ભાગ :- ૧૯
આપણે અઢારમાં ભાગમાં જોયું કે એકતરફ સૃષ્ટિને સાર્થક અને સુનિધિ વચ્ચે શું ચાલી રહ્યું છે એ ચિંતા છે તો બીજી તરફ નોકરી જવાના દુખથી એ એક્દમ વ્યગ્ર બની સતત સાર્થકનો સાથ મળે એવી ઝંખના કરી રહી છે. હવે જોઈએ આગળ સૃષ્ટિના જીવનમાં કેવા વળાંકો આવે છે.
*****
"વ્યગ્ર રહે છે મન મારું સતત
ઝંખે છે સાથ એ તારો સતત.
જાણું સરળ નથી તારા માટે,
તોય એ દલિલ કરે છે સતત."
સૃષ્ટિની વ્યગ્રતા સતત વધતી જતી હતી. પહેલા તો ઓફિસના કામમાં થોડી વ્યસ્ત રહેતી તો ત્યાં થોડો સમય જતો પણ અત્યારે માત્ર ને માત્ર એ વિચારોમાં ખોવાયેલી રહેતી. મનસ્વી પણ પોતાની મમ્મીની આ હાલત જોઈને ચિંતામાં સરી પડતી. આ જ અરસામાં અનુરાધા સાથે સૃષ્ટિની વાત થઈ અને અનુરાધાએ કહ્યું... "જો સૃષ્ટિ હવે તારી પાસે સમય છે એનો ઉપયોગ કર. દીકરી મનસ્વીની બારમા ધોરણની ફાઇનલ પરીક્ષા આવવાની તૈયારીમાં છે તો તું એને સાથ આપ. આવું કરીશ તો મનસ્વી વ્યગ્ર રહેશે અને એની અસર એના અભ્યાસ અને રિઝલ્ટ ઉપર પડશે." સૃષ્ટિને આવા સમયમાં આ વાત યોગ્ય લાગી અને એ મનસ્વીમાં ધ્યાન પરોવી એને સાથ આપવા લાગી.
આ તરફ સાર્થકનું ધ્યાન પુરેપુરું પૈસા કમાવવામાં લાગેલું હતું અને સમયની જરૂરિયાત પણ હતી. સૃષ્ટિને સતત એવું લાગી રહ્યું હતું કે જો આવુંજ ચાલશે તો સાર્થક પોતાના હાથમાંથી સરી જશે એટલે એ મિત્ર રાકેશ સાથે વાત કરીને ફરીથી કાંઈક કરવાનું વિચારી રહી હતી. સાર્થક પણ હમણાંથી ઓછી વાત કરતો હતો પણ સૃષ્ટિને લાગી રહ્યું હતું કે એ થાકી જતો હશે કદાચ, અને અતિરેક પણ છે એની કાળજીનો. એ ક્યારેક પૂછી લેતી અને ક્યારેક ઝગડીને રડી પણ લેતી. આમ, બહુ સમય પછી એક અસામાન્ય સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું હતું.
બીજી બાજુ સુનિધિ સાથે સાર્થકને ફાવી ગયું હતું અને સૃષ્ટિની વાતથી એટલેજ સાર્થકે સુનિધિને દૂર રાખી હતી. સુનિધિને પણ સાર્થક સાથે ફાવતું હતું અને ક્યારેક એ સાર્થકના ઘરે પણ આવતી હતી. સાર્થકના ઘરના પણ સાર્થક સાથે સુનિધિને જોઈને એ બંનેનું ગોઠવાઈ જાય એમ ઇચ્છતા હતા. સાર્થકની પણ આ વાતમાં મૂક સહમતી હતી. એ પણ ઇચ્છતો હતો કે પોતે એક લગ્ન કરે, પોતાની એક પત્ની હોય, પોતાના બાળકો હોય. આમ જોવા જઈએ તો સાર્થક સૃષ્ટિ કરતા ઘણો નાનો હતો અને ઘણું જોવાનું બાકી હતું એટલે એ પણ ક્યાંકને ક્યાંક ખોટો નહોતો.! સૃષ્ટિનું સાનિધ્ય એને ગમ્યું હતું અને અઢળક પ્રેમ એને આપ્યો હતો સામે એવોજ પ્રેમ અને વિશ્વાસ મેળવ્યો હતો. પણ અત્યારે સુનિધિ સાથે ઘર વસાવવાના વિચારોમાં એ બધુંજ સાથે રાખી એ આગળ વધવા માગતો હતો અને આ વાત સૃષ્ટિને કઈરીતે કહેવી એ એને સમજાતું નહોતું.
સૃષ્ટિ સાર્થકને હમણાં ઓછી મળતી હતી છતાં એ સાર્થકની શુષ્ક થયેલી લાગણીઓ અને શુષ્ક સ્પર્શ ઓળખી ચૂકી હતી. હમેશાં એનો સ્પર્શ સૃષ્ટિને તરબતર કરી નાખતો હતો પણ હમણાંની કોઈજ મુલાકાત એવી થઈ રહી નહોતી. સાર્થકનું મળવું, એનું આલિંગન કરવું, એનું કિસ કરવું બધુંજ જાણે શુષ્કતાના બોજા તળે દબાઈ રહ્યું હતું. કદાચ કોઈપણ સ્ત્રીમાં આ ભગવાને આપેલી એક ભેટ છે કે સ્પર્શ માત્રથી એ સમજી શકે છે કે કાંઈક અણધાર્યું થઈ રહ્યું છે અથવા થવાનું છે. એટલે એ વારેવારે સાર્થકને સુનિધિ વિશે ફેરવી ફેરવી પૂછતી હતી જે સાર્થકને સહેજ પણ ગમ્યું નહોતું. દરેક વખતે સાર્થક, સુનિધિ એક મિત્ર છે એવુંજ કહીને વાત ટાળી દેતો હતો.
સૃષ્ટિ મનસ્વી તરફ ધ્યાન આપી રહી હતી સાથે સાથે કોઈવાર એના એ મિત્ર જેણે સૃષ્ટિની નવી જિંદગીની શરૂઆતમાં ખુબ જ સાથ આપ્યો હતો એ અનુજ સાથે પણ વાત કરી લેતી હતી. એના સ્કૂલ જીવનના મિત્ર અને જેણે પૈસા આપીને એને મદદ કરી હતી એ રાકેશ સાથે પણ પૈસાની બાબતમાં વાત કરતી રહેતી હતી જેથી એ એમ ના સમજે કે સૃષ્ટિ પૈસા પાછા આપવાનો ઈરાદો નથી ધરાવતી. મનસ્વીની પરીક્ષાઓ પૂરી થતાંજ સૃષ્ટિ ભવિષ્યમાં કઈ રીતે આગળ વધવું એ માટે પ્લાન કરવા લાગી. સાર્થકના CA મિત્ર અભય પાસેથી સાર્થક પાસે એના ભાગના પૈસા આવ્યા હતા આથી સૃષ્ટિ નવી ઓફિસનું પ્લાન કરવા લાગી. આ માટે વધુ પૈસાની જરૂર પડશે એવું પણ એને લાગ્યું એટલે એણે રાકેશ સાથે વાત કરી એ બાબત પણ સુનિશ્ચિત કરી કે એ હજુ પણ હેલ્પ કરશે જેથી છેલ્લા સમયમાં કોઈજ દોડાદોડી ના થાય.
સૃષ્ટિનો પતિ નિરવ આ બધુંજ જોઈ રહ્યો હતો અને સૃષ્ટિ કોઈક અવઢવ કે મુશ્કેલીમાં છે એ પણ એ સમજી શક્યો હતો. હમણાંથી એ સૃષ્ટિને કોઈજ રોકટોક કરતો નહોતો એની ખુશી જોવા જાણે એ પણ તત્પર થઈ રહ્યો હતો. સમય સાથે એનામાં પણ આ ફેરફાર આવી રહ્યો હતો. આખરે એણે નક્કી કર્યું કે કોઈપણ ભોગે મારે મારી પત્ની સૃષ્ટિના ચહેરા પર ખુશી લાવવી છે એનું એક બીજું કારણ એ પણ હતું કે મનસ્વી સતત સૃષ્ટિની નજીક સરી રહી હતી અને એટલી જ એ નિરવથી દૂર થઈ રહી હતી.
આખરે નિરવને એક રસ્તો સૂઝ્યો અને એને ખબર હતી કે આ રસ્તે સૃષ્ટિની અવઢવ જાણી શકાશે. એણે સમય કાઢી અનુરાધાને ફોન કરવાનું વિચાર્યું. અનુરાધા સાથે એ ક્યારેક વાત કરી લેતો. એમાં પણ સૃષ્ટિના થોડા દૂર થયા પછી એ હમેશાં એ વાતનો ક્યાસ લગાવવા ફોન કરતો હતો કે સૃષ્ટિના જીવનમાં શું ચાલી રહ્યું છે. પણ અનુરાધા જેટલી સૃષ્ટિની હતી એટલી નિરવની તો નહોતીજ.! એટલે નિરવ ગમે તે સવાલો કરે પણ જવાબો તો અનુરાધાએ વિચાર્યા હોય એ જ મળે.
આ વખતે નિરવે ફોન કરીને અનુરાધાને સૃષ્ટિ કેમ આટલી ઉદાસ રહે છે એ પૂછ્યું. ત્યારે અનુરાધાએ કહ્યું કે મનસ્વીને ભણાવવાનું ટેન્શન અને એની નોકરી છુટી જતાં એ ઉદાસ થઈ રહી છે. એના માટે એક આવકનું સાધન બંધ થઈ ગયું અને તમે જાણો છો કે એને કોઈની પણ પાસે હાથ લંબાવવો ગમતો નથી. અને ખરા અર્થમાં કહીએ તો એને મળેલી એક સ્વતંત્રતા છીનવાઈ ગઈ એવું એને લાગ્યું છે એટલે એ ઉદાસ છે. નિરવ પણ બોલી ઊઠ્યો, "હું છું ને. મેં ક્યા, ક્યારેય એને ના પાડી છે.!?" અનુરાધાએ પોતાની સ્પષ્ટ ભાષામાં કહી દીધું કે, "તમે જાણો છો ને તમે કેટલા છો.!? જો એને એવું હોત કે તમે એને સમજી શકશો તો એ ક્યારની તમને કહી ચૂકી હોત. ક્યાંકને ક્યાંક તમે પૈસાની દોડમાં એટલા બધા આગળ નીકળી ગયા છો કે તમને જ અત્યારે ખબર નથી કે કોઈ તમારી સાથે છે કે નહીં.!"
અનુરાધાની આ બધી વાતો નિરવને ચાબખા માર્યા હોય એમ સોળ પાડી રહી હતી. જાણે એની આખી જિંદગીના તપમાં મેળવેલા હળાહળ ઝેર સમાન નિરવને સવાલો પૂછી રહી હતી. નિરવ પણ સમજી રહ્યો હતો કે આ જિંદગીમાં એણે જે દોડ લગાવી એમાં તો એ એક્દમ આગળ હતો અને વિજય પણ હતો, પણ જ્યારે આજુબાજુ ફરીને જોયું તો એની આ વિજયની ઉજવણીમાં કોઈજ સાથે નહોતું. આખરે એ ફ્લેશબેકમાં જઈને પોતાની આખી જિંદગીનો રિવ્યૂ કરવામાં લાગી જાય છે અને એના ફળ સ્વરૂપે એકજ રિઝલ્ટ મળે છે કે ઘણાબધા પાત્રો એની આ અવિરત દોડમાં સાથે આવ્યા અને દરેક સ્ટેજની ઉજવણીમાં ભાગ લઈ સ્વાર્થ પુરો થતાંજ જતાં પણ રહ્યા. પણ જીવનના અંતિમ સત્ય તરીકે એકજ પાત્ર એવું હતું જે હમેશાં એની સાથે ચાલવા તત્પર હતું પણ એ એને ક્યારેય એવું મહત્વ આપી શક્યો નહોતો. સૃષ્ટિ પોતાના જીવનમાંથી કદાચ સરી ચૂકી હતી અને મનસ્વી પોતાના જીવનમાંથી સરી રહી હતી. જીવનના આ ભયાવહ સત્ય આગળ નિરવ આજે વામણો પુરવાર થઈ રહ્યો હતો. આ એ પળ હતી જ્યાં એની સાથે કોઈપણ નહોતું જે નિરવ માટે એક્દમ અકલ્પનીય હતું.
"રાજા આજે એકલો હતો ચેસની રમતમાં,
જિંદગીભર જે પણ જીવ્યો ગયું એ મમતમાં.
મહત્વ પ્યાદાનું હતું ને હતું વજીર હાથીનું પણ,
તોય રાણી જેવું નહોતું રહ્યું કોઈ જીવનમાં."
*****
સૃષ્ટિની મનોસ્થિતિ સાર્થક સમજી શકશે?
સુનિધિ અને સાર્થક વચ્ચે શું ચાલી રહ્યું છે?
નિરવ સૃષ્ટિ અને મનસ્વીને પોતાના જીવનમાં પાછા લાવી શકશે?
સૃષ્ટિના જીવનમાં બીજા શું ઉતાર ચડાવ આવશે?
આ બધા સવાલોનો જવાબ અને એક દીકરી, પત્ની, સ્ત્રીના સપનાઓ અને હકીકતને જાણવા આ વાર્તા વાંચતા રહો. મિત્રો અને સ્નેહીઓ તમારો પ્રતિભાવ ખુબજ મહત્વનો છે. પ્રતિભાવ ચોક્કસ આપતા રહેજો.
Whatsapp :- 8320610092
Insta :- rohit_jsrk
મિત્રો અને સ્નેહીઓ મારી પ્રથમ નવલકથા "અનંત દિશા" ના ૧ થી ૨૧ ભાગ આપને એકસાથે વાંચી અનુભવવા ગમશે. બીજી ટૂંકી વાર્તા આકાશ અને અન્ય વાર્તા, કવિતાઓ પણ વાંચવી ગમશે.
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
સદા સંબંધો મહેકાવતા રહો...
જય શ્રી કૃષ્ણ...
©રોહિત પ્રજાપતિ