Koobo Sneh no - 3 books and stories free download online pdf in Gujarati

કૂબો સ્નેહનો - 3

?આરતીસોની?
પ્રકરણ 3

❣️કૂબો સ્નેહનો❣️

આપણે આગળ જોયું કે કંચનને બે બાળકોનો ઉછેર કરવા માટે પેટે પાટા બાંધીને પણ કામ કરવાનું નિર્ધારિત કર્યુ.. મણીકાકાની ભલામણથી જગદીશની જગ્યાએ સ્કૂલમાં નોકરી મળી ગઈ હતી અને મંદિરમાં થોડુંઘણું કામ કરી ઘરની ગાડી પટરી પર હાંકે રાખવા લાગી.. હવે આગળ..

મંદિરની આજુબાજુ પણ ખુલ્લી જગ્યા ઘણી હતી. એક બાજુ ગાયોનો તબેલો હતો. ત્યાં થોડી રૂમો પણ બાંધી હતી. રૂમોની આગળના ભાગે એક મોટા ચોગાન જેવું હતું. ત્યાં વિરાજ અને મંજરી રમ્યાં કરતાં. જ્યાં રોજ સાંજના વૃધ્ધો ભેગા મળીને સત્સંગ કરતાં..

સ્કૂલ છૂટે ત્યાં સુધી કંચનની હાજરી સ્કૂલમાં રહેતી. સ્કૂલના દરેક નાના-મોટા કામ એને સંભાળવાની જવાબદારી સોંપવામાં આવી હતી. કે જે જગદીશ સંભાળતો હતો. એ દરેક કામ પૂરી નિષ્ઠાથી અને દિલથી નિભાવતી. એજ સ્કૂલમાં વિરાજ ભણતો હતો, આખી સ્કૂલમાં શિક્ષકથી લઈને દરેક વિદ્યાર્થીઓમાં અને એમના વાલીઓમાં પણ વિરાજ સૌનો ખૂબ માનીતો ને ચાહિતો હતો. કેમકે એ બહુ પરગજુ છોકરો હતો અને ક્યારેય કોઈની સાથે એને વાદવિવાદ થતો જ નહીં, એ સહુથી હળીમળીને રહેતો. કંચનના સંસ્કાર એની રહેણીકરણીમાં નીતરતાં હતાં.

કંચનનો ભરાવદાર બાંધો ને, કપાળે મોટો ચાંદલો, વાળમાં અંબોડો, એની આકર્ષક મોટી આંખોમાંથી તેજ ઝરતું હતું.. ગર્જનીય પડછંદી અવાજ, ને નિષ્ઠાથી કામ કરવાની વૃત્તિને કારણે સૌમાં પ્રિય હતી. એનામાં કામ કરવા કરતાં સેવા ભાવના વધારે હતી. દરેક બાળકને ગહેરાઈથી પ્રેમનો છંટકાવ કરતી. એ બોલતી ત્યારે વાત્સલ્ય વરસાવતાં પ્રેમના ઝરણાં વહેતાં. એટલે દરેક વિદ્યાર્થીઓ અને નાના મોટા સૌ કંચનને “અમ્મા” કહેતાં.

કંચન કડક સ્વભાવની હતી, છતાંયે એ પાષાણમાં કુદરતી પ્રેમના ઝરણાં ક્યાંય અટકતાં નહિં! કંચન એક વાત્સલ્યની મૂર્તિ હતી. સ્થિતપ્રજ્ઞ તો હતી જ પરંતુ સ્થિતરક્ષક પણ હતી.!

હરિ સદનને અડીને રૂખી માનું મકાન.. એમના મોઢેં ક્યારેય ઉદાસીનતા દેખાતી જ નહિં. હંમેશા હસતાં ને હસતાં હોય. એમને કોઈ છોકરા છૈયાં નહીં, એટલે રૂખી મા વિરાજ પર વ્હાલપના ટોપલે ટોપલાં વરસાવી દેતાં. વિરાજને હંમેશા એમના હાથે ઘીગોળ ને ભાત ખવડાવતાં. વિરાજને પણ એમના હાથનો ઘીગોળ ને ભાત ન ખાય ત્યાં સુધી ચેન ન પડતું.

વિરાજ અને મંજરી પણ કંચનને અમ્મા જ કહેતાં. બાપુની ગેરહાજરીમાં હવે વિરાજ માનું બરાબર ધ્યાન રાખવા લાગ્યો હતો. વિરાજ અને મંજરી સવારે મંદિરથી લઈને સ્કૂલ છૂટે ત્યાં સુધી જોડે જ રહેતાં હતાં. વિરાજ ઘરે પણ થાય એટલી મદદ કરતો રહેતો અને મંદિરમાં સાંજની આરતી પતાવી મા-દીકરો-દીકરી ઘરે આવી હાશ કરતાં, અને વહેલી પરોઢે તો પાછાં નીકળી પડતાં.

કહેવત છે ને કે વિધાતાની ક્રૂર નજર પડે એનો કોઈનેય ક્યાં અણસાર આવતો હોય છે. કંચનના જીવનમાં તકદીરે કરવટ લઈ લીધી હતી. થોડીઘણી બચત હતી અને દર દાગીના હતાં એ જગદીશની બિમારી પાછળ ખર્ચાઈ ગયાં હતાં. એની બિચારીની ખાસ કોઈ આવક હતી નહીં, માંડ માંડ ઘરના બે છેડા ભેગા થતાં હતાં, પણ આમને આમ એમનું ગાડું હાંકતું રહેતું.

આમને આમ સમય વહેતો ગયો. આટલું જે કમાતાં એમાં એમને ત્રણેય માટે કાફી હતું. પણ ઘણી વખત પરિસ્થિતિ નાજુક થઈ પડતી. જેમ જેમ વિરાજ અને મંજરી મોટા થતાં જતાં હતાં ખર્ચા પણ વધતાં જતાં હતાં. કંચનને વાર તહેવારે મણીકાકા પાસેથી થોડી ઘણી આર્થિક મદદ પણ લેવી પડતી હતી. એ મદદ પણ કરતાં પરંતુ પગાર હાથમાં આવતાં જ કંચન પાછા પણ દઈ દેતી.

હવે વિરાજનો પ્રાથમિક સ્કૂલ કાળ પુરો થવા આવ્યો હતો, મંજરી પણ દસ પૂરાં કરી અગિયારમાં વર્ષે પ્રવેશી હતી.

વિરાજને પણ આગળ હજુ ભણવું હતું, માસ્ટર ડિગ્રી મેળવવા શહેરમાં જવું જરૂરી હતું. એક દિવસ મંદિરમાંથી કામ પતાવી ઘરે આવ્યા પછી વિરાજ કહે, “હાઈસ્કૂલ અને કૉલેજ પણ મારે કરવી છે અમ્મા.. આ દસમાની પરીક્ષામાં સારા ટકા આવે તો શહેરમાં મોકલીશ ને મને?”

વિરાજ ભણવામાં હોશિયાર હતો. ક્લાસમાં કાયમ અવ્વલ નંબર લાવતો હતો. કંચને માથું હલાવી એ વખતે તો હા ભણી દીધી હતી. પણ પછી તેને થયું હતું કે, ‘મિ આજે વિરુન શ્હેરમો ભણવા જવાની હા તો પાડી દીધી પણ ચ્યોયથી ભણવા જવા માટની રકમ એકઠી નઈ થઈ હકે મારાથી, તો એનો મનખો એળે જાહે. ગજા બહારનું પામવા હારું, હેં.. કાન્હા મારા પુરુષાર્થનો પનો કદીક સેટો ન પડે!' કોશેટો માફક ચિંતિત એક ગર્ભિત મુંઝારો કંચનના મન પર વિંટળાઈ પડ્યો.©

ક્રમશઃ વધુ આવતા પ્રકરણમાં.. કંચન હવે વિરાજને આગળ શહેરમાં ભણવા જવા માટેની રકમ ક્યાંથી એકઠી કરશે!!?

-આરતીસોની ©

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED