સુંદરી - પ્રકરણ ૧૭ Siddharth Chhaya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સુંદરી - પ્રકરણ ૧૭

સત્તર

રેસ્ટોરન્ટની બહાર નીકળીને સોનલબાથી છૂટા પડીને વરુણ સીધો જ અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી શહેર પોલીસ કમિશનરની ઓફિસે પહોંચી ગયો. કિશનરાજે અગાઉથી જ માહિતી આપી દીધી હોવાથી વરુણને કમિશનરના રીસેપ્શન એરિયા સુધી પહોંચવામાં બિલકુલ તકલીફ ન પડી. પરંતુ તે સમયે કિશનરાજને મળવા કોઈ આવ્યું હોવાથી તેને થોડો સમય રાહ જોવાનું કહેવામાં આવ્યું.

આ સમય દરમ્યાન વરુણ વિચારવા લાગ્યો કે તે કેવી રીતે કિશનરાજ સમક્ષ પોતાની વાત રજુ કરશે કે જેથી કિશનરાજ તેને સાચી સલાહ આપી શકે. પોતે કિશનરાજને શું કહેશે અને શું નહીં તે અંગે વરુણે અસંખ્ય વિકલ્પો વિચારી દીધા. લગભગ પંદરથી વીસ મિનીટ વીતી ગયા બાદ વરુણને કિશનરાજની ચેમ્બરમાં જવાનું કહેવામાં આવ્યું.

ખરેખર તો એ ચેમ્બર ન હતી, એક વિશાળ ઓરડો હતો જેની બરોબર મધ્યમાં કિશનરાજ લાકડાના એક પહોળા ટેબલની પાછળ એક ભવ્ય ખુરશી ઉપર બેઠા હતા. આ ટેબલ અને ખુરશી તેમજ ઓરડાનું અન્ય ફર્નીચર ઉત્તમ લાકડામાંથી બન્યું હોય એવું સ્પષ્ટ દેખાતું હતું. અને આ તમામ ફર્નીચરને સમયાંતરે પોલીશ કરવામાં આવ્યું હોવાથી તે ઝગારા મારતા હતા.

“આવ આવ દીકરા.” વરુણના પોતાના રૂમમાં અંદર દાખલ થવાની સાથેજ કિશનરાજ પોતાની ખુરશીમાંથી ઉભા થઇ ગયા અને તેને આવકારવા રીતસર તેની સામે દોડી ગયા.

“કેમ છો અંકલ?” વરુણે સ્વાભાવિકપણે કિશનરાજના ગર્માળું સ્વાગતનો જવાબ આપતા સવાલ કર્યો.

“બસ જો, કામ, કામ અને કામ. પણ આજે થોડો ફ્રી છું એટલે થયું કે તને આજે જ મળી લઉં. આમ પણ ઘણો સમય થયો તને જોયે.” કિશનરાજના બંને હાથ વરુણના બંને ખભાઓ પર હતા અને તેઓ વરુણની આંખમાં આંખ નાખીને બોલી રહ્યા હતા.

“વાહ! અમદાવાદ જેવા મેગાસિટીના પોલીસ કમિશનરને પણ ફ્રી સમય મળી જાય છે એમને?” વરુણે હળવાશથી ટકોર કરી.

“મળતો તો નથી, પણ કાઢવો પડે છે. આવ આપણે અહીંયા બેસીયે. શું લઈશ?” કિશનરાજે વરુણના એક ખભા પરથી પોતાનો હાથ હટાવતા અને સામે પડેલા સોફા અને ટેબલ તેમજ બે ખુરશીઓ તરફ ઈશારો કરતા કહ્યું.

“સાચું કહું અંકલ? અત્યારે તો કોઈ જ ઈચ્છા નથી, હમણાંજ બેનબા સાથે બેઠો હતો ત્યારે કોલ્ડડ્રીંક પીધું.” વરુણે કશું ખાવા-પીવાની અનિચ્છા દર્શાવી.

“એમ કઈ ચાલે? અમારી કેન્ટીનના ઈડલી-વડા બહુ સરસ મળે છે. અમસ્તોય જમવાનો ટાઈમ થાય છે, આજે તો હું પણ એ જ ખાઈશ.” કિશનરાજે અધિકારપૂર્વક કહ્યું.

“ખરેખર અંકલ મને જરાય ભૂખ નથી અને જો ઘરે જઈને નહીં જમું તો મમ્મી લડશે.” વરુણે પોતાની મજબૂરી જણાવી.

“એમ જુવાન માણસને ભૂખ ન લાગે એવું ચાલે? હજી તો ઉગતું લોહી છો, ના આજે તો થઇ જ જાય ઈડલી-વડા. એમ એક ઈડલી અને એક વડામાં થોડું પેટ ભરાય છે?” આટલું કહીને કિશનરાજ પોતાના ટેબલ પર મુકેલા ઇન્ટરકોમ તરફ વળ્યા.

કિશનરાજે ઇન્ટરકોમ પર એક નંબર ડાયલ કર્યો અને પોતાની કેબીનમાં બે ડીશ ઈડલી-વડા મોકલવાનો ઓર્ડર આપ્યો.

“દસ મિનિટમાં આવી જશે. ત્યાંસુધી આપણે આપણી વાત ચાલુ કરીએ?” કિશનરાજ વરુણ તરફ વળ્યા અને સોફાની બાજુમાં રહેલી એક ખુરશી પર વરુણને બેસવાનો ઈશારો કરીને પોતે સોફા પર બેઠા.

“ગઈકાલે ખૂબ વરસાદ હતોને? તો હું અને મારો બાળપણનો મિત્ર કૃણાલ કોલેજના એક્ઝીટ ગેટ પાસે વરસાદ ધીમો પડવાની રાહ જોતા હતા. એવામાં એ ત્યાં આવ્યા...” વરુણે હજી પોતાની વાત શરુ જ કરી હતી.

“એ? એ એટલે કોણ?” કિશનરાજ પણ કળી ન શક્યા કે વરુણ સુંદરીની વાત કરે છે.

“એ એટલે એ... સુન... સુંદરી...મેડમ...” વરુણ માંડ માંડ સુંદરીનું નામ બોલી શક્યો અને પછી કમને તેની પાછળ તેણે ‘મેડમ’ પણ લગાડવું પડ્યું.

“અચ્છા એ... એ... એ એટલે એ એમને? વાહ! નામ બોલતાં પણ શરમ આવે છે હેં? બિલકુલ સાચા માર્ગે જ છો તું.” કિશનરાજે હસતાં હસતાં કહ્યું.

વરુણ થોડો શરમાયો. આમ પણ કિશનરાજ સાથે તેની આ બીજી જ રૂબરૂ મુલાકાત હતી. કિશનરાજે ભલે તેને તેની લાગણીઓ વ્યક્ત કરવાની અને તેને મન થાય ત્યારે તેને કહેવાની છૂટ આપી હતી જેથી તેને સાચી સલાહ મળે એમ કહ્યું હતું પરંતુ એમ એક મુલાકાત જુના જ વ્યક્તિ સાથે કોઈને પણ મન ખોલીને વાત કરતા સમય તો લાગતો જ હોય છે.

વરુણે ત્યારબાદ ગઈકાલની સંપૂર્ણ ઘટના વિષે કિશનરાજને વિગતવાર કહ્યું. તેમને એમ પણ કહ્યું કે તેને હવે ચોક્કસપણે લાગે છે કે તે સુંદરીને પ્રેમ કરે છે અને તેની લાગણી એ આકર્ષણ માત્ર નથી.

વરુણની વાત પૂરી થઇ ત્યાં જ તેના અને કિશનરાજ માટે બે પ્લેટ ઈડલી-વડા આવી ગયા.

“પહેલા આપણે ખાઈ લઈએ? પછી ડીટેઇલમાં ચર્ચા કરીએ.” કિશનરાજે કહ્યું, વરુણને ના પાડવાનો તો કોઈ સવાલ જ ન હતો.

વરુણને આમ પણ ભૂખ ઓછી હતી. તેને ખરેખર તો કિશનરાજ તેને હવે આગળ શું કરવું તે માર્ગદર્શન આપે તેની ઉતાવળ હતી પરંતુ હવે તેને ઈડલી-વડા ખાવા જ પડશે તેની ફરજ પડી હતી. આમ કમને પણ તેને ઈડલી-વડાની પ્લેટ હાથમાં લેવાની ફરજ પડી.

પરંતુ ઈડલી અને વડાના પ્રથમ ટુકડા વારાફરતી સંભાર અને નારિયેળની ચટણીમાં બોળીને ખાધા પછી વરુણને ખ્યાલ આવ્યો કે કિશનરાજના વખાણ જરાય ખોટા ન હતા. વરુણને આ ડીશ એટલી તો સ્વાદિષ્ટ લાગી કે અચાનક જ તેને ભૂખ લાગી હોય એવું લાગવા માંડ્યું. પહેલા જે કમને તેણે ખાવું પડશે એવું લાગ્યું હતું તે જ ઈડલી-વડા તે રસપૂર્વક ખાવા લાગ્યો.

બંને જણાએ આનંદથી ઈડલી-વડા ખાધા અને પછી કિશનરાજની ચેમ્બરમાં જ આવેલા બાથરૂમમાં હાથ ધોઈને બંને ફરીથી એ જ સ્થાને બેઠા. વરૂણનું પેટ પણ હવે ખરેખર ભરાઈ ગયું હતું એટલે અને હવે કિશનરાજ તેને શું સલાહ આપે છે તે જાણવાની અદમ્ય ઇન્તેજારી હતી.

“તો તને હવે પાક્કું એવું લાગે જ છે કે તને સુંદરી પ્રત્યે જે લાગણી છે એ પ્રેમની જ લાગણી છે.” કિશનરાજે ટેબલ પર પડેલા જગમાંથી પાણીનો ગ્લાસ ભરતા પૂછ્યું.

“જી અંકલ, કાલની ઘટના પછી તો મને હવે પાકેપાયે ખાતરી છે.” વરુણે આત્મવિશ્વાસથી જવાબ આપ્યો.

“હમમ... તો આપણી એક સમસ્યા તો દૂર થઇ ગઈ. હવે રહી બીજી સમસ્યા જેની સામે હમણાં જે સમસ્યા પૂરી થઇ એની તો સરખામણી જ ન થાય.” કિશનરાજે પાણી પીતાપીતાં કહ્યું.

“એટલે?” વરુણ ગૂંચવાયો, ગભરાયો કે કિશનરાજ હવે તેને શું કહેશે?

“એટલે એમ કે તને તો તારા સુંદરી મેડમ પ્રત્યે ખરેખર પ્રેમ છે, પણ શું સુંદરી મેડમ તને ક્યારેય પ્રેમ કરશે ખરા?” કિશનરાજે પહેલા ખરેખર શબ્દ પર અને પછી ક્યારેય શબ્દ પર ભાર મૂક્યો.

“હમમ... તો?” વરુણના સૂરમાં નિરાશા હતી.

“અરે તું તો સાવ પીળો પડી ગયો! મેં એમ ક્યાં કહ્યું કે સુંદરી મેડમ તને પ્રેમ નહીં જ કરે.” કિશનરાજના ચહેરા પર સ્મિત હતું.

“એટલે” વરુણને ખબર નહોતી પડી રહી કે કિશનરાજ આમ એક પછી એક એની સામે ઉખાણું પૂછતાં હોય એમ કેમ વર્તન કરી રહ્યા છે.

“અરે દીકરા... તું સમજ્યો નહીં. ચાલ મને એક સવાલનો જવાબ આપ. તું જેમ કહે છે એમ ખરેખર સુંદરીને પ્રેમ કરે છે તો તને એવી ઈચ્છા ખરી કે તે તને કાયમ માટે મળે? એટલેકે તારી લાઈફ પાર્ટનર બને?” કિશનરાજે હવે સીધો જ સવાલ કર્યો.

“બિલકુલ, જો મારા પ્રેમને પૂર્ણ કરવો હોય તો મને એના માટે એમની અને મારી આખી જિંદગી જોઈએ જ.” વરુણના અવાજમાં હવે વિશ્વાસનો સૂર પરત આવ્યો હતો.

“ગૂડ, તો જે રીતે તમારા બંને વચ્ચેના સંબંધો છે એટલેકે પ્રોફેસર અને સ્ટુડન્ટના, શું તું એવું માને છે કે એ પણ તારી સાથે એટલીજ સરળતાથી પ્રેમમાં પડી જશે જેમ તું એના પ્રેમમાં પડ્યો છે? આઈ મીન કે શું તેને તારા પ્રત્યે એવું કુદરતી આકર્ષણ થશે ખરું જે તને તેના માટે થયું હતું?” કિશનરાજે મુદ્દાનો સવાલ કર્યો.

“ના, અત્યારે તો એ શક્ય નથી લાગતું.” વરુણે જવાબ આપ્યો.

“અત્યારે તો શું બેટમજી, એવું થવું ક્યારેય શક્ય નથી. એવો વિચાર આવવો તો દૂર એને તું ગમીશ પણ નહીં. એ તને કાયમ એના સ્ટુડન્ટ તરીકે જ જોશે અને તારી સાથે એજ પ્રકારનું વર્તન કરશે. લખી લે!” કિશનરાજના શબ્દેશબ્દમાં વિશ્વાસ અને અનુભવ બોલી રહ્યા હતા.

“તો?” વરુણ ફરીથી ગૂંચવાયો.

“તો તારે હવે એવું કશું કરવું પડે કે જેનાથી તું વારંવાર એની નજરે ચડે. તારે તારી ઈમેજ તો સાચવવાની છે જ જે કાલે તે તેને ખરા સમયે મદદ કરીને ઉભી કરી છે પરંતુ કશું એવું પણ કરવું પડશે જેનાથી તારી આ સારી ઈમેજ વધુને વધુ સારી થતી રહે.” કિશનરાજે વરુણને પહેલી અને મહત્ત્વની સલાહ આપી.

“એ કેવી રીતે કરું?” વરુણે પૂછ્યું.

“ઘણીબધી રીત છે. પહેલી રીત તો એ છે અને આપણી ફેવરમાં છે કે એ તારા જ સબ્જેક્ટની પ્રોફેસર છે, જો કોઈ બીજા વિષયની હોત તો તારે તેને મળવા માટે ખરા ખોટા બહાના બનાવવા પડત. શરૂઆતમાં તો તું તેને ડિફીકલ્ટી સોલ્વ કરવા કે તારા વિષય અંગે કોઈને કોઈ ચર્ચા કરવા એને રેગ્યુલર મળવાનું રાખ. પણ જરા કન્ટ્રોલમાં કારણકે જો રોજ મળીશ તો એને શંકા જશે. અને હા જે કોઇપણ પ્રશ્ન હોય એ તેને જેન્યુઈન લાગવો જોઈએ. સમજ્યો?”

“હા અંકલ બરોબર સમજ્યો, પણ એ તો અત્યારે એક જ પેપર અને એ પણ અડધું જ પેપર ભણાવે છે.” વરુણે બીજી સમસ્યા રજુ કરી.

“તો શું? એ હિસ્ટ્રીની જ પ્રોફેસર છે ને? શું એ ભણાવે છે એટલુંજ એને આવડતું હશે? તું બીજા પેપર વિષે પણ એને કેમ ન પૂછી શકે? એક કામ કર, શરૂઆતમાં તું તેને એના જ પેપર વિષે પૂછ પણ અઠવાડિયા કે દસ દિવસે એકાદ વાર, પછી તું એકાદ મહિના બાદ બીજા પેપર્સ વિષે પણ પૂછવા લાગ જો એ સવાલ કરે તો કહેવાનું કે તમે મને જે રીતે સમજાવો છો એ મને સરળતાથી સમજાઈ જાય છે. હોપ યુ ડોન્ટ માઈન્ડ. બાકી તું હોશિયાર છે એટલે મારે વધુ કશું નથી કહેવું.” કિશનરાજ હસ્યા.

“થેંક્યુ વેરી મચ અંકલ, તમે તો મારો રસ્તો સરળ કરી દીધો.” વરુણ અત્યંત ખુશ થઇ નો બોલ્યો.

“હં... હં... હં... એમ હજી રસ્તો સરળ નથી દીકરા. હજી તો ઘણા વિઘ્નો આવશે, એવા વિઘ્નો કે જેની તને અને મને અત્યારે કલ્પના પણ નથી. પણ પ્રેમનો માર્ગ એમ ક્યાં સરળ હોય છે રાઈટ?” કિશનરાજે વરુણને ચેતવતા કહ્યું.

“રાઈટ અંકલ, પણ શરૂઆત જો સારી થશે તો બધું જ સારું થશે મને વિશ્વાસ છે.” વરુણે પણ પોતાનો આત્મવિશ્વાસ દર્શાવ્યો.

“બસ તો પછી. હમણાં આ મહિનો મેં કહ્યું એમ કર, આવતા મહીને ફરીથી મળીએ અને હા, મારો પ્રાઈવેટ નંબર છે જ તારી પાસે, કશું નહીં તો જ્યારે પણ તારી અને સુંદરીની મુલાકાત થાય એ દિવસે મને વોટ્સ એપ પર અપડેટ આપી દેજે. મને સમય મળશે ત્યારે હું તને જવાબ આપીશ અથવા કોલ કરી દઈશ.” કિશનરાજે વરુણને સૂચના આપી.

“શ્યોર અંકલ, હવે તમારી સાથે હું રેગ્યુલર સંપર્કમાં રહીશ. આજે થેન્કસ નહીં કહું બરોબરને?” વરુણ હસતા હસતા બોલ્યો.

“બિલકુલ નહીં, થેન્ક્સ શેના?” કિશનરાજ સોફા પરથી ઉભા થતા બોલ્યા.

વરુણ પણ ઉભો થયો. કિશનરાજ તેને વળગી પડ્યા અને પછી વરુણે તેમની વિદાય લીધી.

વરુણ કિશનરાજ સાથેની આજની મુલાકાતથી અત્યંત હળવો થઇ ગયો હોય એવી લાગણી અનુભવતો હતો આથી પોલીસ કમિશનરની ઓફિસથી પોતાના ઘર સુધી પોતાને ગમતા ગીતો ગણગણતો બાઈક ચલાવતો ગયો.

==:: પ્રકરણ ૧૭ સમાપ્ત ::==