Koobo Sneh no - 46 books and stories free download online pdf in Gujarati

કૂબો સ્નેહનો - 46

🌺 આરતીસોની 🌺
પ્રકરણ : 46

નીકળતાં નીકળતાં અમ્માની દ્રષ્ટિ સમક્ષ કંઈ કેટલાંય દ્રશ્યો પસાર થઈ ગયાં હતાં. વિચાર વંટોળ કેશોટા માફક એમને વિંટળાઈ વળ્યો હતો. સઘડી સંઘર્ષની.....

❣️કૂબો સ્નેહનો❣️

સાત સમુંદર પેલે પાર આવેલી ઊર્મિ સભર ગીતો જેવી, સુંદર સ્વપ્ન નગરીમાં આમ્માએ પ્રયાણ કર્યું હતું અને રાધાકૃષ્ણ મંદિરના દર્શન કરીને આગળ વધવાની એમણે ઇચ્છા વ્યક્ત કરી હતી.

સકારાત્મક શક્તિનો સંચાર કરવા માટે મનની બારીઓ ઉઘાડી રાખવી પડે છે, અને તમામ દિશાઓ સાથે પ્રસન્ન રહીને એનો આવિષ્કાર કરવાનું સામર્થ્ય કેળવવું પડે છે, ત્યારે જ એ નકારાત્મકતાને દૂર ધકેલી શકાય છે.

મંદિરનો ઘંટારવ ગુંજ્યો ! સાડીના પાલવનો ખોળો પાથરીને કાન્હાને અછોઅછોવાનાં કરતાં અમ્મા બોલ્યા,
"હે, મારા વ્હાલા... આટલાં વર્ષોથી તેં તો હેમખેમ રાખ્યાં છે મારા છૈયા છોકરાંઓને.. લાજ રાખજો અને રખોપાં કરો મારા કુળની વ્હાલા.. છૈયા છોકરાથી અંધારે અજવાળે કોઈ કુંડાળે પગ મેલાઈ ગયો હોય તો છોરું કછોરું જાણી ખમ્મઈયા કરો મારા વ્હાલા.. એમની રક્ષા કરો.. વહુનો ચૂડી ચાંદલો અમર રાખજો.. મારા કુંટુંબને માથે મીઠો છાંયડો રાખજો.. તમે જ તો અમાર માવતર છો, અમને સૌને સાચી રાહ ચીંધો, મારા વ્હાલા.."

આમ્મા આવું બોલી રહ્યાં ને, સંધ્યા ટાંણાના આરતીના ઝાલર રણક્યા. અમ્માએ કાન્હાના ઓવારણાં લીધાં ને દશે આંગળીઓના ઝીણાં ઝીણાં ઝાલર સમા ટચાકા હેત બની ફૂટ્યાં.
દિક્ષા તો બસ આમ્માની શ્રધ્ધા અને આત્મવિશ્વાસ જોઈને મંત્રમુગ્ધ બનીને જોઈ જ રહી હતી..

પછી તો આરતી પતાવીને એ સૌ ત્યાંથી એરપોર્ટ જવા રવાના થયાં હતાં. અમ્માના મનમાં મહામૃત્યુંજય મંત્રના જાપ અને શ્રી કૃષ્ણ શરણં મંમઃ ના જાપ સતત ચાલુ હતાં. ક્યારેય પોતાના વતન બહાર પગ નહી કાઢેલાં આમ્માએ, આજે વિરાજ કાજે વિદેશ યાત્રાએ જવા પગરણ માંડ્યા હતાં. ઝગારા મારતું અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ જોઈને અમ્મા આશ્ચર્ય ચકિત થઈ ગયાં હતાં. હજું તો કેટલાયે આશ્ચર્યો જોવાનાં બાકી હતાં, આ માત્ર હજુ શરૂઆત હતી.

જાત જાતના માણસો, બેગો, અનેક પ્રકારના ચેકીંગ, બૉર્ડીગ પાસ, સિક્યોરિટી ચેક.. દરેક સિક્યોરિટીમાંથી પસાર થતાં થતાં છેવટે પ્લેનમાં બેઠા. પહેલીવાર પ્લેનમાં બેઠેલા અમ્મા માટે બધું નવું નવું હતું, છતાંયે એમને કોઈ દરકાર નહોતી. એમનો જીવ ફક્ત વિરાજ સાથે જ જોડાયેલો હતો. કાનમાં ઇયરફોન ભરાવીને કોઈ ટીવી જોતું હતું, તો કોઈ ગીતો સાંભળતું હતું, તો કોઈ વળી બ્લેન્કેટ ઓઢીને ઘસઘસાટ ઊંઘતા નસકોરા બોલાવતું હતું. આમ્માને તો ઊંઘવું કે વાતો કરવી કંઈ ગમતું નહોતું. એમને તો બસ પરાણે સમય પસાર કરી પહોંચવાની જ એક સુજ હતી.

જ્યાં ત્યાં સમય પસાર કરતા છેવટે અમેરિકાના માયામી એરપોર્ટ પર પહોંચ્યાં. પહોંચતાં જ દિક્ષાએ પહેલાં બંસરીને ફોન કરીને, લેવા આવવા માટે વ્યવસ્થા કરી દીધી હતી. ગ્રીન સિગ્નલ અને રેડ સિગ્નલ સિક્યોરિટી ચેક પતાવીને દિક્ષાએ અમ્માનું ઓનલાઈન વિઝા ફોર્મ ભરીને અમ્મા અને આયુષ-યેશા સાથે એ સહુ બહાર આવ્યા ત્યારે, બંસરી રાહ જોઈને જ ઊભી હતી. બંસરીએ, અમ્માને જય શ્રી કૃષ્ણ કરી કારમાં બેસાડ્યાં અને દિક્ષાને ગળે લગાડીને બંનેએ એકબીજાના ખબર અંતર પૂછ્યાં. બંસરી યેશાને જોઈને વ્હાલપનો ટોપલો વેરવા લાગી. એને તેડીને બહું બધું વ્હાલ કરવા લાગી હતી. એ પછી બધા કારમાં બેઠાં. દિક્ષાએ બંસરીને અમ્માનો પહેલાં ટ્રાવેલિંગનો થાક ઉતારવાનું જણાવીને ઘરે લઈ જવા કહ્યું.

ઘરે જવાની વાત સાંભળીને અમ્માએ દિક્ષાને વચ્ચેથી જ રોકતા કહ્યું કે,
"બંસરી બેટા ગાડીને પહેલાં હૉસ્પિટલ બાજુ વાળો.. જ્યાં સુધી વિરુને નહીં જોઉં ત્યાં સુધી મારા ચિત્તને સાતા નહીં વળે.!!"

રસ્તામાં કંઈ કેટલાયે વિચાર વાયુ કબજો જમાવીને બેસી ગયાં હતાં. માયામી શહેરના મોટાં મોટાં બિલ્ડિંગો, રસ્તાઓ અને બ્રિજોના જાળાઓ અમ્માના મનને હલાવી શકવા માટે અસમર્થ હતાં.

આ બધાં વિચાર દ્વંદ્વમાં ક્યારે હૉસ્પિટલ આવી ગઈ એ જ ખબર ન પડી. દિક્ષાએ બંસરીને આયુષ-યેશાને પોતાના ઘરે જ લઈ જવાનું કહીને, આમ્મા અને એ બંને હૉસ્પિટલ ઉતરી ગયાં હતાં. વિશાળકાય હૉસ્પિટલ, જુદા-જુદા વિભાગોમાં હૉસ્પિટલ આખે આખી ભરેલી છતાં પણ કોઈ નહોતું દેખાઈ રહ્યું !! સાવ સૂનકાર નિર્જન ભાસતું હતું ત્યાં. હૉસ્પિટલ જોઈને જ અમ્મા તો હેબતાઈ ગયાં હતાં.
'આ બધી ભૂલભૂલામણમાં મારો વિરુ ક્યાં હશે ? કોઈ ધ્યાન તો રાખતું હશે ને ? કે પડ્યો રહેતો હશે એકબાજુ!!?' આમ જાત જાતના વિચારો સાથે અમ્મા, દિક્ષાના લગોલગ, કંઈક અનેકગણી દ્રિધાઓ સાથે ચાલી રહ્યાં હતાં. અને વિરાજને જે વોર્ડમાં રાખ્યો હતો ત્યાં બંને પહોંચ્યાં. અમ્મા ધબકતાં હૈયે દરવાજે જ રોકાઈ ગયાં હતાં. દિક્ષા રૂમમાં પ્રવેશી અટકી ગઈ પાછળ ફરીને જોયું તો અમ્મા ઊભા રહી ગયા હતાં એણે હુંકાર ભર્યો.
"હમમ... અમ્મા આવો, અહીં છે વિરુ.."

પણ અમ્મા તો ત્યાં જ ખોડાઈ ગયાં હતાં. વિરાજને જોવે એ પહેલાં મન મસ્તિષ્કને મજબૂત રહેવા જાણે સક્ષમ કરી રહ્યાં હતાં. એમના ચહેરા પર બસ નરી પીડા જ પીડા ઉપસતી હતી. વિરાજને જોયા પહેલાં જ અમ્મા સ્તંભીત બની ગયાં હતાં.

જિંદગીમાં ક્યારેય એમનો આત્મવિશ્વાસ, એકવારયે થોડોકેય ડગ્યો નથી‌. પણ આજે એ ડગુમગુ થઈ ગયાં હતાં. કાઠું હ્રદય કરીને આમ્મા ધીમે પગલે અંદર દાખલ તો થયાં પણ પછી તો..
અમ્માના હાથપગ ઠરી ગયાં હતાં. માથું ચકરાવા લાગ્યું અને મગજ સુન્ન્ પડી ગયું હતું. અમ્મા ત્યાં જ ઢગલો થઈને ઢળી પડ્યાં હતાં.

અને હંમેશાં પડકારો ઝીલવાની અમ્માની પેલી અંદરથી વૃત્તિ સળવળી ઉઠી હતી. જીવનમાં ઘણી કાંટાળી કેડીઓ અને ઉબડખાબડ રસ્તા, ઉતાર-ચઢાવ આવ્યાં છે પણ હવેના દિવસો કાઢવાના કાઠા હતાં આમ્મા માટે..

અમ્માનો વિરાજ સાથે મિલાપ તો થયો પણ
વિરાજને જોઈને
અમ્મા શબવત્ થઈ ગયા હતાં..
પગ શબવત્ થઈ જાય પછી
શરીર પગલાં પાડવાની તાકાત ગુમાવી બેસે છે.. આંખ શબવત્ થઈ જાય પછી
આંખો સપનાં જોવાનું છોડી દે છે..
અવાજ શબવત્ થયા પછી
ગળે ડૂમો બાઝી જાય છે..

અમ્મા એમને પોતાને જ કહી રહ્યાં હતાં... 'ઢીલી પડીશ તો નહીં ચાલે, ચાલ ઉઠ !! ઉભી થા !! આજે તારા, મા તરીકેના અસ્તિત્વનો સવાલ છે.. એક પશુ પણ મા હશેને તો એ પણ જ્યાં સુધી પોતાના સંતાનના શરીરમાં પ્રાણ હશે ત્યાં સુધી એને બચાવવા ઝઝૂમે છે.. તો તું પણ એક મા જ છે ને !! ઢીલી પડીશ તો કેમનું ચાલશે !? હારી ગયે કેમ ચાલશે ?? આત્મવિશ્વાસ જ તારો આમ અંતરાય બનશે તો કેમ ચાલશે ?'

એમના અવળચંડા મન સામે એમણે જાતે જ બળવો પોકાર્યો હતો, એવું પણ કહી શકાય કે જાતે અંતરથી એમણે ચિત્કાર કર્યો કે, "કોની સામે તું હારી રહી છે ? મન સામે ? અત્યારે આવા સમય સંજોગો સામે હાર સ્વીકારીને, જો આજે એની સામે શરણાગતિ સ્વીકારી લઈશ તો કાયમ માટે આત્મવિશ્વાસ ખોઈ દઈશ..'
અને પછી તો આમ્માએ નક્કી કર્યું કે, 'હા.., મારા વિરુને બેઠો કરવો છે.. બેઠો કરવો જ રહ્યો.. હજું બાવડાંમાં એટલી જ તાકાત ભરી પડી છે અને હજુ આ આમ્મા સક્ષમ છે..'

મરતી ઝંખનાઓને કોઈ હાથ ઝાલનાર મળે ખરું?? પરંતુ અહીંતો ખરેખર આમ્માએ પોતાની જાતે જ પોતાનો હાથ પકડ્યો હતો.

'થોડા સમયમાં આ ડોક્ટર, દવાઓ, આરામ એ બધાને વિરુ સામે હારવું જ પડશે..'

આમ તો એનો જીવનસાથી કહેવાય એવો એનો ધબકતો શ્વાસ જ એનો દુશ્મન બની બેઠો હતો, એને મિત્ર બનાવવાની અઘરી કામગીરી નિભાવવાની હતી અમ્માને.

અમ્માનું દિલ જોર જોરથી આક્રંદ કરી રહ્યું હતું. બહુ જ પિડા થઈ રહી હતી. એમને એમ થતું કે, 'હું એવું શું કરું કે, મારો દિકરો પથારીમાંથી બેઠો થાય અને અમ્મા એવું બોલીને મને વળગી પડે !!'©

ક્રમશઃ વધુ આવતા પ્રકરણ 47 માં આમ્મા વિરાજને મળીને વધારે મક્કમ બની ગયાં હતાં અને વિરાજ તો જાણે વધારે ને વધારે મસ્તિષ્કની ઊંડી ને ઊંડી ખાઈમાં ધકેલાઈ રહ્યો હતો..

-આરતીસોની ©


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED