પિશાચિની - 13 H N Golibar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પિશાચિની - 13

(13)

‘દીપંકર સ્વામી શું પંડિત ભવાની-શંકરના મંત્રનો જાપ તોડવાનો અને એને મંડળની બહાર ખેંચી લાવવાનો કોઈ તોડ લઈને બહાર આવશે ખરા ?’ વિચારતાં જિગર જે રૂમમાં દીપંકર સ્વામી ગયા હતા, એ રૂમના બંધ દરવાજા તરફ જોઈ રહ્યો હતો.

દસ મિનિટ વિતી અને અત્યારે હવે એ રૂમનો દરવાજો ખૂલ્યો ને દીપંકર સ્વામી બહાર નીકળ્યા.

બરાબર આ પળે જ જિગરના માથે પંખીની પાંખોનો ફડફડાટ સંભળાયો અને પછી તેના માથે જાણે પંખીની અણીદાર ચાંચ વાગી હોય એવું લાગ્યું. તેણે કલ્પનાની આંખે જોયું તો તેના માથા પર આવી ચૂકેલી શીનાના ચહેરા પર રાહત વર્તાતી હતી.

‘જિગર !’ જિગરના કાને દીપંકર સ્વામીનો અવાજ સંભળાયો, એટલે જિગરે દીપંકર સ્વામી સામે જોયું.

દીપંકર સ્વામીએ તેને કહ્યું : ‘હું તને શીનાને વશમાં કરવાના ભવાનીશંકરના મંત્રને તોડી શકીશ, એ માટે તારે આજથી પંદરમા દિવસે....’

‘....પંદરમા દિવસે ? !’ જિગર બોલી ઊઠયો : ‘પંદરમા દિવસે તો ભવાનીશંકરના જાપનો છેલ્લો દિવસ એટલે કે એકસો એકમો દિવસ છે !’

‘....મને એનો ખ્યાલ છે.’

‘....પણ તો પછી એનો જાપ વહેલો તોડાવોને, સ્વામીજી !’ જિગર બોલ્યો : ‘એને એ પહેલાં જ મંડળમાંથી બહાર...’

‘એ શકય નથી.’ દીપંકર સ્વામીએ કહ્યું : ‘ભવાનીશંકરનો જાપ તોડવા માટે, એનો સામનો કરવા માટે મારે તને જે વસ્તુ આપવાની છે, એમાં પંદર દિવસ તો લાગે એમ છે જ. જોકે, તું ચિંતા ન કર. એનો જાપ પંદરમા દિવસની વહેલી સવારે ચાર વાગ્યે પૂરો થવાનો છે, પણ તું ચાર કલાક પહેલાં, બાર વાગ્યે અહીં આવી જજે.’

હવે જિગરને દીપંકર સ્વામી સાથે વધુ સવાલ-જવાબ કરવાનું યોગ્ય લાગ્યું નહિ. તે ઊભો થયો. ‘હું પંદરમા દિવસે બાર વાગ્યે આવી જઈશ.’

‘હા !’ દીપંકર સ્વામીએ કહ્યું, એટલે જિગર મકાનની બહાર નીકળ્યો અને કારમાં બેઠો. તેણે કાર ઘર તરફ આગળ વધારતાં, તેના માથા પર સવાર અદૃશ્ય શક્તિ શીનાને પૂછયું : ‘શીના ! કદાચને જો દીપંકર સ્વામી ભવાનીશંકરનો જાપ પૂરો થવાના છેલ્લા ચાર કલાકમાં, ભવાનીશંકરનો જાપ તોડાવીને એને મંડળની બહાર લાવવામાં સફળ ન થાય તો...’

‘...તો આખો ખેલ બગડી જાય. ભવાનીશંકર મંત્રનો જાપ પૂરો કરી નાખે ને મારે એના વશમાં ચાલ્યા જવું પડે, મારે એની દાસી બની જવું પડે, અને...’

‘...અને શું, શીના ? !’

‘હું એવું નથી ઈચ્છતી કે, તને કોઈ આંચ આવે. પણ કાળા જાદૂની ખાસિયત એ છે કે, જો એ ઊલટો પડે તો જાદૂ કરનાર કે પછી જાદૂ કરાવનારને ખલાસ કરી શકે છે !’

‘એટલે તું એવું કહેવા માગે છે ને કે, જો દીપંકર સ્વામી નિષ્ફળ રહ્યા તો દીપંકર સ્વામી કે પછી મારું..., અમારા બન્નેમાંથી કોઈ એકનું મોત પણ થઈ શકે છે !’

‘હા.’ શીનાએ જવાબ આપ્યો, ત્યારે જિગરની કાર તેના ફલેટના કમ્પાઉન્ડમાં પહોંચી ચૂકી હતી.

જિગર કારમાંથી બહાર નીકળીને, પોતાના ફલેટમાં પહોંચ્યો અને સોફા પર બેઠો એટલે શીના બોલી : ‘જિગર ! મારું તો કહેવું છે કે, મારા માટે તારી જિંદગી દાવ પર ન લગાવ. ભવાનીશંકર પાસે ગયા પછી મારું જે થવાનું હશે એ થશે, પણ તું મને ભૂલી જા, અને માહી સાથે તારી જિંદગી નિરાંતે વિતાવ.’

‘ના ! મેં તને પહેલાં જ કહી દીધું છે કે, હું તારા વિના રહી શકું એમ નથી. હું તારા માટે મારા જીવ-જાનથી ખેલી જઈશ.’

‘ઠીક છે.’ શીનાએ એક નિશ્વાસ નાંખતાં કહ્યું : ‘જેવી તારી મરજી.’

જિગર એક ઊંડો શ્વાસ લેતાં પલંગ પર લેટયો.

દૃ દૃ દૃ

જિગરને પંડિત ભવાનીશંકર અને દીપંકર સ્વામી પાસે ગયાને સાત દિવસ થયા હતા. આ દરમિયાન એના પિતાને ત્યાં ગયેલી માહી પાછી આવી ચૂકી હતી.

જિગરે આ સાત દિવસ ખૂબ જ પરેશાનીમાં વિતાવ્યા હતા. ‘જો પંદરમા દિવસે દીપંકર સ્વામીનો કાળો જાદૂ ભવાનીશંકરના મંત્રનો જાપ તોડવામાં સફળ નહિ થાય અને શીના ભવાનીશંકરના વશમાં ચાલી જશે તો ? !’ એ ચિંતામાં જિગરના દિવસનું ચેન અને રાતની ઊંઘ હરામ થઈ ગઈ હતી. તે કલ્પનાની આંખે તેના માથા પર સવાર શીનાને જોયા કરતો હતો અને ‘ભવાનીશંકરના મંત્રના જાપના છેલ્લા દિવસે શું થશે ? !’ એવી વાતો શીના સાથે કરતો રહેતો હતો.

શીના તેને હિંમત બંધાવતી હતી, પણ શીનાના ચહેરા પરથી એવું લાગતું હતું કે, એ પોતે જ હિંમત હારી ગઈ હતી. વળી એ ફિક્કી-ફિક્કી પણ લાગતી હતી.

ભવાનીશંકરે શીનાને વશમાં કરવાના મંત્રનો જાપ શરૂ કર્યો એ પછી શીનાએ તેની પાસે કોઈ માણસને ખતમ કરાવ્યો નહોતો. શીનાએ કોઈનું લોહી પીધું નહોતું.

‘જિગર !’ અત્યારે જિગરના કાને તેની પત્ની માહીનો અવાજ પડયો, એટલે જિગર વિચારોમાંથી બહાર આવ્યો. માહી તેની બાજુમાં આવીને બેઠી હતી. માહીએ કહ્યું : ‘હું પપ્પાને ત્યાંથી આવી ત્યારથી જોઈ રહી છું કે, તું ગૂમસૂમ-ગૂમસૂમ રહે છે. તારા ચહેરા પર પણ ચિંતા દેખાય છે. શું કંઈ તકલીફ છે ? !’

‘ના.’ જિગર બોલ્યો.

‘જિગર ! જે હકીકત હોય એ મને કહે !’ માહી બોલી : ‘તું મને ન કહે તો તને મારા સોગંધ !’

‘તેં મને સોગંધ કયાં આપ્યા ? !’ માહીને કહેતાં જિગરે કલ્પનાની આંખે તેના માથે સવાર અદૃશ્ય શક્તિ શીનાને જોઈ.

શીનાએ તેને માહીને હકીકત જણાવી દેવાનું કહ્યું.

જિગરે એક નિશ્વાસ નાખ્યો, અને માહીને પંડિત ભવાનીશંકર અને દીપંકર સ્વામીવાળી વાત જણાવી.

માહીના ચહેરા પર ચિંતાના વાદળાં ઘેરાઈ આવ્યાં : ‘જિગર ! મને નથી લાગતું કે, તું શીનાને એ પંડિત ભવાનીશંકરના વશમાં જતી બચાવી શકીશ. આ મંત્ર-તંત્ર અને કાળા જાદૂનો ખેલ ખૂબ જ ખતરનાક હોય છે. કયાંક એવું ન બને કે, શીનાને પંડિત ભવાનીશંકરથી બચાવવા જતાં તને કંઈ થઈ જાય !’

‘જો હું મારી ચિંતા કરીશ તો પછી શીનાને નહિ બચાવી શકું.’

‘તારે તારા જીવની ચિંતા તો કરવી જ પડશે ને !’ માહી બોલી : ‘હવે તું એકલો નથી. તારી સાથે મારું જીવન પણ સંકળાયેલું છે. તને કંઈ થઈ જશે તો ? ! તારે મારો પણ તો વિચાર કરવો જ જોઈએ ને !’

‘...તારો વિચાર પણ તો કરું જ છું ને, માહી...!’ જિગર બોલ્યો : ‘પણ શીનાના મારી પર ઘણા અહેસાન છે. એણે જો મને મદદ કરી ન હોત અને જો હું માલદાર બન્યો ન હોત તો હું તને કયારેય પામી ન શકત.’

‘હા, પણ એનો મતલબ એવો થોડો છે કે, હવે તું શીનાને કારણે મને ભૂલી જાય.’ માહી બોલી ઊઠી : ‘તારે મારા સુખ.., મારા જીવનનો વિચાર કરવો જોઈએ. તું.., તું મને પ્રેમ કરે છે કે, એ બલાને..? !’

‘માહી ! શું બકે છે તું ?’ જિગર ચિલ્લાઈ ઊઠયો : ‘શીના એક કલ્પના છે અને તું એક હકીકત ! શીના મને મદદ કરે છે એટલે હું એના માટે લાગણી ધરાવું છું. બાકી પ્રેમ તો હું તને જ કરું છું ને...!’

‘તું મને પ્રેમ કરે છે એ હું ત્યારે માનું કે, જ્યારે તું મારા માથે હાથ મૂકીને, એ સોગંધ ખાય કે, શીનાને ભવાનીશંકરના વશમાં જતી બચાવવા માટે તું કોઈ તંત્ર-મંત્રના ચક્કરમાં નહિ પડે ! તું શીનાને ભૂલી જઈશ.’

‘એ...એ એ શકય નથી, માહી !’

‘ભલે તો પછી !’ માહી બોલી : ‘તું તારા રસ્તે અને હું મારા રસ્તે.’ અને આટલું કહેતાં જ માહી ઊભી થઈ ગઈ ને બેડરૂમના દરવાજા તરફ આગળ વધી ગઈ.

‘માહી !’ જિગરે બૂમ પાડી, પણ માહી રોકાઈ નહિ. એ ડ્રોઈંગરૂમમાં જઈને સોફા પર લાંબી થઈ ગઈ.

‘જિગર !’ જિગરના માથેથી શીનાનો અવાજ સંભળાયો : ‘તારે મારા કારણે માહી સાથે આમ ઝઘડવાની જરૂર નહોતી. એવું હોય તો તું મને મદદ કરવાનું માંડી વાળ. મને ભવાનીશંકર પાસે જવા...’

‘ના. એ હરગિજ નહિ બને.’ જિગર બોલી ઊઠયો : ‘તું મારી છે અને મારી રહીશ. હવે હું તારા વિનાના જીવનની કલ્પના પણ કરી શકું એમ નથી.’

‘ઠીક છે.’ શીના બોલી : ‘હું મારી રીતના માહીને સમજાવી દઉં છું.’ શીનાનો અવાજ સંભળાયો અને એ સાથે જ જિગરના માથા પરનો ભાર હળવો થઈ ગયો.

જિગરે કલ્પનાની આંખે જોયું તો શીના તેના માથા પરથી ચાલી ગઈ હતી.

જિગર પોતાની જગ્યા પર જ બેસી રહ્યો.

થોડી વાર થઈ, ત્યાં જ માહી બેડરૂમની અંદર આવી અને જિગરની બાજુમાં બેઠી. ‘જિગર !’ માહીએ કહ્યું : ‘મને માફ કરી દે. હું શીના વિશે જેમ-તેમ બોલી ગઈ.’ ને માહીએ જિગરનો હાથ પોતાના હાથમાં લીધો : ‘તું જે પણ કરી રહ્યો છે, એ બરાબર છે. હું પણ એવું ઈચ્છું છું કે, શીના તારા માથા પર જ સવાર રહે. તારે શીનાને પંડિત ભવાનીશંકરના વશમાં જતી બચાવવા માટે બધું કરી છૂટવું જોઈએ.’

અને માહીની આ વાત સાંભળતાં જ જિગર ખુશ થઈ ઊઠયો. તેણે માહીને બાહુપાશમાં લઈ લીધી.

દૃ દૃ દૃ

બીજા દિવસે રાતના એક વાગ્યે જિગરં શાંતિનગરના સ્મશાને પહોંચ્યો. તે પુરાણા મંદિરના પાછળના ભાગમાં આવેલી ઝાડીઓ પાસે પહોંચ્યો. તેણે ઝાડીઓ ખસેડીને જોયું. નવ દિવસ પહેલાં જિગર અહીં આવ્યો હતો અને જે રીતના પંડિત ભવાનીશંકર મંત્રનો જાપ કરતો બેઠો હતો એવી જ રીતના અત્યારે પણ મંત્રનો જાપ કરતાં બેઠો હતો. એની ચારે બાજુ સફેદ રેખા-મંડળ બનેલું હતું અને એ બંધ આંખે મંત્રનો જાપ કરી રહ્યો હતો.

અત્યારે અચાનક જ ભવાનીશંકરે આંખો ખોલી અને એની નજર જિગરની નજર સાથે અથડાય એ પહેલાં જ જિગરે ઝાડીઓ છોડી દીધી અને ત્યાંથી પાછો વળી ગયો.

તે કારમાં બેઠો અને કારને ઘર તરફ હંકારી. તેણે કલ્પનાની આંખે જોયું તો શીના તેના માથા પર સવાર હતી અને ચુપ હતી. એ વધુ ફિક્કી પડેલી લાગતી હતી.

શીના કંઈ બોલી નહિ. જિગર પણ ચૂપ રહ્યો. પંડિત ભવાનીશંકરના જાપના છેલ્લા દિવસની રાતે, દીપંકર સ્વામી તેને ભવાનીશંકરના મંત્રનો જાપ તોડવા માટેની વસ્તુ સાથે ભવાનીશંકર સામે ન મોકલે ત્યાં સુધી તેણે કે શીનાએ આ વિશે કંઈ જ કહેવા-કરવા જેવું નહોતું.

દૃ દૃ દૃ

બાકીના છ દિવસ જિગર માટે છ-છ યુગ જેવા વિત્યા. આ છ દિવસ દરમિયાન શીના તેના માથા પર આવતી અને જતી રહી હતી. શીના દુઃખી અને બેચેન હતી. એનું શરીર સાવ ફીક્કું પડી ગયું હતું.

શીનાને વશમાં કરવા માટેના પંડિત ભવાનીશંકરના મંત્રનો જાપનો આજે છેલ્લો દિવસ હતો.

રાતના સવા અગિયાર વાગ્યા હતા. જિગરે બાર વાગ્યા સુધીમાં દીપંકર સ્વામી પાસે પહોંચી જવાનું હતું. જિગર તૈયાર થઈ ચૂકયો હતો. તેના માથા પર સવાર શીના બેચેની સાથે આંટા મારી રહી હતી.

તો જિગરની સામે ઊભેલી તેની પત્ની માહીના ચહેરા પર પણ ચિંતા હતી. ‘જિગર ! સાચવીને જજે. તારા જીવનું ધ્યાન...’ અને માહી આગળ બોલી શકી નહિ.

જિગરે માહીને છાતી સરસી ચાંપી. ‘તું ચિંતા ન કર. મને કંઈ નહિ થાય. હું ચાર-પાંચ કલાકમાં શીનાની સાથે જ પાછો ફરીશ.’ અને જિગરે માહીને અળગી કરી : ‘હું નીકળું છું.’ કહેતાં તે મેઈન દરવાજાની બહાર નીકળી ગયો.

પાંચમી મિનિટે તે કારમાં દીપંકર સ્વામીના ઘર તરફ આગળ વધી રહ્યો હતો. રાતના સાડા અગિયાર વાગ્યા હતા. પૂનમનો ચંદ્ર ચળકતો હતો. અત્યારે તેના માથા પર શીના સવાર હતી. શીનાના ચહેરા પર ભય છવાયેલો હતો. ‘જિગર !’ શીના બોલી : ‘આજની રાત મારા માટે ખૂબ જ ભારે છે.’

‘તું ચિંતા ન કર.’ જિગર બોલ્યો : ‘બધું આપણી મરજીનું જ થશે. આપણે દીપંકર સ્વામીની મદદથી પંડિત ભવાનીશંકરના મંત્રનો જાપ તોડાવીને, એને મંડળની બહાર કાઢી જ લઈશું.’

‘તારી વાત સાચી પડે તો સારું !’ શીના બોલી.

જિગરે કાર ડાબી તરફ વળાવી ને પછી તેણે દીપંકર સ્વામીના ઘરની બહાર કાર પહોંચાડીને રાખી, ત્યાર સુધીમાં તેની અને શીના વચ્ચે કોઈ વાત થઈ નહિ.

જિગરે જોયું તો દીપંકર સ્વામીના મકાનનો દરવાજો ખુલ્લો જ હતો. તે સહેજ ખચકાટ સાથે અંદર દાખલ થયો. અંદર કોઈ નહોતું. ત્યાં જ બાજુના રૂમના ખુલ્લા દરવાજામાંથી દીપંકર સ્વામીનો અવાજ સંભળાયો : ‘અંદર આવી જા, જિગર !’

જિગરે એ રૂમ પાસે પહોંચીને જોયું તો રૂમની વચ્ચે દીપંકર સ્વામી ઊભા હતા. તેમની પાસે જ ઊંચું ટેબલ પડયું હતું. એ ટેબલ પર માટીની હાંડી મુકાયેલી હતી.

જિગર એ રૂમમાં દાખલ થયો એ સાથે જ જિગરના શરીરમાંથી કંપારી પસાર થઈ ગઈ. તેને લાગ્યું કે, જાણે તે અસંખ્ય ભૂત-પિશાચો વચ્ચે આવી ગયો છે. જોકે, રૂમમાં એવી કોઈ વસ્તુ દેખાતી નહોતી જેનાથી જિગરના શરીરમાંથી ભયની આ કંપારી પસાર થઈ હોય. પણ તેમ છતાંય એ રૂમમાં કંઈક એવું જરૂર હતું જેણે તેના શરીરને કંપાવ્યું હતું.

દીપંકર સ્વામીએ ટેબલ પર પડેલી માટીની હાંડી ઊઠાવી. એ હાંડી પર માટીનું ઢાંકણું મુકાયેલું હતું અને ઢાંકણાની ચારે બાજુ બાંધેલા લોટની કોર લગાવીને, ઢાંકણાને હાંડી સાથે સીલ કરી દેવામાં આવ્યું હતું.

‘જિગર ! તારે આ હાંડી લઈને સ્મશાને ભવાનીશંકર પાસે જવાનું છે. ભવાનીશંકર સામે પહોંચતાં સુધીમાં ન તો તારે પાછું વળીને જોવાનું છે કે, ન તો કોઈની સાથે વાત કરવાની છે. ભવાનીશંકર પાસે પહોંચીને તારે એને પડકારવાનો છે. એ આંખો ખોલે અને એની નજર તારા હાથમાંની આ હાંડી પર પડે એટલે તારે આ હાંડી એની તરફ ફેંકી દેવાની છે.’ દીપંકર સ્વામીએ આગળ કહ્યું : ‘પણ તારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે, જ્યાં સુધી ભવાનીશંકરની નજર તારા હાથમાંની આ હાંડી પર ન પડે ત્યાં સુધી તારે એને તારા હાથમાંથી છોડવાની નથી-ભવાનીશંકર તરફ ફેંકવાની નથી.’

‘ભલે !’ જિગરે દીપંકર સ્વામીની વાતને મગજમાં નોંધી લેતાં કહ્યું.

‘આ હાંડી મંડળની અંદર-ભવાનીશંકર પાસે પડતાં જ ભવાનીશંકર મંત્ર-તંત્ર ભૂલી જશે અને મંડળની બહાર નીકળી જશે. પછી શીના તારી પાસે જ રહેશે.’

‘તમારો આભાર, સ્વામીજી !’

‘આભાર તો ઠીક છે, જિગર, પણ મેં તારી પાસે એક વાયદો લીધો છે.’ દીપંકર સ્વામી બોલ્યા : ‘હું તને કહું ત્યારે તારે મારું એક કામ કરી આપવાનું છે.’

‘જી, સ્વામીજી !’ જિગરે કહીને પૂછયું : ‘આ હાંડીમાં શું છે, સ્વામીજી ?’

‘આમાં એક એવી શક્તિ બંધ છે, જે ભવાનીશંકરને જલાવીને રાખ કરી શકે છે.’ દીપંકર સ્વામીએ કહ્યું : ‘હવે તું નીકળ, મોડું થશે તો ખેલ બગડી જશે.’ અને સ્વામીએ પોતાના હાથમાંની હાંડી જિગર તરફ ધરી.

જિગરે હાંડી પોતાના હાથમાં લીધી અને ધીમી ચાલે મકાનની બહાર નીકળ્યો. તે શાંતિનગરના સ્મશાન તરફ આગળ વધ્યો. તેણે કલ્પનાની આંખે જોયું તો તેના માથા પર સવાર શીનાનો ચહેરો ભયથી પીળો પડી ગયો હતો.

જિગરને થયું કે, તે શીના સાથે વાત કરે, પણ પછી તેને દીપંકર સ્વામીની સૂચના યાદ આવી. તેે ભવાનીશંકર પર હાંડી ન ફેંકે ત્યાં સુધી તેણે કોઈની સાથે વાત કરવાની નહોતી, પાછું વળીને જોવાનું નહોતું.

તેણે એ જ રીતના, હાથમાં દીપંકર સ્વામીએ આપેલી માટીની હાંડી સાથે સ્મશાન તરફ આગળ વધવાનું ચાલુ રાખ્યું, ત્યારે તેના મગજમાં સવાલ સળવળી ઊઠયો, ‘તે દીપંકર સ્વામીએ આપેલી આ હાંડી સાથે નીકળ્યો તો છે, પણ શું તે પંડિત ભવાનીશંકરનો જાપ તોડીને, શીનાને લઈને પાછો ફરશે ? ! ? કે પછી દીપંકર સ્વામીનો આ કાળો જાદૂ નિષ્ફળ જશે અને શીના ભવાનીશંકરના વશમાં ચાલી જશે ? ! ?

‘જોકે, આ સવાલની સાથે એક મોટો અને અગત્યનો સવાલ એ પણ હતો કે, તે દીપંકર સ્વામીએ આપેલો આ કાળો જાદૂ લઈને ભવાનીશંકરની સામે તો જતો હતો, પણ શું આ કાળો જાદૂ સફળ થશે અને તે જીવતો-જાગતો પાછો ફરશે ? કે પછી, કે પછી આ કાળો જાદૂ નિષ્ફળ જશે અને તે મોતના મોઢામાં ધકેલાઈ જશે ?’

( વધુ આવતા અંકે )