઈ જાય છે. તો બીજી તરફ નૈનેશ ઘરે જવા કારમાં બેસીને ટેપ ચાલુ કરે છે ને કારમાં જગજીત સિંહના અવાજમાં સુંદર ગઝલના શબ્દો રેલાઈ જાય છે..

"ये जो जिंदगी की किताब हैं, ये किताब भी क्या
किताब हैं..
कही एक हसीन सा ख्वाब हैं, कही जानलेवा अज़ाब हैं..
कही छाँव हैं कही धुप हैं, कही और ही कोई रूप हैं..
कई चेहरे इसमें छुपे हुये, एक अजीब सी ये नकाब हैं..

*****

મલ્હારનું ઝલકના જીવનમાં શું સ્થાન રહ્યું હશે.?
ઝલક અને રાજના સંબંધમાં કેવા ચઢાવ ઉતાર આવશે.?
શું નૈનેશનું પહેલું પગલુ યોગ્ય દિશામાં ભરાયું છે.?
નૈનેશ અને ઝલક આગળ જતાં કેવા મિત્રો બનશે.?
આ સવાલોના જવાબ મેળવવા વાંચતા રહો સમાંતર...

©શેફાલી શાહ

વાર્તા વાંચીને યોગ્ય પ્રતિભાવ આપવા વિનંતી...

તમે ઈન્સ્ટાગ્રામમાં પણ મને ફોલો કરી શકો છો.
Insta - : shabdone_sarname_

જય જીનેન્દ્ર...
શેફાલી શાહ